નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: ભારતના એકમાત્ર એવા પત્રકાર કે, જેમણે વિશ્વ પ્રસિદ્ધ મેગ્સેસે સન્માન પ્રાપ્ત કર્યું છે. તેમણે બુધવારે NDTV ન્યૂઝ ચેનલમાંથી રાજીનામુ આપ્યું છે. જેનાથી ભારતીય પત્રકારત્વ જગતમાં ચર્ચાનો એક નવો વિષય શરૂ થઈ ગયો છે.
હિન્દી પત્રકારત્વમાં પોતાના જ્ઞાન અને આગવી સમજથી એક અલગ જ ઓળખ પ્રસ્થાપિત કરનારા NDTVના પ્રાઇમ ટાઈમ એન્કર રવીશ કુમારે બુધવારે NDTVમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓએ એક ફિલ્ડ રિપોર્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને હાલ તેઓ NDTVના એડિટર પદે હતા. થોડા સમય પહેલા જ NDTVના શેર ખરીદીને NDTV અદાણી ગ્રૂપ હસ્તક થઈ ગયું હોવાની ચર્ચા છે. જેને પગલે NDTVના સંસ્થાપક ડૉ. પ્રણવ રોય અને રાધિકા રોયે NDTVની કમાન અદાણી ગ્રૂપને સોંપી દીધી હતી. જેનો સીધો અર્થ એવો થાય કે, હવે રવીશ કુમારે અદાણી ગ્રૂપ કહે એમ પત્રકારત્વ કરવું પડે. માટે જ રવીશ કુમારે રાજીનામુ આપ્યું હોવાની પણ લોકોમાં ચર્ચા છે.
રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઈમ વિથ રવીશ કુમાર આવા અનેક શો અને પોતાના કામ દ્વારા લોકપ્રિય બનનારા રવીશ કુમારે તો રાજીનામુ આપી દીધું છે. પણ હવે જોવાનું એ રહ્યું કે, NDTVમાં ‘કોર્પોરેટ કલ્ચર’ના પગપેસારા બાદ કેટલા રાજીનામાં પડે છે અને આગળ શું થાય છે.
સરકાર કે તંત્રની પરવા કર્યા વિના કાયમ લોકોનો અવાજ બનનારા રવીશ કુમારે તો થોડા દિવસ પહેલા જ એક ખાનગી કાર્યક્રમમાં જાહેર કર્યું હતું કે, હું મારી યુટ્યૂબ ચેનલ શરૂ કરું છું. જે ચેનલ Ravish Kumar Official નામે હાલ ચાલુ છે. જેનાથી તેઓ તેમના ફોલોઅર્સ સાથે જોડાયેલા રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796