નવજીવન ન્યૂઝ. રાજકોટ: રખડતા પશુઓના ત્રાસની સમસ્યા વર્ષોથી યથાવત છે, ત્યારે રાજ્ય સરકારે કાયદો બનાવી સમાધાન શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચૂંટણી પહેલા જ માલધારી સમાજના વિરોધ પ્રદર્શન અને રોષ જોઈ સરકારે આ કામ પડતું મુક્યું હતું. ત્યારે હવે રાજકોટ શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડી લોકોને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા પ્રયાસ કર્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે પશુ પાલકો માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ શહેરના પશુ પાલકોએ પોતાના પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવવાનું રહેશે. ઉપરાંત પશુના વેચાણ, ગીરો, બક્ષિસ કે વારસાઈ રૂપે પણ જો માલીકી હક્ક બદલાઈ તો તેની જાણ મહાનગરપાલિકાને કરવાની રહેશે. સાથે જ પશુના મરણની પણ જાણકારી મહાનગરપાલિકાને આપવી પડશે.
રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, રાજકોટના પશુ પાલકોને દિવસ 60માં પોતાની માલિકીના તમામ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાથે જ પાલિકા દ્વારા લગાવવામાં આવતા ટેગિંગ પણ કરાવી લેવાનું રહેશે. આ પ્રકારે રજીસ્ટ્રેશન અને ટેગિંગ વગરના પશુઓને મહાનગરપાલીકા દ્વારા એનિમલ હોસ્ટેલમાં મોકલી આપવામાં આવશે.

મહત્વની વાત છે કે, ગુજરાતમાં રખડતાં ઢોરના ત્રાસને કારણે રસ્તા પર પસાર થતા પર જોખમ સર્જાતા રહ્યાં છે. કેટલાક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને ઈજ્જાગ્રસ્ત પણ થયા છે. આ મામલે સરકારે અને તંત્રએ ત્યારે ગંભીરતા દાખવી હતી જ્યારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે આકરું વલણ દાખવ્યું હતું. ત્યારે પશુઓના ટેગિંગ અને રજીસ્ટ્રેશન મામલે રાજકોટ પોલીસ કમિશનરના આ પગલાને શહેરીજનો વધાવી રહ્યાં છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796