તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ શહેર ‘રંગીલું રાજકોટ’ તરીકે એક આગવી ઓળખ ધરાવે છે. રાજ્યના મોટાભાગના લોકો રાજકોટની રાત્રીની ખાણીપીણી મોજથી વાકેફ છે. પરંતુ રાજકોટ શહેર પોલીસે ગઈકાલે ગુરુવાર રાત્રીના સમયે લારી-ગલ્લા બંધ કરાવી હવેથી 12 વાગ્યા સુધીમાં ધંધા બંધ કરી દેવા જણાવ્યું હતું. પરંતુ આવું કરવા પાછળ શું કારણ હોય તે પોલીસ જ જણાવી શકે છે.
આ ઘટના પરથી રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પત્રકારો સાથે થયેલી શુભેચ્છા મુલાકાતની એક વાત આવે છે. જેમાં રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, પોલીસ જો આવતીકાલથી રાત્રે 12 વાગે દુકાનો અને ધંધા બંધ કરાવવા લાગશે તો પ્રેસ શું લખશે ? પ્રત્યુતર પણ કમિશનરે જ આપ્યો હતો કે પ્રેસ લખશે, ‘રંગીલા રાજકોટના રંગમાં ભંગ’ વિગેરે જેવી બુમરાણ મચી જશે.
પરંતુ હવે ગઈકાલે જ પોલીસ દ્વારા શહેરમાં રાત્રીના 12 વાગ્યા પહેલા લારી-ગલ્લાનાં ધંધા બંધ કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે સ્થાનિકોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. શક્ય છે કે પોલીસે શાંતિ અને ગુનાખોરીને ડામવા માટે આ નિર્ણય કરવો પડ્યો હોય. પણ ખરેખર ગુનાખોરી ડામવા અને શાંતિ સ્થાપવાનો આ માર્ગ કેટલો સાચો ? એ સવાલ પ્રજાને મૂંઝવી રહ્યો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય પોલીસનું હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજીક તત્વો કે ગુના આચરનાર ઉપર કાયદાનો કોરડો વીંઝવાનો હોય. પણ અહીં તો નિર્દોષ નાગરિકો અને વેપારીઓ પર કોરડો વીંઝવામાં આવતો હોય તેવો ઘાટ સર્જાયો છે. નાગરિકો દિવસે કે રાત્રે સુરક્ષિત રીતે હરીફરી શકે આનંદમયી જીવન જીવી શકે તેવું પોલીસિંગ કરવાનું હોય નહીં કે બજારો બંધ કરાવી શાંતિ મેળવી લેવી. રાજકોટમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ધોળા દીવસે લૂંટ, અપરહરણ અને હત્યા સહિતના ગુના નોંધાય છે તેનાથી સૌ કોઈ વાકેફ છે.
લોકોમાં તો એવી પણ ચર્ચા છે કે, સોનીની દુકાનમાં લૂંટ થાય તો પોલીસ દુકાનો જ બંધ કરાવી દેશે કે લૂંટારાને ઝડપી આગળ આવો બનાવ ન બને તે સુનિશ્ચિત કરશે ?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.