ઓપેક દેશો જે કાઇ ઉત્પાદન ઘટાડશે તેને અન્ય દેશો સરભર કરવાનો પ્રયાસ કરશે
ખેલાડીઓએ હાજર અને વાયદા વચ્ચે સીધા બદલાનો ગાળિયો સાંકડો કરી નાખ્યો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ૨૩ ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશના બનેલા ઓપેક પ્લસ (OPEC) સંગઠને રવિવારે વર્તમાન ક્રૂડ ઓઇલ (Crude Oil) ઉત્પાદન કરાર ૨૦૨૫ સુધી લંબાવવા સહમત થયા હતા. ક્રૂડ ઓઇલના ઘટતા ભાવને સ્થિર કરવાના આશયથી ઓપેક દેશો આગામી વર્ષ સુધી દૈનિક ૩૯૭.૨૫ લાખ બેરલનું ઉત્પાદન કરશે. ઓપેકએ આ વર્ષે કેટલાંક બેરલ ક્રૂડ બજારમાં પાછા મોકલવાની યોજના દાખવતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. અલબત્ત, વર્તમાન ઉત્પાદન કાપ દૈનિક ૫૮.૬ લાખ બેરલ એટલે જાગતિક માંગનો ૫.૭ ટકા જેટલો હિસ્સો થવા જાય છે.
ચીનની માંગ નબળીપડી રહી છે અને ઓપેક દેશો જે કાઇ ઉત્પાદન ઘટાડશે તેને અન્ય દેશો સરભર કરવાનો પ્રયાસ કરશે, એવા અનુમાન પર મંગળવારે સતત પાંચમા સત્રમાં બ્રેન્ટ ક્રૂડ જુલાઇ વાયદો ૮૧ ડોલર નીચે જઈ પ્રતિ બેરલ ૭૭.૨૫ ડોલર અને ડબલ્યુટીઆઈ ૭૨.૯૭ ડોલર બોલાયો હતો. આ બધી ઘટના વચ્ચે ખેલાડીઓએ હાજર અને વાયદા વચ્ચે સીધા બદલાનો ગાળિયો સાંકડો કરી નાખ્યો હતો. સાથે જ મની મેનેજરોએ પણ વધતાં ભાવે પોતાના ઓળીયા ઘટાડવા શરૂ કર્યા હતા.
ઓપેકની સપ્તાહાંત મિટિંગ પછી તરતજ સાઉદી અરેબિયાના ઊર્જા પ્રધાને કહ્યું હતું કે પૂર્ણ ઉત્પાદન કાપ ત્રીજા ત્રિમાસિકમાં ચાલુ રહેશે, ત્યાર પછીના ૧૨ મહિનાના સમયમાં તબક્કાવાર તેમાં હળવાસ લાવવાનું વિચારાશે. ઓપેકનું માનવું છે કે, ઓપેક બહારના ઉત્પાદક દેશોમાં પુરવઠા વૃધ્ધિ સામે દૈનિક માંગ વૃધ્ધિ ૨૨ લાખ બેરલ થવાની છે, આમ ૨૦૨૪માં માંગ પુરવઠા વચ્ચેનો ગાળો દૈનિક ૧૦ લાખ બેરલ રહી જવાની ધારણા છે. ઓપેકના મેની પત્રિકાના માસિક માર્કેટ રિપોર્ટમાં કહેવાયું હતું કે, આનો અર્થ એ થાય કે ઓપેક પ્લસ દેશો પાસે દૈનિક માંગ ૯ લાખ બેરલ રહેશે, જે ૨૦૨૩ કરતાં વધુ હશે.
ગતવર્ષે અમેરિકન ક્રૂડ ઓઇલ ઉત્પાદન આશ્ચર્યજનક રીતે વધુ થયું હતું. અમેરિકન સરકારે, ૨૦૨૩ના આરંભમાં કાચા અનુમાન પ્રમાણે ઉત્પાદન ૪ લાખ બેરલ વધુ રહેશે એમ કહ્યું હતું. પણ વાસ્તવિક રીતે દૈનિક ઉત્પાદન ૧૦ લાખ બેરલ કરતાં વધુ વધીને ૧૨૯.૩ લાખ બેરલ થયું હતું. ઓઇલ પ્રોડકટોની બજારમાં પણ નરમાઈ પ્રવાહિત થઈ છે. ડીઝલ જેવી પ્રોડકટોનો નફો તો નકારાત્મકતા દાખવે છે. માળખાગત ફંડામેન્ટલ્સ જોઈએ તો મધ્યપૂર્વના દેશોમાં નવી રિફાઇનરીઓ ઉત્પાદન પ્રક્રિયામાં જઈ રહી છે, એ જોતાં પણ ભાવને નીચે જવામાં મદદરૂપ થશે.
અમેરિકન ડ્રીલરો ઉત્પાદન વધારવા માટે વધુને વધુ મૂડી ઠાલવી રહ્યા છે. ૨૦૨૪માં જગતના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક અમેરિકાનો આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે, તેથી જો ઓપેક દેશો ઉત્પાદનમાં કાપ મૂકે અને બજારમાં પુરવઠો ઘટે તો પણ ભાવની નબળાઇ જળવાઈ રહેવાની. અમેરિકાન સરકારના તાજા અંદાજો કહે છે કે યુએસમાં દૈનિક ૨.૭૦ લાખ બેરલ ક્રૂડ સપ્લાયનો વધારો થશે, ઓપેકએ આ આંકડો દૈનિક ૩ લાખ બેરલનો મૂક્યો છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઇએ)ની ધારણા મુજબ અમેરિકામાં દૈનિક ૬.૪ લાખ બેરલ ઉત્પાદન વૃધ્ધિ થશે. ઉક્ત ત્રણે એજન્સીના આંકડાની આગાહીને બારીકાઈથી જોવામાં આવી રહ્યા છે. આઈઇએ માને છે કે જાગતિક માંગ વૃધ્ધિ ખૂબ ઓછી દૈનિક ૧૧ લાખ બેરલ સંભવિત છે, જે ઓપેક માંગ ધારણા આસપાસ છે. સર્વાંગી અમેરિકન ક્રૂડ ઓઇલ ઉત્પાદન આ વર્ષે થોડું જ વધ્યું છે. ડિસેમ્બરમાં અમેરિકન ક્રૂડ ઓઈલ ઉત્પાદન દૈનિક ૧૩૨.૬ લાખ બેરલ હતું તે એપ્રિલમાં ઘટીને ૧૩૧.૩ લાખ બેરલ દૈનિક થયું હતું.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796