કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇઝરાયલ-ફિલિસ્તીનના યુદ્ધમાં સૌથી જોખમી જગ્યા અત્યારે ગાઝા સ્ટ્રીપ છે, જ્યાં હમાસનું શાસન છે. હમાસ રાજકીય અને સૈન્ય જૂથ છે, પરંતુ હમાસ અનેક આંતકવાદી હૂમલામાં સામેલ થયું છે, તેથી પશ્ચિમના દેશો તેને આંતકવાદી સંગઠનથી જ ઓળખાવે છે. ઇઝરાયલ-ફિલિસ્તીનીની લડાઈ છેલ્લા આઠ દાયકાથી ચાલી રહી છે અને હજુ તેનું કોઈ સમાધાન દેખાતું નથી. આ લડાઈમાં ગાઝા સ્ટ્રીપ (Gaza Strip) કે ગાઝા પટ્ટીથી ઓળખાતો વિસ્તાર લાંબા સમયથી યુદ્ધ ઓથાર હેઠળ છે અને તેથી અહીંયા વિશ્વભરની મીડિયા મોજૂદ છે. ઘણાં ફોટોગ્રાફરો પણ અહીંયા લાંબા સમય સુધી રહીને ફોટોગ્રાફી કરી રહ્યાં છે. તેમાંથી કેટલાંક સ્થાનિક પણ છે.

વોર ઝોનમાંથી જે કોઈ ફૂટેજ કે તસવીર આવી રહી છે તેમાં સૌથી મહત્ત્વનું કાર્ય મીડિયાકર્મીઓનું છે. હાલમાં ઇઝરાયલના હૂમલામાં 9 પત્રકારોનું અવસાન થયું છે. ‘વફા’ નામના મીડિયામાં કાર્ય કરતાં સઇદ અલ તવીલ અને મોહમ્મદ સોબીહ જ્યારે ઓફિસમાં કામ કરતાં હતા, ત્યારે જ હૂમલો થયો અને તેમનું અવસાન થયું. આ ઉપરાંત, ફિલિસ્તીનના પત્રકાર મોહમ્મદ જારઘોન અને ફોટોગ્રાફર ઇબ્રાહિમ મોહમ્મદોનો પણ કોઈ અત્તોપત્તો નથી. ‘કમિટિ ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ’ નામની સંસ્થાએ સાચવેલી વિગત મુજબ 2001થી ઇઝરાયલ-ફિલિસ્તીની સંઘર્ષમાં 25 જેટલાં પત્રકારો અને ફોટોગ્રાફરોએ જાન ગુમાવી છે. આ વિગત મુજબ ગાઝા સ્ટ્રીપ જ મીડિયાકર્મી માટે સૌથી જોખમી સાબિત થઈ છે.

ગાઝામાં ફોટોગ્રાફર તરીકે વર્ષોથી કાર્યરત વિસામ નાસીર છે. આજે વિસામ નાસીરના ફોટોગ્રાફ્સ આંતરરાષ્ટ્રિય મીડિયામાં ચમકી રહ્યા છે. અનેક દેશોમાં તેમના ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ થયું છે. વિસામ નાસીર પરિવાર સાથે ગાઝામાં નિર્વાસિત જીવન વિતાવતો હતો. કોલેજકાળથી તેને ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષણ થવા માંડ્યું. અને પછી 2008, 2012 અને 2014માં થયેલાં ઇઝરાયલ-ફિલિસ્તીની સંઘર્ષની તેણે ફોટોગ્રાફી કરી. વિસામ ફિલિસ્તીની હોવા છતાં તેનો દાવો છે કે તેણે ક્યારેય હમાસ કે એક અન્ય ફિલિસ્તીની સંગઠન ફતહની તરફી ફોટોગ્રાફી કરી નથી. ફોટોજર્નાલિસ્ટ તરીકેનો ઉદ્દેશ્ય વિસામે સર્વોપરી રાખ્યો છે અને એટલે જ વિસામની ફોટોગ્રાફીની અનેક વખત ટીકા કરવામાં હમાસ પણ રહ્યું છે. ઘણીવાર યુદ્ધમાં એવી સ્થિતિ ઊભી થાય જ્યારે વિસામની એક ક્લિક રાજકીય પક્ષ કે આંતકવાદી સંગઠન માટે પ્રોપગેન્ડાનું કામ કરે, ત્યારે વિસામે ખાસ ધ્યાન રાખે કે તે ક્લિક ન કરે. આ સ્થિતિમાં તે સતત એવું અનુભવે છે કે જીવન કટોકટીના પળોમાંથી પસાર થતું રહે છે અને તેમાં હંમેશા સ્વતંત્ર રહેવું અને દબાણ ન અનુભવવું તે અશક્ય છે. તે લોકો સાથે હંમેશા એક સંબંધ બનાવી રાખે છે. જોકે તેણે એક પણ ઇઝરાયલી મિત્ર બનાવ્યો નથી, કારણ કે હમાસ આ વાતને જરાય બર્દાશ્ત કરી ન શકે. વિસામ કહે છે કે, “હું ક્યાંય અન્ય દેશમાં ફોટોગ્રાફી માટે જઈ શકતો નથી, કારણ કે ઇઝરાયલ મને મંજૂરી નથી આપતું. વિશ્વના અન્ય ભાગ જોવા જરૂરી છે, જેથી મારું વિઝન વ્યાપક બને. પરંતુ અત્યારે તો હું આશાવાદી રહીને ગાઝા સ્ટ્રીપ પર કાર્યરત છું.”

વાસિમની પત્ની ઇજિપ્તિયન છે અને તેનો પરિવાર હાલ ઇજિપ્તમાં વસે છે. પરંતુ કામ અર્થે તે ગાઝામાં રહે છે. તે કહે છે : “હું સુરક્ષિત જગ્યાએ જઈ શકું છું. હું ઇચ્છું છું કે મારો દીકરો ઇજિપ્તમાં બ્રિટિશ સ્કૂલમાં ભણે અને સુરક્ષિત જીવન જીવે. ગાઝામાં રહેતી વેળાએ મારો દીકરો અનેક વખત પૂછતો કે,‘અહીંયા કેમ અવારનવાર વીજળી જતી રહે છે? આપણે ઇજિપ્ત ક્યારે જઈશું, જેથી હું ટીવી જોઈ શકું.’ હું નથી ઇચ્છતો કે મારો દીકરો આવી વિપરિત સ્થિતમાં રહે. હું ગાઝાના પ્રેમમાં છું. પણ ઘણીવાર નિરાશા અનુભવું છું. હું અહીંનું જીવન ફોટોગ્રાફીની દૃષ્ટિએ જોવા ટેવાયેલો છું. એકદમ જોખમી સ્થિતિમાં પણ હું અહીંયા રહું છું, કારણ કે મારી તે જોબ છે. પરંતુ જ્યારે હું ગાઝા છોડીશ ત્યારે હું ફોટોજર્નાલિસ્ટ ફિલ્ડમાં પણ ન રહું.”

ફિલિસ્તીનના આવાં એક બીજા ફોટોગ્રાફરનું નામ છે અશરફ આમરા. તેમની તસવીરો પણ દુનિયાભરના પ્રતિષ્ઠિત મીડિયામાં પ્રકાશિત થઈ છે. ફોટોજર્નાલિઝમ વિશે અશરફનું માનવું છે કે, “આ એવું માધ્યમ છે જે મજબૂત સંદેશ પાઠવી શકે છે. અહીંના લોકોની સમસ્યા વિશ્વ સમક્ષ તસવીર દ્વારા સારી રીતે મૂકી શકાય છે અને તેનાથી સંભવત કોઈ ઉકેલ પણ નીકળી આવે.” અશરફ ઇન્ટરવ્યૂમાં ઝાઝું બોલતા નથી, પણ તેમની તસવીર બોલકી છે અને તેમણે ગાઝાના જીવનને દસ્તાવેજિત કર્યું છે. યુદ્ધના માહોલ વચ્ચે અને યુદ્ધમાં બધું ગુમાવ્યા પછી પણ ગાઝા કેટલું ધબકતું રહે છે તે અશરફની તસવીરમાં જોઈ શકાય છે.

જર્મન ફોટોગ્રાફર ઓલિવર વેઇકિન ગાઝા પટ્ટી પર વર્ષોથી ફોટોગ્રાફી એસાઇમેન્ટ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનો એક ફોટો WORLDPHOTO.ORG પર મૂકાયો છે. આ ફોટોગ્રાફ જોઈને જ ગાઝા સ્ટ્રીપની સ્થિતિ કેટલી ભયાનક છે તે જોઈ શકાય. ચાર બાઈક ચાલકો બંદૂક સાથે એક મૃત નગ્ન શરીરને બાઈક સાથે બાંધીને ઘસડી રહ્યા છે. બદલો લઈ ચૂક્યાની ઊજવણી કરતા આ બાઈક ચાલકોનો ફોટો પાડવો અને પ્રદર્શિત કરવો તે મસમોટું જોખમ છે, પણ ઓલિવર આવાં જોખમો અવારનવાર લે છે. 2012માં થયેલાં યુદ્ધમાં જ્યારે ગાઝા જવાનું થયું તે વિશે ઓલિવર કહે છે કે, “ગાઝામાં ઘણી વાર કામ કરતી વેળાએ ફોટોગ્રાફરો કેમેરા એક બે મિનિટ માટે નીચે મૂકીને માત્ર વિશાનને જોતા રહે છે.” ઓલિવર જે કહેવા માંગે છે તેનો અર્થ એટલો કે ગાઝામાં ઘણી વાર એવી સ્થિતિ જન્મે છે જ્યારે કેમેરા લઈને શૂટ કરી શકાય તેવાં સંજોગો હોતા નથી. ઓલિવર પોતાની જાતને ડોક્યુમેન્ટેરીયન તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે દુનિયામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં લોકો જીવે છે અને મરે છે. અને ત્યાં કોઈ એવું વ્યક્તિ હોવો જોઈએ કે જે આ જીવનચક્રમને ડોક્યુમેન્ટ કરે. તેઓ છેલ્લે એવો આશાવાદ વ્યક્ત કરે છે કે, “મને લાગે છે કે ક્યારેક તો આનો અંત આવશે, પરંતુ હું વિચારતો હતો તેના કરતો આ યુદ્ધને લાંબો સમય થઈ ચૂક્યો છે.”

ઇઝરાયલ-ફિલિસ્તીન દાયકાઓથી એકબીજાને રહેંસી રહ્યા છે. હવે આ સ્થિતિ એટલી બેકાબૂ બની છે કે ઇઝરાયલ એડવાન્સ ટેક્નોલોજી અને અમેરિકા જેવી દેશોની મદદથી પણ તેનું સમાધાન લાવી શકતું નથી. ફિલિસ્તીની આઝાદી માટે અને પોતાની ગુમાવેલી જમીન માટે લડી રહ્યા છે જ્યારે ઇઝરાયલી પોતાનાં અસ્તિત્વ માટે. ઇઝરાયલના આ સ્થિતિને અમેરિકાના ફોટોગ્રાફર એન્ડ્રુ બર્ટન પણ કેપ્ચર કરી રહ્યા છે. તેઓ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા માટે જાણીતાં છે. તેમનું માનવું છું કે ઇઝરાયલ-ફિલિસ્તીની વચ્ચેના સંઘર્ષને કેમેરામાં કેદ કરવો ખૂબ પડકારજનક છે. ઘણી વાર તેમની સાથે ઇઝરાયલનું સૈન્ય પણ હોય છે ત્યારે તેઓ એન્ડ્રુને જણાવે છે કે અહીંયા તસવીર ન લો. હું એવી તસવીર લેવાનો પ્રયાસ કરું છું જે સ્ટોરી બયાન કરે. તેઓ ફોટોગ્રાફી કરતાં નથી, ત્યારે તેઓ ઇઝરાયલીઓના જીવનનું નિરીક્ષણ કરે છે. તેમણે અત્યાર સુધી જે ઇઝરાયલમાં જોયું છે તેની વાત રજૂ કરતાં કહે છે કે, “હું એવાં ઘણાં ઇઝરાયલીઓને મળ્યો જે પોતાના દેશનાં સુરક્ષા માટે મરવા તૈયાર હોય. ઘણાં ઇઝરાયલીઓ તેમના કાર પર પોતાનો રાષ્ટ્રધ્વજ રાખે છે. ઘણાં એવા પણ ઇઝરાયલીઓને હું મળ્યો છું જે તેમની સરકારની એક્શન સાથે સંમત નથી. તેઓ ઇચ્છે છે કે શાંતિથી સમાધાન લાવી શકાય. બીજું કે અમેરિકામાં ઓછાં લોકો સૈન્ય સાથે જોડાયેલા છે. જ્યારે અહીંયા ઇઝરાયલમાં મહંદશે દરેક નાગરીકે સૈન્યમાં પોતાની સેવા આપવાની હોય છે. એટલે અહીંયા સૈન્ય અને નાગરીકો વચ્ચેનું તાલમેલ ગજબનું જોવા મળે છે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796