Thursday, April 24, 2025
HomeGujaratબોલો, કોનું કામ છે? કહેતા કી-હોલમાં ડોકાતા પાડોશીઓ અકળામણની ફોજમાં ભરતી થઈ...

બોલો, કોનું કામ છે? કહેતા કી-હોલમાં ડોકાતા પાડોશીઓ અકળામણની ફોજમાં ભરતી થઈ રહ્યા છે.

- Advertisement -

ગામડાં ગામમાં અને નાનાં શહેરોમાં સર્વ સામાન્ય કહી શકાય એવા અમુક દૃશ્યો અને ઘટનાઓ એટલે કે બે પાડોશીની આપસમાં ફાટાફાટ. એક મા જણ્યા બે ભાઈઓ હોય એટલી મીઠાશ અને હૂંફ. વારેતહેવારે પરિવાર સહિત ચોવીસ કલાકની પૂરેપૂરી હાજરી. જો કે દરેક વખતે ફાટાફાટ હોય એવું જરૂરી નથી કેટલાક પાડોશીઓ એટલા કંકાસિયા હોય છે કે, એની આસપાસ રહેનારા લોકો સાક્ષાત નર્કનો અનુભવ કરતા હોય છે. પણ આજે આપણે વાત કરવી છે દૂધમાં સાકરની જેમ ભળી જતાં પાડોશીઓની. આ પાડોશીઓ મા જણ્યા ન હોય કે સાત પેઢીએ કુટુંબ ન થતા હોય અરે એક જ્ઞાતિ કે ધર્મના ન હોય તો પણ એક સથવારો હોય છે, આંખની મીઠી શરમ હોય છે, એક હાશકારો હોય છે અને હૈયે એવી ધરપત રહે છે કે, કોઈક તો છે.

કોઈ એકના ઘરે સરસ રસોઈ બની હોય, કંઈક નવું વિશિષ્ટ રંધાયું હોય તો તાંસળી ભરીને પાડોશીના ઘરે આપવાનું જ. એ વણલખ્યો અને વણકહ્યો ધર્મ. ઘરમાં અચાનક મહેમાન આવી ગયા અને ચા, ખાંડ, દૂધ કે અન્ય વસ્તુની તાતી જરૂરિયાત ઊભી થઈ તો લોકો પહેલી વાટ દુકાનની નહીં પકડે પણ પાડોશીના ઘરનો દરવાજો ખખડાવશે. એના માટે બહુ સુંદર શબ્દ પ્રયોજાય છે ‘વાટકી વ્યવહાર’. એવો જ એક બીજો શબ્દ છે ‘ટેકો’. ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે કુટુંબ તરફથી કોઈ હોંકારો આવે ન આવે, સૌથી પહેલા પાડોશીનો હુંફાળો હાથ ખભા પર મુકાઈ જાય અને કાન પાસે ધીરેથી એક વાક્ય કહેશે કે, “સાંભળો, પ્રસંગવાળું ઘર છે, પૈસે ટકે કાંઈ જરૂર હોય તો મુંઝાતા નહીં. મને ખબર છે કે તમે બધી વ્યવસ્થા કરી જ રાખી છે, પણ આ તો શું પાડોશીઓનેય એમ તો ગમે જ ને કે અમારો ટેકો હોય. એમ.” બીજો હજું એક શબ્દ છે, ‘આંખની શરમ’. ઘરમાં કંઈ ખોટું થઈ રહ્યું હોય અથવા કુટુંબ સમાજના કોઈ ખોટા કામને પ્રોત્સાહન આપવાનું હોય ત્યારે એક વાક્ય સંભળાય કે, “બીજા કોઈનો વિચાર કરો ન કરો પણ પાડોશીની આંખની શરમ તો ભરો, શું વિચારશે એ?” નાનકડાં ઘરમાં એકસાથે ઘણા બધા મહેમાનો આવી જાય, ગોદડા અને ખાટલાની તાતી જરૂરિયાત ઊભી થાય ત્યારે પાડોશીઓ જ પોતાના ખાટલા હસતાં મોઢે આપી દેતા હોય છે અને કહેતા જાય કે, “અમારા ઘરને તમારું ઘર જ સમજજો.” આવા હુંફાળા હોંકારા અને મીઠા ઠપકા, ભલામણ ને ટેકામાં ભલભલાના ઘરના નાના મોટા અનેક પ્રસંગ ઉકેલાઈ જાય છે. અરે ત્યાં સુધી કે, વારે તહેવારે પ્રસંગોચિત આખા ઘરને બહારગામ જવાનું હોય ત્યારે ગામડાઓમાં તો ચાવી પણ પાડોશીઓને સોંપીને લોકો બહારગામ જતા હોય છે. ઘરથી દૂર હોવા છતાં એ લોકો રિલેક્સ હોય છે કે, એમનું ઘર એમના પાડોશીઓની દેખરેખ નીચે સચવાયેલું છે. નાનપણમાં એવા અનેક પ્રસંગો જોયેલા છે કે, ભાઈ વગરની બહેન અને બહેન વગરના ભાઈના સંબંધો પણ આડોશ પાડોશના મીઠા વ્યવહારમાં સચવાઈ જતા હોય છે. માબાપને ગુમાવનાર દીકરીના લગ્નમાં કન્યાદાન પાડોશીઓએ કર્યું હોય, પહેલું સંતાન પરણતું હોય અને મામેરું લાવનાર પિયરમાંથી કોઈ ન હોય ત્યારે પાડોશીઓ હોંશે હોંશે મામેરું લાવે, સ્મશાનમાં અગ્નિદાહ આપનાર કોઈ વારસ ન હોય ત્યારે પાડોશીઓના સંતાન અગ્નિદાહ આપે અને મરનાર પાછળની બધી વિધિ પૂરી કરે એવા તો અનેક કિસ્સા સાંભળ્યા છે અને જોયા છે. ઘરમાં કંકાસ થયો હોય તો એ ઝઘડાના અવાજ સાંભળીને દોડીને આવનાર પહેલો જણ પાડોશી હોય છે. ગામડાં ગામમાં એવા ઘણા પ્રસંગ જોયા છે કે, બે પરિવારને બહુ જ બનતું હોય અને આપણે તપાસ કરતા પૂછીએ કે તમે લોકો એક કુટુંબ થાઓ? ત્યારે હસીને સામો જવાબ મળે કે ના, અમે લોકો કુટુંબ તો નથી પણ એથી વિશેષ અમે પાડોશી છીએ.

- Advertisement -

ઘરથી દૂર વસી ગયેલાં બાળકો પણ ગામડાં ગામના પાડોશી ઘરના સારા નરસા પ્રસંગોમાં ખડે પગે હાજર થઈ જતાં હોય છે અને કારણ પૂછીએ તો જવાબ મળે કે, અમારે તો બાપદાદાની ત્રણ પેઢીથી આ રિવાજ છે. એવા અનેક કિસ્સા જોયા છે, અનુભવ્યા છે કે ગામડાંઓમાં કોઈના ઘરે જઈએ અને ઘરમાલિક હાજર ન હોય, ઘરને તાળું દીધેલું હોય તો એનો પાડોશી તમને આગ્રહ કરીને પોતાના ઘરે લઈ જશે. ચા-પાણી અને જમાડવા સુધીની તકેદારી લેશે. કેમ? તો કે તમે એના પાડોશીના મહેમાન છો એટલે સરવાળે એના પણ મહેમાન છો. એમ. આજે તો ઘરે ઘરે ટીવી આવી ગયા છે એટલે ખાસ કંઈ નવાઈ નથી પણ વર્ષો પહેલાં દરેક ઘરમાં ટીવી નહોતા. ગામમાં ગણ્યા ગાંઠ્યા લોકોના ઘરે જ ટીવી હોય ત્યારે આખી શેરીનાં બાળકો એ ટીવી વાળાના ઘરે ટીવી જોવા પહોંચી જાય. આખી ઓશરી ભરાઈ જાય એટલા બાળકો ટીવી જોવા બેસેલાં હોય, ત્યારે પણ મગજ શાંત રાખીને એ બધાં બાળકોને ટીવી જોવા દેવું. એવી સમજ એ સમયે જે તે પાડોશીઓને હતી. સારાં કપડા અને ઘરેણાની વ્યવસ્થા દરેક ઘરમાં નહોતી ત્યારે પાડોશીઓના ઘરેણા અને કપડાંથી ઉજળા રહીને પ્રસંગો ઉકેલ્યા હોવાના અનેક કિસ્સા સાંભળવા મળે છે.

આજે હવે બદલાતા સમય સાથે પાડોશીની વ્યાખ્યા બદલાઈ રહી છે. પાડોશી એવા તો ‘નેઈબર’ બની ગયા છે કે, આખી વાતમાં કોઈનેય બર(દમ) નથી. મોટાં શહેરમાં તો અડધી જીંદગી નીકળી જાય તો પણ, બાજુમાં કોણ રહે છે અને એ ક્યાંના છે ને શું કરે છે એના વિશેની કોઈને કશી જાણ નથી હોતી. ચોવીસ કલાક દરવાજા બંધ કરીને જીવવાનું માણસ શીખી ગયો છે. માણસ માણસથી દૂર ભાગી રહ્યો છે. પાડોશીઓ સાથે એટલું અંતર આવી ગયું છે કે, ચાર રસ્તે ભેગા થઈ ગયા પછી પણ એ લોકોને ખબર નથી હોતી કે આપણે આપણા પાડોશીની બાજુમાંથી પસાર થઈ રહ્યા છીએ. દરવાજાની તિરાડમાંથી ડોકાઈને જોવા ટેવાયેલો માણસ સંબંધોમાં એવી તિરાડો ચીતરીને બેઠો છે કે, જેની અંદર પોતે જ દિવસે ને દિવસે ખૂંપી રહ્યો છે.

અજાણ્યાઓને પણ આવો આવો, બેસો બેસો કહીને સત્કારતા પાડોશીઓ તો ક્યાંય ખૂટી ગયા અને બોલો, કોનું કામ છે? કહેતા કી-હોલમાં ડોકાતા પાડોશીઓ અકળામણની ફોજમાં ભરતી થઈ રહ્યા છે. શહેરોમાં મોટી થતી પેઢીઓને પાડોશીઓ શું છે, એમની સાથેની હૂંફ કેવી હોય, સંબંધો કેવા હોય, રિવાજો કેવા હોય અને આડોશ પાડોશના વ્યવહારમાં કઈ રીતે જીવાતું હોય છે, એ વાત જ જાણે કે એ લોકો માટે એક દંતકથા બની ગઈ છે! કદાચ આ કહેવત પણ દીવસે ને દીવસે ભૂંસાઈ જશે અથવા ભૂલાઈ જશે કે… પહેલો સગો એ પાડોશી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular