પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-73): સાબરમતી જેલમાં એક આનંદનો માહોલ હતો, આ પહેલી ઘટના હતી કે કોઈ કેદીએ પોતાના ગુનાની કબુલાત કર્યા પછી કોર્ટે સાચુ બોલવાના ઈનામ પેટે તેની સજા માફ કરી હતી. બીજા દિવસે સાંજ સુધી કોર્ટનો ઓર્ડર આવી ગયો ગોપાલ અને સલીમને બાકીના તમામ સજા માફ કરી દેવામાં આવી હતી. રાકેશે ગોપાલ અને સલીમના જામીનની વ્યવસ્થા કરી દીધી હતી. નિયમ પ્રમાણે સાંજની બંદી થતાં પહેલા ગોપાલ અને સલીમને જેલ મુકત કરી દેવાની કાર્યવાહી જેલ અધિકારીઓએ પુરી કરવાની હતી. ગોપાલ અને સલીમ જેલના બધા પોતાના જુના સાથીઓને મળી આવ્યા, નીતિનકાકાને મળવા ગયો ત્યારે તેમની આંખમાં હર્ષના આંસુ હતા.
તેમણે ગોપાલને કહ્યું બેટો ખુશ રહેજો અને મારી જ્યારે પણ જરૂર હોય તો મને કહેજો, વિરાંગ ગુમસુમ હતો તેને ગોપાલ છૂટ્યો તેનો આનંદ હતો પણ હવે ગોપાલ વગર ગમશે નહીં તેવું તેને લાગી રહ્યું હતું, વિરાંગને મળતી વખતે ગોપાલની આંખ ભીની થઈ કારણ તેને ખબર હતી કે હવે વિરાંગ એકલો પડી જશે. વિરાંગે તેને કહ્યું રડે છે શું કામ? રજા ઉપર બહાર આવીશ ત્યારે આપણે મળીશુંને, સલીમ છુટી રહ્યો હતો પણ ખબર નહીં તેના ચહેરા ઉપર ખાસ કોઈ ભાવ ન્હોતો. ગોપાલ બહાર નીકળતા પહેલા મેલડીમાતાના મંદિર ઉપર ગયો, તેણે આંખો બંધ કરી કહ્યું માં સોરી હું તારી ઉપર નારાજ હતો. તારી સાથે વાત કરતો ન્હોતો પણ તે મારું ખુબ ધ્યાન રાખ્યું.
ગોપાલ અને સલીમે જેલના કપડાં બદલી નાખ્યા ઘરના રંગીન કપડાં પહેરી લીધા અને જેલના ગેટની બહાર નીકળ્યા ત્યારે ગોપાલની નજર સામે પડી ત્યાં મમ્મી-પપ્પા અને રાકેશ ઊભા હતા, અચાનક ગોપાલને નીશીની યાદ આવી ગઈ. આજે નીશી સામે હોત તો? તેવો વિચાર તેના મનમાં દોડી આવ્યો, ગોપાલે સલીમ સામે જોયું તેણે એક સ્મિત આપ્યું ગોપાલે વિચાર કર્યો, સલીમને લેવા તો કોઈ જ આવ્યું ન્હોતું, ગોપાલે પુછ્યું સલીમ હવે તું ક્યાં જઈશ? સલીમે એક વખત આકાશ સામે જોયું અને કહ્યું દુનિયા બહુ વિશાળ છે મારા જેવા એક માણસની વ્યવસ્થા તો કુદરત કરી નાખશે. આટલુ બોલી સલીમ જેલ કેમ્પસના ગેટની બહાર પોતાનો થેલો લઈ નીકળ્યો. બહાર જતા પહેલા તે ગોપાલના મમ્મી પપ્પા પાસે ગયો, તેમને પગે લાગ્યો અને રાકેશને ભેટી બહાર નીકળી રિક્ષા પકડી જતો રહ્યો.
ગોપાલ તેને જતા જોઈ રહ્યો એક સલીમ તેની જીંદગીમાં આવ્યો અને કોઈ પણ ફરિયાદ વગર જતો રહ્યો. ગોપાલ પોતાના ઘરે પાછો આવી ગયો તેનો મમ્મી-પપ્પા અને રાકેશને તો આનંદ હતો જ, પણ ગોપાલનું મન પાછું નીશીના વિચારોમાં ગુંચવાઈ ગયું હતું. તે ઘણી વખત નીશીના ઘરની બહાર જઈ ઊભો રહેતો. તે પરિમાલ ગાર્ડન પણ જતો જ્યાં તે અને નીશી બેસતા હતા. નીશી કેમ જતી રહી તેવો તેને પ્રશ્ન થતો હતો. ગોપાલે જેલની બહાર આવી નીશીના પપ્પાને મળવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પણ નીશીના પપ્પા મળવા તૈયાર થયા નહીં, કદાચ તેમની હવે ગોપાલને મળવાની હિંમત રહી ન્હોતી. ગોપાલે ઠેક ઠેક ઠેકાણે વેદાંતને પણ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેનો પણ પત્તો લાગ્યો નહીં. ગોપાલ જેલમાં હતો ત્યારે તેની જુદી ચિંતા હતી પણ જેલમાંથી બહાર આવ્યા પછી તેની ચિંતાઓ જુદી હતી. હવે તેને કોઈ નોકરીની જરૂર હતી. પપ્પા હવે થાકી ગયા હતા અને ઘરડાં પણ થયા હતા. ગોપાલે નોકરી શોધવાના પ્રયત્ન શરૂ કર્યા પણ પહેલા ક્યાં નોકરી કરતા હતા. તેવો પ્રશ્ન આવે ત્યારે ગોપાલ માટે કહેવું જરૂરી હતું કે તે જેલમાં હતો.
જેલ શબ્દ કાન ઉપર પડતા સામેથી જવાબ મળતો હમણાં અમારી પાસે કામ નથી જરૂર હશે તો ફોન કરીશ. જેલમાંથી બહાર નીકળતી વખતે નીતિનકાકાએ કહ્યું હતું કે મારા લાયક કોઈ કામ હોય તો કહેજે તેનું આ જ કારણ હતું નીતિનકાકા જાણતા હતા કે ગોપાલની જીંદગીની ખરી કસોટી હવે શરૂ થવાની છે કારણ જેલનો ધબ્બો લાગ્યા પછી બહારની દુનિયાવાળા જટ વિશ્વાસ કરતા નથી. ગોપાલને હવે જેલની બહાર આવ્યા પછી દુનિયા ડરામણી લાગી રહી હતી. અચાનક ગોપાલને યાદ આવ્યુ જેલમાં પત્રકારત્વ ભણાવતા આદેશ સરે કહ્યું આપણો સંબંધ માત્ર જેલ પુરતો નથી જીવનમાં ક્યારેય મારી જરૂર પડે તો મને યાદ કરજો. ગોપાલ પાસે આદેશ સરનો નંબર હતો તેણે ફોન કર્યો અને નવજીવન સંસ્થા ઉપર મળવા ગયો. પહેલા સામાન્ય વાતચીત કર્યા પછી ગોપાલે કહ્યું સર મારે કામ જોઈએ છે.
આદેશ પણ આ પ્રકારની સ્થિતિ માટે તૈયાર ન્હોતો. ગોપાલે કહ્યું સર હું કામ માટે જ્યાં પણ ગયો ત્યાં મને મારી જેલ નડી રહી છે. આદેશે વિચાર કર્યો, આદેશને મનમાં ડર લાગ્યો કે જો ગોપાલને કામ મળશે નહીં તો ક્યાંક ગોપાલ પોતાની પાછલી દુનિયામાં પાછો જતો રહેશે તો? કારણ જેલ તો ક્રાઈમની યુનિવર્સિટી છે અહિયા તમામ પ્રકારના ગુનાની તાલીમ અને ડીગ્રી મળે છે. ગોપાલને પાંચ વર્ષમાં અનેક નાના મોટા ગુનેગારો મળ્યા હશે, આદેશ મનમાં ડરી ગયો તેણે ડરમાં જ પોતાના પર્સમાંથી દસ હજાર રૂપિયા કાઢયા અને ગોપાલના હાથમાં મુકતા કહ્યું મને એક મહિનો આપ, બીજુ કોઈ પણ એવું કામ કરીશ નહીં જેના કારણે મને અને તને શરમ આવે, ગોપાલે પૈસા પાછા આપતા કહ્યું સર મારે પૈસા જોઈતા નથી કામ જોઈએ છે. આદેશે તેને સમજાવ્યો હું તારા માટે કામની વ્યવસ્થા કરીશ આ તને ઉધાર આપુ છું તારી નોકરી મળે એટલે મને પૈસા પાછા આપજે.
ગોપાલ ત્યાંથી નીકળ્યો આદેશે તરત ચાર પાંચ જગ્યાએ ફોન જોડયો, જેલમાંથી છુટેલા એક કેદીને નોકરી જોઈએ છે તેવી વાત કરી પણ ગોપાલની વાત સાચી પડી આદેશને પણ તેવો જ અનુભવ થયો કેદી શબ્દ કાને પડતા બધા વાતા ટાળી જતા હતા, આદેશ ઊભો થયો નવજીવન સંસ્થાના વડા મયુર જોશી પાસે ગયો આદેશે કહ્યું મયુર હમણાં જેલમાંથી છુટેલો કેદી આદેશ આવ્યો હતો તેને કામની જરૂર છે. મયુર વિચાર કરવા લાગ્યો આદેશે કહ્યું આપણે તેને આપણી સંસ્થામાં કામ આપી શકીએ, મયુરે કહ્યું આપણી સંસ્થામાં શું કામ આપી શકીએ? આદેશે વિચાર કરી કહ્યું ગોપાલ પત્રકારત્વ ભણ્યો છે આપણો જેલ પ્રોજેકટનો જ તેને હિસ્સો બનાવી દઈએ તો? મયુરને લાગ્યું કે આદેશનો આઈડીયા સારો છે. મહિના પછી ગોપાલ નવજીવન સંસ્થામાં જોડાઈ ગયો અને જે જેલમાં ગોપાલ કેદી હતો તે સાબરમતી તે જેલમાં હવે ગોપાલ કેદીઓને પત્રકારત્વ ભણાવે છે.
ગોપાલની જીંદગી ફરી પાટે ચઢી એટલે થોડા મહિના પછી ગોપાલની મમ્મીએ કહ્યું બેટા હવે લગ્નનો વિચાર કર, શરૂઆતમાં ગોપાલ આ વાતને ટાળતો થયો, પણ જ્યારે ગોપાલ લગ્ન માટે તૈયાર થયો ત્યારે ફરી જુનો પ્રશ્ન સામે આવી ઊભા થયા, ગોપાલ પહેલી મુલાકાતમાં છોકરીને જ્યારે પોતાના ભુતકાળ અંગે કહેતો ત્યારે વાત ત્યાં જ અટકી જતી હતી. ગોપાલે એકસો કરતા વધુ છોકરીઓ સાથે મુલાકાત કરી પણ જેલના મુદ્દે મંત્રણા તુટી પડતી હતી. ઘણાઓએ સલાહ આપી કે જેલની વાત થોડા સમય માટે છૂપી રાખી પછીથી કહી દે જે, પરંતુ ગોપાલ કહેતો ના, હું ક્યારેય દગો કરી શકું નહીં, વાત પહેલા કહ્યું કે પછી આખરે તો જણાવવાનું જ છે, પણ પાછળથી કહીશું તો તે દગો કહેવાશે અને તે મને મંજુર નથી.
બે વર્ષ પછી ગોપાલને કાજલ મળી, કાજલ એક ટેલીવીઝન ચેનલમાં એંકર તરીકે કામ કરતી હતી. કાજલને ગોપાલની જીંદગી બહુ એન્ટ્રેસીંગ લાગી. ગોપાલ અને કાજલ અનેક વખત મળ્યા. એક દિવસ ગોપાલે કાજલને પુછ્યું તું મારી સાથે લગ્ન કરીશ? ગોપાલ તરફથી આવી દરખાસ્ત આવશે તેવું અનઅપેક્ષી હતું, કાજલે વિચાર કરવાનો સમય માંગ્યો અને થોડા દિવસ પછી કાજલે હા પાડી. પત્રકાર આદેશ સહિત થોડાક મિત્રોની હાજરીમાં ગોપાલ અને કાજલના લગ્ન થયા. ગોપાલ જેલમાંથી છુટી ગયો તે વાતને હવે લાંબો સમય થઈ ગયો છે, ગોપાલની બાઈક ઉપર નાદાન લખેલુ છે.
ગોપાલને નીશી નાદાન કહેતી હતી. રાકેશ આજે પણ ગોપાલ અને તેના પરિવાર સાથે એટલો જ સંબંધ રાખે છે. વર્ષો વિતિ ગયા પણ સલીમ તેને ફરી મળ્યો ન્હોતો પણ ઘણા વર્ષો પછી એક દિવસ ગોપાલને સલીમ મળી ગયો હતો. ગોપાલે સલીમને પુછ્યું ક્યાં છે? ભાઈ ત્યારે તેણે કહ્યું બહુ દુર જતો રહ્યો છું ગોપાલ… ગોપાલ આજે પણ સલીમ શું કહેવા માગતો હતો તે નક્કી કરી શક્યો નથી પછી સલીમ ક્યાં જતો રહ્યો તેનો કોઈ પત્તો નથી. ગોપાલના જીવનનું જેમ હેપી એન્ડીંગ આવ્યું તેવું દરેક કેદીના જીવનમાં થતુ નથી. એટલે પત્રકાર આદેશ આજે પણ નવા ગોપાલની શોધમાં સાબરમતી જેલમાં આવે છે.
(સમાપ્ત)
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.