પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-72): Nadaan Series: ગોપાલે પોતાનો પક્ષ હાઇકોર્ટ સામે મૂક્યો ત્યારે સલીમનું હૃદય સામાન્ય કરતાં વધારે ઝડપથી ધડકતું હતું. તેના ચહેરા પર એક પ્રકારની મુંઝવણ હતી. કારણ કે એક વખત કોઈ આરોપી કોર્ટ સામે પોતાના સાચા પત્તા ઉતરી જાય, પછી તેને પોતાના પત્તા બદલવાની તક મળતી નથી. સલીમ વિચારી રહ્યો હતો કે, ક્યાંક ગોપાલ ભૂલ તો નથી કરી રહ્યોને! પણ હવે મોડું થઈ ગયું હતું. ગોપાલે પોતાનું કબુલાતનામું હાઇકોર્ટ સામે મૂકી દીધું હતું.
જસ્ટિસ દવેએ ગોપાલને સાંભળ્યા પછી અંગ્રેજીમાં સરકારી વકીલને કેટલાક સવાલ પૂછ્યા. ગોપાલને ખાસ અંગ્રેજી ખબર પડતી નહોતી. પણ કેટલીક ત્રૂટક ત્રૂટક વાતો તેને સમજાઈ રહી હતી. જસ્ટિસ દવે સરકારી વકીલ પાસે જાણવા માગતા હતા કે, જ્યારે ગોપાલ પકડાયો ત્યારે તેની પાસેથી કેટલી કિંમતની બનાવટી નોટ મળી હતી. સરકારી વકીલે પોલીસ તરફથી આવેલા કાગળો જોઈને કહ્યું, “નામદાર, ચાર હજાર રૂપિયાની.”
જસ્ટિસ દવેના ચહેરા પર થોડો આશ્ચર્યને ભાવ આવ્યો. કોર્ટમાં એકદમ સન્નાટો હતો. કારણ કે હાઇકોર્ટ સામે આ પહેલો કેસ હતો, જેમાં સજા પામેલો કેદી પોતાના બચાવમાં કંઈ કહેવાને બદલે પોતે ગુનેગાર છે; એવું કહી રહ્યો હતો. ત્યાં બેઠેલા સિનિયર કાઉન્સિલર પણ ગોપાલના વલણથી પ્રભાવિત થયા હતા. જસ્ટિસ દવેએ એડ્વોકેટ ચાંપાનેરીને પૂછ્યું, “તમારા અસીલને કેટલા વર્ષની સજા થઈ છે?”
ચાંપાનેરીએ ઊભા થઈને કહ્યું, “માય લોર્ડ, દસ વર્ષની સજા.”
જસ્ટિસ દવેનો બીજો સવાલ હતો કે, “કેટલા વર્ષથી આ જુવાન માણસ જેલમાં છે?”
ચાંપાનેરીએ કહ્યું, “લોર્ડશીપ, પાંચ વર્ષથી.”
જસ્ટિસ ચાંપાનેરીનો ચહેરો થોડો ગંભીર થયો. તેમણે પોતાના સ્ટાફને કંઈક સૂચના આપી. કોર્ટ એકદમ શાંત હતી. બે જ મિનિટમાં કોર્ટનો સ્ટેનોગ્રાફર આવીને પોતાની ખુરશી પર બેસી ગયો.
જસ્ટિસ દવેએ ચુકાદો લખાવતાં કહ્યું, “મેં મારી કરિયરમાં લાખો કેસ જોયા છે, પણ તમામ આરોપીઓનો દાવો હોય છે કે, પોલીસે તેમની પર ખોટો કેસ કર્યો છે. કોર્ટે ખોટા કેસ પણ જોયા છે. પરંતુ આ પહેલો કેસ છે, જેમાં કોઈ આરોપી પોતાના બચાવમાં પોલીસ અને ન્યાયતંત્રની ચૂક તરફ ધ્યાન દોરવાને બદલે, પોતાની ભૂલનો એકરાર કરે છે.”
તેમણે એમ પણ કહ્યું કે, “અદાલતમાં આવનારા તમામ સાચું બોલવાના સોંગદ તો લે છે, પણ વાસ્તવિકતા વિપરિત હોય છે. જેની અમને પણ ખબર છે. સત્યની પણ એક કિંમત હોય છે, પણ આપણે આપણી આસપાસ સતત સત્યને હારતું, મરતું અને લાચાર જોયું છે. જેના કારણે સામાન્ય માણસ સત્યને આધાર બનાવતા ડરી રહ્યો છે. ગુનો ગુનો જ હોય છે. ગોપાલ અને સલીમે બનાવટી નોટો છાપી, તેની કિંમત માત્ર ચાર હજાર રૂપિયા છે. પણ આઈ.પી.સી.માં રકમ પ્રમાણે સજાની જોગવાઈ નથી. નીચલી અદાલતે કરેલી દસ વર્ષની સજા કાયદાની જોગવાઈ પ્રમાણે છે. પણ હાઇકોર્ટ માને છે કે, ન્યાયનો સિદ્ધાંત જડ બનવો જોઈએ નહીં. ગોપાલ અને સલીમ લગભગ પચ્ચીસ વર્ષના છે. તેમની સામે હજી લાંબી જિંદગી બાકી છે. આ જુવાન માણસોએ હાઇકોર્ટ સામે આવીને સાચું બોલવાની હિંમત કરી એ નાની ઘટના નથી. અદાલત તેમની આ હિંમતની કદર અને પ્રસંશા કરે છે. આ સાથે અદાલત એ બાબત પણ ધ્યાનમાં લે છે કે, સત્યની સાથે રહેનારાનો પણ વિજય થવો જોઈએ.”
જસ્ટિસ દવેએ એક ક્ષણ રોકાઈને ગોપાલ સામે જોયું. પછી ફરી ચુકાદો લખાવવા લાગ્યા. તેમણે ઉર્મેયું કે, “આરોપી ગોપાલ નાની ઉંમરનો હોવાની સાથે સાથે તેનાં ઘરે વૃદ્ધ માતા–પિતા છે. જેઓ પણ વર્ષોથી તેની રાહ જોતાં હશે. આ કેસમાં જો ગોપાલ અને સલીમે પોતાના બચાવમાં અન્ય કોઈ મુદ્દાઓ રજૂ કર્યા હોત, પોલીસ તપાસની ખામીઓ અને નીચલી અદાલતના હુકમને પડકાર્યો હોત, તો સરકાર પક્ષે પણ પોતાનો પક્ષ મૂકવો જરૂરી હતો. પણ અમને લાગે છે કે, અહીંયા મુદ્દો કેસના મેરિટનો નથી. તેથી અદાલત એવા નિર્ણય પર આવે છે કે, ગોપાલ અને સલીમે હમણાં સુધી જે પાંચ વર્ષ સજા ભોગવી છે, એટલી સજા તેમના ગુના પ્રમાણે પૂરતી છે. અદાલત આદેશ આપે છે કે, ગોપાલ અને સલીમને બાકીની પાંચ વર્ષની સજામાંથી મુક્ત કરવામાં આવે.”
જસ્ટિસ દવેએ ગોપાલ અને સલીમ સામે જોયું. તેમની આંખમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા. ચાંપાનેરી સાહેબ પણ પોતાની આંખનાં ભીના થઈ ગયેલા ખૂણા છુપાવી ન શક્યા. જસ્ટિસ દવેના ચહેરા પર એવો ભાવ હતો કે, બહુ વર્ષો પછી તેમણે કોઈ યોગ્ય ન્યાય કર્યો હોય!
ગોપાલ અને સલીમે ઊભા થયા. કોર્ટને હાથ જોડી તેમનો આભાર માન્યો. પોલીસ ગોપાલ અને સલીમને કોર્ટની બહાર લઈ આવી. બહાર આવતાં જ ગોપાલ અને સલીમે એડ્વોકેટ ચાંપાનેરીના ચરણ સ્પર્શ કરી તેમનો આભાર માન્યો. હજી પણ તેમની આંખમાંથી આંસુ રોકાતા નહોતા. ગોપાલે કહ્યું, “સાહેબ, બહાર આવીને જેમ બને તેમ વહેલા તમારી ફીના બાકી પૈસા આપી જઈશ.”
એડ્વોકેટ ચાંપાનેરીએ ગોપાલને ભેટી પડતાં કહ્યું, “ગોપાલ, બાકીની ફીના પૈસા નથી જોઈતા. અરે, તે તો મને જીવનમાં પહેલી વાર સત્યની તાકાતનો પરચો કરાવ્યો છે.”
આ બધી ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક અવાજ બધાના કાને પડ્યો. “ગોપાલ…”
ક્યાંથી અવાજ આવ્યો, એ જોવા ગોપાલે નજર ફેરવી. ગોપાલની બરાબર પાછળ જ તેના પપ્પા ઊભા હતા. તેમની આંખોમાં પણ પાણી હતું. ગોપાલ પપ્પાને વળગી પડ્યો. પપ્પાએ ચાંપાનેરી સાહેબનો આભાર માનતા કહ્યું, “સાહેબ, તમારો બહુ આભાર. અમારા જેવા ગરીબ માણસને મદદ કરી.”
ગોપાલના પપ્પાને ખબર હતી કે, આજે મુદત છે. એટલે પપ્પા ક્યારના આવીને કોર્ટમાં બેસી ગયા હતા. પણ ગોપાલનું કે કોઈનું તેમના તરફ ધ્યાન જ નહોતું. ગોપાલ જ્યારે પોતાની વાત જસ્ટિસ દવેને કહી રહ્યો હતો, ત્યારે પપ્પાને પહેલી વખત ગોપાલ માટે અભિમાન થઈ રહ્યું હતું. એડ્વોકેટ ચાંપાનેરીએ ગોપાલના પપ્પાને કહ્યું, “દાદા, મારી કોઈ કરામત નથી. તમારા ગોપાલે જ બધું કર્યું છે. પણ તમે હવે ચિંતા ન કરતા. દુઃખના તમામ દિવસો પૂરા થયા. આવતીકાલે સાંજ સુધી કોર્ટનો ઓર્ડર જેલ પર પહોંચી જશે. પછી ગોપાલ ઘરે આવી જશે.”
ગોપાલ અને સલીમના ખભે હાથ મૂકતાં ચાંપાનેરીએ કહ્યું, “હવે આવી નહીં, પણ કોઈ પ્રકારની ભૂલ કરતાં નહીં. કારણ કે ઉપરવાળો દુશ્મનને પણ કોર્ટ અને જેલ ના બતાવે તેવી મારી પ્રાર્થના હોય છે.”
પોલીસ જવાનોએ ફરી તેમને પોલીસવાનમાં બેસાડ્યા અને તેઓ સાબરમતી જેલ જવા રવાના થયા. પાછા ફરતી વખતે ગોપાલને લાગી રહ્યું હતું કે, જાણે તેણે આખું અમદાવાદ જીતી લીધુ હોય! આદેશને પણ જ્યારે ગોપાલની સજા માફ થઈ હોવાના સમાચાર મળ્યા, ત્યારે તે પણ ખુશ હતો.
(ક્રમશઃ)
![]() |
![]() |
![]() |
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796











