Friday, September 22, 2023
HomeGujaratAhmedabadગોપાલે નીશીને આલીંગનમાં લીધી, બંન્નેના શ્વાસની ઝડપ એકદમ વધી ગઈ જાણે હ્રદય...

ગોપાલે નીશીને આલીંગનમાં લીધી, બંન્નેના શ્વાસની ઝડપ એકદમ વધી ગઈ જાણે હ્રદય ફાટી બહાર નીકળી જશે

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-49): Nadaan Series: ગોપાલ અઢી વર્ષ પછી જેલની બહાર નીકળ્યો હતો. જેલમાં ઘણી રાતો તેણે નિશીના વિચારમાં પસાર કરી હતી. આમ તો જેલમાં રહેલા તમામ કેદીની સ્થિતિ એક જ સરખી હોય છે. આ બાજુ નિશીની સ્થિતિ પણ એવી જ હતી. તેણે પણ અનેક રાત પડખાં ફેરવીને એકલા પસાર કરી હતી. કેટલાય દિવસો એકલામાં રોઈ રોઈને વીતાવ્યા હતા; પણ તે જ્યારે જ્યારે જેલ પર ગોપાલને મળવા જતી, ત્યારે તેણે આ અંગે કોઈ ફરિયાદ કરી નહોતી.

ગોપાલની રજાનો પહેલો દિવસ તો મમ્મી, પપ્પા અને નિશી સાથે વાત કરતાં પસાર થઈ ગયો. ગોપાલ નિશીને એકલામાં મળવા ઉત્સુક હતો, પણ ઘરમાં એવો માહોલ જ નહોતો કે, દિવસ દરમિયાન તેમને એકાંત મળે. નિશી રસોડામાં કામ કરતી હોય, તો પણ ગોપાલનું ધ્યાન એની તરફ જ રહેતું. નિશીને એવી ખબર પણ હતી કે, ગોપાલ મારી તરફ જોઈ રહ્યો છે; તે પણ ક્યારેક પાછળ ફરીને ગોપાલને આંખ મારી લેતી. આમ તે બંનેનો પ્રેમ એક બીજાનાં સ્પર્શ વગર પણ વ્યક્ત થઈ રહ્યો હતો.

- Advertisement -

પપ્પાને જેવા સમાચાર મળ્યા કે, ગોપાલ આવી ગયો છે; પપ્પા પણ તરત પાછા આવી ગયા હતા. તે પણ ગોપાલને ભેટીને રડી પડ્યા હતા. સાંજે ગોપાલ અને નિશીને ઘરની પાસે આવેલા ખોડિયાર મંદિરમાં દર્શન કરવા મમ્મી લઈ ગઈ. જાણે ગોપાલ વિદેશથી આવ્યો હોય, તેવો હરખ મમ્મીને હતો. પાડોશીએ ગોપાલને પહેલી વખત જોયો હતો. એક પાડોશીએ ગોપાલની મમ્મીને પૂછ્યું, “આ કોણ?”

મમ્મીએ જવાબ આપ્યો, “મારો દિકરો છે. ગોપાલ.”

મમ્મી હવે અનુભવથી શીખી ગઈ હતી કે, કેવો પ્રશ્ન પુછાશે અને કેવો જવાબ આપવાનો! તેણે તરત કહ્યું, “ગોપાલ મુંબઈ રહે છે. એક કંપનીમાં મેનેજર છે.”

ગોપાલ અને નિશીએ મમ્મી સામે જોયું. ગોપાલને લાગ્યું કે, મમ્મી હવે બહુ કોન્ફિડન્સથી ખોટું બોલી શકે છે. પહેલાં એની મમ્મી આવી નહોતી. કદાચ તેને પરિસ્થિતિએ જ હિંમતવાન બનાવી હશે. મમ્મીએ પણ મન બનાવી લીધું હતું કે, હવે દિકરા માટે સમાજ સામે લડવું પડે તો લડી લઈશ. રડીરડીને રહીશું તો લોકો રડાવ્યા જ કરશે.
રાત્રે જમ્યા પછી ગોપાલ અને નિશી પોતાના રૂમમાં ગયાં. મમ્મીએ ટકોર કરી, “બહુ વાતો ન કરતાં. જલદી સૂઈ જજો.”

નિશીએ “હા મમ્મી” કહી દરવાજો બંધ કર્યો. ગોપાલે તેને એકદમ પોતાના બાહુપાશમાં લીધી. બંનેના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. તેમને લાગ્યું કે, તેમનું હૃદય ફાટીને બહાર નીકળી જશે! નિશીની આંખો બંધ હતી. મમ્મીએ કહ્યું હતું કે, બહુ વાતો ન કરતાં; પણ ખરેખર એમ જ બન્યું. બંને વચ્ચે કોઈ સંવાદ જ ન થયો છતાં તેમણે ઘણી વાતો કરી લીધી હતી! એવું બંનેને લાગી રહ્યું હતું.

સવારે મમ્મીએ દરવાજો ખખડાવ્યો અને કહ્યું, “નિશી બેટા, ઊઠ. ચા થઈ ગઈ છે.”

મમ્મીનો અવાજ સાંભળીને નિશી સફાળી જાગી. એણે સામેની દિવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું. સવારના સાડાઆઠ વાગી રહ્યા હતા. તે એકદમ બેઠી થઈ. અત્યાર સુધીમાં તે આટલી મોડી તો ક્યારેય ઊઠી નહોતી. તેણે બાજુમાં જોયું. ગોપાલ હજી સૂઈ જ રહ્યો હતો. તેણે બાજુમાં પડેલી ચાદર ગોપાલને ઓઢાડી. ઘડીક તો એ ગોપાલના ચહેરા સામે જોઈ જ રહી. સૂઈ રહેલો ગોપાલ તેને એકદમ નિર્દોષ અને ખૂબ વહાલો લાગી રહ્યો હતો. તેણે ગોપાલના માથા પર અને ગાલ પર હાથ ફેરવ્યો.

ફટાફટ ઊભી થઈ મોઢું ધોઈને બહાર આવી. મમ્મીએ પૂછ્યું, “ગોપુ ઊઠયો?”

નિશી કહ્યું, “ના, હજી તો એ ઊંઘે જ છે.”

મમ્મીએ કહ્યું, “સારુ ત્યારે, ઊંઘવા દે એને.”

સવારે ગોપાલ ઊઠયો એટલે એની સામે ગરમ ગરમ ચા અને ગરમ ગરમ નાસ્તો હતો. ગોપાલને થોડીક વાર તો લાગ્યું કે, ચા અને નાસ્તો ખરેખર તેની સામે છે? કે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે? કારણ કે જેલમાં તો આવી ચા અને નાસ્તો લગભગ અશક્ય જ હતો. તેણે ચા–નાસ્તો કર્યાં અને તૈયાર થયો. તેણે નિશીને કહ્યું, “બહાર જઈને આવું છું.”

ગોપાલનું આ વાક્ય સાંભળતાં જ ગોપાલની મમ્મીને ફાળ પડી. તેણે ચિંતાના સૂરમાં પૂછ્યું, “ક્યાં જાય છે બેટા?”

“મમ્મી, કલાકમાં આવી જઈશ.”ગોપાલે કહ્યું.

મમ્મી એની એકદમ નજીક આવી. તેના ચહેરા પર ચિંતા હતી. તેણે ગોપાલના માથા પર હાથ ફેરવતાં કહ્યું, “બેટા, માઠું ન લાગે તો એક વાત કરું.”

ગોપાલે મમ્મી સામે જોયું. મમ્મીએ કહ્યું, “બેટા, કોઈ એવા ખોટા માણસ કે ભાઈબંધને મળતો નહીં. જેના કારણે આપણી બધાની મુશ્કેલી વધે.”

ગોપાલ જેલમાં હોવાને કારણે મમ્મીને ભાતભાતના ખોટા વિચારો આવતા હતા. ગોપાલે મમ્મીને પોતાની પાસે બેસાડી અને કહ્યું, “મમ્મી, ભૂલ જીવનમાં એક જ વખત થાય. ફરી ભૂલ કરે તો એને ગધેડો કહેવાય. મમ્મી, હું તારો ગોપાલ છું. ગધેડો નથી. ચિંતા કરીશ નહીં. તને જે ડર છે, એમાંનું હું કંઈ જ નહીં કરું.”

મમ્મીએ કહ્યું, “એક મિનિટ. ઊભો રહે.”

તે રસોડામાં ગઈ અને પર્સ લઈ આવી. તેમાંથી પાંચસો રૂપિયા કાઢ્યા અને ગોપાલનાં શર્ટનાં ખિસ્સામાં મૂકતાં કહ્યું, “રાખ. તારે જરૂર પડશે.”

ગોપાલને વિચાર આવ્યો કે, મમ્મી કેવી રીતે બોલ્યા વગર પણ મારાં મનની વાત જાણી લેતી હશે! ગોપાલ ઘરેથી નીકળી પોતાની જૂની ઑફિસે ગયો અને ત્યાં જૂના મિત્રોને મળ્યો. જોકે તેને લાગ્યું કે, મિત્રો આગળ પોતાના જેલવાસની વાત છુપાવવાનો કોઈ અર્થ નથી. તેણે મિત્રો સામે બધી જ સાચી વાત કહી દીધી. ઘણા મિત્રો તો માનવા પણ તૈયાર નહોતા કે, ગોપાલ આવું કરી શકે. ગોપાલ જેલમાંથી આવ્યો છે; એવી ખબર પડ્યા પછી ઘણા મિત્રો ગોપાલ સામે અલગ જ દૃષ્ટિથી જોવા લાગ્યા. ગોપાલ જાણે કોઈ મોટો ડોન હોય! એ રીતે તેઓ એની સામે જોતા હતા.

ગોપાલના ત્રણ ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા, એની ગોપાલને ખબર જ પડી નહીં. તે બપોરે ઘરે આવ્યો ત્યારે મમ્મી અને નિશી તેની રાહ જોતાં હતાં. તેઓ હજી જમ્યાં પણ નહોતાં. મમ્મીએ ગોપાલને ભાવતી સુખડી બનાવી હતી અને નિશીએ ભજિયાં બનાવ્યાં હતાં. જમ્યા પછી નિશી અને ગોપાલ પોતાના રૂમમાં ગયા.

ગોપાલ કોને મળ્યો? કોની સાથે શું વાત કરી? એ બધી વિગત નાનાં બાળકની જેમ નિશીને કહેવા લાગ્યો. ગોપાલનો પહેલાંથી જ આ સ્વભાવ હતો. પહેલાં પણ ગોપાલ રાત્રે ઘરે આવે એટલે આખા દિવસની બધી જ વાત નિશીને કરતો. સ્કૂલેથી ઘરે આવ્યાં પછી બાળક જેમ મમ્મીને બધી વાત કરે, એવી રીતે ગોપાલ નિશી સાથે વાતો કરવા લાગ્યો. ગોપાલની વાત સાંભળતાં સાંભળતાં, થાકેલી નિશી ક્યારે સૂઈ ગઈ એની ગોપાલને પણ ખબર પડી નહીં. પછી ગોપાલ પણ સૂઈ ગયો.

તેની આંખ ખુલી ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા. તે ઊઠીને બહાર આવ્યો. નિશીએ ચા મૂકી. ગોપાલ નિશીને કંઈક ઇશારો કરી રહ્યો હતો; પણ નિશી તેના ઇશારાને સમજી રહી નહોતી. છ વાગ્યા એટલે મમ્મીએ પૂછ્યું, “બોલ ગોપાલ, સાંજે શું જમવું છે?”

ગોપાલે નિશી સામે જોયું. થોડીવાર વિચાર કરીને કહ્યું, “મમ્મી, નિશીને બહાર જમવા જવાની ઇચ્છા છે. એવું એ મને કહેતી હતી.”

નિશીના ચહેરા પર એકદમ આશ્ચર્ય દોડી આવ્યું. તેને યાદ જ ન આવ્યું કે, તેણે ક્યારે બહાર જમવાની વાત કરી! નિશી કંઈક બોલવા જતી હતી. ગોપાલે એને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. મમ્મીએ કહ્યું, “અરે, એમાં પૂછવાનું શું? તમતમારે જઈ આવો. કેટલાં વર્ષે મારો ગોપુ બહાર જમવા જશે!”

લગભગ સાત વાગ્યે ગોપાલ અને નિશી બહાર નીકળ્યાં. નિશી પાસે સ્કૂટી હતું. નિશીએ પૂછ્યું, “તું ચલાવીશ કે હું?”

ગોપાલ જાણે પ્લેન ચલાવવાનો હોય એમ તેણે કહ્યું, “અરે, હું જ ચલાવીશ.”

તે ઘણા સમય પછી સ્કૂટી ચલાવી રહ્યો હતો. જેના કારણે થોડી થોડી વારે એનું બેલેન્સ ડગી જતું હતું. ગોપાલની પાછળ તેનો ખભો પકડીને બેઠેલી નિશીએ કહ્યું, “પાડતો નહીં હોં. સાચવીને ચલાવજે.”

ગોપાલને સ્કૂટી ચલાવવાની મજા આવી રહી હતી. તેઓ રાણીપથી નીકળી રિંગરોડ પર આવ્યાં. પ્રગતિનગર ચાર રસ્તા થઈને તેઓ આગળ વધી રહ્યાં હતાં. નિશીએ પૂછ્યું, “આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?”

ગોપાલે સ્કૂટી ચલાવતાં ચલવતાં કહ્યું, “મને પણ ખબર નથી. ક્યાં જઈએ?”

રસ્તે પસાર થતી સ્કૂટરવાળી છોકરીઓને ગોપાલ ક્યારેક ત્રાંસી આંખે જોઈ લેતો હતો. તે માની રહ્યો હતો કે, નિશીને ખબર નથી. નિશીએ એનો ખભો દબાવતાં કહ્યું, “બહુ થયું તારું ઝાંખવાનું.”

પોતે એકદમ પકડાઈ ગયો હોય તેવું ગોપાલને લાગ્યું. તેને સમજાયું નહીં કે, પાછળ બેઠેલી નિશીને આ કેવી રીતે ખબર પડી? ગોપાલ પોતાના બચાવમાં કંઈક દલીલ કરે તે પહેલાં જ નિશીએ કહ્યું, “મને સાઇડ મિરરમાં બધું જ દેખાય છે કે, તારી નજર ક્યાં ક્યાં ફરી રહી છે.”

શિવરંજની ચાર રસ્તાથી ગોપાલે સ્કૂટી ડાબી તરફ વાળ્યું. ઝાંસીની રાણી, નહેરુનગર અને આંબાવાડી ચાર રસ્તા પાર કરીને તેણે સ્કૂટી એકદમ ઊભું રાખ્યું. ગોપાલે કહ્યું, “ઉતર.”

નિશીએ આશ્ચર્યથી પૂછ્યું, “અહીંયા! કેમ?”

ગોપાલે એક બોર્ડ તરફ ઇશારો કર્યો. તેની પર લખ્યું હતું, ‘પરિમલ ગાર્ડન.’ નિશીએ ગોપાલની સામે જોયું અને બંને હસી પડ્યા. આ તેમની મળવાની જૂની જગ્યા હતી.

(ક્રમશ:)

PART 48 : નીશીના પપ્પા મનમાં એક ધમાસાણ સાથે રિક્ષામાં એકદમ ચુપચાપ બેઠા હતા, ગોપાલ અમદાવાદના રસ્તાઓને જોઈ રહ્યો હતો

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular