પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-48): Nadaan Series: જેલમાંથી બહાર આવીને ગોપાલે આમ તેમ નજર ફેરવી. નિશી અને તેના પપ્પા જેલના દરવાજાની સામે એક લીમડાના ઝાડ નીચે બેઠાં હતાં. તેમનું ધ્યાન પણ જેલના દરવાજા પર જ હતું. જ્યારે પણ ગેટ ખૂલે ત્યારે ગોપાલ આવ્યો હશે! એવું માનીને ગેટ સામે જોતાં હતાં. ગોપાલને જોતાં જ નિશી એકદમ ઊભી થઈ ગઈ. ગોપાલ પણ એની તરફ આગળ વધ્યો. નિશી ઊભી થઈને બે ચાર ડગલાં ચાલી હશે, પણ પછી એકદમ દોડતી ગોપાલ તરફ ગઈ અને તેને વળગી પડી. ગોપાલ અને નિશી બંનેની આંખમાં આંસુ હતાં.
ત્યાં બેઠેલાં બીજા કેદીઓના સગાં અને ત્યાં ઊભી રહેલી પોલીસ આ દૃશ્ય જોતી રહી. નિશીના પપ્પાને આ બહુ ખરાબ લાગ્યું. એમનાથી સહન ન થતાં, તેઓ તરત ઊંધા ફરી ગયા. જાણે તેમણે કંઈ જોયું જ નથી; એવો ડોળ કર્યો. અંદરથી તેમને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો. કારણ કે નિશીને ના પાડી હતી છતાં તેણે ગોપાલ સાથે લગ્ન કર્યાં હતા અને હવે આ દિવસો જોવાનો તેમને વખત આવ્યો હતો. એવું તેમનું મન તેમને કહી રહ્યું હતું.
ગોપાલના ધ્યાને પણ એ આવ્યું કે, આસપાસના લોકો તેમને જોઈ રહ્યાં છે. ગોપાલે નિશીને કહ્યું, “ચાલ, હવે રડીશ નહીં. હું આવી ગયો છુંને?”
તેમ કહી તેણે નિશીને પોતાનાથી અલગ કરી. નિશીએ પપ્પા તરફ જોયું. તે જાણે ગોપાલને કહેવા માગતી હતી કે, પપ્પા પણ સાથે આવ્યા છે. ગોપાલ પપ્પા તરફ ગયો. એ જ વખતે એ સીધા ફર્યા અને ગોપાલ તરફ જોયું. ગોપાલ પણ તેમની પાસે ગયો અને નીચે નમી તેમને પગે લાગ્યો. કોણ જાણે કેમ? અનાયાસે જ તેઓ એક ડગલું પાછળ હટી ગયા! કદાચ પપ્પા પોતે એવું કરવા માગતા નહોતા. પણ તેમના મનમાં પડેલી ગોપાલ સામેની ધૃણાને કારણે જ કદાચ તેમના પગ પાછા જતા રહ્યા હશે.
ગોપાલે નિશી સામે જોયું. ગોપાલ સમજાતો હતો કે, પપ્પા હજી ગુસ્સામાં છે. આમ છતાં ગોપાલના જામીન થવા માટે તે જેલ પર આવ્યા હતા. નિશીએ કહ્યું, “ચાલ ઘરે, મમ્મી રાહ જુએ છે.”
ત્રણેય જેલનાં કેમ્પસની બહાર નીકળ્યાં. નિશીએ રિક્ષા ઊભી રાખવા માટે હાથ બતાવ્યો. એક રિક્ષા આવીને ઊભી રહી. ગોપાલ સૌથી આગળ હતો. તેની પાસે જ રિક્ષા ઊભી રહી. ડ્રાઇવરે મીટર ઝીરો કરતાં ગોપાલ સામે એવી રીતે જોયું કે, જાણે તે પૂછી રહ્યો હોય કે, ક્યાં જવાનું છે?
ગોપાલ મુંઝાઈ ગયો. કારણ, તેને ખબર જ નહોતી કે, ક્યાં જવાનું છે? તેણે નિશી સામે જોયું. તે આગળ આવી અને રિક્ષાવાળા ભાઈને કહ્યું, “ન્યૂરાણીપ.”
પહેલાં નિશીના પપ્પા બેસી ગયા. ત્યાર પછી નિશી અને પછી ગોપાલ બેઠા. આમ, નિશી પપ્પા અને ગોપાલની વચ્ચે બેઠી. ડ્રાઈવરે રિક્ષા ગીઅરમાં નાખી. રિક્ષા અમદાવાદના રસ્તાઓ પર દોડવા લાગી. ગોપાલે નોંધ્યું કે, પપ્પાએ હજી સુધી તેની સાથે કોઈ વાત કરી નથી. તે એમની સાથે વાત કરવા માગતો હતો, પણ કંઈ બોલી શક્યો નહીં. તેણે માત્ર નિશી સામે જોયું. નિશીએ ડાબા હાથેથી ગોપાલને સ્પર્શ કર્યો. એનો સ્પર્શ ગોપાલને ગમ્યો. જાણે એ તેને કહેતી હોય કે, હું તારી સાથે જ છું. ગોપાલે પણ ત્રાંસી આંખે જોયું કે, નિશીએ એનો હાથ પકડ્યો છે, એ ક્યાંક પપ્પા જોઈ તો નથી રહ્યા ને? પણ નિશીએ હાથ પકડ્યો એની ઉપર તેનો દુપટ્ટો હતો.
ગોપાલ પોતાના ગમતાં શહેર અમદાવાદને જોઈ રહ્યો હતો. આ રસ્તાઓ અને વાહનો પર જઈ રહેલા અજાણ્યા લોકોને, જાણે તે ઓળખતો હોય એવું તેને લાગી રહ્યું હતું. એક તબ્બકે એને વિચાર આવ્યો કે, જો તે પાલનપુર ગયો જ ન હોત, તો કદાચ આવો દિવસ પણ તેની જિંદગીમાં આવ્યો ન હોત! પણ તેણે પોતાની જાતને જ સમજાવી કે, જિંદગી જો અને તો પ્રમાણે ચાલતી નથી.
રિક્ષા જૂના વાડજ થઈને રિંગ રોડ તરફ વળી. અમદાવાદ ઘણું બદલાઈ ગયું છે! તેવું ગોપાલને લાગી રહ્યું હતું. રસ્તાઓ પણ ગોપાલને મોટા થઈ ગયા હોય એવુ લાગ્યું. વ્યાસ વાડી થઈને રિક્ષા ન્યૂરાણીપ તરફ આગળ વધી. એક ઓવરબ્રીજ ક્રોસ થયો. નિશીએ રિક્ષાની બહાર જોયું અને ડ્રાઇવરને કહ્યું, “બસ ભાઈ, ડાબી તરફ રાખો.”
તે હજી બહાર જોઈ જ રહી હતી. અચાનક તેણે ડ્રાઇવરને કહ્યું, “બસ બસ. અહીંયા જ ઊભી રાખો.”
રિક્ષા રોકાઈ એટલે પહેલા ગોપાલ ઉતર્યો. આમ તો નિશી અને ગોપાલ બહાર જાય, ત્યારે મોટાભાગે પૈસા ગોપાલ જ આપતો. તેણે પોતાની ટેવ પ્રમાણે ખિસ્સામાં હાથ નાખ્યો અને તરત તેને યાદ આવ્યું કે, હું તો જેલમાંથી આવ્યો છું. મારી પાસે તો પૈસા જ નથી. એણે તરત નિશી સામે જોયું. નિશીએ નોંધ્યું કે, ગોપાલની આંખો લાચારીથી ભરેલી છે.
નિશીએ પોતાનાં પર્સમાંથી એકસોની નોટ કાઢી અને ડ્રાઇવરને આપી. છપ્પન રૂપિયા થયા હતા એટલે ડ્રાઇવરે પચાસ રૂપિયા પાછા આપતાં કહ્યું, “છ રૂપિયા છૂટા આપોને.”
નિશીએ પર્સમાંથી દસની નોટ કાઢીને આપી અને કહ્યું, “બાકીના રહેવા દેજો.”
ગોપાલ નિશીને જોઈ જ રહ્યો. તેને વિચાર આવ્યો કે, નિશી એક એક પૈસાનો હિસાબ કરતી હતી. આજે એણે ડ્રાઇવરને ચાર રૂપિયા એમ જ આપી દીધા! ગોપાલે સામેનાં મકાન તરફ જોયું. ત્યાં બોર્ડ હતું, ‘શુકન એપાર્ટમેન્ટ.’ નિશીએ કહ્યું, “આપણે અહીંયા ઘર ભાડે લીધું છે.”
ગોપાલ, નિશી અને પપ્પા એપાર્ટમેન્ટમાં દાખલ થયાં. ફ્લેટ ત્રીજા માળે હતો. ઉપર જઈને નિશીએ ડોરબેલ વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. દરવાજામાં મમ્મી ઊભી હતી. ગોપાલને જોતાં જ તે એને ભેટી પડી અને રડવા લાગી. નીશાના પપ્પાને કંટાળો આવતો હતો, તેમનો ચહેરો પણ એની ચાડી ખાતો હતો. કદાચ તેઓ વિચારતા હશે કે, આ ડ્રામા કયાં સુધી ચાલશે!
તેઓ ઘરમાં દાખલ થયા. નિશી એના પપ્પા, ગોપાલ અને મમ્મી માટે પાણી લઈ આવી. થોડીવાર પછી નિશી રસોડમાં ચા બનાવવા ગઈ. ગોપાલ, એની મમ્મી અને નીશાના પપ્પા બેઠાં હતાં, પણ તેમની વચ્ચે કોઈ સંવાદ નહોતો. ગોપાલની મમ્મી ગોપાલને જોઈ રહી હતી. તેનું મન પણ કચવાતું હતું. તેને લાગી રહ્યું હતું કે, મારો ગોપુ દુબળો થઈ ગયો છે. ચા આવી. નીશાના પપ્પાએ ચા તરત પી લીધી. કપ ટીપાઈ પર પાછો મૂકતાં ગોપાલની મમ્મીને પૂછ્યું, “ભાઈ નથી?”
મમ્મીએ જવાબ આપ્યો, “કામે ગયા છે. એ ગયા પછી ગોપાલનો ફોન આવ્યો. નહીંતર રોકાઈ જાત. હજી તો તેમને સમાચાર જ નથી મળ્યા કે, ગોપાલ ઘરે આવ્યો છે. નહીંતર દોડતા ઘરે આવી જાય.”
નીશાના પપ્પા ચૂપ રહ્યા. તેમણે નિશી અને ગોપાલ સામે જોયા વગર જ ગોપાલની મમ્મી તરફ જોઈને કહ્યું, “મને લાગે છે કે, હવે આપણે કોઈ નિર્ણય કરવો જોઈએ.”
એમના આ એક વાક્યથી અચાનક ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ગોપાલે નિશી સામે જોયું. નિશીએ આંખની પાંપણો ઝુકાવીને એને કહ્યું, “અત્યારે ચૂપ રહે. કંઈ બોલીશ નહીં.”
બીચારી ભોળી ગોપાલની મમ્મી કંઈ સમજી નહીં. તેણે પૂછ્યું, “ભાઈ, શેનો નિર્ણય કરવાનો છે?”
પપ્પાને જાણે બોલવામાં તકલીફ પડતી હોય તેમ, તેમણે હાથના બંને પંજાને એકબીજા સાથે ઘસી અને આંગળીઓને એકબીજા સાથે ભીડી. પછી શ્વાસ છોડતાં ધીમા અવાજે કહ્યું, “તમે મારો તો વિચાર કરો. મારો જીવ કપાય છે. આટલું બોલતાં તેમની આંખ પણ ભીની થઈ ગઈ.”
નિશી ઊભી થઈ અને પપ્પાની પાસે આવી. તેણે પપ્પાના ખભા પર હાથ મૂક્યો. તે પણ પોતાના આંસુ રોકી શકી નહીં. પપ્પાએ આંખ સાફ કરતાં ગોપાલની મમ્મીને પૂછ્યું, “ક્યાં સુધી નિશી આવી જિંદગી જીવશે? ગોપાલ જેલમાં અને નિશી અહીંયા. વર્ષો સુધી તેની રાહ જોતી રહેશે? એકાદ બે વર્ષની વાત હોય તો ઠીક હતું, પણ મામલો હવે દસ વર્ષનો છે.”
ગોપાલની મમ્મીને બધું જ સમજાતું હતું, પણ તેની પાસે કોઈ જવાબ નહોતો. જેમ નિશી એમની દીકરી હતી, તેમ ગોપાલ પણ તેનો દિકરો હતો. હવે ગોપાલની ગેરહાજરીમાં તેઓ તો નિશીને જ પોતાનો ગોપાલ માનતાં હતાં. ગોપાલની મમ્મીએ થોડીક ક્ષણો ગોપાલ અને નિશી સામે જોયુ. પછી જવાબ આપતાં કહ્યું, “સારુ, ગોપાલના પપ્પા આવે એટલે હું એમને વાત કરીશ. મને તમારી પીડા સમજાય છે.”
નિશીના પપ્પા ઊભા થયા અને બહાર નીકળ્યા. નિશીએ ગોપાલને કહ્યું, “પપ્પાને નીચે સુધી મૂકીને આવું છું.”
ગોપાલ પણ એની સાથે જવા માગતો હતો, પણ નિશીએ ઇશારામાં ના પાડી. તે પપ્પાની સાથે નીચે ઉતરી.
(ક્રમશ:)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796