Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadબામણ ગુનેગારી કરતો નથી, પણ એક વખત ગુનેગારી કરે પછી પાછુ ફરી...

બામણ ગુનેગારી કરતો નથી, પણ એક વખત ગુનેગારી કરે પછી પાછુ ફરી જોતો નથી

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-19): બીજા દિવસે ગોપાલ ઊઠીને પોતાના કામે લાગી ગયો. કારણ કે હવે આ સ્થિતિ માટે પોતાની જાતને તૈયાર કરવાનું તેણે નક્કી કરી લીધું હતું. સવારે તેને યાર્ડમાં ગોવિંદ મળી ગયો. ગોપાલે નમસ્તે કહ્યું. ગોવિંદે પોતાની સ્ટાઇલમાં વાતની શરૂઆત કરી. ગોપાલના ઘરમાં કોણ કોણ છે, ઘરની સ્થિતિ કેવી છે વગેરે જાણકારી મેળવી. જતી વખતે ગોપાલને કહ્યું, “ચિંતા કરીશ નહીં. ઈશ્વર બધો રસ્તો કરશે અને ઈશ્વર તારો રસ્તો કરે, ત્યાં સુધી હું તારો ચહેરો કરાવી દઈશ.”

ગોપાલને વધુ એક નવો શબ્દ મળ્યો, ‘ચહેરો’ કરાવી દઈશ. ગોપાલના સ્વભાવ પ્રમાણે ગોપાલે બપોર સુધી તપાસ કરી લીધી કે, ‘ચહેરો કરવો’ એટલે શું? જેલની પણ પોતાની એક અલગ ભાષા અને એક અલગ શબ્દકોશ હતાં. ‘ચહેરો કરવો’નો અર્થ હતો, ‘જે કેદીને જેલમાં કામ કરવાનો અધિકાર મળે અને તે કેદીને જેલના નિયમ પ્રમાણે પગાર પણ મળે તે પ્રક્રિયા’ જેને ‘ચહેરો કરવો/કર્યો’ તેવું કહેવામાં આવતું હતું.

- Advertisement -


ગોપાલને જ્યારે ખબર પડી કે, ગોવિંદ તેના માટે જેલમાં કામ શોધવાનો પ્રયત્ન કરશે; ત્યારે તેને ખૂબ આનંદ થયો. કારણ કે બે દિવસમાં જ ગોપાલ કામ વગર કંટાળી ગયો હતો. ગોપાલની બેરેકમાં કેટલાક કેદીઓ નિભ્ભર પણ હતા. જેમને જેલમાં બે ટાઇમ જમવા અને ટીવી જોવા સિવાય બીજું કોઈ કામ નહોતું. બપોરે ગોપાલે જોયું તો સલીમ અને ગોવિંદ કંઈક વાત કરી રહ્યા હતા. ગોપાલને બહુ આશ્ચર્ય થયું કે, ગઈકાલે સામ–સામે આવી ગયેલા સલીમ અને ગોવિંદ શું વાત કરતા હશે!

- Advertisement -તે તરત ત્યાં પહોંચ્યો, સલીમની પીઠ પાછળ તે ઊભો રહ્યો. જેની સલીમને ખબર નહોતી, પણ ગોવિંદે ગોપાલને આવતા જોઈ લીધો હતો. સલીમનું વાક્ય ગોપાલના કાન પર પડ્યું, “ગોવિંદભાઈ, હું મારું ફોડી લઈશ. હું જેલમાં રહું કે બહાર, કોઈ ફેર પડતો નથી. પણ કોઈપણ કિંમતે ગોપાલને બહાર કાઢવો છે.”

ગોપાલ અને ગોવિંદની આંખ એક થઈ. સલીમને વાત કરતો રોકવા ગોવિંદે કહ્યું, “અરે ગોપાલ, કેમ છે? કોઈ તકલીફ તો નથીને?” સલીમે તરત પાછું વળીને જોયું. સલીમ અને ગોપાલે એકબીજા સામે જોયું. “ચાલ, મળીએ મિયાં.” તેમ કહી ગોવિંદ ત્યાંથી નીકળી ગયો.

- Advertisement -

ગોવિંદના મોઢે મિયાં શબ્દમાં પહેલી વખત એક પ્રકારની ભીનાશ હતી. સલીમને તે ગમ્યું. ગોપાલે સલીમની સામે જોયું, સલીમે તેનો ચહેરો જોઈ સ્પષ્ટતા કરતાં કહ્યું, “કંઈ ખાસ વાત નહોતી. તારા માટે વકીલ રોકવાની વાત હતી. કદાચ તારા પપ્પાના ગુસ્સાને કારણે તારા જામીન માટે વકીલ ન રોકે તો શું કરવું? તેની અમે ચર્ચા કરતા હતા.”

ગોપાલ કંઈ બોલે તે પહેલાં સલીમે ઉમેર્યું, “ગોવિંદભાઈએ કહ્યું છે કે, તે વકીલની વ્યવસ્થા કરશે.”

ગોપાલ વિચારમાં પડી ગયો. પહેલાં તો એને પપ્પાનો વિચાર આવ્યો. ખરેખર પપ્પા તેને ક્યારેય માફ નહીં કરે! ગોપાલ એના પપ્પાને ઓળખતો હતો. પપ્પા બહુ ઓછા ગુસ્સે થતા અને ગુસ્સે થયા પછી તરત ભૂલી પણ જતા હતા. પરંતુ આ વખતે એવું થયું નહોતું. ગોપાલને પપ્પાને કારણે બહુ ખરાબ લાગી રહ્યું હતું.

ગોપાલ એવો પણ વિચાર આવી રહ્યો હતો કે, તેણે કેટલી મોટી યોજના બનાવી હતી. તેની પાસે પૈસા આવશે તો તે પપ્પાનું કામ બંધ કરાવી ફરી પપ્પાને અમદાવાદમાં લઈ જશે. તેને ખબર હતી કે, પપ્પાએ આખી જિંદગી ખૂબ મહેનત કરી છે. હવે તે મમ્મી પપ્પાને આરામની જિંદગી આપવા માગતો હતો; પણ તેની એક ભૂલે આખાં સ્વપ્નને રગદોળી નાખ્યું હતું.ગોપાલને પહેલી વખત સમજાયું કે, જિંદગી ક્યારેય આપણી ઇચ્છા પ્રમાણે ચાલતી નથી. જિંદગીના પણ પોતાના ગણિત હોય છે. જિંદગી કંઈક એવા ગણિતનું મંડાણ કરી રહી હતી કે, જેની ગોપાલે ક્યારેય કલ્પના જ નહોતી કરી. ગોપાલને બીજો વિચાર આવ્યો કે, કદાચ કુદરતની જ મદદ હશે કે, જેલમાં તેની સાથે સલીમ હતો અને સલીમ જેવો બીજો એક મિત્ર મળ્યો હતો. ગોવિંદ. ગોપાલની આંખના ખૂણા આ બધા વિચારમાં ભીના થઈ ગયા. સલીમે તેના ખભે હાથ મૂક્યો અને કહ્યું, “ઇન્શાલ્લાહ. બધું સારું થશે.”


જેવો સલીમ ઇન્શાલ્લાહ શબ્દ બોલ્યો કે, તરત એક પાકા કામના કેદીએ બૂમ પાડી, “ગોપાલ… તારી મુલાકાત આવી છે.”

ગોપાલે તરત પ્રશ્નસૂચક નજરે સલીમ સામે જોયું અને તેના મોંમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો, “મુલાકાત!”

સલીમે કહ્યું, “તને મળવા કોઈ આવ્યું છે. કદાચ તારા ઘરેથી જ કોઈ હશે.”

ગોપાલના ચહેરા પર આનંદ દોડી આવ્યો સાથે અનેક પ્રશ્ન પણ દોડી આવ્યા, કોણ આવ્યું હશે? મમ્મી હશે? પપ્પા હશે? નિશી આવી હશે? કે પછી બધાં સાથે આવ્યા હશે?”

ગોપાલના પ્રશ્નોને અટકાવતા સલીમે કહ્યું, “જા, મળી આવ.”

ગોપાલ ઝડપભેર પેલા કેદીની પાછળ ચાલવા લાગ્યો. જેલની દીવાલ બહાર નીકળ્યા વગર પણ કેદી પોતાના પરિવારજનોને મળી શકે તેવી એક ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ગોપાલ મુલાકાતરૂમમાં ગયો. તેણે જોયું તો ત્યાં એક મજબૂત સળિયાવાળી જાળી હતી. તે જાળી ઉપર પણ એકદમ ઝીણી બીજી જાળી ફીટ કરવામાં આવી હતી. બરાબર તેવી જ વ્યવસ્થા બહારની તરફ પણ હતી. ઉપરાંત બે જાળી વચ્ચેનું અંતર પણ ત્રણ ફૂટનું હતું.ગોપાલે જોયું તો બહારની તરફ મમ્મી, પપ્પા અને નિશી ઊભા હતાં. જેલમાં મુલાકાતની વ્યવસ્થા એવી હતી કે, કેદી અને તેને મળવા આવેલી વ્યકિત ખાનગી વાત કરી જ ન શકે. કારણ કે બંને વચ્ચે ત્રણ ફૂટનું અંતર હોવાને કારણે ઊંચા અવાજે જ બોલવું પડે. વધુમાં વચ્ચે ઝીણી જાળી હોવાને કારણે કોઈપણ વસ્તુની આપ–લે પણ ન થઈ શકે.

ગોપાલનું ધ્યાન પપ્પા તરફ ગયું. પપ્પા તેની સામે જ જોઈ રહ્યા હતા. જોકે આજે તેમના ચહેરા પર ગુસ્સો નહોતો. તેમની આંખો પણ ગોપાલને જોવા તરસી રહી હોય, તેવું લાગી રહ્યું હતું. મમ્મીએ ગોપાલને જોતાં જ આંખો લૂછી નાખી. નિશીએ જાળી એવી રીતે પકડી, જાણે તે ગોપાલને સ્પર્શ કરવા માગતી હોય! ગોપાલે પણ ઝીણી જાળીઓ વચ્ચે આંગળી નાખી, તે પણ નિશીનો સ્પર્શ ઝંખે છે તેવી લાગણી દર્શાવી.


મમ્મીએ કહ્યું, “ગોપુ, મેં માતાજીની બાધા રાખી છે. તું જલદી ઘરે આવી જઈશ. ચિંતા કરીશ નહીં.”

ગોપાલ કંઈપણ જવાબ આપે તે પહેલાં જ કહ્યું, “બેટા, મેં સુખડી મોકલાવી હતી તે ખાધી હતી?”

આમ મમ્મી જાણે બધી વાતો એક સાથે જ કરવા માગતી હોય તેવું લાગી રહ્યું હતું. ગોપાલ નિશી સાથે વાત કરવા માગતો હતો. તે મમ્મીને એમ પણ કહેવા માગતો હતો કે, તું પપ્પાનું ધ્યાન રાખજે. પણ એવી તક મળી જ નહીં. બાજુમાં બીજા કેદીઓ પણ પોતાના પરિવાર સાથે વાત કરી રહ્યા હતા. જાણે મચ્છી બજાર હોય તેવો કોલાહલ હતો!

બંને તરફ જેલના સિપાહીઓ ઊભા હતા. તેઓ સતત કેદી અને તેમના પરિવાર ઉપર નજર રાખી રહ્યા હતા. સિપાહીએ ઘડિયાળ તરફ જોયું અને મોટેથી બૂમ પાડી, “ચાલો, મુલાકાત પૂરી થઈ.”જોકે કેદીઓના પરિવારની વાતો તો ખૂટતી જ નહોતી. સિપાહીની બૂમ સાંભળી પપ્પા આગળ આવ્યા. તેમણે ગોપાલ સામે જોઈને કહ્યું, “બેટા, હું તારી સાથે છું.”

બસ આ વાક્ય સાંભળવા જ ગોપાલ જન્મોથી તરસ્યો હોય તેવું લાગ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવાં લાગ્યાં. પપ્પા પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે કહ્યું, “જે થયું તેને બદલી શકાય નહીં, પણ મેં તારા માટે વકીલ રોક્યો છે. તારા જામીનની વ્યવસ્થા કરું છું.”

બંને તરફના સિપાહીઓ કેદી અને પરિવારજનોને સમય પૂરો થઈ ગયાનું કહી ત્યાંથી હટાવી રહ્યા હતા. ગોપાલ મુલાકાતરૂમમાંથી બહાર નીકળ્યો ત્યાં સુધી વળી વળીને પપ્પા સામે જોઈ રહ્યો.


પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular