પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-18): ગોવિંદ બેરેકની બહાર જતાં જ એક કેદીએ સલીમ પાસે આવીને કહ્યું, “ભાઈ સાથે માથાકૂટમાં ઉતરવું નહીં. આમ ભલો માણસ છે. જેલના કોઈપણ કેદીને કોઈપણ તકલીફ હોય, તો ભાઈ તેની મદદમાં હંમેશા હાજર હોય. જેલના મોટા સાહેબો પણ ભાઈને બહુ માન આપે છે. બસ ખાલી એમનું દિમાગ તેજ છે. ગુસ્સો આવે પછી કોઈનું માને નહીં.”
સલીમ સાથે વાત કરી રહેલો કેદી જાણે ખાનગી વાત કહેતો હોય, એવા એના ચહેરાના હાવભાવ અને અવાજ હતા. તેણે પોતાનો અવાજ વધારે ધીમો કરતાં કહ્યું, “આપણે અહીંયા ક્યાં કાયમ રહેવાનું છે?”
સલીમના ચહેરા પર સ્મિત આવ્યું. સલીમને પેલા કેદીની વાત સાચી લાગી. સલીમ પણ બહુ ગુસ્સાવાળો હતો. એટલે જ, જ્યારે સલીમ અને ગોવિંદ વચ્ચે તકરાર થવાની શરૂઆત થઈ; ત્યારે ગોપાલને ડર લાગી ગયો હતો. પણ સારું થયું કે, વાત ત્યાં જ પૂરી થઈ ગઈ.
સલીમ અમદાવાદ જેલમાં બે ત્રણ વખત ગયો હતો. તેની સરખામણીમાં પાલનપુર જેલ બહુ નાની હતી. આ જેલમાં અમદાવાદ જેલ જેવાં ખુલ્લાં મેદાન નહોતાં. પણ હા, પાલનપુર જેલમાં જોતાં જ ગમી જાય એવું કંઈક હતું! એ હતું, જેલના બગીચામાં ઉગેલા દેશી ગુલાબ. તે મનને ઠંડક આપે તેવાં હતાં. સલીમ ગુલાબ જોઈ રહ્યો હતો, ત્યારે ગેટ ઉપર કામ કરતો એક કેદી સલીમ પાસે આવ્યો. તેણે સલીમને કહ્યું, “તારો સામાન ગેટ ઉપર આવ્યો છે.”
સલીમ તેની સાથે ગેટ પર ગયો અને અમદાવાદથી આવેલો કપડાંનો થેલો લઈને પાછો આવ્યો. બપોરના બાર વાગતાં છોટાચક્કરના કેદીઓને બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા. જોકે તેમાં ગોવિંદ અપવાદ હતો. તે દિવસ દરમિયાન જેલના વિવિધ વિભાગમાં કોઈનીને કોઈની મદદમાં રહેતો હતો. સ્વભાવ બરછટ હોવા છતાં અંદરથી બહુ પોચો હતો. બપોરે બેરેકમાં બંધ રહેલા ગોપાલને ફરી ઘરની યાદ આવવા લાગી.
એક દિવસ તે પોતાની બહેન સાથે ઝઘડો કરતો હતો. મમ્મીએ ગુસ્સામાં આવી તેને બાથરૂમમાં પૂરી દીધો હતો. બાથરૂમમાં ગોપાલ ડરી ગયો હતો. તે બુમો પાડી પાડીને પોતાને બહાર કાઢવા કહી રહ્યો હતો. એ સમયે ઘરમાં મમ્મી સિવાય કોઈ નહોતું, પણ થોડીવાર પછી ગોપાલનો આવાજ સાંભળી અચાનક દાદી ત્યાં આવી પહોંચેલાં. પહેલાં તો મમ્મી પર વરસી જ પડ્યાં કે, “સગી મા છે કે સાવકી?”
તેમણે બાથરૂમનો દરવાજો ખોલ્યો અને ગોપાલને બહાર કાઢ્યો. પછી ગોપાલ તો બાજુ પર રહી ગયો, પણ મમ્મી અને દાદી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું. આમ તો મમ્મી દાદીની ખૂબ મર્યાદા રાખતી હતી, પણ તે દિવસે મમ્મીનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો. તેણે દાદીને કહ્યું, “તમે જ આને ફટવ્યો છે. ધ્યાન રાખજો, તમારાં માથા પર એક દિવસ મરી વાટશે મરી!”
ગોપાલને લાગ્યું કે, જ્યારે મમ્મી બાથરૂમમાં પુરી દેતી ત્યારે દાદી મદદમાં આવીને બહાર કાઢતાં. પણ હવે અહીંથી બહાર નિકળવા માટે તેને કોણ મદદ કરશે! તેનો જવાબ નહોતો મળતો.
બેરેકમાં કેટલાક કેદીઓ ટીવી જોઈ રહ્યા હતા. ગોપાલે નોંધ્યું કે, કેદીઓ ચેનલ બદલતા નહોતા. કોઈના હાથમાં રિમોટ પણ નહોતું. પણ દર કલાકે ચેનલ અચાનક બદલાઈ જતી હતી. ગોપાલને સમજાયું નહીં કે, આવુ કેમ થાય છે. અમદાવાદની કોઈ ઘટનાના સમાચાર ચાલી રહ્યા હતા એટલે ગોપાલ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એવામાં સમાચારને બદલે કોમેડી શો શરૂ થઈ ગયો. ગોપાલથી અચાનક બોલાઈ ગયું, “અરે, સમાચાર રહેવા દેને ભાઈ.”
ટીવી જોઈ રહેલા બધા કેદીઓએ એક સાથે પાછા વળીને ગોપાલ સામે જોયું અને બધા એક સાથે હસી પડ્યા. ગોપાલ ઝંખવાણો પડી ગયો. તેને સમજાયું નહીં કે, તેણે એવી કઈ ભૂલ કરી; કે બધા હસી પડ્યા. બાજુમાં બેઠેલો સલીમ પણ હસી રહ્યો હતો. તેણે હસવું રોકીને ગોપાલને સમજાવતાં કહ્યું કે, “આપણે ટીવીમાં શું જોવું, તે આપણે નક્કી કરતા નથી. જેલના એક રૂમમાં બેઠેલા અધિકારી જ નક્કી કરે છે કે, આપણે કઈ ચેનલ અને કયો પ્રોગ્રામ જોવો. રિમોટ તેમની પાસે હોય છે. તે જ ચેનલ બદલે છે.”
ગોપાલને રોજ એક નવા આશ્ચર્યની ખબર પડતી જતી હતી. બપોરના ત્રણ થયા. એક સિપાહી આવ્યો અને બેરેકનું તાળુ ખોલીને ફરી ગણતરી કરવા લાગ્યો. કેદીઓ બેરેકની બહાર નીકળી યાર્ડમાં બેઠા. ત્યાં જ બપોરની ચ્હા આવી. સલીમ અંદર જઈને પોતાની અને ગોપાલની વાટકી લઈ આવ્યો. સલીમે જ વાટકીમાં ચા લીધી અને ગોપાલ સામે મૂકી. ગોપાલ ચા સામે જોતો રહ્યો. સલીમે તો ચા પીવાનું શરૂ કરી દીધું હતું. તેણે અચાનક જોયું કે, ગોપાલે ચા લીધી નથી. સલીમે પોતાની ચા પૂરી કરી અને ગોપાલની ચાની વાટકી ઉપાડી. પોતાના મોં આગળ લઈ ગયો અને પીવાની શરૂઆત કરે ત્યાં જ ગોપાલ બોલ્યો, “અરે, મારી ચા છે.”
બંને હસી પડ્યા. સલીમ જેલનું બાંધકામ જોઈ રહ્યો હતો. કારણ કે અહીંયાની બેરેક બીજા કરતાં બહુ જુદી હતી. એક જૂનો કેદી સલીમને જોઈ રહ્યો હતો. તેણે સલીમને કહ્યું, “આ આઝાદી પહેલાં પાલનપુરના નવાબના ઘોડાઓને તબેલો હતો. અંગ્રેજો આવ્યા અને નવાબના તબેલાને જેલમાં ફેરવી નાખ્યો. માટે બધી બેરેક તબેલા આકારની છે.”
સાંજ પડી ગઈ હતી. કેદીઓને બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા. અચાનક ગોપાલનું ધ્યાન ગયું કે, કેદીઓ બેરેકમાં રહેલા મંદિરમાં આરતી કરવા લાગ્યા. ગોપાલ પણ આરતીમાં જોડાઈ ગયો. આરતી કરતી વખતે ગોપાલનું મન શાંત થઈ ગયુ. સલીમ પોતાની પથારીમાં જ બેઠો હતો. આરતી પૂરી થઈ અને કેદીઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા. અચાનક પાછળથી આદેશાત્મક સ્વરમાં બૂમ પડી, “અવાજ બંધ.”
બધાએ પાછળ જોયું. બેરેકમાં રહેલા મુસ્લિમ કેદીઓની નમાઝનો સમય થયો હતો એટલે એક મુસ્લિમ કેદીએ જ બૂમ પાડીને અવાજ બંધ કરવા કહ્યું હતું.
ગોવિંદ આરતીમાં પણ જોડાયો નહોતો તે પોતાના બિસ્તર પર જ બેઠો હતો. મુસ્લિમ કેદીએ જે ભાષામાં બૂમ પાડી તે તેને ગમી નહીં. તે એકદમ ગુસ્સામાં ઊભો થઈ ગયો અને બૂમ પાડનારા કેદીની એકદમ નજીક જઈને કહ્યું, “અવાજ નીચે રાખવાનો. મને આવો અવાજ ગમતો નથી.”
પેલા મુસ્લિમ કેદીએ નમાઝ માટે પહેરેલી ટોપી કાઢીને ખિસ્સામાં મૂકતાં કહ્યું, “નહીંતર શું કરી લઈશ?”
ગોવીંદની આંખો પહોંળી થઈ ગઈ. તેણે કહ્યું, “નહીંતર શું કરીશ, તેની કલ્પના પણ ન કરીશ.”
બેરેકમાં રહેલા બીજા કેદીઓ ડરી ગયા. કારણ કે જેલમાં જ્યારે આવું કંઈક બને, ત્યારે મારવા મરવા પર વાત આવી જતી હોય છે. ગોવિંદની નજીક જઈ એક કેદીએ ગોવિંદનો હાથ પકડી લીધો. તેને પાછો પાડતાં કહ્યું, “ભાઈ, રહેવા દો. ગુસ્સો ન કરો.”
ગોવિંદે પેલા મુસ્લિમ કેદીને કહ્યું, “બામણ ગુનેગારી કરતો નથી.”
તેમ કહી પોતાના સદરામાં હાથ નાખી જનોઈ બતાડીને કહ્યું, “પણ બામણ ગુનેગાર બને, પછી પાછું ફરીને જોતો નથી. એટલે મારી સાથે તો માથાકૂટ કરતો જ નહીં.”
પેલો મુસ્લિમ કેદી કંઈક બોલવા જતો હતો. સલીમ આગળ આવ્યો અને એ કેદી અને ગોવિંદ વચ્ચે ઊભા રહીને મુસ્લિમ કેદીને કહ્યું, “નમાઝી હો કે કોનસી જબાન મેં બાત કરતે હો? એસા ટંટા કરોગે તો ખુદા ભી નમાઝ કબૂલ નહીં કરેંગે.”
સલીમની વાત પેલા મુસ્લિમ કેદીના હૃદયમાં ઉતરી ગઈ. તે એકદમ શાંત થઈ ગયો. તે નજર નીચી કરીને એક ક્ષણ ચૂપ રહ્યો. પછી જાણે સોરી કહેતો હોય તેવી નજરથી ગોવિંદની સામે જોયું. એવામાં જેલની બહારથી અઝાનનો અવાજ સંભળાયો. બેરેકમાં રહેલા કેદીઓએ નમાઝ પઢવાની શરૂઆત કરી. બેરેકમાં એકદમ નીરવ શાંતિ હતી. ગોપાલે સલીમને ધીમા અવાજે પૂછ્યું, “તારે નમાઝ પઢવાની નથી?”
સલીમના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે ગોપાલ સામે જોતાં એટલા જ ધીમા અવાજે કહ્યું, “મારી ઇબાદત તું જ છે.”
ગોપાલને કંઈ જ ખબર પડી નહીં.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








