Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadસલીમે થેલી સુંઘી અને કહ્યું- સાહેબ સુખડી છે, પોલીસને હાંશકારો થયો

સલીમે થેલી સુંઘી અને કહ્યું- સાહેબ સુખડી છે, પોલીસને હાંશકારો થયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-15): પાલનપુર જિલ્લા જેલનો લોંખડનો તોતિંગ દરવાજો બંધ હતો. પોલીસે જ દરવાજો ખખડાવ્યો. જેલની અંદર રહેલા સિપાહીએ નાનકડી બારીમાંથી બહાર તરફ જોયું. બહાર ઊભેલી પોલીસની બોલેરો કાર જોઈને તે સમજી ગયો કે, પોલીસ કોઈ આરોપીને મૂકવા આવી છે. તેણે અંદરથી લોક ખોલ્યું અને દરવાજો ખોલ્યો. પોલીસે પહેલાં સલીમને, પછી ગોપાલને અંદર તરફ હડસેલ્યા. સલીમને આ પ્રકારના દરવાજામાંથી પ્રવેશ કરવાની આદત હતી; પણ ગોપાલને નહોતી. જેલના તમામ દરવાજામાંથી પસાર થવા માટે માથું નીચે કરવું જરૂરી હોય છે. જેની ગોપાલને ખબર નહોતી એટલે તેનું માથું લોંખડના દરવાજા સાથે અથડાયું. અવાજ આવતાં સલીમે પાછળ જોયું. ગોપાલનો હાથ કપાળ પર હતો. સલીમે કહ્યું, “ભાઈ જરા ધ્યાનથી.”

દરવાજાની અંદર જતાં જ ડાબી બાજુ એક મોટું ટેબલ હતું. ત્યાં એક જમાદાર બેઠા હતા અને તેમની આસપાસ બે–ત્રણ સિપાહી ઊભા ઊભા ગપ્પા મારી રહ્યા હતા. દાદાએ કોર્ટનો હુકમ જમાદાર પાસે ટેબલ પર મૂક્યો. જમાદારે કાગળ હાથમાં લઈ એક નજર કરી. પછી દાદાને પૂછ્યું, “કેટલા, બે છે?”

- Advertisement -

દાદાએ બંને તરફ ઇશારો કરીને હા પાડી. ગેટ ઉપર રહેલા જમાદારે તુચ્છ નજરે બંને તરફ જોયું. પોતાની સામે પડેલો એક ચોપડો ખોલ્યો. કોર્ટના હુકમ પ્રમાણે સલીમ અને ગોપાલની એન્ટ્રી કરી. સામે દીવાલમાં ટાંગેલી ઘડિયાળમાં ટાઇમ જોઈને ચોપડામાં તેની નોંધ કરી. એ નોંધની સામે દાદાએ પોતાની સહી કરી. બહાર નીકળવા માટે દરવાજા તરફ આગળ વધતાં પહેલાં દાદાએ પાછળ ફરીને એક વાર ગોપાલ તરફ નજર કરી. દરવાજા પાસે ઊભા રહેલા સિપાહીએ બહાર જવા માટે દરવાજો ખોલ્યો અને દાદા તથા તેમની સાથે રહેલા પોલીસવાળા બહાર નીકળી ગયા. પોલીસ બહાર ગઈ એટલે જેલના જમાદારે સિપાહીને કહ્યું, “ઝડતીમાં લઈ જાવ આમને.”


- Advertisement -

ગોપાલ માટે આ એક નવી દુનિયા હતી. ઝડતી શબ્દ પણ તે પહેલી વખત સાંભળી રહ્યો હતો. સિપાહી ચાલવા લાગ્યો. તેની પાછળ સલીમ અને ગોપાલ પણ ગયા. ઝડતીમાં એક પોલીસવાળા અને બીજા બે માણસો સફેદ કપડામાં હતા. તેમના માથે પીળી ટોપી હતી. ગોપાલને ખબર નહોતી કે, આ કોણ છે?ઝડતીમાં રહેલા પોલીસવાળાએ ઇશારો કરતા સલીમે ગોપાલના હાથમાં રહેલો કપડાંનો થેલો લઈ પોલીસવાળા સામે મૂક્યો. પોલીસવાળાએ પેલા સફેદ કપડામાં રહેલા માણસ સામે જોયું. તેણે આખો થેલો ટેબલ પર ખાલી કરી નાખી એક એક કપડાં ખોલી ચેકિંગ કરવાની શરૂઆત કરી. સલીમે ધીમા અવાજે ચેકિંગ કરી રહેલા માણસ તરફ ઇશારો કરતાં ગોપાલને કહ્યું, “આ પાકા કામના કેદી છે.”

- Advertisement -

ગોપાલને બહુ આશ્ચર્ય થયું કે, કેદી શું કામ ચેકિંગ કરતા હશે! ત્યાં એક કેદીનું ધ્યાન ગોપાલના હાથમાં રહેલી બીજી પ્લાસ્ટિકની થેલી તરફ ગયું. તેણે થેલી તરફ ઇશારો કરતા ગોપાલને પૂછ્યું, “શું છે?”

સલીમ તરત સમજી ગયો. તેણે ગોપાલના હાથમાં રહેલી થેલી લેતાં કહ્યું, “સુખડી છે. એની માએ આપી છે.”

સલીમે થેલી સિપાહી સામે મૂકી. સિપાહીએ થેલી ખોલીને ચેક કરી. જાણે તે ઉપકાર કરતો હોય તે રીતે થેલી પાછી આપી! સિપાહીએ સલીમ સામે જોતાં કહ્યું, “તારો સામાન કયાં છે?”

સલીમે કહ્યું, “સાહેબ, હું અમદાવાદનો છું. આવતીકાલ સુધી કોઈ આપી જશે.”

સિપાહીએ ખૂણા તરફ ઇશારો કરતાં કહ્યું, “ઝડતી કરાવી લો.”

સલીમ સમજી ગયો. એ તરત ‘ઝડતીરૂમ’ લખ્યું હતું, તેની અંદર ગયો. દરવાજો હોવા છતાં દરવાજો ખુલ્લો હતો, પણ તેની જગ્યાએ પડદો લટકતો હતો. સલીમ અંદર ગયો. પાંચ સાત મિનિટ પછી તે બહાર આવ્યો. ત્યાં સુધી ગોપાલ વિચારી રહ્યો હતો કે, હમણા તો ઝડતી થઈ. હવે રૂમમાં શું કામ ઝડતી કરતા હશે! સલીમ બહાર આવતાં તેણે ગોપાલને અંદર જવાનો ઇશારો કર્યો. ગોપાલ રૂમમાં દાખલ થયો. ત્યાં બીજો સિપાહી બેઠો હતો. તેણે ગોપાલને કહ્યું, “કપડાં કાઢ.”


ગોપાલ એકદમ ડઘાઈ ગયો. કપડાં શું કામ કાઢવાના! ગોપાલ વિચારમાં હતો. તે જોઈને સિપાહીના મોંઢામાંથી ગાળ નીકળી. ગોપાલ ડરી ગયો. તરત તેણે પોતાનો શર્ટ ઉતાર્યો. ત્યાં સિપાહીની બીજા ગાળ આવી. તેણે કહ્યું, “પેન્ટ પણ કાઢ.”ગોપાલને સંકોચ થયો, પણ હવે તેની ત્રીજી ગાળ ખાવાની તૈયારી નહોતી. તેણે પેન્ટ પણ કાઢી નાખ્યું. પોલીસે અંડરવેર કાઢવાનો ઇશારો કર્યો. ગોપાલ કંઈ બોલ્યા વગર પોલીસ સામે એકદમ નગ્ન થઈ ગયો. તેને બીક પણ લાગતી હતી અને શરમ પણ આવતી હતી. પણ કરે શું? પોલીસવાળાએ કહ્યું, “હાથ ઉપર કર.”

ગોપાલે બંને હાથ ઊંચા કર્યા. તેણે કહ્યું, “ગોળ ફર.”

ગોપાલ બંને હાથ ઊંચા રાખી ગોળ ફર્યો. ઝડતીનો અર્થ હતો કે, પોલીસે જે આરોપીને જેલમાં મોકલ્યો છે, તેને કોઈ ઇજા તો થઈ નથીને? તેમ જ, કેદી પોતાની સાથે કોઈ પ્રતિબંધિત વસ્તુ તો છુપાવીને લાવ્યો નથીને?

પોલીસે ઇશારો કરતાં ગોપાલે ફટાફટ કપડાં પહેલી લીધા. તે બહાર આવ્યો. ગોપાલને લાગ્યું કે, તે અંદર હતો ત્યારે તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને હવે તેનો શ્વાસ ફરી શરૂ થયો છે! બહાર ઝડતીમાં રહેલા પોલીસવાળાએ પોતાની સાથે રહેલા પાકા કામના કેદીને કહ્યું, “આફ્ટરમાં લઈ જા.”

પાકા કામનો કેદી તેમને બીજા એક દરવાજામાં થઈને અંદર લઈ ગયો. જેલની દીવાલ પાછળની દુનિયા ગોપાલ પહેલી વખત જોઈ રહ્યો હતો. આખી પ્રક્રિયા પૂરી થતાં પોણા સાત થવા આવ્યા હતા. એક બેરેક પાસે આવીને પાકો કેદી અટકયો. તેણે સલીમ અને ગોપાલને આદેશાત્મક ભાષામાં કહ્યું, “વાસણ અને ધાબળા લઈ લો.”


પહેલાં તો ગોપાલે જોયું કે, સલીમ શું કરી રહ્યો છે. સલીમે ત્યાં પડેલા વાસણના ઢગલામાંથી એક થાળી અને એક વાટકી લીધી. બાજુમાં એક ધાબળાનો ઢગલો હતો. તેમાંથી એક ધાબળો લીધો. ગોપાલે તેનું અનુકરણ કર્યું. ત્યાં એક પીળી ટોપી વાળો કેદી બેઠો હતો. તેણે બૂમ પાડીને કહ્યું, “ખાવાનું હોય તો જલદી લઈ લો. હવે બંધી થશે.”બેરેકની બહાર તપેલાં પડ્યાં હતાં. સલીમ ત્યાં ગયો. તેણે પહેલાં તપેલામાંથી થોડું શાક, રોટલી અને ખીચડી લીધાં. ગોપાલને તો જમવાનું જોતાં જ એકદમ ભૂખ લાગી; પણ તેણે જેવી રોટલી હાથમાં લીધી, તે ધ્રુજી ગયો! તેના ઘરે બનતી રોટલીની સરખામણીમાં એકદમ જાડી રોટલી હતી. ઘરની પાંચ રોટલી બરાબર જેલની એક રોટલી હતી. તેણે માત્ર શાક અને ખીચડી લીધાં. બેરેકની બહાર આવેલાં એક ઝાડ નીચે કેટલાક લોકો જમી રહ્યા હતા. તેમનાથી થોડે દૂર સલીમ જમવાનું લઈને બેઠો. ગોપાલ પણ તેની બાજુમાં ગોઠવાઈ ગયો.

ગોપાલે પહેલો કોળિયો ભર્યો પછી સલીમ સામે જોયું. સલીમ તો જાણે મિષ્ટાન જમતો હોય તેમ જમી રહ્યો હતો! બટાકા-રીંગણનું શાક હતું, પણ તેનો કોઈ સ્વાદ જ નહોતો. બે ત્રણ કોળિયા ખાધા પછી ગોપાલને લાગ્યું કે, આના કરતાં તો ખીચડી જ ખાઈ લઉં. તેણે ખીચડીનો કોળિયો ભર્યો, ત્યાં તો તેનું મોં ખુલ્લું જ રહી ગયું. કારણ કે કોળિયામાં કાંકરો આવ્યો હતો. તેણે આજુબાજુ જોઈને કોળિયો પાછો હાથમાં લઈ દૂર ફેંક્યો. બીજો, ત્રીજો, ચોથો એમ બધા જ કોળિયામાં કાંકરા આવી રહ્યા હતા. તે દિવસે ગોપાલ જમી જ શક્યો નહીં.

પહેલી રાત તે બંનેને આફ્ટર બેરેકમાં કાઢવાની હતી. સાત વાગતાં બધાને બેરેકમાં લીધા. એક પોલીસવાળાએ બહારથી તાળું માર્યું. સલીમ અને ગોપાલને બેરેકમાં જ્યાં જગ્યા મળી, તેની બાજુમાં જ સંડાસ બાથરૂમ હતાં. ત્યાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, પણ સલીમ પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગયો.પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular