પત્ર-2
પ્રિય બાપુ,
તને પહેલો પત્ર લખ્યો પછી તારો પત્ર વાંચનાર વાંચકે મને ટકોર કરી કે બાપુ સાથે તુકારે વાત ના થાય, પણ સાચુ કહુ તો મારી આઈ(મા), મારા ભગવાન અને પછી ત્રીજો તુ જ એવો છે કે મને કાયમ પોતાનો લાગ્યો છે, અને તે પોતાનો લાગે તેની સાથે તુકારે વાત કરવાનો અધિકાર આપમેળે મળે છે અને તે અધિકાર મેં લઈ લીધો છે, આજે તારા આશ્રમના સંદર્ભમાં હું તને બીજો પત્ર લખી રહ્યો છુ, આમ તો લડવુ તે મારો મુળ સ્વભાવ છે, તારી જેમ મેં પણ અનેક લડાઈ પહેલા મારી જાત સામે લડી છે અને લડતો રહ્યો છુ કારણ હું પણ અનેક મર્યાદાઓ સાથે જીવી રહ્યો છુ, હું તારી પાસે જ શીખ્યો છુ કે મારી મર્યાદાઓને છુપાવવા કરતા કબુલ કરી લેવી સારી કારણ તેવુ કરવાથી આપણે બે ચહેરાઓ સાથે જીવવુ પડતુ નથી, બીજી બાબત આપણને સ્નાન સુતકનો સંબંધ હોય નહીં તો પણ જો કઈક અયોગ્ય લાગે આપણો પક્ષ મુકવો.
બાપુ આશ્રમના નવીનીકરણના મામલે ઘણી બધી ગેરસમજ અને અસ્પષ્ટતાઓ છે, વાત તો એવી છે કે જેમને તારા આશ્રમને નવુ સ્વરૂપ આપવુ છુ અને જેમને નવા સ્વરૂપ સામે વાંધો છે, તે બંન્ને પક્ષનો દાવો છે કે તેઓ ગાંધીને પ્રેમ કરે છે પરંતુ સવાલ એટલો જ છે કે ગાંધીને પ્રેમ કરનાર બંન્ને પક્ષો એકબીજા સાથે વાત કરવા તૈયાર નથી, બાપુ તુ તો સંવાદનો માણસ રહ્યો છે તે દેશની આઝાદી માટે પોતાના અને વિરોધી મત ધરાવતા અનેક લોકો સાથે સંવાદ કર્યો હતો. દરેક વખતે લડવુ જરૂરી હોતુ નથી જો સંવાદથી વાત પુરી થતી હોય તો સત્યાગ્રહની જરૂર હોતી નથી, પણ અહિયા કોઈ એકબીજાની સાથે વાત કરવા તૈયાર નથી દરેક દિવાલ તરફ મોંઢુ રાખી સંવાદ કરી રહ્યા છે જયાં તેમને પોતાનો જ પડઘો સંભળાય છે, તને પ્રેમ કરનારની યાદી તૈયાર થાય તો હું છેલ્લી હરોળનો છેલ્લે માણસ હોઈશ, હું આ બધામાં બધી રીતે ખુબ નાનો છુ તેની મને ખબર છે.
બાપુ તારા આશ્રમના નવીનકરણ સામે જેમને વાંધો છે, તેમની સંખ્યા ખુબ નાની છે, પણ તે માણસો નાના નથી તેઓ પોતાના જ્ઞાન અને પદમાં મોટા લોકો છે,નવીનીકરણ ના થવુ જોઈ અને થાય તો તેવી રીતે થાય તે અંગે તેમનો પણ મત છે, બીજી તરફ તારા આશ્રમના ટ્રસ્ટીઓ છે, જો કે તારી ટ્રસ્ટીશીપની વાત કેટલાને સમજાઈ છે તે કહેવુ મુશ્કેલ છે, છતાં કાયદાની પરીભાષામાં તેઓ તારા આશ્રમના ટ્રસ્ટી છે, તેઓ પણ ખાનગીમાં કઈક જુદુ બોલે છે અને જાહેરમાં કઈ બોલતા જ નથી, આશ્રમનું નવીનીકરણ કેવુ થશે તેવુ સરકાર ઘરે ઘરે જઈ કહી શકે નહીં પણ આશ્રમના ટ્રસ્ટીઓએ તો જાણવુ જોઈએ, પણ સ્થિતિ એવી છે કે ટ્રસ્ટીઓ કઈ જાણતા નથી અથવા જે જાણે છે તેમની જાહેરમાં બોલવાની હિમંત નથી, આમ બધુ ગુપચુપ ચાલી રહ્યુ હોવાનો જે ભ્રમ ઉભો થયો છે તેના કારણે અનેક લોકોના મનમાં અનેક શંકા છે.
બાપુ હું પત્રકાર છુ, મારે આ અંગે લખવુ જોઈએ અને જરૂર પડે તો લડવુ પણ જોઈએ તેવી મને પાક્કી ખબર છે, આ હું કોઈના માટે કરતો નથી , હું જે કઈ કરૂ છુ તે મારા માટે અને મારે કરવુ જોઈએ તેના માટે કરૂ છુ, પણ મારી લડાઈની વ્યાખ્યા છેલ્લાં થોડા વર્ષોથી બદલાઈ છે, સ્વભાવીક છે દરેક વખતે માણસ પોતાના અનુભવથી જ બદલાય છે, મેં નક્કી કર્યુ હતું કે આશ્રમના મુદ્દે હું બોલીશ નહીં અને લખીશ નહીં કારણ બહુ સામાન્ય હતું કે આશ્રમના ટ્રસ્ટીઓ જ બોલવા અને લડવા તૈયાર નથી તો મારે શુ કામ લખવુ જોઈએ, કારણ જેઓ લડવા માંગતા નથી તેમના માટે લડવુ નહીં તેવો મારો નિર્ણય છે. આશ્રમના નવીનીકરણના મુદ્દે સરકાર દ્વારા જે મુસદ્દો રજુ કરવામાં આવ્યો તે ટ્રસ્ટીઓ ચુપચાપ સ્વીકારી રહ્યા છે, હું તેવા અંતિમ મતનો પણ નથી કે સરકાર બધુ જ ખોટુ કરે છે અને સરકારો ખોટુ કરશે, પણ આ મુદ્દે સંવાદ થવો જોઈએ સંભવ છે કે તેમના વિરોધ મત પણ હોય પણ તેના ઉકેલની દિશામાં વાત થવી જોઈએ.
બાપુ પણ તેવુ કઈ જ થયુ નહીં, તે તો તમામ માણસો અભય હોય તેવો પાઠ શીખવાડયો, પણ તારા લોકો ડરમાં જીવી રહ્યા છે આશ્રમના ટ્રસ્ટીઓ બધા જ મુદ્દે સંમત્ત નથી પણ સાચુ બોલવાની અને આંખમાં આંખ મીલાવીની હિમંત તેમનામાં રહી નથી, જો ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ જ અભય ના હોય તો ગાંધી મુલ્યનું ત્યાં જ પતન થયુ તે કહેવામાં આવે તો વાંધો નથી, તારા આશ્રમના ટ્રસ્ટીઓને પણ એક અલગ મત છે પણ તેઓ કયારેક ડરમાં તો કયારેક નુકશાન થવામાં ભયમાં પોતાનો મત વ્યકત કરતા નથી આ બહુ વિચિત્ર સ્થિતિ છે જે બાપુએ અમને નિડરતાના પાઠ શીખવ્યા તેની જ ભુમી ઉપર માણસો વિવિધ પ્રકારના ડરમાં જીવી રહ્યા છે કોઈને પોતાનું પદ જવાનો તો કોઈને પોતાની બીજી સંસ્થા ઉપર સરકાર કબજો કરી લેશે તેવો ભય સતાવી રહ્યો છે, જેની ગુમાવવાની તૈયારી નથી તેઓ કયારેય લડી શકતા નથી આવુ જ આશ્રમના ટ્રસ્ટીઓની સ્થિતિ છે.
બાપુ માત્ર આશ્રમના ટ્રસ્ટીઓની આ સ્થિતિ છે તેવુ નથી જેઓ નવીનીકરણનો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ બહુ સીફતપુર્વક પોતાનો વિરોધ કરી રહ્યા છે, સંભાવના એવી પણ છે કે વિરોધ પાછળ ગાંધી પ્રેમ છે તેવુ પણ નથી પણ નવીનીકરણ સરકાર કરી રહી છે એટલે આપણે તો વિરોધ કરવો પડે તેવી માનસીકતા પણ હોય, છતાં તેવુ કઈ જ નથી તેવો શંકાનો લાભ પણ આપણે તેમને આપીએ, એક તબ્બકે માની લઈ કે નવીનીકરણ સામે તેમનો અલગ મત છે તેમા વજુદ છે, પણ આ અલગ મત ધરાવનાર લોકો પણ અભય નથી, તેમના મનમાં પણ કયાંકને કયાંક ડર છે, એટલે તેઓ પોતાની જાતને સલામત રાખી વિરોધ કરી રહ્યા છે, આ વર્ગ અને આશ્રમના ટ્રસ્ટીઓને સ્થિતિ સરખી છે, તેઓ લડાઈ તો લડવા માંગે છે પરંતુ પોતાનો ઘસરકો પણ પડે નહીં તેવી તેમની અપેક્ષા છે, મેદાનમાં ઉતર્યા પછી આપણે સલામત જ પાછા ફરીશુ તેવુ કયારેય નક્કી હોતુ નથી, એટલે જેઓ ટ્રસ્ટી નથી તેઓ જે કઈ કરે છે તેઓ પ્રતિકાત્મક અને પાર્ટ ટાઈમ કરે છે.
બાપુ સત્યાગ્રહ કયારે પ્રતિકાત્મક અને પાર્ટ ટાઈમ હોય નહીં તેની તને ખબર છે જો તે અને તારા સાથીઓએ પાર્ટ ટાઈમ સત્યાગ્ર કર્યો હોત તો હજી પાંચસો વર્ષ નિકળી ગયા હોત. નવીનીકરણનો વિરોધ કરનાર સારા અને સજ્જન માણસો છે પરંતુ તેમને પોતાનો ડર લાગી રહ્યો છે, તેઓ ભુતકાળમાં અનેક લડાઈ લડયા છે અને જેલવાસ પણ ભોગવી ચુકયા છે તેઓ મારી કરતા સારી રીતે જાણે છે કે લડાઈ કેવી રીતે લડી શકાય પણ હમણાં તેઓ પોતાની જાતને સમજાવવા લડી રહ્યા છે, તેમણે મનમાં સ્વીકારી લીધુ કે તેમની લડાઈ પરિણામ સુધી પહોંચશે નહીં, પણ અરીસા સામે ઉભા રહે ત્યારે તેમની જાત તેમને કોઈ સવાલ પુછે નહીં એટલે હું તો લડયો હતો તેવુ કહેવા લડી રહ્યા છે, વાત એટલી જ છે કે અહિયા કોઈ અભય નથી, કિમંત ચુકવ્યા વગર લડવાની વાત છે, બીજાની સામે લડનારે પહેલા પોતાની જાત સાથે લડવુ પડે છે પણ અહિયા તો જાતને સમજાવી લેવાની વાત છે.
બાપુ બસ તને બીજા કામ પણ હશે તને તો વિશ્વ આખામાંથી મારી જેમ અનેક લોકો પત્ર લખતા હશે તું બધાને જવાબ આપે છે તેની મને ખબર છે, બાપુ તારી પાસે બીજુ આ ક્ષણે શુ માંગુ મને તારી જેમ અભય થવાનું વરદાન આપજે
તારો
પ્રશાંત