કિરણ કાપૂરે. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): lithium in Jammu Kashmir : દેશમાં લિથિયમ ધાતુનો (Lithium) સર્વપ્રથમ મસમોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો અત્યારે 5.9 મિલિયન ટન્સનો કહેવાય છે અને તેનું પ્રાપ્તિક્ષેત્ર જમ્મુ કાશ્મીરનો (Jammu Kashmir) રિયાસી જિલ્લો છે. જેવું લિથિયમ મળ્યાના ન્યૂઝ દેશભરમાં ચમક્યા તે પછી તેને લઈને હેડલાઈન બનવા માંડી કે દેશના અર્થતંત્રમાં માટે લિથિયમનું મળવું ગેમચૅન્જર બનશે! લિથિયમની શોધ અંગે થયેલી આટલી હોહાનું કારણ એ છે કે લિથિયમ ભવિષ્યમાં ખૂબ કામ આવી શકે તેવી ધાતુ છે. બીજુ કે, વિશ્વમાં તેનો જથ્થો મર્યાદિત છે અને તેથી પણ દેશમાં તેનું મળવું એ અગત્યની વાત છે. અત્યાર સુધી ભારત (India)લિથિયમને આયાત કરતું આવ્યું છે; પણ હવે નિર્યાત કરવાની સ્થિતિમાં ભારત આવશે. લિથિયમની આસપાસ ઘડાયેલી આવી અનેક વાતોમાં ખરેખર તથ્ય શું છે તે જાણીએ.

લિથિયમનું મુખ્ય કાર્ય બેટરીમાં ઊર્જા ઉત્પન કરવાનું છે. ભવિષ્યમાં જ્યારે બેટરી આધારીત ઇલેક્ટ્રીક વાહનો માર્ગો પર દોડવાના સપનાં જોવાઈ રહ્યાં છે તેમાં લિથિયમ મુખ્ય ફેક્ટર છે. લેપટોપ, મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રિક ડિવાઇઝ માટે પણ તે ઉપયોગી છે. લિથિયમ સિરામિક ઉદ્યોગ, ગ્લાસવેર અને એર કન્ડિશન્ડર માટે પણ વપરાશમાં લેવાય છે. લિથિયમનું જમ્મુ કાશ્મીરમાં અત્યારે મળવું તે કોઈ સહજ ઘટના નથી. બલકે ‘જિઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ને ખ્યાલ હતો કે અહીં લિથિયમ મળવાની શક્યતા છે. પરંતુ જમ્મુ કાશ્મીરના સંજોગોના કારણે ત્યાં આ કામ થઈ શકતું નહોતું.

લિથિયમ મળ્યું છે ત્યારે તેને લઈને જે આનંદ છવાયો છે તેની પાછળ કેટલાંક પડકારોય છે. જેમ કે સરકાર માટે લિથિયમના માઇનિંગનો વહિવટ કરવો એ સરળ નથી. પ્રથમ મુદ્દો એ છે કે લિથિયમના રિઝર્વને માઇન કોણ કરશે? કારણ કે હવે માઇનિંગ ક્ષેત્રે સો ટકા વિદેશી મૂડી રોકાણને મંજૂરી છે. અને તેથી વિદેશી કંપનીઓ લિથિયમના માઇનિંગમા પ્રવેશશે તેવી શક્યતા જોવાઈ રહી છે. માઇનિંગમાં હજુ આપણે નવાસવા છીએ, તેના મુકાબલે અમેરિકા-યુરોપ અને રશિયાની કંપની માઇનિંગમાં માહિર ગણાય છે. આનો તોડ એ રીતે નીકળી શકે કે પહેલાં કોઈ ભારતીય કંપની વિદેશી કંપની સાથે ભાગીદારી કરે અને પછી તે સ્વતંત્ર્ય રીતે માઇનિંગ કરે.

જમ્મુ કાશ્મીરમાં માઇનિંગ દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે તેથી પણ માઇનિંગની જવાબદારી સરકાર હસ્તક રાખશે. અથવા તો અંતે દેશની કોઈ કંપની તે સોંપી શકે. જમ્મુ-કાશ્મીર જેવા સંવેદશનશીલ રાજ્યમાં તો સુરક્ષાનો મુદ્દો વધુ ગંભીર બને છે. અહીં વિદેશી કંપનીને માઇનિંગ કામ આપવું તે જોખમી સાબિત થઈ શકે છે. દેશમાં દરેક રાજ્યમાં કોઈને કોઈને ધાતુ કે કુદરતી સંસાધનોનું માઇનિંગ થાય છે, તેમ છતાં તેમાં લોકો તરફથી વિરોધ થવાનો અંદેશો હંમેશા હોય છે. મધ્ય પ્રદેશમાં હાલમાં રીઓ ટીન્ટો નામની કંપનીને મોટા જથ્થામાં હિરાની ખાણ મળી, પરંતુ લોકોના વિરોધના કારણે અહીં તે કામ શરૂ ન થઈ શક્યું. જંગલ નષ્ટ થવાના કારણે અહીં લોકોએ વિરોધ કર્યો હતો. આવાં અનેક પ્રોજેક્ટ છે, જે સ્થાનિક લોકોના કારણે શરૂ ન થઈ શક્યા. તેથી સરકાર સામે એ મોટો પડકાર છે કે અહીં લોકોને કેવી રીતે સમજાવવા.
લિથિયમનો જે જથ્થો મળ્યો છે તે ઓલમોસ્ટ છ મિલિયન્સ ટન્સનો છે. પરંતુ નિષ્ણાતોના કહેવા મુજબ અત્યારે જે જથ્થો દર્શાવાઈ રહ્યો છે તેનો ત્રીજો ભાગ જ ઉપયોગમાં આવશે. એ ગણતરી મુજબ માત્ર બે મિલિયન ટન્સ લિથિયમ ભારત અત્યારે ધરાવે છે. દુનિયામાં સૌથી વધુ લિથિયમ ચીલી દેશ ધરાવે છે. તેની પાસે 9.3 મિલિયન્સ ટન્સ લિથિયમ રિઝર્વમાં છે, જ્યારે ઓસ્ટ્રલિયા પાસે લિથિયમ 3.8 મિલિયન્સ ટન્સ છે. ચીન અને ભારત અત્યારે લિથિયમ રિઝર્વમાં ઓલમોસ્ટ એક જ પોઝિશન પર ઊભા છે. નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે વિશ્વમાં મળેલાં આ બધા લિથિયમની ગણતરી માંડીએ તો તેનો જથ્થો 26 મિલિયન્સ ટન્સ જેટલો થાય છે અને તેની અસર વિશ્વના ઇલેક્ટ્રોનિક વાહનો પર સકારાત્મક પડવાની છે. આ માર્કેટ દિવસેને દિવસે મોટું બની રહ્યું છે તે કારણે પણ લિથિયમ મોંઘુ બનશે.
અહીં એ પણ ટાંકવું રહ્યું કે 2030 સુધી કેન્દ્ર સરકાર મોટા પ્રમાણમાં લોકો ઇલેક્ટ્રોનિક વાહન સ્વીકારશે તેવા આયોજન કરી રહી છે. આ આયોજનને સાકાર કરવા માટે લિથિયમ અગત્યનું ટુલ છે, અને હવે તે સાકાર કરવામાં કોઈ મોટી અડચણ દેખાતી નથી. લિથિયમની પ્રાપ્તિને લઈને એક પ્રશ્ન નિષ્ણાતો એ પણ ઊઠાવી રહ્યા છે કે લિથિયમ મળ્યું તે ખુશીની વાત હોવા છતાં જમ્મુ કાશ્મીરમાં મળ્યું છે તેને લઈને કેટલીક મુશ્કેલી છે. જમ્મુ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી વધુ સૈન્યશક્તિ ધરાવતું ક્ષેત્ર છે. અને અહીંયા અવારનવાર એવી ઘટના બને છે જેના કારણે સુરક્ષામાં પડકાર સર્જાય છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાનનો સરહદી વિવાદ અહીં શમ્યો નથી. 2019માં જમ્મુ-કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ હટાવી લીધા બાદ હજુ અહીં લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધની અસર પણ લિથિયમ રિઝર્વના માઇનિંગ પર જોવા મળી શકે છે. આ કાર્ય સરળ કરવા માટે સ્થાનિક યુવાનોને રોજગાર આપવાથી માંડિને આ પ્રોજેક્ટથી થનારી નકારાત્મક અસરને પણ સરકાર ખાળવી પડશે.
કુદરતી સંસાધનોના બાબતે જે મુદ્દો સૌથી પહેલાં ચર્ચાવો જોઈએ તે નથી ચર્ચાતો અને છેલ્લે તેના પરિણામ આપણે ભોગવીએ છીએ. જમ્મુ-કાશ્મીરમાં મળેલી લિથિયમને લઈને પણ એવું જ થયું. અલ્ટીમેટલી આટલી મોટા પ્રમાણમાં જ્યારે લિથિયમ કાઢવામાં આવશે તો તેની પર્યાવરણીય અસર ઘાતક થશે. અહીંયા હિમાલયની પર્વતીય હારમાળા છે, જંગલો-ખેતરો છે, હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ્સ પણ છે. આ બધા પર કોઈ અસર થયા વિના લિથિયમનું ખનન કરવું અશક્ય છે. આ સિવાય નિસર્ગને નુકસાન કરનારા અનેક પરિબળો લિથિયમ ઊભા કરશે. જેમ કે લિથિયમના ખનનથી અહીં પાણીની અછત ઊભી થશે. કારણ કે એક ટન લિથિયમના ખનન અર્થે પાંચ લાખ ગેલન્સ પાણી જોઈએ. એ રીતે આ વિસ્તારનું મહદંશ પાણી ખનન માટે વપરાશે. જમ્મુ કાશ્મીરમાં જ્યાં લિથિયમ મળ્યું છે તે વિસ્તાર ભૂકંપની રીતે હાઈએસ્ટ સિસ્મિક ઝોનમાં આવે છે. ખનન પ્રવૃત્તિથી ભૂકંપના કારણે વધુ નુકસાન થઈ શકે છે. અહીંયાના જંગલો પણ નષ્ટ થશે અને જેના કારણે ઇકોસિસ્ટમ ખોરવાશે. જોકે અત્યારે તો સરકાર બધી બાબતની બાંયધરી આપીને સ્થાનિકોને મનાવવા પ્રયાસ કરી રહી છે. આ કિસ્સામાં હંમેશા આપણે જોતાં આવ્યા છે કે એક વાર પ્રોજેક્ટ શરૂ થઈ ગયા પછી તેમાં ધ્યાન નથી અપાતું અને સ્થાનિક લોકો રઝળી પડે છે.
લિથિયમના રિઝર્વની વિગત જ્યારે સામે આવી ત્યારે તેના ન્યૂઝ બન્યાં અને તેના વિશે ખાંખાખોળા કરીને અખબારો અને ન્યૂઝ પોર્ટલ પર ઘણું લખાયું. તેમ છતાં હજુ તેના વિશેના વિસ્તૃત અહેવાલો લખાયા નથી. લિથિયમ કેટલું પણ ઉપયોગી હોય પણ અલ્ટીમેટલી તેની લાંબા ગાળાની અસર તપાસ્યા વિના તેનું ખનન ન થાય. અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ પરથી એટલું તો કહી શકાય કે દેશના કુદરતી સંસાધનોનું ખનન થાય છે ત્યારે તેનો લાભ નિર્ધારીત વર્ગને જ થાય છે અને તેની સામે જ્યાંથી આ કુદરતી સંસાધનો લેવામાં આવે છે તેમની પેઢીઓની પેઢીઓ નુકસાની તળે દબાઈ જાય છે. છેલ્લે તો કુદરત વચ્ચે રહેનારા લોકો પાસે કુદરતની જ સંપત્તિ છે. બીજું કે આ નુકસાન પ્રથમ દૃષ્ટિએ માત્ર જે તે સ્થાનિક લોકોનું લાગી શકે, પરંતુ આખરે તો તે સહિયારું નુકસાન છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796