કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં અત્યારે જે રીતે બજારવાદનો વ્યાપ વધ્યો છે તેનો લાભ સાહિત્યને પણ મળી રહ્યો છે. દર વર્ષે હવે સાહિત્યના મેળાવડા વધી રહ્યા છે અને પૂરા દેશમાં અત્યારે તેની ધૂમ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં અલગ-અલગ રાજ્યોમાં આ રીતે સાહિત્યના મેળવડા થાય છે અને તેમાં લાખો લોકો સામેલ થાય છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા 16 વર્ષથી લગલાગટ થઈ રહેલા આ ફેસ્ટિવલમાં અત્યાર સુધી 2000 જેટલાં વક્તાઓ આવી ચૂક્યા છે. સફળતાપૂર્વક આ ફેસ્ટિવલ યોજવાનો શ્રેય તેના ડિરેક્ટર નમિતા ગોખલે અને વિલિયમ ડેલરીમ્પલને જાય છે. નમિતા લેખક અને પ્રકાશક છે અને તેઓ પુસ્તક સંબંધિત અસંખ્યો કાર્યક્રમો કરી ચૂક્યાં છે. નમિતા ગોખલે પુસ્તકની દુનિયામાં છેલ્લા ચાર દાયકાથી છે અને તેથી તેઓ આ કાર્યક્રમને ન્યાય આપી શકે છે. તેમની સાથે ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ના આયોજનમાં બીજા મહત્ત્વના વ્યક્તિ વિલિયમ ડેલરીમ્પલ છે. તેમની ઓળખ ઇતિહાસકાર અને ફોટોગ્રાફર તરીકેની છે. વિલિયમ ડેલરીમ્પલ મૂળે સ્કોટલેન્ડના છે, પણ તેઓ વર્ષોથી દિલ્હીમાં રહે છે. ‘બીબીસી’ અને દુનિયાભરના મહત્ત્વના મીડિયામાં ચાર દાયકાથી કામ કરતાં વિલિયમ ભારતની સાહિત્યની દુનિયાને સારી રીતે જાણે છે અને સાથે-સાથે આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતીય સાહિત્યની વાત કરી શકે તેવાં છે. અને તેથી તેઓ ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ સાથે જોડાઈ શક્યા છે. આ ઉપરાંત, નમિતા અને વિલિયમ સાથે ‘ટીમવર્ક આર્ટ’ કંપનીના સંજોય રોય પણ છે. આ ફેસ્ટિવલ પહેલાંવહેલાં ફેથ સિંઘ શરૂ કર્યો હતો, પરંતુ તેની નામના મેળવવામાં અત્યારના આયોજકોનો મોટો ફાળો છે. આશ્ચર્ય થાય પણ આ ફેસ્ટિવલ એટલો જાણીતો બન્યો કે તેનું આયોજન વિશ્વભરના દેશોમાં પણ થયું. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન અને જ્યાં ભારતીયો વસતાં હોય ત્યાં ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ના બેનર હેઠળ આંતરરાષ્ટ્રિય ફેસ્ટિવલ યોજાય છે.
સ્થાનિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે અનેક સાહિત્ય કૃતિ લખાય છે. લેખનમાં અને અભિવ્યક્ત થવામાં કંઈ કેટલાંય પ્રયોગો દેશભરમાં થાય છે. સાહિત્ય સાથે જોડાયેલા ફિલ્મ, ડ્રામા અને અન્ય પ્લેટફોર્મ પર પણ અનેક એવી રજૂઆત થાય છે, જે સામાન્ય રીતે ધ્યાને ચડતી નથી. આ ફેસ્ટિવલ્સ આવાં લેખકો-સર્જકોને પ્લેટફોર્મ આપે છે. અહીં લેખકો-સર્જકો પાતોની સર્જનપ્રક્રિયાને વર્ણવે છે. શ્રોતાઓ સાથે રૂબરૂ થાય છે, તેમના સવાલોના જવાબ આપે છે. આ રીતે પોતાના મનગમતાં સર્જકો સાથે સંવાદ કરવાનો અહીં અવસર મળે છે. અને તેથી આ ફેસ્ટિવલનું મહત્ત્વ અંકબધ રહે છે. દર વર્ષે અહીં નવાં નવાં સ્પીકર્સ આવે છે. આ વર્ષે દેવદત્ત પટનાયક, અમીષ, અમિતાભ કાંત, વિશાલ ભારદ્વાજ, વીર સંઘવી, વિકાસ સ્વરૂપ, શીવશંકર મેનન જેવાં જાણીતાં સ્પીકર્સ તો છે, પણ બીજા દેશ-વિદેશના એવાં અનેક નામો છે, જેમનું નામ ભારતના કાર્યક્રમોમાં પ્રથમ વખત આવ્યું હોય. આ પ્રકારના ફેસ્ટિલની આ ખાસિયત છે અને તેનાથી આકર્ષણ પણ જામે છે.
પશ્ચિમ ભારતમાં જેમ ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ ધૂમ મચાવે છે, તેમ દક્ષિણમાં આ પ્રકારના સાહિત્યનો કાર્યક્રમમાં ‘માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑફ લેટર્સ’ થાય છે. આ ફેસ્ટિવલની હાલમાં પાંચમી એડિશન યોજાશે. તેની આયોજનની તારીખે 8થી 11 ફેબ્રુઆરી છે. ચાર દિવસના આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ લેખકો-સર્જકો આવીને પોતાની વાત રજૂ કરશે. દક્ષિણ ભારતનો આ સૌથી મોટો સાહિત્યિક મેળાવડો છે, તેવું આ કાર્યક્રમની વેબસાઈટ પર ફ્લેશ થાય છે. કેરળના થિરુવંથપુરમાં થઈ રહેલાં આ મેળાવડાંની છેલ્લી એડિશનમાં પાંચસો જેટલાં લેખકો સામેલ થયા હતા. 2024ના સ્પીકર્સની યાદીમાં રાષ્ટ્રિય કક્ષાના જે જાણીતાં નામો છે, તેમાં રામચંદ્ર ગુહા, ઇરફાન હબીબ, આઈપીએસ મીરાન ચઠ્ઠા બોરનવકર છે. આ લિટરેચર ફેસ્ટિવલમાં સ્થાનિક નામો ઘણાં છે. દક્ષિણ ભારતમાં સાક્ષરતા વધુ છે અને ત્યાં વધુ સાહિત્ય લખાય છે, ઉપરાંત ‘માતૃભૂમિ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઑફ લેટર્સ’નું આયોજન માતૃભૂમિ મીડિયા ગ્રૂપ દ્વારા થાય છે. માતૃભૂમિ અખબાર કેરળનું જાણીતું અખબાર છે, એ રીતે પણ આ લિટરેચર ફેસ્ટિવલ સફળતા સર કરી રહ્યો છે. આ ફેસ્ટિવલના નામમાં ‘ઇન્ટરનેશનલ’ લગાવ્યું છે તેને સાર્થક કરતાં નામો તેમની સ્પીકર્સની યાદીમાં પણ જોવા મળે છે.
આપણા દેશમાં દરેક રાજ્યમાં આ પ્રકારના ફેસ્ટિવલ થાય છે અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ‘કલિંગ લિટરેચર ફેસ્ટિવલ’ યોજાય છે. આ વર્ષે તેનું દસમું વર્ષ છે અને ફેબ્રુઆરીના 9થી 11 તારીખ વચ્ચે આ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલ યોજવા માટે મસમોટું બજેટ જોઈએ. નેટવર્ક જોઈએ અને સાથે સાથે તેને આયોજન પાર પાડનારી થિંક ટેન્ક પણ જોઈએ. ‘કલિંગ લિટરેચર ફેસ્ટિવલ’ની વેબસાઈટ જોઈએ તો ખ્યાલ આવે કે દેશના પૂર્વીય હિસ્સામાં આ ફેસ્ટિવલનું ખાસ્સું મહત્ત્વ છે. આ ફેસ્ટિવલ એટલો નામના મેળવી ચૂક્યો છે કે તેના અંતર્ગત હવે લેખકોને સન્માન આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલથી સાહિત્યનો વ્યાપ કેવી રીતે વધી શકે અને લોકો વચ્ચે સાહિત્ય કેવી રીતે પહોંચી શકે તેના અનેક દાખલા જોઈ શકાય છે. 2022થી તો ‘કલિંગ લિટરેચર ફેસ્ટિવલ’ની એક શાખા નેપાળના કાઠમંડુ ખાતે પણ શરૂ થઈ છે.
મહારાષ્ટ્રના પુના ખાતે ‘હિસ્ટરી લિટરેચર ફેસ્ટિવલ’ થાય છે. આ વર્ષે તે 9થી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાવાનો છે. આ ફેસ્ટિવલની ટેગલાઈન છે : ‘બેસ્ટ ઇન્ડિયન હિસ્ટોરીયન અન્ડર વન રૂફ’. હવે જ્યારે ઇતિહાસમાં ભેળસેળ થઈ રહી છે અને ઇતિહાસમાં તથ્યો સાથે છેડછાડ થઈ રહી છે ત્યારે માત્ર ઇતિહાસની વાત આ ફેસ્ટિવલમાં રજૂ થાય છે. આ ફેસ્ટિવલમાં સ્પીકર્સની યાદીમાં અંજુમ રજબઅલી, નંદીતા દાસ, અમર ફારૂકી છે. આ હિસ્ટરી ફેસ્ટિવલ નાના પાયે યોજાય છે, કારણ કે તેમાં વિષય નિર્ધારીત થયેલો છે. તેમ છતાં દેશભરમાં અભ્યાસીઓ વચ્ચે આ ફેસ્ટિવલની ચર્ચા થાય છે. લિટરેચર ફેસ્ટિવલમાં હવે કેવી રીતે વિશેષ બની શકે તેનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે અને આ ફેસ્ટિવલ તેનું ઉદાહરણ છે, જેમાં માત્ર ઇતિહાસને પ્રાધાન્ય આપવામાં આવે છે.
સાહિત્યના મેળાવડામાં જેને વિશેષ મહત્ત્વ આપી શકાય તેવો ‘ન્યૂ દિલ્હી વર્લ્ડ બુક ફેર’ પણ છે. દિલ્હીના પ્રગતિ મેદાન પર યોજાતો આ બુક ફેરનું આયોજન ‘નેશનલ બુક ટ્રસ્ટ’ દ્વારા થાય છે. 1972થી આ મેળાની શરૂઆત થઈ હતી. 10થી 18 ફેબ્રુઆરી દરમિયાન આ મેળો યોજાવાનો છે અને તેમાં દુનિયાભરના પ્રકાશકો સામેલ થાય છે. આ મેળામાં અનેક સાહિત્યિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે અને પુસ્તકપ્રેમીઓને અહીંયા શું લઈએ અને શું છોડીએ તેની મથામણ રહે છે. સરકારી રાહે થતો હોવા છતાં આ મેળાનું આયોજન સારી રીતે થાય છે. જોકે હજુ સુધી તેની વેબસાઈટ લોડ થતી નથી, એટલે તેના વિશેની વધુ માહિતી ઉપલબ્ધ થતી નથી.
આ ઉપરાંત પણ આંધ્રપ્રદેશના ગુન્ટુર શહેરમાં ‘ગુન્ટુર ઇન્ટરનેશનલ પોએટ્રી ફેસ્ટિવલ’નું આયોજન થાય છે. 2008થી આ ફેસ્ટિવલનું આયોજન થાય છે અને અહીંયા 15 વર્ષમાં પાંચ હજારથી વધુ કવિઓ પોતાના સર્જનની કે સર્જન સફરની વાત કરી ચૂક્યા છે. જોકે હાલમાં તેમની વેબસાઈટ પર ક્યારે ફેસ્ટિવલ યોજાવાનો છે તેની તારીખ ઉપલબ્ધ નથી. આ ફેસ્ટિવલમાં જેનું નામ બેસ્ટ સાહિત્યિક મેળાવડા તરીકે લઈ શકાય તેવો ‘જશ્ન-એ-રેખ્તા’ છે. ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં યોજાઈ ગયેલા ‘જશ્ન-એ-રેખ્તા’ ઉત્કૃષ્ટ સાહિત્યને પ્રોત્સાહિત કરે છે. રેખ્તા ફાઉન્ડેશન આ મેળવડાનું આયોજન કરે છે અને તેમાં સામેલ થનારાઓમાં જાવેદ અખ્તર, ઇમ્તિઆઝ અલી, મુઝફ્ફર અલી, શબાના આઝમી, ગુલઝાર, પંડિત જસરાજ, ઇરફ્ફાન ખાન, પ્રસૂન જોષી, અમિષ ત્રિપાઠી જેવાં નામો છે. રેખ્તા શુદ્ધ રીતે સાહિત્યિક કાર્યક્રમો યોજે છે અને તેથી તેમાં અન્ય લિટરેચર ફેસ્ટિવલ જેવી ભેળસેળ થતી નથી. આ ઉપરાંત, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, લખનઉ લિટરેચર ફેસ્ટિવલ, દેહરાદૂન લિટરેચર ફેસ્ટિવલ, હૈદરાબાદ લિટરેચર ફેસ્ટિવલ, કાશ્મીર લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થાય છે. જે લિટરેચર ફેસ્ટિવલનું આયોજન આગામી બે અઠવાડિયામાં થવાનું છે તેની અહીં વાત મૂકી છે, બાકી તો આ દરેક લિટરેચર ફેસ્ટિવલ વિશે વિગતે વાત થઈ શકે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796