Saturday, April 20, 2024
HomeGujaratભુજે મને કાનમાં કહ્યું, ‘કચ્છમાં આપનું સ્વાગત છે’. કોલંબસ નજરે હું આમતેમ...

ભુજે મને કાનમાં કહ્યું, ‘કચ્છમાં આપનું સ્વાગત છે’. કોલંબસ નજરે હું આમતેમ જોતો જોતો ધીમાં ડગલાં ભરતો હતો…

- Advertisement -

૩ સપ્ટેમ્બર ૧૯૯૫નો એ દિવસ ભુલાય એમ નથી. ઇન્ટરનેટ યુગ પહેલાંનો એ સમય. વાયા વાયા કોઈ વાત મળે ને થેલો ભરાવી નીકળી પડવાનું. આશા સાથે નીકળવાનું ને નિરાશ થઈને પાછા આવવાની તૈયારી રાખવાની.

મારી ફોટોગ્રાફી કૅરિયરની શરૂઆત જ કચ્છથી. ૧૯૯૨માં કચ્છની પ્રથમ મુલાકાતે જ મને એક સાંસ્કૃતિક રંગે રંગી કાઢેલો. ફરી કચ્છ આવવાની ગાંઠ મારીને ભુજ છોડેલું ત્યારે ખબર નહોતી કે ૧૯૯૫માં કૅમેરા સાથે નકશાની દાંડીએ કચ્છ આવવાનું સૌભાગ્ય મળશે. પણ, ૧૯૯૨માં જે ગાંઠ મારેલી એ મનથી મારેલી. ને એ ગાંઠ છૂટવાનું કારણ એટલે કચ્છનો ‘જન્માષ્ટમી’નો ઉત્સવ ૧૯૯૩-૯૪ દરમિયાન કચ્છ વિશેનાં બે-ત્રણ પુસ્તકો પણ વાંચેલાં. એના પરથી ખબર પડેલી કે કદાચ ગુજરાતમાં સૌથી મજબૂત સાંસ્કૃતિક ધરોહર ધરાવતો જિલ્લો હોય તો એ ‘કચ્છ’ છે. ‘કચ્છના લોકમેળાઓ’ એ પુસ્તક વાંચ્યું ત્યારે ખબર પડી કે કચ્છમાં ખાલી ‘સાતમ-આઠમ’ના થઈને બસો જેટલા મેળા થાય છે. ગામે-ગામ નાના-મોટા મેળાઓ. ને એમાં એક વાક્ય વાંચ્યું કે કચ્છમાં વસતા ઢેબરિયા રબારીઓમાં માત્ર એક જ દિવસે લગ્નો લેવાય છે.

- Advertisement -
જેને ગોકુળિયાં લગ્નો કહે છે. જોકે મોટેભાગે બાળલગ્નો કરવાનો રિવાજ છે. બસ, આ વાક્યમાં આ પુસ્તકનું મૂળ રહેલું છે. ૧૯૯૫માં પ્રૉફેશનલ ફોટોગ્રાફી બસ શરૂ જ કરી હતી. જન્માષ્ટમી ને ગોકુળિયાં લગ્નો જે ક્યારેય જોયાં ન હતાં એનાં સપનાં આવવા લાગ્યાં. સપનાંમાં અમદાવાદથી ભુજની બસમાં અનેક વાર બેસી ચૂકેલો. અમદાવાદમાં હરતાં-ફરતાં હું કચ્છની ભૂગોળને શોધતો. જાન્યુઆરી ૧૯૯૫માં પ્રૉફેશનલ કૅમેરા ને લેન્સ લેવા મુંબઈ ગયો ત્યારે બોરાબઝાર સ્ટ્રીટમાં આવેલી કૅમેરાની આધુનિક દુકાન ધરાવનાર વડીલ મિત્ર રસિકભાઈએ પૂછ્યું, ‘તમે કમર્શિયલ કામ કરો છો?’ મેં કહ્યું, ‘ના.’ ‘તો પછી આ ત્રણ લેન્સ…’ મેં કહ્યું, ‘મારે કચ્છમાં ફરવું છે.’ એમના ચહેરા પર આશ્ચર્યચિહ્ન હું જોઈ શકતો હતો. પણ, એ કંઈ બોલ્યા નહીં. એમના માટે કૅમેરા વેચવો એ કમર્શિયલ વાર્તા હતી. ને મારા માટે કૅમેરા ખરીદવો એક ‘વિઝ્યુઅલ પોએટ્રી’ હતી. મને યાદ છે જાન્યુઆરીમાં કૅમેરા લઈ આવ્યા પછી હું રોજ કૅલેન્ડરની તારીખમાં સવારે લીટો કરતો. ને જન્માષ્ટમી મને નજીક ને નજીક દેખાવા લાગતી.

આખરે ૩૧મી ઑગસ્ટે સવારે લીટો કર્યો ને ૧લી સપ્ટેમ્બરે અમદાવાદથી ભુજની બસમાં ગોઠવાયો. સવારે ૬ વાગ્યે ભુજ ઊતર્યો ત્યારે ધીમો ધીમો વરસાદ પડતો હતો. ભુજે મને કાનમાં કહ્યું, ‘કચ્છમાં આપનું સ્વાગત છે’. કોલંબસ નજરે હું આમતેમ જોતો જોતો ધીમાં ડગલાં ભરતો હતો. ત્યાં એક પાટિયું વાંચ્યું : ‘અનમ હોટલ—રહેવાની શ્રેષ્ઠ સુવિધા.’ પગ એ તરફ વાળ્યા. ને પછી તો એ જ ઠામ-ઠેકાણું. ૨૦૦૧માં ધરતીકંપ વખતે એ હોટલ પડી ગઈ એ મેં જ્યારે જોયું ત્યારે મને મારું ઘર પડી ગયું હોય એટલો આઘાત લાગેલો. મને રબારી લગ્નો ક્યાં ક્યાં થાય છે, એ લોકોનાં ગામનાં નામ તથા બીજી માહિતી આપનારો વેઇટર ‘કૌશિક’ એ પછી ક્યારેય મળ્યો નથી. પણ, ૧૯૯૫થી ૨૦૦૦ સુધીની તમામ જન્માષ્ટમીએ અમે એકબીજાની રાહ જોતા, કયા ગામમાં કેટલાં લગ્નો છે એની જાસૂસી એ મારા માટે કરી લાવતો. ને કૌશિકચીંધ્યા માર્ગે મારી રબારી લગ્નોને ક્લિક કરવાની યાત્રા શરૂ થતી. ગામડાંનાં માણસો ભોળાં હોય છે એવું સાંભળેલું.
હવે, એ અનુભવી રહ્યો હતો. કેટલાંક ગામોમાં મને ‘ફોટો પાડવાના કેટલા લેશો?’ એવા સવાલો પણ કરતા ત્યારે હું મારા સ્વાર્થ પર હસીને કહેતો, ‘કોઈ પૈસા નહીં, ખાલી જમાડવાનો તમારે’. ને લાપશી, ભાત, દાળ, લાડુ ને ગાંઠિયાંનું જમણ જમી લેતો. એક ગામથી બીજે ગામ ત્રણ-ચાર કિ.મી.નું અંતર ચાલતાં જ કાપી લેતો. આજે કેટલાય રબારી મિત્રો ગામેગામ હજુ પણ જઉં ત્યારે પ્રેમથી ભેટીને મળે છે. એ લોકો સાથે વાતમાંથી વાત નીકળતી ગઈ ને લગ્નોની સાથે સાથે મેળાઓ ને જન્માષ્ટમીનાં વિવિધ પાસાંઓની ક્લિક થતી ગઈ.

પહેલાં ‘લાડો’ (વરરાજા) ઊંટ પર આવતા. પછી છકડામાં ને પછી મારુતિ કારમાં! ભૂકંપ પછી માહોલ બદલાયો. સરકારે પણ બાળલગ્નો ન થાય એના માટેના પ્રયત્નો કર્યા. ને છેવટે બધાની સમજાવટ પછી રબારી આગેવાનોની દરમિયાનગીરી બાદ બાળલગ્નો બંધ થયા, અને પુખ્ત વયના સ્ત્રી-પુરુષના સમૂહલગ્નોનું આયોજન ૨૦૧૫થી થવા લાગ્યું. એક આખો સાંસ્કૃતિક બદલાવ ૨૦૦૩થી શરૂ થઈ ચૂક્યો હતો. પાઘડી ને કેડિયામાં જોવા મળતા રબારીઓ હવે રીબોકના શૂઝ ને જીન્સ ટી-શર્ટમાં ટહેલતા જોવા મળે છે. સંસ્કૃતિ હજી એ જ છે; માત્ર વસ્ત્રો ને રહેણીકરણી બદલાયાં છે. ફોટોગ્રાફરે ફોટા પાડવા હોય એટલે એમણે કેડિયા-ચોયણીમાંથી બહાર ન આવવું જોઈએ એવા લૉજિક સાથે હું અસંમત જ રહ્યો છું. ઇમોશનની વાત ‘જૈસે થે’ છે.

- Advertisement -

કચ્છ-જન્માષ્ટમી એક્ઝિબિશન
તારીખ : 28 ઑગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી
સમય : 12 થી 9 વાગ્યા સુધી (સોમવાર અને જાહેર રજા સિવાય એક્ઝિબિશન ખુલ્લું રહેશે.)
સ્થળ : સત્ય આર્ટ ગૅલેરી, નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ,
આશ્રમ માર્ગ, ઇન્કમટેક્સ પાસે, અમદાવાદ.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular