નવજીવન. કચ્છ : ત્રણેક મહિના પહેલા અફઘાનિસ્તાનથી આવેલો 250 કિલો જેટલો હેરોઇનનો જથ્થો હવે ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને DRIની સંયુક્ત કાર્યવાહીમાં ગાંધીધામની એ.વી. જોશી કંપનીનાં ગોડાઉનમાંથી આ માલ કન્ટેનરમાં પડેલો હતો. સુત્રોનું માનીએ તો બજારમાં કરોડો રૂપિયાની કિંમતે વેચાતો હેરોઇનનાં આ માલ અંગે પોલીસ સહિતની એજન્સીઓ જાણમાં હતી. છતાં આટલા સમય બાદ કેમ કાર્યવાહી કરવામાં આવી તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. કરોડો રૂપિયાનાં આ જથ્થો અંગે હાલ તો DRI અને ગુજરાત એટીએસ દ્વારા હોંઠ સીવી લેવામાં આવ્યા છે.
લાંબા સમયથી કચ્છનાં દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થનાં મસ મોટા કંસાઈનમેન્ટ પકડાઈ રહ્યા છે તેવામાં વધુ એક વખત કચ્છમાંથી જ હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. જેને પગલે એક વાત તો સાફ થઈ જાય છે કે, ડ્રગ્સની હેરફેર માટે કચ્છ સેફ જિલ્લો છે. સૂત્રોનું માનીએ તો આજે ગુરુવારે કંડલા પોર્ટથી પંદરેક કિલોમીટર દૂર ગાંધીધામમાં આવેલા ફ્રેન્ડ્સ ગ્રુપની કંપની એ.વી.જોશી નામની કંપનીના6 ગોડાઉનમાંથી આ માલ પકડાયો હતો. પાઉડરની આડમાં અફઘાનિસ્તાનથી આવેલા કન્ટેનરમાં હેરોઇન છુપાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં આવેલા કંસાઈનમેન્ટમાં હેરોઇનને છુપાવી લાવવામાં આવ્યું હતું.
હેરોઇનના આ જથ્થા અંગે બાતમીદારો દ્વારા પૂર્વ કચ્છ પોલીસથી માંડીને સંબંધિત એજન્સીઓનાં અધિકારીઓને ટિપ્સ વહેલી મળી ગઈ હતી. છતાં ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ એ પણ એક મોટું રહસ્ય છે. સામાન્ય સંજોગોમાં નાની અમથી કાર્યવાહીમાં પ્રેસનોટ દ્વારા જાહેરાત કરતું ગુજરાત એટીએસ પણ આ મામલે ભેદી રીતે ચૂપ થઈ ગયું છે. એટીએસનાં ડીઆઈજી દીપન ભદ્રનનો આ મામલે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા.
કંડલા પોર્ટને સ્પષ્ટતા કરવી પડી
એટીએસ અને DRI દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સોશિયલ મીડિયામાં એવી માહિતી વાયરલ થઈ હતી કે, હેરોઇનનો જથ્થો કંડલા પોર્ટથી ઝડપાયો છે. જેને પગલે પોર્ટનાં જનસંપર્ક અધિકારી ભાઈ ઓમ પ્રકાશ દાદલાનીને ખુલાસો કરવો પડ્યો હતો કે, માલ પોર્ટમાંથી નહીં પરંતુ પોર્ટથી પંદરેક કિલોમીટર દૂર આવેલા ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, એ.વી.જોશી કંપનીના ગોડાઉનમાં પડેલા કન્ટેનર કંડલા પોર્ટથી ભારતમાં ઘુસ્યા છે કે અદાણી ગ્રુપના મુન્દ્રા પોર્ટથી. કારણ કે, કન્ટેનર કાર્ગો મોટાભાગે મુન્દ્રા બંદરેથી ભારતમાં વધુ આવે છે. મુન્દ્રા પોર્ટ કન્ટેનર કાર્ગો હેન્ડલ કરવામાં અવ્વલ રહે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











