નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભારત સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ જેવા મહિલા સશક્તિકરણ કરવા માટે નારા તો આપે છે, પરંતુ આ સરકારની મહિલાઓ અંગેની માનસિકતા કેવી છે તે છેલ્લા કેટલાક દિવસોમાં આખા દેશે જોયું છે. દેશના નામ વિશ્વફલક પર રોશન કરનારી મહિલાઓ મહિનાઓથી કેન્દ્ર સરકારના સાંસદ સામે આંદોલન કરી રહી છે, પરંતુ સરકાર કે તેના મંત્રીઓ મોઢામાં મગ ભર્યા હોય તેમ મૌન સેવીને બેઠા છે. સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ બ્રિજભુષણ સિંઘ (Brij Bhushan Singh) સામે બે ફરિયાદો નોંધવામાં આવી છે, તેમ છતાં કેન્દ્રના તાબામાં રહેલી દિલ્હી પોલીસ (Delhi Police) કોઈ કાર્યવાહી કરી નથી રહી.
આ અંગે આજે ગુજરાત કોંગ્રેસનાં મહિલા પ્રમુખ જેનીબેન ઠૂમ્મરે (Jenny Thummar) એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, “દેશની આના, બાન અને શાન મહિલા કુસ્તીબાજો ન્યાય માટે દિલ્હીના જંતર-મંતર મેદાન પર ભાજપના સાંસદ અને રેસલર ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંઘ સામે ગંભીર યોનશોષણના આરોપ લાગ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતાં છેલ્લા ચાર મહિનાથી આંદોલન કરી રહી છે. તેમ છતાં ઉત્તરપ્રદેશના કેશરગંજના ભાજપના સાંસદ સામે કોઈ જ કાર્યવાહી નથી થઇ રહી. 40 દિવસથી આ કુસ્તીબાજો વિનેશ ફોગટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા આંદોલન કરી રહ્યા છે, તેમ છતાં દેશના પ્રધાનમંત્રી મોદી કે મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની કે બીજા મહિલા સાંસદ મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “28 મેના રોજ એક તરફ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઇ રહ્યું હતું, તે જ સમયે દિલ્હી પોલીસ આંદોલન કરી રહેલી મહિલાઓ પર લાઠીઓ વરસાવી રહી હતી. આ ઘટનાથી શરમજનક શું હોય શકે ? પોતાનો વિરોધ નોંધાવવા મહિલાઓના સેલ્ફી ફોટોસને એડિટ કરી ભાજપનો IT સેલ બદનામ કરી રહ્યું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રના મહિલા મંત્રી મીનાક્ષી લેખિને દિલ્હીની સડકો પર કુસ્તીબાજ દીકરીઓને લગતા પ્રશ્નો પૂછતાં રીતસર તેઓ દોડી રહ્યાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.” આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, મહિલા કોંગ્રેસ આ કુસ્તીબાજોની સાથે છે અને જરૂર પડશે તો અમે પણ તેમની સાથે આંદોલન કરીશું.
ઈનપુટ: તોફિક ઘાંચી