Saturday, July 13, 2024
HomeGujaratAhmedabadઅત્ર-તત્ર-સર્વત્ર હવે આપણી આસપાસ જોખમ તોળાઈ રહ્યું છે?

અત્ર-તત્ર-સર્વત્ર હવે આપણી આસપાસ જોખમ તોળાઈ રહ્યું છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણી સામાન્ય ગફલત આપણને મૃત્યુ સુધી પહોંચાડી શકે છે? આપણી આસપાસ જોખમ વધી રહ્યું છે? આ જોખમો તરફ કેમ કોઈ આંગળી ચીંધી શકતું નથી? સુરક્ષાનો ખ્યાલ હવે શ્રીમંતો પૂરતો રહ્યો છે? રોજબરોજના આપણા જીવનને લઈને આવાં અનેક સવાલ છે અને તેના જવાબ મહદંશે મેળવીએ ત્યારે થાય કે આપણું જીવન હવે સતત જોખમમાં સપડાઈ રહ્યું છે. રાજકોટની ટીઆરપી ગેમઝોનની (Rajkot Tragedy) ઘટના બની એટલે ફરી આ જોખમો આસપાસ દેખાવા માંડ્યા. તેની ચર્ચા થવા માંડી. અન્ય શહેરોના ગેમઝોન તત્કાલ બંધ કરી દેવાયા. તમામ શહેરોમાં કોર્પોરેશન તુરંત હરકતમાં આવી. આવું મહદંશે દરેક ઘટના પછી થાય છે; અને દરેક ઘટના થોડાં દિવસોમાં ભૂલાઈ જાય છે. આજે કોઈ મોરબીના ઝૂલતા પુલની (Morbi Tragedy) ઘટનાને યાદ કરતું નથી. પાંચ વર્ષ પહેલાં સુરતમાં થયેલાં તક્ષશીલા કાંડ (Surat Tragedy) લોકોના સ્મૃતિમાં સાવ ઓઝલ થઈ ગયો છે. હરણી બોટ દુર્ઘટના પણ ભૂલાઈ ગઈ. રાજકીય આગેવાનોને અને સરકારી અધિરાકીઓને પાક્કો ખ્યાલ છે કે લોકોની સ્મૃતિ ટૂંકી છે, તેમ દર વખતની જેમ આ વખતે પણ એ જ નિવેદનો આવ્યા, એ જ કાર્યવાહી થઈ. તેમાં કશુંય નવું ન જોવા મળ્યું. ટૂંકા સમય માટે બંધ થયેલાં ગેમઝોન ફરી ધમધમશે, ફરી એ જ જોખમ વચ્ચે આપણે અને આપણા બાળકો બેફિકર થઈને એન્ટ્રી લેશે.

incident in cities
incident in cities

આવાં જોખમ પારખ્યા છતાં સામાન્ય લોકોને તેમાં ઊતરવું પડે છે તેનુ કારણ હવે આપણી પાસે વિકલ્પોની કમી છે. આપણાં મોટા ને મોટા થઈ રહેલાં શહેરોમાં હવે કશુંય કાબુમાં રહ્યું નથી. અનેક સ્થાને આ જોખમ નજરે ચઢે છે. રાજકોટમાં જેમ ટીઆરપીની ગેમઝોનની ઘટના બની તેવી ઘટના પંદર દિવસ પહેલાં મુંબઈના ઘાટકોપરમાં બની હતી. બન્યું એમ કે મુંબઈના વાતાવરણમાં થોડાક પલટો આવ્યો એટલે સૌ કોઈ સુરક્ષિત જગ્યા જોઈને જ્યાં હતા ત્યાં ઊભા રહ્યા. ઘાટકોપરમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પણ એ રીતે થોડી વાર લોકો રોકાયા. અહીં સૌને એમ લાગતું હતું કે આપણે સુરક્ષિત જગ્યાએ છીએ. પરંતુ ફૂંકાયેલા પવનથી ઉપર લગાડેલું મસમોટું હોર્ડિંસ એકાએક તૂટી પડ્યું અને સોથી વધુ માણસો દબાયા. તેમાં 16 લોકોના મોત થયા અને 75થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. હોર્ડિંસનો અકસ્માત થયો એટલે ફરી પાછી વાત આ મંજૂરી કોણે આપી? કેવી રીતે આપી? તેવાં પ્રશ્નો સામે આવ્યા. કહેવાય છે કે સામાન્ય લોકોને પણ એ હોર્ડિંગ જોઈને ખ્યાલ આવતો હતો કે આ હોર્ડિંસની સાઇઝ હોવી જોઈએ તેનાં કરતાં અનેક ગણી છે, પરંતુ તેના પર એક્શન ન લેવાયા. આખરે હોર્ડિંગનો અકસ્માત થયો અને તેમાં અનેક લોકોના જીવ ગયા. હોર્ડિંગ એટલું મોટું હતું કે અહીંયા પણ મૃતદેહ કાઢતાં કાઢતાં બચાવ ટીમને બે દિવસ ગયા, કેટલાંક મૃતદેહ પર બોર્ડ એ રીતે પડ્યું કે તેમની ઓળખ પણ થવી મુશ્કેલ હતી.

- Advertisement -
cities in danger
cities in danger

આપણા શહેરો બેફામ રીતે વિકસી રહ્યાં છે, જેના કારણે પણ આ જોખમો સતત વધી રહ્યા છે અને તેમાં ટીઆરપી ગેમઝોન ઊભા થાય છે. સૌને ખબર છે કે બાળકોને રમવા માટે હવે નવી સ્કીમોમાં, સોસાયટી અને શેરીઓમાં સ્પેસ રહી નથી. એટલે વેકેશન હોય કે રજાના દિવસે આવી જોખમી જગ્યાએ જવા સિવાય કોઈની પાસે વિકલ્પ નથી. જ્યાં સુધી કોઈ અકસ્માત બનતો ત્યાં સુધી આ બધું જ ચાલતું રહે છે. સુરતના તક્ષશીલા પછી આ રીતે રાજ્યભરમાં ટ્રેઇનિંગ ક્લાસિસની જગ્યાઓ પર તવાઈ આવી હતી. સેફ્ટી મેજર ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ ટીઆરપી ગેમઝોનની ઘટનાથી એવું લાગી રહ્યું છે કે તે માત્ર બતાવવા માટેની કવાયત હતી. તક્ષશીલા કાંડના પાંચ વર્ષ પછી આજેય સરકારને કે જે-તે કોર્પોરેશનને જો પૂછવામાં કે શું હવે રાજ્ય-શહેરના તમામ ટ્રેઇનિગ ક્લાસિસ સુરક્ષિત છે? તો તેનો જવાબ સરકાર-કોર્પોરેશન નહીં આપી શકે. ગેમ ઝોનમાં પણ થોડા વખત પછી આવી બેદરકારી જોવા મળે તો નવાઈ નહીં.

gujarat fire
gujarat fire

લાખોની વસતીના શહેરમાં જ્યારે મનોરંજન પૂરું પાડતી જગ્યાઓની કમી હોય ત્યારે શું સ્થિતિ થાય તે તો હવે રાજ્યના દરેક શહેરમાં રજાઓના દિવસોમાં જોવા મળે છે. એટલે કોઈ પણ નાની ઇવેન્ટ હોય તો તેમાં લોકો ઊમટે છે, ભીડ થાય છે, અવ્યવસ્થા થાય છે, સલામતી નામ પૂરતી હોય છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં એવું જ થયું. દિવાળીનું વેકેશન હતું. એટલે લોકો રિપેર થઈને નવાસવા બનેલા પૂલ પર ઊમટી પડ્યા. કોઈનું એના પર ધ્યાન ન ગયું કે અહીંયા વધુ લોકો જશે તો દુર્ઘટના થવાની શક્યતા છે. આખરે ન થવાનું થયું અને તેમાં 135 લોકોએ જાન ગુમાવ્યા. મોરબી દુર્ઘટનામાં પણ મૃત્યુઆંકમાં બાળકો વધુ હતા.

Tragedy
Tragedy

વડોદરાની હરણી બોટ દુર્ઘટનામાં પણ સેફ્ટી વિના બાળકો નાવમાં બેઠા. કોઈએ તેમને અટકાવ્યા નહીં અને અહીંયા પણ મૃત્યુઆંકમાં બાળકો સૌથી વધુ હતા અને 14ના મૃત્યુ થયા. અમદાવાદ, વડોદરા, સૂરત કે રાજકોટ નહીં રાજ્યના નાનાં નાનાં શહેરોમાં પણ શોપિંગ સેન્ટર, થિયેટરો, સ્ટેડિયમ, ધાર્મિક સ્થળો, લગ્ન સ્થળો ક્યાંય પણ જશો અને થોડોક તાગ મેળવશો તો જોખમનો અહેસાસ થશે. થોડી વધુ તપાસ કરશો તો ખ્યાલ આવશે કે અકસ્માત થાય તો એક્ઝિટ પોઈન્ટથી અંદર રહેલા સૌ બહાર નહીં નીકળી શકે. અમદાવાદમાં હેન્ડલુમ શોપિંગ નામની જાણીતી જગ્યા છે. આ શોપિંગ મોલ ચાર માળનું છે અને તેમાં કોઈ પણ સમયે જઈએ તો અંદર હજારથી વધુ લોકો હોય છે. અંદર ખીચોખીચ માલ ભરેલો છે. એક લિફ્ટ છે. બાજુમા દાદરા છે, ફાયર સેફ્ટી દેખાય છે, પણ અકસ્માત થાય તો આ કશુંય કામનું ન રહે તેવું સ્પષ્ટ જોઈ શકો. તેમ છતાં પોશ વિસ્તારમાં આ મોલ વર્ષોથી ચાલે છે અને તેમાં લોકો શોપિંગ કરવા જાય છે. અંદર ફર્નિચર, કાપડ, હોઝિયરી, બુચ-ચંપલ કે અન્ય બધી જ વસ્તુ અતિજ્વલનશીલ પદાર્થોમાં આવે છે. અહીં આવી કોઈ દુર્ઘટના બને તો તેમાં બચવાનો કોઈ જ શક્યતા ન રહે.

- Advertisement -
hoardings
hoardings

એ રીતે કોઈ પણ ચાર રસ્તે આવેલા બ્રિજ ઉપર લાગેલા હોર્ડિગ પણ એટલાં જ જોખમી છે. ઉપરાંત માર્ગો પર ઉપર લોખંડના ગડરથી લગાવેલા હોર્ડિંગ પણ જોખમી છે. આની નીચેથી જઈએ ત્યારે એવી કોઈ ખાતરી નથી હોતી કે વર્ષોથી લાગેલા આ હોર્ડિગ પડશે નહીં. આવાં જોખમો દરેક શહેરમાં જોવા મળશે. હવે તો ઘર અને ઑફિસ સ્પેસ પણ એવાં બને છે કે તેમાં કોઈ એર સર્ક્યુલેશન ન રહે. એસીને બંધબેસતુ ઘર બને છે. આવી ઇમારતોમાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડ પણ તેમને બચાવી શકે નહીં, તે પ્રકારની ડિઝાઈન ઇમારતોની નિર્માણ પામી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં હાઇરાઇઝ બિલ્ડિંગો બની રહી છે, પણ તેમાં આગ લાગે કે કોઈ અકસ્માત થાય તો તેમાં બચાવ કામગીરી કેવી રીતે થઈ શકે તેવી પાયાની વાત આપણે ચકાસતા નથી. હજાર હજાર ઘરની સ્કીમોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ નાના નાના બની રહ્યા છે.

tragedy
tragedy

આ જોખમો તો અહીં લખનારને દેખાયા છે. આ સિવાય પણ જ્યારે કુદરત રૂઢે ત્યારે શહેરોની સ્થિતિ બદતર થાય છે. બે-ચાર ઇંચ વરસાદમાં શહેરો પાણી પાણી થઈ જાય છે. અત્યારે પડી રહેલી ગરમીમાં શહેરોમાં રહેવું વધુ કપરું બન્યું છે. આપણા શહેરોને આપણે વિકૃતિના હદ સુધી લઈ ગયા છે, જ્યાં બધા જ વ્યક્તિગત રીતે પોતપોતાની સુખસુવિધા જુએ છે, ત્યાં સામૂહિક સગવડ જોવાતી નથી. જ્યાં સુધી આ દૃષ્ટિ કેળવાશે નહીં અને આપણે બધું સહિયારુ જોતા થઈશું નહીં ત્યાં સુધી શહેરોની સ્થિતિ વધુ બદતર થશે, તેમાં જોખમ વધશે, ટીઆરપી જેવી ઘટના ફરી બને તેવી શક્યતા વધશે. લોકો વધુ લાચાર બનશે. રાજકીય આગેવાનો પાસેથી કોઈ આશા રાખવી નઠારી છે એટલે તેમના વિશે તો શું લખીએ.

surat fire
surat fire

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular