ભારતના આ પગલાંથી ચીનના આયર્ન ઓર સ્ટોકને આરંભમાં કોઈ મુશ્કેલી પાડવાની નથી
શાંઘાઇ આયર્ન વાયદો સતત છઠ્ઠા સત્રમાં વધીને છ સપ્તાહની નવી ઊંચાઈ પહોંચી ગયો
આયર્ન ઓરના ભાવ વધી તો રહ્યા છે પણ તે લાંબુ નહીં ખેંચે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ) : ભારત સરકારે આયર્ન ઓરની નિકાસ જકાત, ૨૧ મેના એક નોટિફિકેશન દ્વારા ૩૦ ટકાથી વધારીને ૫૦ ટકા કરતાં, બજારમાં નવા તરંગો ઊભા કર્યા છે. ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર ૬ મે પછી પહેલી જ વખત, સોમવારે આયર્ન ઓરના ભાવ એક જ દિવસમાં ૭ ટકાનો ઉછાળો આવતા બજારમાં મૂંઝવણ ઊભી થઈ ગઈ હતી. આરંભમાં તો એવું જણાતું હતું કે ભારતમાં ફુગાવાનું દબાણ હળવું કરવા, સરકાર કેટલીક કોમોડિટીની નિકાસ જકાતમાં ફેરફાર કરશે. પણ સરકારે ખાસ તો સ્ટીલના કાચામાલ આયર્ન ઓરની નિકાસ જકાત વધારી. તેમાં આયર્ન ઓર અને તેના કોન્સનટ્રેટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો. બીજી તરફ પેલેટ્સ (સ્ટીલ ગઠ્ઠા)ની નિકાસ જકાત તો શૂન્યથી વધારીને સીધી ૪૫ ટકા કરવામાં આવી.
એક અહેવાલ મુજબ કોકિંગ કોલ અને કોલસાની તમામ જકાતો એક સાથે શૂન્ય કરી નાખવામાં આવી છે. અન્ય રાજ્યોની તુલનાએ ગોવામાં ઉત્પાદિત થતી આયર્ન ઓર ૫૪ ટકા સ્ટીલ કન્ટેન્ટ જેવી સાવ નબળી ગુણવત્તાની છે. ગોવા રાજ્ય સરકારે કેન્દ્રને વિનંતી કરી છે કે લમ્પસ, ફાઈનેસ કોન્સનટ્રેટસની નિકાસ જકાત બાદ કરતાં, ૫૮ ટકા નીચા ગ્રેડ નિકાસ જકાત શૂન્ય જાળવી રાખવી જોઈએ.
કેટલાંક ભારતીય નિકાસકારોનું માનવું છે કે ભારતના આ પગલાંથી ચીનના આયર્ન ઓર સ્ટોક ને આરંભમાં કોઈ મુશ્કેલી પાડવાની નથી. ૨૦૨૧માં ચીનએ તેની કૂલ આયાતમાંથી માત્ર ૩ ટકા આયાત, ભારતમાંથી કરી હતી. આવુ જ વર્તમાન વર્ષના પ્રથમ ચાર મહિનામાં રહ્યું હતું. તેમનું કહેવું છે કે ભારતીય મહાદ્વીપમાંથી ચીનની ખરીદી આમ પણ સાવ મામૂલી હોય છે, તેથી ભારતીય સ્ટીલ મિલોની નીચાભાવએ ખરીદી વધતી હોય છે.
ડેલિયાં કોમોડિટી એક્સચેજ પર શુક્રવારે સપ્ટેમ્બર ૬૨ ટકા બેન્ચમાર્ક આયર્ન ઓર વાયદો ૧.૬ ટકા વધીને ૯૩૬ યુઆન (૧૩૬.૧૫ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. હાજર ભાવ ૭.૧૦ ડોલર વધીને ૧૪૩.૬૫ ડોલર, રિબાર વાયદો ૧.૮ ટકા વધીને ૪૮૨૦ યુઆન, હોટરોલ્ડ કોઈલ ઊછળીને ૪૮૮૦ યુઆન જ્યારે શાંઘાઇ સ્ટેનલેસ સ્ટીલ વાયદો ૧૮,૩૫૦ યુઆન રહ્યો હતો. અર્થતંત્રને બચાવા ચીનની સ્ટેટકાઉન્સિલે નવું પેકેજ જાહેર કર્યા પછી, રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. શુક્રવારે સતત છઠ્ઠા સત્રમાં વધીને છ સપ્તાહની નવી ઊંચાઈ પહોંચી ગયો હતો.
આયર્ન ઓરના ભાવ વધી તો રહ્યા છે, પણ તે લાંબુ નહીં ખેંચે એવું કેટલાંક એનાલીસ્ટો માની રહ્યા છે. ચીનમાં સ્ટીલ ઉત્પાદન પર કેટલાંક નિયંત્રણો હોવાથી આવી સંભાવના વ્યક્ત થાય છે. ચીનએ આ સપ્તાહે મહેસૂલ, નાણાકીય અને મૂડીરોકાણ નીતિને પ્રોતસાહિત કરવા ૩૩ નવા સુધારા દાખલ કર્યા હતા. સર્વાંગી રીતે જોઈએ તો એપ્રિલમાં સ્ટીલ ઉત્પાદન, એપ્રિલ ૨૦૨૧ના ૫.૨ ટકાથી મામૂલી ઘટી ૫.૧ ટકા અથવા ૯૨૭.૮ લાખ ટન થયું હતું. જૂન પછી ચીનમાં ઘટનાઓ કેવો આકાર લે છે તેના આધારે આયર્ન ઓર અને સ્ટીલના ભાવ નિર્ધારિત થશે.
એસએન્ડપી ગ્લોબલના કોમોડિટી ઈન્સાઈટ્સ અહેવાલ કહે છે કે ચીનનો મેન્યુફેક્સચરિંગ પ્રોડક્શન ઇંડેક્સ (પીએમાઈ) ૨૦૨૧ની તુલનાએ ૨૮ પોઈન્ટ અને ૨૦૨૦ સામે ૧૬ પોઈન્ટ ઘટ્યો હતો. આ આંકડા હરખાવા જેવા તો નથી જ, રાહત પેકેજ આપ્યા છતાં એનાલીસ્ટો માને છે કે અર્થતંત્રમાં સુધારાની ગતિ હજુ ધીમી છે. વૈશ્વિક આયર્ન ઓરના શિપમેન્ટ પ્રમાણમાં સ્થિર છે, અલબત્ત, માંગમાં સુધારો જોવાય છે. ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો, સ્ટીલ ઉધ્યોગની માઠીદશા બેસશે. આથી રજાઓ પહેલા સ્ટીલ ઉધોગ કાચામાલનું રિસ્ટોકિંગ કરવા લાગ્યા છે. ટૂંકમાં એનાલીસ્ટો માને છે કે મધ્યમગાળા માટે ફેરસ અને નૉનફેરસ ઉત્પાદનોમાં માંગનો આશાવાદ જળવાઇ રહેશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)