કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇરાનની નરગિસ મોહમ્મદીને (Narges Mohammadi) આ વખતના નોબલ શાંતિ પુરસ્કારથી (Nobel Prize for Peace) સન્માનવામાં આવ્યાં છે. નરગિસની ખ્યાતિ ઇરાન અને આસપાસના દેશોમાં પહોંચી હતી, પરંતુ હવે તેમને પૂરી દુનિયા ઓળખશે. 51 વર્ષીય નરગિસ છેલ્લા ત્રણ દાયકાથી ઇરાનમાં સરકાર અને સમાજની સંકુચિતતા સામે લડત આપી રહી છે. આજે જ્યારે ભારત સહિત ઘણાં બધા દેશોમાં વિરોધ કરનારાઓ પર તરાપ આવી છે; ત્યારે નરગિસ મોહમ્મદી જેવી વ્યક્તિ આટલી લાંબી લડત ઇરાન જેવાં દેશમાં કેવી રીતે ચલાવી તે જાણવું રહ્યું. નોબલ એ નરગિસનું પ્રથન સન્માન નથી. આ અગાઉ પણ તેમને 2009માં ‘એલેક્ઝાન્ડર લેન્ગર એવોર્ડ’, 2011માં ‘પેર એન્જર પ્રાઇઝ’, 2018માં ‘એન્ડ્રુ સખારાવ પ્રાઇઝ’થી પણ નવાજવામાં આવ્યાં હતાં. મતલબ કે તેમનું સન્માન છેલ્લા દોઢ દાયકાથી અલગ-અલગ સંસ્થાઓ કરી રહી છે. નરગિસને મળેલી વૈશ્વિક ઓળખ અને તેમનું માનવ અધિકાર બાબતે થતાં સન્માનનું એક અગત્યનું કારણ તેઓ જે દેશમાં લડત આપી રહ્યા તે ઇરાન છે. ઇરાનમાં માનવ અધિકારનું હળાહળતું ઉલ્લંઘન થતું રહ્યું છે. આ બાબતે ઇરાનનો રેકોર્ડ ખરાબ છે અને અહીંયા નાની અમથી વાતે સરકાર વિરોધ કરનારાને ફાંસી આપે છે. આ સ્થિતિમાંય નરગિસ ટકી રહ્યાં છે અને તેમની લડત બુંલદી પર છે.

એકસમયે પર્સિયાથી ઓળખાતો ઇરાન મૂળે તો ઇસ્લામિક ધર્મઅંતર્ગત પ્રમુખશાહી વ્યવસ્થાથી ચાલે છે. અને તેથી કોઈ એક શાસક અહીં સત્તા પર આવે તો વર્ષોના વર્ષો તેઓ શાસન કરે છે. ઇરાન આ રીતે નેવુંના દાયકાથી અત્યારે અલી ખામેની નામના શાસક હેઠળ છે. ઇરાન તેના તેલના કુદરતી ભંડારથી સમૃદ્ધ તો થયું, પણ આ સમૃદ્ધી છતાંય અહીંયા એકહથ્થુશાસન ચાલતું રહ્યું અને આ શાસન સામે વિરોધ થયો હોવા છતાં તેનાથી પ્રજાને હજુ સુધી મુક્તિ મળી નથી. અને આજેય ત્યાં સજારૂપે ફાંસી દેવી, શરીરના અંગચ્છેદન, કોડા અને પથ્થર મારવાની સજા બરકરાર છે. આ સજામાં અત્યાર સુધી છેલ્લા બે દાયકામાં પાંચ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આમાં સરકાર સામે બાથ કોણ ભીડી શકે? નરગિસે એ કરી દાખવ્યું અને છેલ્લા ત્રણ દાયકાથી તે સતત સરકારની હિંસક નીતિ વિરુદ્ધ અવાજ ઊઠાવી રહ્યાં છે.

નરગિસ પોતાની લડત અર્થે તહેરાન સ્થિત ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઇટ્સ સેન્ટર’ સાથે જોડાયાં. આ સંસ્થા 2001થી ઇરાનની મહિલાઓના અધિકાર, રાજકીય કેદીઓ અને લઘુમતિઓ માટે લડે છે. આ સંસ્થાની સ્થાપના શિરીન અબાદી સહિત પાંચ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી. શિરીનને પણ 2003માં નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. આમ એક જ સંસ્થામાંથી આવતાં બે વ્યક્તિઓને વિશ્વગણ્ય પુરસ્કાર મળ્યો છે! નરગિસનો સૌથી પ્રખર વિરોધ હિજાબ એટલે કે બુરખા સામે રહ્યો. 2023માં થયેલાં આ આંદોલનમાં નરગિસ હંમેશા આગળ રહ્યાં. ઇરાનમાં ઇતિહાસમાં બુરખામાંથી મહિલાઓને શાસકોએ અનેક વખત મુક્તિ આપી. તેની શરૂઆત સૌપ્રથમ 1920માં થઈ હતી. અને તે પછી 1940 સુધી જૂજ મહિલાઓ બુરખો પહેરતી, પણ પછી બુરખો ફરી ઇરાનની મહિલાઓ વ્યાપક રીતે પહેરતી થઈ અને હવે તે કાયદાકીય રીતે આવશ્યક છે. 2022માં જ્યારે ઇરાનમાં મહસા અમીનીની બુરખો ન પહેરવાના કારણે ધરપકડ થઈ ત્યારે તેને લઈને ખૂબ વિરોધ થયો. આ દરમિયાન મહસા અમીનીનું શંકાસ્પદ રીતે પોલિસ સ્ટેશનમાં મૃત્યુ થયું. જોકે પોલિસ સ્ટેશનમાં સાક્ષીઓના નિવેદનથી એટલું સ્પષ્ટ છે કે પોલિસના મારથી તેનું મૃત્યુ થયું. આને લઈને પૂરા ઇરાનમાં ખૂબ વિરોધ થયો અને તેની આગેવાની નરગિસ મોહમ્મદીએ લીધી હતી.
નરગિસ વિશે અનેક વિગતો મળતી નથી. 2016માં નરગિસને ફાંસીના વિરુદ્ધ મુહિમ ચલાવવા અર્થે સોળ વર્ષની સજા આપવામાં આવી હતી. 2020માં તેમને મુક્ત કરવામાં આવ્યાં પરંતુ ફરીથી 2021 તેમની ધરપકડ થઈ. આમ જેલની અંદર-બહાર થતાં હોવા છતાં નરગિસે હાર માની નથી. નરગિસ આ બધું કરી શકી તેમાં તેની પૃષ્ઠભૂમિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. 1972માં જન્મેલી નરગિસે ઇરાનમાં આવેલી ‘ક્વાઝવીન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી’માં ફિઝિક્સ વિષયનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન જ તેઓ મહિલાઓના અધિકાર માટે કોલેજના અખબારમાં લખતાં. આ ઉપરાંત વિદ્યાર્થીઓના હક માટે લડતાં એક જૂથ સાથે પણ તેઓ સંકળાયા અને તે દરમિયાન પણ તેમની બે વખત ધરપકડ થઈ. પર્વતોમાં ટ્રેકિંગ કરવાનો શોખ ધરાવતી નરગિસને તેના રાજકીય પ્રવૃત્તિના કારણે ટ્રેકિંગની ક્યારેય મંજૂરી મળતી નથી. ફિઝિક્સ વિષયમાં અભ્યાસ કર્યો હોવા છતાં દેશમાં પ્રવર્તતી સ્થિતિના કારણે તેઓ રાજકીય આંદોલનમાં વ્યસ્ત રહ્યા અને અનેક અખબારમાં તેઓ પ્રજા સાથે થતાં અન્યાય અંગેનો અવાજ ઊઠાવતાં રહ્યાં. તેમની આ પ્રવૃત્તિ અને સાહસિક વૃત્તિના કારણે તેઓ ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઇટ્સ સેન્ટર’માં જોડાયાં.
સંસ્થામાં જોડાયાં બાદ તેમની રાજકીય પ્રવૃત્તિ ઓર વધી અને 2010માં તેમને ઇસ્લામિક રિવોલ્યુશન કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું કે કેમ તેઓ સતત આંદોલનમાં સંકળાય છે? જોકે તેનો જવાબ સંતોષકારક ન લાગતાં તેમની ધરપકડ થઈ અને મસમોટી રકમ બાદ તેમને જામીન આપવામાં આવ્યાં. જેલમાં તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને માનસિક બીમારી પણ લાગુ પડી. સારવાર અર્થે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં. સ્વસ્થ્ય થયા બાદ ફરી મેદાનમાં ઊતરી પડ્યાં, 2011માં તેમના સતત સરકાર સામેના વિરોધના કારણે 11 વર્ષની જેલ કરવામાં આવી. આ દરમિયાન અનેક પત્રકારો અને એક્ટિવિસ્ટો આકસ્મિક રીતે જેલમાં મૃત્યુ પામ્યા હતા. તેથી અનેક સંસ્થાઓએ નરગિસને છોડી મૂકવા માટે ઇરાન સરકારને અરજ કરી. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડમાંથી નરગિસને મુક્ત કરવા વિશે અરજ થઈ. આખરે ઇરાન સરકારે આ બધાના દબાણ હેઠળ નરગિસને જેલમુક્ત કરવાં પડ્યાં.
આ તો તેમનું જાહેર જીવન છે અને તેમાં જેલમાં રહેવું, માનસિક યાતનાઓ ભોગવવી અને હૂમલો થવાનો ડર હતો. તેમનું અંગત જીવન પણ આ કારણે વેરવિખર થયું છે. તેમના જીવનસાથી તાઘી રહેમાન પણ સરકારના નિશાના પર છે. તેમને 14 વર્ષની સજા થઈ છે, પણ હાલ તેઓ દેશનિકાલની સજા ભોગવી રહ્યા છે અને પોતાના સંતાનો સાથે ફ્રાન્સમાં નિવાસ કરે છે. નરગિસે એક વર્ષ પહેલાં માત્ર એકવાર તેમની ટ્વિન દિકરો-દિકરી અલી અને કિઆનાનો અવાજ ફોન પર સાંભળ્યો છે. છેલ્લે જ્યારે નરગિસની ધરપકડ થઈ ત્યારે તેમના હાથમાં તેમનો આઠ વર્ષનો દીકરો અલી હતો.
નરગિસ એવિન જેલમાં છે અને તેમ છતાં તેઓ આઝાદ ઇરાનની આશા બુઝવા દેતા નથી. અવિન જેલમાંથી તેમણે આપેલાં એક અનઅધિકૃત ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “હું મારાં કોટડીમાં આવેલા બારીમાં રોજ બેસું છું અને સામે આવેલી તહેરાનની પહાડો પરની લીલોતરીને જોતાં ઇરાનની ખરી આઝાદીના સપનાં જોવું છું. તેઓ મને જેટલી સજા કરશે તેટલી જ હું દૃઢનિશ્ચયી થઈ રહી છું કે જ્યાં સુધી લોકશાહી નહીં સ્થપાય કે આઝાદી નહીં મળે ત્યાં સુધી હું જંપીશ નહીં.”
ઇરાન સરકારને અણછાજતી લાગે તેવી બાબતો પણ નરગિસ પ્રકાશમાં લાવી છે. નરગિસ જેલ અનુભવ વિશે કહે છે કે અહીંયા અનેક મહિલાઓનું જાતિય શોષણ થાય છે, ખાસ કરીને સરકારના વિરોધ કરનારી મહિલાઓનું. આ આરોપ ઇરાન સરકારે ન સ્વીકાર્યો, પરંતુ જેલમાં થતાં શોષણને લઈને તેઓ અવારનવાર અખબારોમાં પોતાની રજૂઆત કરતાં રહ્યાં. અને જ્યારે નરગિસે આ રીતે પોતાની વાત મૂકી ત્યારે અનેક મહિલાઓએ તેનું સમર્થન કર્યું. જોકે આ યાતના છતાં નરગિસ હજુય અડિખમ છે અને ઇરાનમાં પ્રજા માટે મરવા પણ તૈયાર છે. ઇરાનમાં નરગિસ સહિત અનેક એક્ટિવિસ્ટોની લડત છતાં ઇરાન સરકારના વલણમાં જરાસરખું પરિવર્તન આવ્યું હોય તેમ લાગતું નથી. પ્રજા પણ માર્ગ પર આવી, અને અસંખ્યવાર વ્યાપક પ્રમાણમાં આંદોલનો થયાં, તેમ છતાં ઇરાનના શાસકો હસતાં મોઢે પોતાના કાયદા લાગુ કરતાં રહ્યાં છે. નરગિસનો આ કિસ્સો દાખલારૂપ છે, દેશ અને દુનિયા અર્થે. જો સરકારોને એક વખત મનફાવે તેવું વર્તવા દઈએ તો તેનો અંજામ આટલે સુધી આવી શકે છે, બાકી તો એક વખત ઇરાનમાં પણ સારો માહોલ લાંબા સમય સુધી રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796