Saturday, July 13, 2024
HomeNationalઆ ઇન્ડસ્ટ્રીઅલ ગ્રૂપ ચાર દાયકાથી દેશ-દુનિયાનાં સમાજકાર્યને સન્માની રહ્યું છે, સાથે આપે...

આ ઇન્ડસ્ટ્રીઅલ ગ્રૂપ ચાર દાયકાથી દેશ-દુનિયાનાં સમાજકાર્યને સન્માની રહ્યું છે, સાથે આપે છે મસમોટી રકમ…

- Advertisement -

કિરણ કાપુરે(નવજીવન અમદાવાદ) :ઉદ્યોગ સાહસિક ઇચ્છે તો તેઓ સમાજ માટે અનન્ય યોગદાન આપી શકે. આ યોગદાન માટે આવશ્યક નિસબત તો હોય, પણ તે માટેનું ભંડોળ ઉદ્યોગ સાહસિકો પાસેથી મળી શકે. કોઈ પણ કાર્યના અમલ માટે મૂડી જોઈએ અને સેવા પણ તેમાંથી બાકાત નથી. ઉદ્યોગ સાહસિકોની મૂડી સમાજમાં સાચા માર્ગે વળે છે ત્યારે તેનો લાભ અનેકને મળે છે. બજાજ ગ્રૂપના સ્થાપક જમનાલાલ બજાજ પાસે ગાંધીજી આ કરાવી શક્યા હતા અને તે પરંપરા આજ દિન સુધી બજાજ ગ્રૂપ નિભાવી રહ્યું છે. એટલે આજે બજાજ ગ્રૂપની ઓળખ માત્ર એક બિઝનેસ ગ્રૂપ તરીકે નહીં, બલકે સમાજની નિસબત ધરાવનારાં એક ગ્રૂપ તરીકેની પણ છે.જમનાલાલ બજાજ ઉદ્યોગ સાહસિક તો હતા, પણ તેમણે સાથે સખાવતકર્તા, સામાજ ઉદ્ધારક, માનવતાવાદી અને સ્વતંત્ર્ય સેનાની પણ ભૂમિકા ભજવી હતી. કૉંગ્રેસ વર્કિંગ કમિટિના તેઓ સભ્ય રહ્યા અને ટ્રેઝરર પણ હતા. તેમનો આ વારસો રાખી શકાય તે માટે બજાજ ગ્રૂપ આજે પણ ‘બિયોન્ડ પ્રોફિટ’ જોવાનો ઉદ્દેશ રાખ્યો છે. સમાજસેવાનું વિસ્તરે અને ગાંધીમૂલ્યોને ધ્યાનમાં રાખીને જેઓ દેશ-વિશ્વના ખૂણેખૂણે કાર્ય કરી રહ્યા હોય તેમને પ્રોત્સાહન માટે બજાજ ફાઉન્ડેશન દ્વારા જમનાલાલ બજાજ એવોર્ડ એનાયત થાય છે. આ એવોર્ડની શરૂઆત 1978માં થઈ હતી. ચાર કેટેગરી માટે આ એવોર્ડ અપાય છે, તેમાં ત્રણ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ છે અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો.

હાલમાં જમનાલાલ બજાજ એવોર્ડની જાહેરાત થઈ છે. આ એવોર્ડ વિશે જાણતાં અગાઉ જમનાલાલ બજાજ, બજાજ ગ્રૂપ અને એવોર્ડની પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. જમનાલાલ બજાજ યુવાન વયે જ ઉદ્યોગ સાહસિક તરીકે ખ્યાતિ મેળવી હતી. આ ખ્યાતિમાં સુંગધ ત્યારે ભળી જ્યારે તેઓ 1915માં ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. નવાસવા હિંદુસ્તાનમાં આવેલાં ગાંધીજીનાં સંપર્કમાં આવીને તેઓ તેમનાં વિચાર-આચારથી પ્રભાવિત થયા. આ પ્રભાવ સાથે તેઓ કૉંગ્રેસ પક્ષ સામેલ થયા, સાથે સાથે તેમણે ગાંધીજીની અંત્યોદયની વાત પકડી અને તે માટેના ઠોસ પ્રયાસ શરૂ કર્યા. આ પ્રયાસના ભાગરૂપે તેમણે અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય ઊપાડ્યું. હિંદી ભાષાના પ્રચાર પ્રસાર અર્થે કાર્ય કર્યું અને સાથે ખાદીકાર્ય ઉદ્યોગ તરીકે કેવી રીતે વિકસે તે માટે પણ પોતાનું ઉદ્યોગદૃષ્ટિ લગાવી. તેઓએ ખાદીના પ્રસાર અર્થે ભારતભ્રમણ કર્યું. જમનાલાલ બજાજ આ બધું કરી શક્યા તેમાં તેઓની આગવી ઉદ્યોગદૃષ્ટિ તો હતી, પણ સાથે તેમના મોટા પુત્ર કમલનયનની ભૂમિકાય હતી. પિતાના સ્વાતંત્ર્યસંગ્રામ અને સમાજસેવામાં સહભાગિતા વધતી ગઈ તેમ આ ગ્રૂપનું કાર્ય કમલનયને સંભાળી લીધું. બજાજ ગ્રૂપ આજે પણ વિશ્વનાં સૌથી મોટાં અને જૂના બિઝનેસ ગ્રૂપ તરીકે ખ્યાતિ ધરાવે છે. આ ગ્રૂપમાં 34 કંપનીઓ છે અને બજાજ ઓટો આજે વિશ્વની ચોથી સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યૂફેક્ચરીંગ કંપની છે. ઉપરાંત ફાઇનાન્સ, ઇલેક્ટ્રીકલ્સ, ઇન્વેસ્ટમેન્ટ જેવી કંપનીઓમાં પણ તે અગ્રગણ્ય છે.આ ગ્રૂપ પાસે જમનલાલ બજાજના સેવાનો મજબૂત વારસો છે, જે વારસાની પૃષ્ઠભૂમિ ગાંધીવિચાર છે. ઉપરાંત તેઓ પાસે ઉદ્યોગ ક્ષેત્રની ગંજાવર સફળતા છે. આ બંનેના સમન્વયથી તેમની ભૂમિકા એવી બની કે તેઓ એવોર્ડની પ્રતિષ્ઠતા જાળવી શકે. 1978થી શરૂ થયેલા આ એવોર્ડમાં ત્રણ રાષ્ટ્રિય કક્ષાના એવોર્ડમાં એક, દેશમાં ગાંધીમૂલ્ય આધારીત રચનાત્મક કાર્ય માટે એનાયત કરવામાં આવે છે. બીજો એવોર્ડ ગ્રામિણ ઉત્થાનમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગ માટે આપવામાં આવે છે અને ત્રીજો મહિલા-બાળકોના ઉત્થાન અર્થે અપાય છે. મહિલા અને બાળકો માટે અપાતું સન્માન જમનાલાલ બજાજના પત્ની જાનકીદેવી બજાજના સ્મૃતિમાં અપાય છે. આંતરરાષ્ટ્રિય સ્તરનો એવોર્ડ છે તેમાં માપદંડ વિદેશમાં ગાંધીમૂલ્યોના પ્રચાર-પ્રસાર અર્થે જે કાર્ય કરે છે તે માટે છે. આ એવોર્ડ વિદેશીઓને અપાય છે. આ તમામ એવોર્ડમાં દસ લાખની રકમ ટ્રોફી સાથે આપવામાં આવે છે.

- Advertisement -

બજાજ ગ્રૂપ અને એવોર્ડની પૃષ્ઠભૂમિ પછી આ એવોર્ડ જેમને મળ્યો છે તેમાં સૌપ્રથમ આ એવોર્ડ મેળવનારાઓમાં જુગતરામ દવે અને સતીશચંદ્ર દાસ ગુપ્તા છે. આ એવોર્ડ મેળવનારાંઓમાં જાણીતાં નામોમાં નારાયણ દેસાઈ, રાણી અભય બંગ, ચુનીભાઈ વૈદ્ય, બાબા આમટે, મનુભાઈ પંચોળી, મણીભાઈ દેસાઈ, રાજેન્દ્ર સિંઘ, ગૌરા દેવી અને સહિન મિસ્ત્રી જેવાં નામો છે.

2021ના વર્ષ માટે જેમને જમનાલાલ એવોર્ડ મળ્યો છે તેમાં એક નામ છે ધર્મપાલ સૈની. તેઓને ગાંધીમૂલ્યો સાથે રચનાત્મક કાર્ય કરવા માટે આ સન્માન મળ્યું છે. ધર્મપાલ સૈની પદ્મશ્રીથી નવાજાઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશના ધારમાં જન્મેલા ધર્મપાલ બસ્તર ક્ષેત્રમાં દીકરીઓને ભણાવે છે. નક્સલ બેલ્ટમાં તેમનું કાર્ય નોંધપાત્ર છે અને તેથી જ્યારે 2021માં સુકમા બિજાપુર એટેક થયો હતો અને તેમાં એક કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંઘનું અપહરણ નક્સલીઓ દ્વારા થયું હતું ત્યારે તેમને છોડાવવામાં તેમની ભૂમિકા અગત્યની હતી. તેઓ સમાજ કાર્યમાં પોતાની જાતને ખૂંપાવી તે રામકૃષ્ણ અને વિવેકાનંદના સાહિત્યને વાંચીને. તેમણે યુવાન વયે નિશ્ચિત કરી લીધું કે તેઓ દેશ માટે સમર્પિત જીવન જીવશે અને કોઈ અન્ય કાર્ય નહીં સ્વીકારે. તેમણે એ સુદ્ધા નક્કી કર્યું હતું કે તેઓ લગ્ન નહીં કરે અને ન તો કોઈ સરકારી નોકરી સ્વીકારશે. આ રીતે તેમનું ઘડતર થયું અને પછી તેઓ વિનોબાજી દ્વારા ગાંધીજીના આચાર-વિચારના સંપર્કમાં આવ્યા. ધીરે ધીરે કરીને આ સફર એટલી આગળ વધી કે આજે તેઓ અનેક દીકરીઓનાં કલ્યાણ અર્થે શાળા ચલાવી રહ્યા છે અને સાથે તેમના રહેવા માટે આશ્રમ નિર્માણ કરાવી શક્યા છે. નેવું વર્ષના જીવનમાં ધર્મપાલને સરકાર વતી સન્માન મળ્યા છે અને અન્ય ખાનગી સંસ્થાઓએ પણ તેમનું કાર્ય બિરદાવ્યું છે.આ વર્ષમાં બીજું નામ છે ડો. લાલ સિંઘનું. તેઓએ ગ્રામિણ ક્ષેત્રે સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમનું કાર્યક્ષેત્ર હિમાચલ પ્રદેશ રહ્યું છે અને તેમણે ત્યાં સામાજિક-આર્થિક ક્ષેત્રે બદલાવ લાવવા ટેક્નોલોજીનો સવિશેષ ઉપયોગ કર્યો છે. તેમના પ્રયાસથી હિમાચલ પ્રદેશમાં પર્વતીય ક્ષેત્રોમાં લોકોનું જીવન વધુ સુખરૂપ બન્યું છે. તેમનું જાણીતું કાર્ય હિમાલય ક્ષેત્રમાં આવેલાં યૂ નામના વૃક્ષને સુરક્ષિત કરવાનો છે. આ વૃક્ષના ઔષધીય ગુણોના કારણે તે જોખમમાં આવી પડ્યું હતું. આ માટે ડો. લાલ સિંઘે પ્રયોગ કર્યા અને તે વૃક્ષોના મૂળીયાંને કેવી રીતે કાપવા તે ટેકનિક વિકસાવી. આ ટેકનિક પછીથી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના વનવિભાગે અપનાવી અને હવે તે વૃક્ષ ફરી સુરક્ષિત થઈ રહ્યા છે. આ ક્ષેત્રમાં પર્યાવરણીય વિવિધતા કેવી રીતે જાળવી રાખી શકાય તે દિશામાં તેમણે કાર્ય કર્યું. આ તમામ કાર્યના કારણે તેઓ એવોર્ડથી સન્માનિત થયા છે.

રાષ્ટ્રીય કક્ષાનો જમનાલાલ એવોર્ડ મેળવનારાંઓમાં ત્રીજું નામ છે લુસી કુરીયનનું. તેમણે મહિલા અને બાળકોના ઉત્થાન અર્થે કાર્ય કર્યું છે. તેઓ મૂળે કેરળના છે અને પરંતુ તેમનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર છે. અહીંયા તેમણે ચાલીછાપરાંના વિસ્તારના બહેનો-બાળકો માટે શિક્ષણનું અને નર્સિંગનું કાર્ય કર્યું. તેઓ મધર ટેરેસાના કામથી પ્રેરીત થયાં છે. તેમણે કારકિર્દીના શરૂઆતમાં અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને સેવાનું કામ કર્યું. પરંતુ પછીથી તેમની દૃષ્ટિ મુજબ કાર્ય કરવા માટે તેમણે ‘મહેર’ નામની સંસ્થાની સ્થાપના કરી. તે પછી આ સંસ્થા દ્વારા સ્ટ્રીટ બાળકો અને ત્યજાયેલાં બહેનો જેમની પાસે ઘર નથી તેમને આશ્રય આપ્યો. તેઓનું કાર્ય આંતરરાષ્ટ્રિય સ્તરે પણ પ્રશંસા પામ્યું છે. દેશબહાર જે ગાંધીમૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત હોય અને જેઓ જમનાલાલ બજાજ આંતરરાષ્ટ્રિય એવોર્ડ 2021 મેળવ્યો તેમનું નામ ડેવિડ અલ્બર્ટ છે. તેઓ ન્યૂયોર્કમાં જન્મ્યા છે. તેઓ ગાંધીમૂલ્યોના અભ્યાસ અર્થે ભારતમાં સારું એવું રહ્યાં છે અને તેના પ્રચાર-પ્રસાર માટે તેમણે એક પ્રકાશનગૃહ પણ શરૂ કર્યું છે. ઉત્તર અમેરિકામાં અહિંસાને જીવંત રાખવાનું કાર્ય તેઓ છેલ્લા ચાર દાયકાથી કરી રહ્યા છે. આ તમામના કાર્યને લઈને સ્વતંત્ર રીતે પણ વિસ્તારથી લખી શકાય એટલું તેમનું કાર્ય છે.

- Advertisement -સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular