ઝડપી યુગમાં જેમ કોઈ વ્યક્તિ ઉભરે છે તેમ તેનો અસ્ત પણ થાય છે. અચ્છા-અચ્છા ક્રિકેટરોની હસ્તી નિવૃત્તી પછી રહેતી નથી. પણ ક્રિકેટ વિશ્વમાં કેટલાંક એવાં નામો છે જેઓએ ક્રિકેટમાં પ્રસિદ્ધી મેળવ્યા પછી અન્ય ક્ષેત્રમાં પણ ઉમદા કામ કર્યું. આવું એક નામ છે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોઘનું. સ્ટીવ વોઘનું આ ક્ષેત્ર છે ફોટોગ્રાફી અને તેમણે ભારતમાં ઠેકઠેકાણે ફરીને ફોટોગ્રાફી કરી છે. ફોટોગ્રાફીનો વિષય છે : ‘ધ સ્પિરિટ ઑફ ક્રિકેટ-ઇન્ડિયા’ભારતમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન જાણીતું છે અને સ્ટીવ વોઘ જેવા ક્રિકેટરો ભારત પ્રવાસમાં આ ઝનૂન સ્ટેડિયમોમાં સારી પેઠે જોયું છે. પણ તે વખતે ક્રિકેટર તરીકે લોકો વચ્ચે જવાની મર્યાદા રહેતી, જે નિવૃ્ત્તી બાદ સ્ટીવે તોડી છે. સ્ટીવ છેલ્લા ઘણાં સમયથી ભારતમાં ફોટોગ્રાફી કરે છે અને લોકો વચ્ચે તેને ફોટોગ્રાફી કરતાં જોઈ શકાય છે. તે એટલા સહજતાથી ભારતીય વાતાવરણમાં ભળી ચૂક્યો છે કે તે ઘણાં વિડિયોમાં ભારતીય ક્રિકેટરો કરતાં પણ લોકો વચ્ચે સહજ દેખાય છે.
ઘણાં ભારતીયોને જ અહીંનું જીવન રૂચતું નથી. અહીંના જીવન બાબતે તેમને ફરિયાદ હોય છે. પરંતુ સ્ટીવ વોઘે જાણે ભારતને અપનાવી લીધું હોય તેમ તે અહીં ફર્યો છે, પ્રેમથી લોકોને મળ્યો છે, અહીનું વાતાવરણ માણ્યું છે, તકલીફો વેઠી છે અને આજે તેના કેમેરામાં જે કંડારાયું છે તેની માર્કેટમાં મસમોટી કિંમત પણ મળી રહી છે. સ્ટીવ વોઘે પોતાના આ કામ માટે પોતાના જ નામની એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટ પર તમે તેના આ કામને નિહાળી ને ખરીદી શકો છો. તેની આ વેબસાઈટના હોમ પેજ પર પરથી જ સ્ટીવની અદભુત ફોટોગ્રાફીના દર્શન થાય છે. તેણે જે ફોટો હોમ પેજ પર મૂક્યો છે તે મુંબઈના દરિયા કિનારોને છે જ્યાં સાંજ ઢળતા સમયે યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટને ડિફાઈન કરતી આ તો એક તસવીર છે, આવી અનેક તસવીર સ્ટીવે કેદ કરી છે.
આવી અન્ય એક તસવીર તેણે પોતાના આ કલેક્શનના પુસ્તક પર મૂકી છે. તે તસવીરમાં એક ગ્રાઉન્ડમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે, અને પાછળ બેકડ્રોપમાં તાજમહલ દેખાઈ રહ્યો છે. વિદેશીઓ માટે ભારતની ઓળખ તાજમહલ છે અને પુસ્તકનો વિષય ક્રિકેટ પ્રત્યેની દિવાનગી છે. એ રીતે આ પરફેક્ટ પિક્ચર સ્ટીવે પોતાના તસીવર કલેક્શન અર્થે પસંદ કરી છે. આ પુસ્તકની કિંમત જૂજ જ ભારતીયોને પોસાય તેવી છે. કિંમત છે 16,200. આ વેબસાઈટમાં જ સ્ટીવના કેટલીક તસવીર સરળતાથી જોઈ શકાય છે અને ત્યાં જ તેણે પોતાનો ભારત વિશેનો અનુભવ ટાંક્યો છે. તે લખે છે : ‘ઓસ્ટ્રેલિય ક્રિકેટ ટીમના સભ્ય તરીકે ભારતમાં પ્રથમ પ્રવાસ 1986માં થયો. અહીંયા પછી સમયાંતરે પછી મારે આવવાનું થયું અને હંમેશા અહીં થતાં સ્વાગતથી એક દેશ તરીકે હું ભારતનું સન્માન કરતો રહ્યો છું. મેં અહીં ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જોયો છે. બાળકોને ક્રિકેટ રમતાં જોયા છે. અને તેઓને ક્રિકેટ પ્રત્યેનો લગાવ પણ જોયો છે. બસ ત્યારથી જ મારા મનમાં ‘ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ-ઇન્ડિયા’નો વિચાર જન્મ્યો. બસ પછી કેમેરાથી તે બધું કેદ કર્યું. અને મેં તે કેદ કર્યું કે આ રમત પ્રત્યે લોકો કેટલાં ઝનૂની છે.’સ્ટીવ આ માટે સારો એવો સમય ભારતમાં ગાળ્યો છે અને તે ભારતીયોને ઓળખી શક્યો છે. એટલે જ તે ક્રિકેટના સંદર્ભે કહે છે કે, : “જો તમારા હાથમાં બેટ અને બોલ છે તો તમે અહીંયા કઈ પૃષ્ઠભૂમિ ધરાવો છો, કયા ધર્મમાંથી આવો છો, તમે સ્ત્રી કે પુરુષ છો, તમે કેટલાં ધનવાન છો તે કશું જ મહત્ત્વનું રહેતું નથી. ક્રિકેટ રમતી વેળાએ બધા સરખા છે અને જો તમારા ઉત્સાહ, શક્તિ, હકારાત્મક વલણ અને કલ્પનાશક્તિ હોય તો કશું પણ થઈ શકે છે.” આપણાં અનેક ક્રિકેટરો નાના ટાઉનમાંથી કે ગ્રામિણ વિસ્તારોમાંથી આવ્યા છે. તેમણે ભયંકર સંઘર્ષ વેઠ્યો, પણ પોતાની રમત ન છોડી, ક્રિકેટને વળગી રહ્યા, ક્રિકેટને જીવન માણ્યું અને આજે તેઓ દેશ વતી કે આઈપીએલની ટીમ વતી રમીને સેલિબ્રિટી બની ચૂક્યા છે.
સ્ટીવ અહીંયા બેટ-બોલની ફેક્ટરીની, નદીમાં ક્રિકેટ રમતાં બાળકોની, દરિયા કિનારે ક્રિકેટ રમતાં યુવાનોની, ફિઝિકલ ચેલેન્જ્ડ ક્રિકેટ પ્લેયર્સની, ધર્મશાલા ક્રિકેટ એકેડમીની, શહેરોની શેરીઓની, માટીના ઢગલા પર ક્રિકેટ રમનારાંઓની ફોટોગ્રાફી કરી છે. આ પ્રોજેક્ટ અર્થે સ્ટીવ ત્રણ અઢવાડિયા સુધી ભારતમાં ફર્યો. રોજના પંદર કલાક સુધી ફોટોગ્રાફી કરી. અને આ પૂરી કવાયતમાં તેણે 20,000 જેટલાં ફોટો પાડ્યા. જોકે તેના પુસ્તકમાં આટલી સંખ્યામાંથી માત્ર અઢીસો ફોટા સિલેક્ટ કર્યા છે. સ્ટીવ વોઘ પોતાના આ પ્રવાસમાં એકલો નહોતો, બલકે તેની સાથે અન્ય એક ફોટોગ્રાફર અને તેના માર્ગદર્શક ટ્રેન્ડ પાર્ક હતા અને મિત્ર જેસન બ્રુક્સ હતા. આવાં પ્રવાસમાં સ્ટીવને અવનવાં અનુભવ પણ થયા હોય તે સ્વાભાવિક છે. જેમ કે દિલ્હીના આઝાદ મેદાન પર જ્યારે સ્ટીવનું તસવીરો લેવાનું કામ પૂર્ણ થયું, પછી ત્યાં ક્રિકેટ રમતાં બાળકોને કેટલીક ટિપ્સ સ્ટીવે આપી. ત્યારે આ સૂચન સાંભળીને એક યુવતી સ્ટીવના પગે પડી. સ્ટીવે ખૂબ ના કહી અને પછી તેની સાથે હેન્ડ શેક કર્યો. સ્ટીવને ત્યારે અનુભવાયું કે ક્રિકેટ પ્રત્યેનું વળગણ અહીં કેટલું છે. અને એટલે જ સ્ટીવ કહે છે કે ક્રિકેટનો જન્મ ભલે બ્રિટિશરોએ આપ્યો છે પણ તેને રમનારાં ઇન્ડિયન્સ છે.
સ્ટીવ કહે છે કે, “મારે જે તસવીરો લેવાની હતી, તે હું લઈ શક્યો. જેમની તસવીર લીધી તેમને ખ્યાલ હતો કે હું આનો કોઈ દૂરોપયોગ કરવાનો નથી. કેટલાંક અતિગરીબ વિસ્તાર હતા, જ્યાં પ્રવાસીઓ આવે છે અને તેમની આ સ્થિતિને કેમેરામાં કેદ કરે છે. હું પણ આવા વિસ્તારમાં નિયમિત રીતે ગયો, પણ તેઓએ મારી પર વિશ્વાસ કર્યો. મારા પર વિશ્વાસ કરવાનું કારણ ક્રિકેટ હતું, અને મેં તેમની કોઈ નકારાત્મક બાજુ કે ગરીબીને કેમેરામાં કેદ કરી નથી.”
આ બધુ કેપ્ચર કરતાં સ્ટીવે પ્રોપર કેમેરા ઉપયોગ કર્યો છે. તે ક્રિકેટ સાથે જોડીને તેનું ઉદાહરણ પણ આપે છે. તે કહે છે કે જેમ તમારે ટેસ્ટ ક્રિકેટમાં રમવા માટે યોગ્ય તૈયારી જોઈએ તેમ તસીવરમાં યોગ્ય પરિણામ જોઈએ તો તે માટે પ્રોપર કેમેરા જોઈએ. જ્યારે તમે ફોનનો કેમેરાનો ઉપયોગ કરો છો તો તે ટ્વેન્ટી20 જેવું છે. તે કોઈ પણ કરી શકે છે, તે તુરંત થઈ શકે છે અને તમે ત્વરીત સંતોષ આપે છે પણ પછી ત્યાં જ વાત પૂરી થઈ જાય છે.
સ્ટીવે ભારત પ્રવાસ અને ક્રિકેટની ફોટોગ્રાફી કોઈ જ કોમર્શિયલ ઉદ્દેશથી નથી કરી. તેને મસમોટી રકમ મળી હોય તો પણ તેનો ઉપયોગ ભારતમાં ગરીબ બાળકો અને જે કોઈ બીમારીથી ઝૂઝતા હોય તે માટે થશે. ઓસ્ટ્રેલિયન જેવી આક્રમક ટીમમાં રહીને સ્ટીવ વોઘે પોતાનો શાંત સ્વભાવ ન છોડ્યો, ક્રિકેટ પછીની તેની કારકિર્દી પણ સામાન્ય ક્રિકેટરો જેવી નથી.