Thursday, May 16, 2024
HomeGujaratAhmedabadચૂંટણીમાં આમનેસામને પરિવાર : પવાર વિ. પવાર, ઠાકરે વિ. ઠાકરે….

ચૂંટણીમાં આમનેસામને પરિવાર : પવાર વિ. પવાર, ઠાકરે વિ. ઠાકરે….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભારતીય રાજકારણનું કોઈ એક સ્થાયી લક્ષણને તારવીને મૂકવું હોય તે જોડતોડ છે. એકબીજા સામે ગંભીર આક્ષેપ કરનારા એક પક્ષમાં બેસનારા અનેક દાખલા છે. અને એક પરિવારના જ હોય અને તેઓ આમનેસામને પણ થયા હોય તેવું પણ ચૂંટણી જંગમાં જોવા મળે છે. અંતે, સત્તાનો ઉદ્દેશ્ય સાધવાનો હોય છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) જાહેર થઈ ચૂકી છે અને દરેક પક્ષના ઉમેદવારોની યાદી આવી રહી છે. આ યાદીમાં કેટલાંક એક પરિવારમાંથી આમનેસામને લડનારા છે. હાલમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે મહારાષ્ટ્રની (Maharashtra) બારામતીની બેઠક છે, જ્યાં જે શરદ પવારનો ગઢ કહેવાય છે. આ બેઠક પરથી 1996થી લઈને 2004 સુધી ચાર વાર થયેલી લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર (Sharad Pawar) ચૂંટાઈને આવ્યા હતા. તે પછી અહીંયા સતત શરદ પવારના દીકરી સુપ્રિયા સુલે ચૂંટાઈને આવી રહ્યા છે. પરંતુ પિતા-પુત્રાની આ સુરક્ષિત બેઠક પર હવે તેમના જ પરિવારની એક અન્ય વ્યક્તિ દાવેદારી માંડી છે. અને તે છે મહારાષ્ટ્રના વર્તમાન ઉપ-મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર. અજિત પવાર શરદ પવાર ભત્રીજા થાય અને આ બંને કાકા-ભત્રીજા થોડા વખત પહેલાં ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’માં સાથે-સાથે હતા. પરંતુ અજિત પવારે 2023માં પાર્ટીના મોટા ભાગના વિધાનસભ્યોને સાથે લઈને વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા ને ઉપ મુખ્યમંત્રી બન્યા. અજિત પવારે ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’ પર પણ દાવો માંડ્યો અને પોતે પક્ષના પ્રમુખ છે તેમ પણ જણાવ્યું. ફાઈનલી, ઇલેક્શન કમિશને પણ ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’ને સર્વેસર્વા બનાવ્યા. જે શરદ પવારનો વર્ષ પહેલાં દેશભરની રાજનીતિમાં ડંકો વાગતો હતો, તેઓ આજે ગણ્યાગાંઠ્યા વિધાનસભ્યો સાથે એકલા પડી ગયા છે. તેમની દીકરી આવનારી લોકસભામાં બારામતીમાંથી ઉમેદવારી નોંધાવશે અને તેમનો પક્ષ શરદચંદ્ર પવારની ‘નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી’’ હશે. જોકે અજિતને હવે એ પણ પસંદ નથી કે તેમના કાકાની દીકરી સુપ્રિયા સુલે બારામતીથી જીતે અને સંસદમાં જાય, એટલે તેમણે પરિવારમાંથી જ પોતાની પત્નીને આ બેઠક પર ઉતાર્યા છે. આ રીતે આ જંગ પવાર વિ. પવારનો થવાનો છે અને તેમાં એકબીજા પર આક્ષેપ પણ થવાનાં છે.

Raj vs Udhhav
Raj vs Udhhav

ભાજપ જે રીતે દેશભરમાં વર્ચસ્વ જમાવી રહી છે તેનાથી સ્થાનિક પક્ષો તૂટી રહ્યા છે. આ અગાઉ ઠાકરે પરિવારની શિવસેના તૂટી ચૂકી છે. તેમાં રાજ ઠાકરેએ પોતાની એક અલગ પક્ષ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ નામનો પક્ષ રચ્યો છે. જોકે હવે તો શિવસેનાના મોટા ભાગના વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા છે. બાલાસાહેબ ઠાકરેના અવસાન પછી મહારાષ્ટ્રમાં ઠાકરે વિ. ઠાકરેનો જંગ જોવા મળી રહ્યો છે અને તેમાં અત્યારે શિવસેનાનું સુકાન ઠાકરે પાસે નથી રહ્યું, બલકે શિંદે પાસે જતું રહ્યું છે. એ રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો પક્ષ મજબૂત ગણાય છે. તેઓ વર્તમાન ભાજપ સરકારની ટીકા કરવામાં ક્યાંય પાછા નથી રહેતા. દેશભરમાં ભાજપનો જોરશોરથી વિરોધ કરનારાઓમાં અખિલેશ યાદવનું નામ આવે છે. પરંતુ યાદવ પરિવારમાંથી ગત્ વર્ષે જ અપર્ણા યાદવ ભાજપમાં સામેલ થયાં છે. મુલાયમ સિંઘ યાદવના બીજાં પત્ની સાધના ગુપ્તાનું સંતાન પ્રતીક યાદવ છે અને પ્રતીક પત્ની અપર્ણા યાદવ છે. 2017માં અપર્ણા યાદવે ભાજપ સામે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓ હારી ગયા હતા. યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી આંતરરાષ્ટ્રિય સંબંધો અને રાજકારણ વિષયમાં પોસ્ટગ્રેજ્યુએશન કરનારાં અપર્ણા 2022માં ભાજપમાં સામેલ થયાં છે. સામેલ તો થયા પણ ભાજપ પ્રત્યેની નિષ્ઠા દર્શાવવા માટે તેમણે 370ની કલમ હટાવવાનું સમર્થન કર્યું. રામ મંદિર માટે તેમણે 11 લાખ રૂપિયા દાન આપ્યા. આમ, તેઓ સમાજવાદી પક્ષની જે પણ નીતિ હતી તેનાથી વિરુદ્ધ વર્ત્યા છે અને સાથે સાથે તેમણે ભાજપનું ખુલીને સમર્થન કર્યું છે. અપર્ણાને આ લોકસભામાં ટિકિટ મળવાની શક્યતા હતી, પરંતુ હજુ સુધી તેમનું નામ યાદીમાં આવ્યું નથી. જોકે પ્રચારમાં ચોક્કસ યાદવ વિ. યાદવ થાય તેવો પ્રયાસ ભાજપ કરશે. ખાસ કરીને ઉત્તર પ્રદેસના કનૌજ બેઠક પર અપર્ણાને પ્રચાર માટે ઉતારવામાં આવશે. આ બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ છેલ્લા બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે.

- Advertisement -
Rahul Vs Varun
Rahul Vs Varun

આજે જેમ સ્થાનિક પક્ષોમાં થઈ રહ્યું છે તેવું રાષ્ટ્રીય પક્ષોના પરિવારોમાં પણ ફૂટફાટ થઈ ચૂકી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સોનિયા અને મેનકા ગાંધી છે. મેનકા ગાંધી શરૂઆતના જ તબક્કામાં ગાંધી પરિવારથી અલગ થઈ ચૂક્યા હતા અને તેમણે 1984માં અપક્ષ ઉમેદવાર તરીકે અમેઠીમાં રાજીવ ગાંધી સામે ઊભા રહ્યાં હતાં. તે વખતે તેઓ અઢી લાખથી વધુ માર્જિનથી રાજીવ ગાંધી સામે હારી ગયા હતા. તે પછી તેઓ 1989માં જનતા દળમાં ગયા અને પિલિભત બેઠક પરથી સાંસદ બન્યાં. 1991 સિવાય તેઓ પિલિભતથી કાયમ જીતતાં રહ્યાં. જોકે અગાઉ તેમણે જનતા દળ અને પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. 2004થી તેઓ ભાજપમાં સામેલ થયા અને હરહંમેશ માટે કોંગ્રેસની સામે થયા. કોંગ્રેસ સાથે તેઓ ગાંધી પરિવારની પણ વિરોધમાં રહ્યા. ગાંધી વિ. ગાંધીની તેમની લડાઈ બીજી પેઢીમાં પણ યથાવત્ રહી છે. તેમનો દીકરો વરૂણ ગાંધી પણ ભાજપમાંથી સાંસદ બન્યો છે. ગાંધી વિ. ગાંધીની લડાઈમાં હવે આ વાત એટલી આગળ વધી ચૂકી છે કે આજે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને કૉંગ્રેસ સાથે કોઈ સંબંધ રહ્યો નથી.

Sharad Vs Ajit
Sharad Vs Ajit

દક્ષિણના રાજકીય પરિવારો તરફ આપણી નજર જતી નથી, પણ દેશભરમાં રાજકારણનો રંગ બધે સરખે જ ચઢે છે. આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડી છે. તેમનાં પક્ષનું નામ વાયએસઆર કોંગ્રેસ પાર્ટી છે. વાય. એસ. જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશમાં મજબૂત સ્થાન ધરાવે છે. પરંતુ હવે જગમોહન રેડ્ડી સામે તેમની જ નાની બહેન વાય. એસ. શર્મિલા આવી છે. સૌથી પહેલાં તો તેમણે જગમોહન રેડ્ડીની પાર્ટી સામે પોતાની એક અલગ પાર્ટી રચી, જેનું નામ હતું : ‘વાયએસઆર તેલંગાણા પાર્ટી’. જોકે તેમાં સફળતાનો અવકાશ ન દેખાયો એટલે વાય. એસ. શર્મિલા હવે કોંગ્રેસ પક્ષ સાથે પોતાના પક્ષનો વિલય કરી દીધો છે. એ રીતે આંધ્ર પ્રદેશમાં આ લોકસભાની ચૂંટણીમાં રેડ્ડી વિ. રેડ્ડી થવાનું છે.

Udhhav Vs Raj
Udhhav Vs Raj

આ તો લોકસભાની ચૂંટણીમાં પરિવાર આમનેસામને થવાની વાત છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ રીતે પરિવારના સભ્યો એકબીજાના સામે આવે છે. ગુજરાતમાં જ ગત્ વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરમાંથી ભાજપ વતી ઉમેદવારી નોંધાવનારા રિવાબા જાડેજા હતાં, તો બીજી તરફ કોંગ્રેસ વતી રિવાબા સામે પ્રચાર કરનારાં તેમના જ નણંદ નૈના જાડેજા હતાં. જામનગરમાં જ્યારે જાડેજા વિ. જાડેજા જંગ જામ્યો ત્યારે મીડિયાએ તેની ખૂબ સ્ટોરીઝ બનાવી. આ સ્થિતિ ઝારખંડમાં પણ થઈ હતી. ઝારખંડમાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી સોરેન પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. સોરેન પરીવાર ઝારખંડ મુક્તિ મોર્ચાનું નેતૃત્વ કરે છે. સોરેન પરિવારમાંથી સીતા સોરેન હવે ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં છે. સોરેન પરિવારના હેમંત સોરેન હાલમાં ઝારખંડના મુખ્યમંત્રી હતા, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડ થઈ છે અને હાલમાં તેઓ જેલમાં છે. એવું કહેવાય છે કે હેમંત સોરેનની ધરપકડ થઈ તેમાં ભાજપે મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ હવે સોરેન પરિવારમાંથી જ સીતા સોરેન ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં છે અને તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપ વતી પ્રચાર કરશે. એ રીતે હરિયાણાના ચૌટાલા પરિવારમાં પણ પરિવારના સભ્યો એકબીજાના સામે ચૂંટણીમાં સામે આવી ચૂક્યા છે.

- Advertisement -
Varun Vs Rahul
Varun Vs Rahul

રાજકારણમાં આવીને જ્યારે ધ્યેય સત્તા હોય ત્યારે તેમાં કોઈની પણ સાથે જોડતોડ કરવાનો પ્રયાસ થાય છે. અને તેમાં સામે પરિવારનો સભ્ય આવે તોય તેમાં પીછેહઠની શક્યતા રહેતી નથી. ઉપરના દાખલાઓ પરથી તો એવું જ લાગે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular