નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાં રીક્ષા ચાલકના સ્વાંગમાં ફરતા લૂંટારૂઓ છેલ્લા કેટલાક સમયથી લૂંટને અંજામ આપી રહ્યા હતા. ઉંમરલાયક પેસેન્જરને રીક્ષામાં બેસાડીને તેમના દાગીનાની ચોરી કરી લેવાના બનાવોમાં સતત વધારો થતા વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) સક્રિય થઈ હતી. ત્યારે આજે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Vadodara Local Crime Branch) દ્વારા રીક્ષામાં બેસાડીને દાગીના ચોરી કરતી ગેંગના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર કૃલાણ પટેલના માર્ગદર્શન હેઠળ LCBનો સ્ટાફ પાદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને અશોકભાઈને માહિતી મળી હતી કે, પાદરા એસ. ટી. ટેપો નજીક બે વ્યક્તિ રિક્ષા લઈને ઊભા છે. આ શખ્સોએ થોડા સમય પહેલા જ ઉંમરલાયક પેસેન્જરને વાહનમાં બેસાડી નજર ચૂકવી દાગીના પડાવી લીધા હતા.
આ પણ વાંચો: નકલી નોટ અને ડોક્યુમેન્ટના આરોપીઓને વડોદરા સેસન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા, PI એચ.એમ. વ્યાસની તપાસ રંગ લાવી
માહિતીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીક્ષા લઈ ઊભેલા વ્યક્તિની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી પુછપછ કરવામાં આવતા એકનું નામ શકીલ ફિરોજ વોરો (રહે.ખેડા) અને સમીરખાન મુસ્તુફાખાન પઠાણ (રહે.ખેડા) જાણવા મળ્યું હતું. બંને લોકો મહેમદાવાદથી ઓટો રીક્ષા લઈને વડોદરા આવતા હતા. વડોદરાથી પાદરા અને પાદરાથી વડોદરા જતા ઉંમરલાયક પેસેન્જરને રીક્ષામાં બેસાડતા હતા. ત્યારબાદ રીક્ષા તેમની સાગરીત આશા ઉર્ફે જાનું દેવીપુજક નામની મહિલાને રીક્ષામાં બેસાડી દેતા હતા અને ચાલુ મુસાફરીએ સમીરખાન અને આશા દાગીના સેરવી ગુનો આચરતા હતા.
ઉલ્લેખનીય છે કે, પાદરા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પાદરા પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. પરંતુ આ ટોળકી તેમના હાથે લાગી ન હતી. જોકે વડોદરા પાદરા રોડ પર દાગીના સેરવી લેવાના બનાવથી હાહાકાર મચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખીને દાગીના સેરવી લેતી ટોળકીના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી પોલીસે તાજેતરમાં ચોરી કરેલી 20 ગ્રામની સોનાની ચેઈન મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીને પાદરા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. જ્યારે મહિલા આરોપી આશા ઉર્ફ જાનુ દેવીપૂજકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796