કિરણ કાપુરે : હાલની તહેવારની સિઝનમાં ખાણીપીણામાં ખૂબબાંધછોડ થાય છે. તે બાંધછોડ કેટલી ભારે પડી શકે છે તેનો પુરાવો હાલના ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ના એક અભ્યાસમાં મળે છે. વિશ્વમાં સિત્તેર ટકા મૃત્યુ ‘નોનકોમ્યુનિકેબલ ડિસીઝ’થી થાય છે. ‘નોનકોમ્યુનિકેબલ ડિસીઝ’ એટલે જે બીમારીઓ સંક્રમણથી નથી પ્રસરતી તે. આ બીમારીઓ જીવનશૈલીને લગતી છે. મતલબ કે અત્યારે જે કોરોનાથી આપણે ડરી રહ્યા છે તે કરતાં આ બીમારીઓ અનેકગણી ગંભીર છે. આ બીમારીમાં કેન્સર, ડાયાબિટીસ, ગંભીર કિડનીની બીમારી, ઓટોઇમ્યુન ડિસિઝ, સ્ટ્રોક્સ, અલ્ઝાઇમર ડિસિઝ જેવી બીમારીઓ સામેલ છે. સિત્તેર ટકા એટલે અંદાજે દોઢ કરોડ લોકો અને તે પણ 30થી 60વર્ષના ઉંમરના. એ રીતે રોજનો મૃત્યુઆંક ચાળીસ હજાર નીકળે છે. આમાંથી એંસી ટકા મૃત્યુ સમયથી ઘણાં વહેલાં થાય છે. તેમાં સૌથી વધુ મૃત્યુ હૃદય સંબંધિત છે. આ રીતે પૂરું ચિત્ર જોઈએ તો નોનકોમ્યુનેબલ ડિસિઝની ઘાતકતા અનેકગણી છે. હવે આ બીમારીઓ સામે લડવા માટે સૌથી સરળ ઇલાજ જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તનનું છે. અને જીવનશૈલીમાં વધુ સચોટ પરિવર્તનથી વિચારતા હોય તો તે માટે ‘બ્લ્યુ ઝોન્સ’(Blue Zones)કન્સેપ્ટ છે. આહાર આધારીત આ કન્સેપ્ટથી સ્વસ્થ્ય દિર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. આજના તણાવભર્યા જીવનમાં બ્લ્યુ ઝોન કન્સેપ્ટ ઉપયોગી થાય એમ છે.
હવે આ બ્લ્યુ ઝોન્સ એટલે શું, પહેલાં એ સમજી લઈએ. બ્લ્યુ ઝોન્સ એ નોન-સાયન્ટિફિક ટર્મ છે અને તેની ઓળખ ભૂગોળ આધારીત છે. વિશ્વના જે ભાગમાં સ્વસ્થ્ય દિર્ઘ આયુષ્ય ધરાવનારા વધુ લોકો રહે છે તે ક્ષેત્રને બ્લ્યુ ઝોન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ક્ષેત્ર વિશે. તેમાં ગ્રીસનું ઇકરીયા(Icaria)ટાપુ આવે છે, ઇટાલીનું ઓગ્લીસ્ટ્રા(Ogliastra), સાર્ડિનિયા(Sardinia)આવે છે, જાપાનનું ઓકિનાવા(Okinawa), કોસ્ટા રિકાનું નિકોયા પેન્સેન્સુલા(Nicoya Peninsula)અને અમેરિકાના કેલિફોર્નિયા(California)નું એક ગ્રૂપને પણ આ બ્લ્યુ ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે. વિશ્વના આ ક્ષેત્ર શોધી કાઢનાર છે નેશનલ જિયોગ્રાફીના લેખક ડેન બુટનર(Dan Buettner). આ ક્ષેત્રોમાં લોકો વધુ શારીરિક અને માનસિક રીતે તો સ્વસ્થ છે જ, પણ સાથે તેઓ વિશ્વના અન્ય ભાગ કરતાં વધુ એક્ટિવ પણ છે.
ડેન બુટનેર આ જગ્યાઓનો અભ્યાસ કર્યો અને તેમાં જીવનશૈલીને લગતાં નવ એવાં કારણો શોધી કાઢ્યા છે, જે જીવનને સ્વસ્થ ને દિર્ઘાયુ બક્ષે છે. તેમાં અગત્યનો હિસ્સો આહાર છે. અહીંના લોકોનો મુખ્ય આહાર પ્લાન્ટ બેઝ્ડ છે, મતલબ કે તેઓનો આહાર મહદંશે શાકભાજી, ફળ અને અનાજ છે. આને વધુ સ્પેસિફાઈ કરીએ તો તેમાં ઓલિવ ઓઇલ, જવ, ઓટ્સ, દાળ, સૂકામેવા અને કઠોળનો પણ સમાવેશ થાય છે. આ ડાયટમાં જેને ટાળી શકાય તે માટે સૂચન છે તેમાં માંસ, ડેરી, સુગરી ડ્રિંક્સ અને તેમાં પ્રોસેસ ફૂડ છે. બ્લુ ઝોનમાં ઇટાલીનું સાર્ડિનીયામાં એવાં પણ લોકો છે જેઓ ડેરી પ્રોડક્ટ, લાલ માંસ, માછલી અને આલ્કોહોલ પણ લે છે. જોકે તેનું પ્રમાણ અત્યંત મર્યાદિત છે. અહીં જે આહાર લેવામાં આવે છે તે બધામાં જ એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ છે અને તે તામસી હોતા નથી. આ કારણે જ કેન્સર, ડાયાબિટીઝ, મેદસ્વીપણું અને હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
ઇટાલીના સાર્ડિનીયામાં જે રીતે લોકો દિર્ઘ આયુષ્ય ભોગવે છે તો તેનો અભ્યાસ અગાઉ પણ થયો છે અને તેમાં લેવામાં આવતાં આહારની અગાઉ પણ તપાસ થઈ ચૂકી છે. આ તપાસથી ખ્યાલ આવે છે કે તેઓ પોતાના આહારમાં સૌથી વધુ ભારણ શાકભાજી અને ફળોને આપે છે. અને ક્યારેક તેઓ માંસ પણ લે છે. સ્વાસ્થનો આધાર આહાર હોવા છતાં સ્વસ્થ માટે અન્ય પણ અનેક પાસાં છે, જેને આ ક્ષેત્રના લોકો અનુસરે છે. જેમ કે, આ બધા જ ક્ષેત્રોમાં ફિઝિકલ એક્ટિવિટીને મહત્ત્વ આપવામાં આવે છે. અહીં વાતાવરણ સારું હોવાના કારણે લોકોનું સ્ટ્રેસ લેવલ ઓછું રહે છે. તદ્ઉપરાંત તેમનું સોશિયલ એન્ગેજમેન્ટ પણ સારું છે. સૌથી અગત્યનું કે તેઓ સ્વસ્થતા પ્રત્યે સજાગ પણ છે. આ બધાનો સરવાળો તેઓને બ્લ્યુ ઝોનમાં સમાવિષ્ટ કરે છે.
હવે આ બાબતે આપણે ભારતીયોની અને ખાસ કરીને અહીં આપણા લોકોના રાજ્યની વાત કરીએ તો ફૂડ હેબિટના બાબતે અનેક મર્યાદાઓ છે. આમાં સૌથી દેખીતું તો અતિ ગરમ મસાલા અને ઓઈલી ફૂડની વાત આવે છે. આ નુકસાન તો દેશના ગલીએ ગલીએ છે. સાઉથ ઇન્ડિયન ફૂડ એ રીતે હેલ્થ ફ્રેન્ડલી છે. આમ તો સંતુલન આહાર બાબતે આપણા દેશમાં દરેક રાજ્યમાં એક આદર્શ થાળી મળે છે. પણ તે આદર્શ થાળીને ફોલો કરવામાં આવતી નથી. નવા જમાના પ્રમાણે તેનું ફ્યૂઝન કરીને હવે હેલ્થને નુકસાન થાય તે રીતે આહાર તૈયાર થાય છે. ફાસ્ટ ફૂડનું જે રીતે ચલણ વધ્યું છે તે કારણે પણ ફૂડ હેબિટથી નુકસાન થાય તેવાં અનેક તત્ત્વો તેમાં ઉમેરાય છે. આ મામલે ‘ઇટ લાન્સેટ કમિશન’ દ્વારા દેશના એક લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં અનાજથી વધુ કેલરીઝ આપણા શરીરમાં જાય છે તેવું તારણ બહાર આવ્યું છે અને સરેરાશ ઘરમાં શાકભાજી, ફ્રૂટ, માંસ, ફીશ, એગ અને ડેરી પ્રોડક્ટ્સનો ઓછો ઉપયોગ થાય છે તે પણ પ્રકાશમાં આવ્યું છે. સૌથી મોટી ખોટ તો પ્રોટિનની છે. સરેરાશ એક વ્યક્તિને 29ટકા પ્રોટિનની આવશ્યકતા હોય છે તેના બદલે 6થી 8ટકા જ પ્રોટિન ભારતીયો લે છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે માત્ર મધ્યમ કે ગરીબ વર્ગ જ સ્વસ્થ ડાયડને ફોલો કરતાં નથી એવું નથી, બલકે શ્રીમંતોના ઘરમાં પણ શાકભાજી અને ફળ પૂરતા પ્રમાણમાં ખવાતા નથી તેવું આ સર્વેમાં બહાર આવ્યું છે.
આમાં ચોંકવાનારી વિગત તો એ છે કે સરેરાશ ભારતીય ઘરોમાં આજકાલ ફળ કરતાં વધુ પ્રોસેસ ફૂડની પેટર્ન જોવા મળી છે. આ રિપોર્ટ મુજબ તો ભારતીયોનું ડાયટ અનહેલ્થી અને અપૂરતા પોષક છે. આ પ્રકારે ભારતીયોની ફૂડ હેબિટનો એક અન્ય સર્વે ક્રોસ સેક્શનલ સર્વે 2018માં થયો હતો. તેમાં પણ જે બાર હજાર લોકોને સહભાગી કર્યા હતા તેના પરિણામ ભારતીયો જોખમી જીવનશૈલીમાં જીવે છે તેવું પ્રકાશમાં આવ્યું હતું. આ બાર હજાર લોકોમાં ત્રીસ ટકા જેટલા તમાકુના બંધાણી હતા, સોળ ટકા આલ્કોહોલ અને પચાસથી વધુ ટકા લોકો ફિઝિકલ જરા પણ એક્ટિવ નહોતા. અને તેમાં ફળ અને શાકભાજીના ઉપયોગનો આંક તો ખૂબ નીચો આવ્યો હતો. તો ભારતીયોએ પોતાની ફૂડ હેબિટ અને જીવનશૈલી સુધારવા શું કરવું જોઈએ. તેમાં સૌથી પહેલાં તો જે તુરંત કરી શકાય તે આહારનો બદલાવ છે. તે માટે વધુને વધુ શાકભાજી અને ફળનો આહારમાં સમાવેશ છે. ઉપરાંત દાળ, કઠોળ અને થોડી ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ છે. ઉપરાંત એક્સસાઇઝ. આ સિવાય પણ બ્લ્યુ ઝોન કન્સેપ્ટમાં કેટલાંક જે નિયમો પાળવાના થાય તો તેનાથી વ્યક્તિ વધુ સારું જીવન જીવી શકે છે. આ નિયમોમાં એક છે જ્યારે તમારું પેટ એંસી ટકા ભરાયેલું હોય તેમ લાગે ત્યારે જમવાનું ટાળવાનું છે, બીજો નિયમ સાંજના સમયે ઓછું જમો. મહદંશે શાકભાજી અને ફળોને આહારમાં લો. માંસને લાંબા અંતરે જ તમારા આહારમાં જગ્યા આપો. સામાન્ય રીતે મહિનામાં ચાર વખત. અને શક્ય હોય ત્યાં સુધી આલ્કોહોલને ટાળો.
આ તો બ્લ્યુ ઝોનની વાત થઈ પણ આપણો જ આહાર વધુ શુદ્ધ રીતે લઈએ તો લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય. આપણા દેશમાં આહાર બાબતે સમયાંતરે સારાં એવાં મોડિફેકશન થતા ગયા છે. ઇવન, ઋતુ મુજબ આપણી આહાર પેટર્ન બદલાય છે. અનુભવથી તે પેટર્ન ગોઠવાઈ છે.