પ્રશાંત દયાળ, (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજ્યના પોલીસ વડા (DGP Gujarat) આશીષ ભાટીયા (Ashish Bhatia)નો કાર્યકાળ પુર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે એક માસથી ચર્ચાઓએ જોર પક્ડ્યું છે કે રાજ્યના નવા DGP કોણ બનશે ? જાણકારોની આતુરતા વચ્ચે સામાન્ય લોકોને કેટલાક સવાલો પેદા થઈ રહ્યા છે કે, ડીજીપી કેવી રીતે નિયુક્ત થાય, કોણ નિયુક્ત કરે અને પ્રક્રિયા કેવી રીતે થાય ? ત્યારે આ લેખના માધ્યમથી જાણકારોને નવા ડીજીપી માટેની રેસમાં રહેલા નામ સાથે જ સામાન્ય લોકના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ છે.
DGP ભાટીયા થશે નિવૃત

ગુજરાત રાજ્યના હાલના ડીજીપી આશીષ ભાટીયા (DGP Ashish Bhatia) 1985 બેચના IPS અધિકારી છે. ખરેખર આશીષ ભાટીયાનો કાર્યકાળ તો મે 2022માં જ પુર્ણ થવા પર હતો પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી 8 મહિનાનું એક્સ્ટેન્શન આપી કાર્યકાળનો સમય વધારવામાં આવ્યો હતો. પરંતુ હવે 31 જાન્યુઆરીના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવા ડીજીપીની નિમણૂંક કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આ અધિકારી બન્યા અમદાવાદ બ્લાસ્ટ કેસના ગૂગલ બાબા, ગુજરાત પોલીસમાં સૌથી લાંબી નોકરીનો ઈતિહાસ
નિયમ મુજબ કોણ છે રેસમાં ?
કોઈ પણ રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપીની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડીજીપી તરીકે નિમણૂક એવા સિનિયર આઈપીએસ અધિકારીની જ થાય કે જેમની નિવૃત્તિને ઓછામાં ઓછો 6 મહિનાનો સમય બાકી હોય. ત્યારે રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારી અમદાવાદના કમિશનર સંજય શ્રી વાસ્તવની નિવૃત્તિમાં 6 મહિનાનો સમય બાકી રહેતો નથી. માટે તેમને હાલ પુરતા નવા ડીજીપીની રેસમાં ગણી શકાય નહીં. પરંતુ તેનો મતલબ તેવો પણ નથી કે તેઓની નિયુક્તી ન જ થઈ શકે, કારણ કે રાકેશ અસ્થાનાની નિવૃત્તિના આખરી દિવસે તેમને એક્સટેન્સન આપી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયક્ત કરવામાં આવ્યા હતા. માટે જો સંજય શ્રી વાસ્તવને પણ એક્સટેન્સન આપી દેવામાં આવે તો તેમને પણ ડીજીપી તરીકે નિયુક્ત કરી શકાય છે.
તોડકાંડનું કારણ નડી શકે છે !
જો વાત કરવામાં આવે ગુજરાતના નવા ડીજીપીની રેસમાં રહેલા કેટલાક નામોની તો તેમાં 1987 બેચના સંજય શ્રી વાસ્તવ, 1988 બેચના અતુલ કરવાલ, 1989 બેચના વિવેક શ્રી વાસ્તવ, 1989 બેચના વિકાસ સહાય, અનીલ પ્રથમ અને અજય તોમર તેમજ 1991 બેચના સમશેરસિંઘ અને મનોજ અગ્રવાલ સામેલ છે. પરંતુ કથિત તોડકાંડ મામલે જો મનોજ અગ્રવાલ વિરૂધ્ધમાં તપાસ ચાલુ હોય તેવા કિસ્સામાં તેમનું નામ રેસમાં ટકે નહીં, માટે હવે જોવું રહ્યું કે તેમનું નામ નવા ડીજીપીની રેસમાં રહે છે કે કેમ.

કોણ નક્કી કરે છે DGPનું નામ ?
જો ડીજીપીની નિમણૂકની પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ સિનિયર આઈપીએસના નામની એક યાદી તૈયાર થાય છે. જે યાદીને UPSC સમક્ષ મુકવામાં આવે છે અને તેઓ નામની યાદીમાંથી 3 નામને સિલેક્ટ કરી રાજ્ય સરકારને મોકલી આપે છે. UPSC દ્વારા રાજ્ય સરકારને મોકલાવેલા 3 નામમાંથી રાજ્ય સરકાર ઈચ્છે તે નામ પસંદ કરી ડીજીપી બનાવી શકે છે. આમ કાયદેસરની પ્રક્રિયામાં ઉપરોક્ત નામ ગુજરાતના નવા ડીજીપી માટે યુપીએસસી પાસે પહોંચશે અને તેમાંથી કોઈ પણ ત્રણ નામ નક્કી થશે તે રાજ્ય સરકાર પાસે પરત આવશે. બાદમાં નિર્ણય લેવાઈ શકે છે ગુજરાતના નવા ડીજીપી તરીકે કોની નીયુક્તિ કરવી. આમ ફેબ્રુઆરી પહેલા આ પ્રક્રિયા પુર્ણ કરી ગુજરાતના આગામી ડીજીપીનું નામ નક્કી થઈ જશે અને નામને લઈ તમામ અસમંજસતા પર પૂર્ણવિરામ લાગશે.
આ પણ વાંચોઃ આ પોલીસ અધિકારીનો હોદ્દો DySPનો છે પણ તેમના ઘરની બહાર નેઈમ પ્લેટ ઉપર PSI કેમ લખેલુ છે ?
Tag: Who will be the new DGP of Gujarat
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796