કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):ડૉયચે બેંકની (Deutsche Bank) ગણના વિશ્વની અગ્રગણ્ય બેંકમાં થાય છે. જર્મનીની (Germany) આ બેંક અનેક સર્વિસ પૂરી પાડે છે અને જર્મની-અમેરિકાના શેર બજારમાં બેંકનું લિસ્ટીંગ સુધ્ધા થયું છે. દોઢસો વર્ષ અગાઉ સ્થપાયેલી આ બેંક અત્યારે દુનિયાના 58 દેશોમાં મોજૂદ છે. ડૉયચે બેંકના જમા પાસાંમાં આવી અનેક વાતો મૂકી શકાય, પરંતુ આ અગ્રગણ્ય બેંકની હવે પડતી શરૂ થઈ છે અને યુરોપના મીડિયામાં તેના અહેવાલો આવી રહ્યા છે. બેંકમાં કેવી રીતે કૌભાંડ થયા અને લાગતાં વળગતાંને લોનો મળી, નોકરીઓ મળી તેવી વિગતો બહાર આવી રહી છે. આ ઉપરાંત, બેંકમાં સર્વોચ્ચ સ્થાને બિરાજનારા અધિકારીઓએ બેંકની શાખને કેવી રીતે ડૂબાડી તે વિશે ડોક્યુમેન્ટરીઝ પણ બની છે. ભારતમાં આ બેંકની બ્રાન્ચિસ છે, અને આ બેંકના કૌભાંડ વિશે જે રીતે વિગતો બહાર આવી રહી છે તે પરથી યુરોપમાં પણ બેંન્કિગ સેક્ટરમાં કાગડાં કાળા છે તેવું પ્રતિત થાય છે.
ભારતની બેંકો વિશ્વાસપાત્ર રહી છે અને જૂજ કિસ્સા સિવાય સામાન્ય લોકોના નાણાં બેંકોએ ડૂબાડ્યા નથી. પરંતુ છેલ્લા વર્ષોમાં આપણે ત્યાં બેંકોએ ઉદ્યોગપતિઓને મસમોટી લોનો આપવાની અને તેની રિકવરી ન થવાની વાત સામે આવી છે. આ રીતે બેંકોના લાખો કરોડો રૂપિયા ગયા. તેની સીધી અસર સામાન્ય ખાતાધારક પર ન થઈ, પરંતુ તે નુકસાન બેંક અને સરકારે ક્યાંક તો ભરપાઈ કરવું જ પડ્યું છે. એ રીતે જ ઇલેક્ટોરલ બૉન્ડના મુદ્દે પણ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. બેંકિંગ સેક્ટર વિશ્વાસના જોરે ચાલે છે અને બેંક જ્યારે વિશ્વાસ ગુમાવે છે ત્યારે બધું જ ગુમાવે છે. અત્યારે જર્મનીની ડૉયચે બેંક સાથે કંઈક એવું જ થઈ રહ્યું છે. આ બેંક છેલ્લા વર્ષોમાં રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે સારાં સંબંધ રહ્યા છે અને આ બંને આગેવાનોએ પણ ‘ડૉયચે બેંક પોતાની છે’- તેમ કહીને વર્ણવતા હતા.
એ વાત સ્વાભાવિક ગણાવી જોઈએ કે આટલી મોટી બેંકમાં દોઢસો વર્ષોમાં કોઈક છીડાં નીકળે, પરંતુ આવી ભૂલો બેંકો અવારનવાર કરતી હોય તો સમજવું તે ભૂલો નથી, પરંતુ બેંકના ટોચના અધિકારીઓ પોતાની લાલચે બેંકનો ઉપયોગ કરી રહ્યા છે. ડૉયચે બેંકમાં આવું થયું છે. 2008-09માં અમેરિકામાં આવેલી મંદી અને તેમાં ડૂબેલી બેંકોનું એક કારણ પણ ડૉયચે બેંક હતી. આ બેંક કેટલાંક પ્રોપર્ટીને ઓવરવેલ્યૂ કરીને લોન આપી અને જ્યારે લોન ભરપાઈ ન થઈ ત્યારે તે પ્રોપર્ટીને વેચીને બેંક સામાન્ય રીતે નાણાં રિકવર કરે છે તેવું થવું અશક્ય થઈ ગયું. આ લોન એટલાં મોટા પ્રમાણમાં આપી હતી કે બજારમાં જ્યારે ઓવરવેલ્યૂ થયેલી પ્રોપર્ટીને ફૂગ્ગો ફૂટ્યો તો તેની અસર પૂરા માર્કેટ પર થઈ અને તેના કારણે મંદી આવી. લોકોની નોકરીઓ ગઈ અને અમેરિકાની અનેક બેંકો ડૂબી. જોકે તે વખતેય મસમોટો દંડ ચૂકવીને ડૉયચે બેંક પોતાનું અસ્તિત્વ ટકાવી શકી હતી.
2014ના વર્ષમાં તો બેંકની રશિયામાં આવેલી બ્રાન્ચ રીતસર મની લોન્ડરીંગ બાબતે સંડોવણી બહાર આવી. મની લોન્ડરીંગમાં કાળાં નાણાંને કાયદેસર કરવાનો ખેલ થાય છે અને તેમાં બેંકની સંડોવણી આવે એટલે તેમાં અગણિત નાણું કાયદેસર થઈ જાય. આવાં કામમાં બેંકની સંડોવણી બહાર આવી અને અમેરિકામાં તેની તપાસ થઈ. ‘ન્યૂયોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ’ દ્વારા ડૉયચે બેંકને મસમોટો દંડ ભરવો પડ્યો. આ દંડની રકમ રૂપિયામાં મૂકવી અશક્ય છે. ડૉયચે બેંકમાં એ રીતે ‘લિબર’ કૌભાંડ થયું હતું. ‘લિબર’નો અર્થ થાય છે – લંડન ઇન્ટર બેંક ઓફર્ડ રેટ – મતલબ કે બેંક પોતાના ગ્રાહકોના મૂડી પર નિશ્ચિત વ્યાજ આપે છે. આ વ્યાજના માપદંડ બેંકિગ સેક્ટરમાં નિર્ધારીત થયેલા છે. પરંતુ ડૉયચે બેંકે તેમાં ગોલમાલ કરી અને પોતાની મુનસફી પ્રમાણે વ્યાજ આપ્યું અને એ રીતે કેટલાંક મોટા ખાતાધારકોની ક્રેડિટ વધારી અને કેટલાંકની ઘટાડી. આ કૌભાંડમાં બેંક સીધેસીધી વાંકમાં આવી અને બેંકે આખરે ભૂલ માનીને દંડ ચૂકવ્યો.
યુરોપ-અમેરિકામાં જે રીતે બેંકિગ સેક્ટર ચાલી રહ્યું છે તેની પ્રેરણા લઈને હવે આપણે ત્યાં પણ બેંકો ઉદ્યોગપતિઓને મસમોટી લોનો આપે છે અને અન્યોને લોન માટે પ્રોત્સાહિત કરે છે. આનાથી માર્કેટમાં નાણાં તો ફરે છે પણ આખરે તેમાં એકની ટોપી બીજાનાં માથે પહેરાવાય છે. ડૉયચે બેંક પર વધુ શંકા ત્યારે દૃઢ થઈ જ્યારે રશિયામાં આ બેંકના બ્રાન્ચમાં કરોડો ડોલરની મની લોન્ડરીંગ થવા માંડી. પુતિન આ બેંકને ‘પોતાની બેંક’ કહેવા લાગ્યા, તેટલાં હદે બેંકના અધિકારીઓ અને બ્લાદિમિર પુતિન વચ્ચેના સંબંધો વિકસ્યા. આવું થયું તેનો વિગતવાર અહેવાલ જર્મનીની ન્યૂઝ સંસ્થા ‘ડિડબ્લ્યૂ’એ ડોક્યુમેન્ટરી નિર્માણ કરી છે. આ પૂરા ખેલમાં ડૉયચે બેંકના તત્કાલિન સીઈઓ જોસેફ એકરમેનનું નામ દેવાય છે. જોસેફ એકરમેને પુતિન માટે લાલ જાજમ બિછાવી આપી અને પછી તો, પુતિને આ બેંકનો શક્ય એટલો ઉપયોગ કર્યો. આ સંબંધની શરૂઆત ક્યાંથી થઈ તે અંગે ડોક્યુમેન્ટરીમાં આપેલી માહિતી મુજબ, વર્ષ 2010માં જર્મનીની એડલોન હોટલમાં રશિયન પ્રમુખ જર્મનીના ઉદ્યોગપતિઓ સાથે એક મિટિંગ માટે આવે છે. તે વખતે જર્મનીમાં એવી હવા બનાવવામાં આવી હતી કે રશિયા સાથે બિઝનેસ કરવાથી સૌની ચાંદી ચાંદી થઈ જશે. અને આ ગુલાબી ચિત્ર દર્શાવવામાં જેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી તે ડૉયચે બેંકના તત્કાલિન સીઈઓ જોસેફ એકરમેનની હતી. જર્મનીની એક મહત્ત્વની બેંકનો સંબંધ જ્યારે રશિયાના બ્લાદિમિર પુતિન સાથે આટલો ગાઢ થયો ત્યારે કેટલાંકે એવી ચેતવણી પણ આપી કે પુતિન જે કંઈ ખોટું કરે તેમાં બેંકનું સમર્થન છે તેવું માની લેવામાં આવશે. જોકે બેંકના તત્કાલિન અધિકારીઓએ તે અંગે મૌન ધર્યું અને પુતિનને સમર્થન આપવાનું ચાલ્યું રાખ્યું. તે વખતે બેંક નફો કરી રહી હતી અને સૌ કોઈ તેમાં અવસર જોઈ રહ્યા હતા, તેથી તે અંગે ગણ્યાગાંઠ્યા લોકોએ આંગળી ચીંધી પણ તેમની વાત કાને ધરવામાં ન આવી. તે વખતે રશિયામાં આવેલી ડૉયચે બેંકના ખાતાધારકો માટે મની લોન્ડરીંગની જાણે સ્કીમ લોન્ચ કરવામાં આવી તે રીતે ઝડપથી પૈસા લોન્ડરીંગ થતા હતા. તે કેવી રીતે થતું હતું તે જરા સમજીએ. રશિયામાં નિવાસ કરતો ખાતાધારક સૌપ્રથમ મોસ્કોની ડૉયચે બેંકની બ્રાન્ચમાંથી શેરની ખરીદી કરતો અને તેનાં નાણાં સ્વાભાવિક છે કે રશિયાની કરન્સી રૂબલ્સમાં ચૂકવાતાં. આ શેર ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે આ શેરનું વેચાણ લંડનની ડૉયચે બેંક દ્વારા થતું અને રૂબલ્સની બદલે ડોલર્સ મેળવી લેવાતા. અને ડોલર્સમાં આવેલી એ રકમ સીધી તે પછી કસ્ટમર્સના – ઑફશોર અકાઉન્ટ-માં ટ્રાન્સફર કરવામાં આવતી. ઑફશોર એકાઉન્ટ એટલે કે ખાતાધારક જે દેશનો નાગરિક ન હોય તેવાં દેશનું બેંક ખાતું. આ રીતે રશિયામાંથી રૂબલ્સ આવતાં ગયા અને તેનું મની લોન્ડરીંગ થતું ગયું. સ્વાભાવિક છે કે ડૉયચે બેંકમાં આ જે કંઈ થયું તે બેંકિંગ ક્ષેત્રમાં રહેલાં નિષ્ણાંતોથી છૂપું નહોતું. સૌને ખ્યાલ હતો કે બેંક ગડબડી કરી રહી છે. પરંતુ ગડબડીનો માર્ગ એવો હતો કે તેના પર તુરંત અંકુશ આવે તેમ નહોતો.
આ અંકુશ કેમ ન થયો તે માટે ડૉયચે બેંકના અધિકારીઓ કેટલાં ઉપરના સ્તરે સાંઠગાંઠ કરતાં તે વાત જાણી લેવી જોઈએ. જેમ કે અમેરિકાના પૂર્વ પ્રમુખ સાથે ડૉયચે બેંકની સાંઠગાંઠ હતી. એ સાબિત થઈ ચૂક્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ડૉયચે બેંકે મસમોટી લોન આપી છે. એક તો મોટો હિસ્સો અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના થોડાં દિવસો અગાઉ જ આપી છે. બેંક સાથે ટ્રમ્પની એટલી હદની સાંઠગાંઠ હતી અને તેમાં કૌભાંડ થયાની શંકા થઈ ત્યારે તેની તપાસ અમેરિકાની સાંસદ સમિતિએ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને આ રીતે ગજા બહારની લોન આપવા બદલ અમેરિકા સ્થિત ડૉયચે બેંકના વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝનના કર્મચારી થોમસ બ્રાઉસરે 2019માં આત્મહત્યા કરી હતી. ડૉયચે અને ટ્રમ્પની સાંઠગાંઠમાં આવી અનેક ઘટનાઓ બની છે. તે બધી જ અહીં વર્ણવી શક્ય નથી. પરંતુ ડૉયચે બેંકના ઉદાહરણથી એટલું સમજવા જેવું છે કે આ રીતે આર્થિક સંસ્થાનો જો રાજકારણીઓ સાથે એકબીજાને લાભ કરાવવા માંડે તો તેમાં છેલ્લે સામાન્ય ખાતાધારકોની મૂડી ડૂબે. અમેરિકા-યુરોપની બેંકિગ સેક્ટરમાં આવાં કૌભાંડ સમયાંતરે ખુલ્યા છે. આપણે ત્યાં પણ બેંકિગ સેક્ટર વિશ્વાસપાત્ર બનતા પહેલાં હવે માર્કેટમાં વધુ નફાના લાલચે ધંધો કરવા જાય છે અને અંતે તેમાં વિશ્વાસ ખોવાનો આવે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796