કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ડાન્સિંગ ઓન ધ ગ્રેવ’ (Dancing on the Grave) નામની સીરીઝ હાલમાં એમેઝોન પ્રાઈમ (amazon prime series) પર આવી છે. દેશના સૌથી ચર્ચિત ક્રાઇમ કેસનું આ સીરીઝમાં ફિલ્માંકન થયું છે. આ કેસ છે 1991ના સમયગાળાનો છે, જ્યારે બેંગ્લોર નિવાસી શકીરેહ ખલીલી (Shakereh Khaleeli) નામની મહિલા એકાએક ગુમ થઈ. શકીરેહ 600 કરોડની સંપત્તિ ધરાવતી હતી અને તેનાં ગુમ થવાની ચર્ચા મીડિયામાં ખૂબ થઈ હતી. શકીરેહની અકસ્માતે ત્રણ વર્ષે ભાળ મળી, ત્યારે પોલીસને જાણકારી મળી કે તેની હત્યા થઈ ચૂકી છે. આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ શકીરેહનો પતિ સ્વામી શ્રદ્ધાનંદ (Swami Shraddhanand) હતો. આજે પણ સ્વામી શ્રદ્ધાનંદ મધ્ય પ્રદેશની સાગર જેલમાં 29 વર્ષથી આજીવનની સજા કાપી રહ્યો છે.

શકીરેહ કેસ હાઇપ્રોફાઈલ હતો. તેનું એક કારણ શકીરેહ ખલીલી મૂળે મૈસૂરના દિવાન સર મિર્ઝા ઇસ્માઇલની (Mirza Ismail) પૌત્રી હતી. શકીરેહ અતિ સંપન્ન પરિવારમાંથી આવતી હતી. શકીરેહના દાદા સર મિર્ઝા ઇસ્માઇલના વહિવટી ક્ષમતાના કારણે તેમની ખ્યાતિ દેશભરમાં હતી. જાણીતાં વૈજ્ઞાનિક સી. વી. રમનની મિત્રોની યાદીમાં મિર્ઝા ઇસ્માઇલ હતા. પછીથી મિર્ઝા ઇસ્માઇલ હૈદરાબાદ રાજ્યના દિવાન પણ બન્યા. સર મિર્ઝા ઇસ્માઇલની દિકરી એટલે ગૌહર તાજ બેગમ; જેમનાં લગ્ન ગુલામ હુસૈન નમીઝી સાથે થયા હતા. ગુલામ હુસૈનનો વેપાર-નિવાસસ્થાન સિંગાપોરમાં હતું. આ દંપત્તીના ઘરે શકીરેહનો જન્મ થયો. સિંગાપોરમાં અતિસમૃદ્ધ પરિવારોમાં શકીરેહનો પરિવાર પણ સામેલ હતો અને પછીથી શકીરેહે પોતાના જ પરિવારના વેપારમાં જોડાઈ.

શકીરેહનું વેપારનું જોડાણ ઝાઝું ન ટક્યું. તેનું કારણ એ કે તેણે એવો નિર્ણય કર્યો કે તે મદ્રાસ સ્થિત તેમનાં જ સંબંધીના દિકરા અકબર ખલીલી સાથે લગ્નગ્રંથિથી જોડાશે. આ રીતે શકીરેહને ભારત આવવાનું થયું. શકીરેહના જીવનસાથી અકબર ખલીલીનું નામ તે વખતે ટેનિસ પ્લેયર તરીકે જાણીતું હતું. પરંતુ આગળ જતાં અકબર ખલીલી ‘ઇન્ડિયન ફોરેન સર્વિસ’માં જોડાયા. ભારત સરકારની મહત્વની શાખામાં જોડાયા બાદ અકબરને સર્વિસ અંતર્ગત દિલ્હી, બગદાદ, કોલંબો, પેરીસ અને અમન જેવા સ્થળે રહેવાનું થયું. શકીરેહને પણ અકબર ખલીલી સાથે અલગ-અલગ પોસ્ટિંગમાં રહી. આ સમય ગાળા દરમિયાન અકબર-શકીરેહ ચાર દિકરીઓનાં માતા-પિતા બન્યા.
આ રીતે સરસ રીતે સંસાર ચાલી રહ્યો હતો અને તેમાં કોઈ ખટરાગેય નહોતો. બસ, શકીરેહની મનોમન એક ઇચ્છા રહી ગઈ હતી કે તેને એક દિકરો અવતરે. આ માટે તેનો ક્યારેક અકબર સાથે અણબનાવેય થતો. આ ઇચ્છા ધીરે-ધીરે એટલી બળવત્તર બની કે શકીરેહની હત્યાનું કારણ આ જ બનવાનું હતું.
શકીરેહ-અકબરની કહાનીમાં વિઘ્ન ત્યારે આવ્યું જ્યારે અકબરને ઇરાનમાં પોસ્ટિંગ આવ્યું. ઇરાનમાં તે વખતે શાસક વિરુદ્ધ ક્રાંતિ ચાલી રહી હતી અને પૂરા ઇરાનનું વાતાવરણ ડહોળાયેલું હતું. શકીરેહ ઇરાન ન જતાં, બેંગ્લોરમાં રહેવું પડ્યું. અહીં શકીરેહે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તેણે હાથ અજમાવ્યો. ધીરે ધીરે આ દંપતિ વચ્ચે અંતર વધતું ગયું. એક સમય એવો આવ્યો જ્યારે અકબર ખલીલીને વિદેશમાં રહેવાનું વધતું ચાલ્યું અને શકીરેહને બેંગ્લોર વધુ અનુકૂળ આવવા લાગ્યું. તે અંદાજે ચાળીસે પહોંચી ચૂકી હતી અને આ દરમિયાન બંનેએ ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. તે વખતે શકીરેહના નામે છસ્સો કરોડની સંપત્તિ હતી એટલે તેના જીવનસાથી અકબર પર તે આધારીત નહોતી. શકીરેહ ઇચ્છે તેમ જીવન જીવી શકે તે સ્થિતિમાં હતી. આ નિર્ણય લીધો તે અગાઉ જ શકીરેહની મુલાકાત સ્વામી શ્રદ્ધાનંદ સાથે થઈ ચૂકી હતી.
શ્રદ્ધાનંદ જેનું મૂળ નામ મુરલી મનોહર મિશ્રા હતું. તે ગાળામાં શ્રદ્ધાનંદ દિલ્હીમાં આવેલા રામપુરના નવાબની સંપત્તિની દેખરેખ કરતો હતો. 1983માં રામપુરના નવાબ સાથે શકીરેહની મુલાકાત થઈ ત્યારે શ્રદ્ધાનંદ સાથે તેનો પરિચય થયો. આ ગાળા દરમિયાન શકીરેહ કેટલાંક કાયદાકીય મુદ્દાને લઈને પરેશાન હતી. શ્રદ્ધાનંદ તેના મદદે આવ્યો અને કાયદાકીય કેટલીક બાબતો તેણે ઉકેલી આપી. આ રીતે તેમની વચ્ચેની મુલાકાતો વધી અને એક સમયે શ્રદ્ધાનંદ શકીરેહને મળવા બેંગ્લોર આવ્યો. શ્રદ્ધાનંદે જોયું કે શકીરેહની સંપત્તિ અપાર છે. જોકે ત્યાં સુધી તેણે શકીરેહની તમામ માહિતી મેળવી લીધી હતી. શ્રદ્ધાનંદ જાણતો હતો કે શકીરેહ પરણિત છે અને તેની ચાર દિકરીઓ પણ છે. આ સ્થિતિમાં શકીરેહ પાસેથી સંપત્તિ મેળવી લેવી અઘરી હતી. તેણે શકીરેહ સાથેની મુલાકાતો વધારી અને શકીરેહની દિકરો મેળવવાની ઇચ્છા જાણી લીધી. બસ, કોઈક રીતે શ્રદ્ધાનંદે શકીરેહને એવું ઠસાવી શક્યો કે તેના દ્વારા તે દિકરાની માતા બની શકશે. આ જાળમાં શકીરેહ એવી ફસાઈ કે તેણે પરિવારની કે સમાજની પરવાહ કર્યા વિના શ્રદ્ધાનંદ સાથે લગ્ન કરવાનું ઠરાવ્યું. તે માટે અકબર ખલીલીને ડિવોર્સ આપ્યા અને પછી તુરંત 1987માં શ્રદ્ધાનંદ સાથે લગ્ન કર્યા. અત્યાર સુધી શકીરેહની તમામ પ્રવૃત્તિને અવગણતી તેની ચાર દિકરીઓમાંથી ત્રણે તો શકીરેહ સાથે કાયમ માટે સંબંધ કાપી નાંખ્યો. તેઓને જાણે ખબર હતી કે મમ્મી મુર્ખામી કરી રહી છે. પરંતુ એક દિકરી સબા તેની માતા સાથે સતત સંપર્કમાં રહી.
શ્રદ્ધાનંદ અને શકીરેહ બેંગ્લોરમાં જે વિશાળ બંગલામાં રહેતાં હતાં ત્યાં શ્રદ્ધાનંદે પોતાનો રંગ દાખવવાનું શરૂ કર્યું. પાર્ટીઓ કરવાનો તેને શોખ હતો અને આ શોખમાં શકીરેહના નાણાં વપરાવા લાગ્યા. એક સમયે શકીરેહનો ખ્યાલ આવ્યો કે શ્રદ્ધાનંદે તેને ફસાવી છે. આ ગાળો 1991નો હતો જ્યારે એકાએક શકીરેહ ગુમ થઈ. શકીરેહ સાથે પરિવારનો નાતો તૂટી ચૂક્યો હતો એટલે તેની પૂછપરછ કરનાર કોઈ નહોતું. દિવસો સુધી જ્યારે શકીરેહની કોઈ ભાળ ન મળી ત્યારે દિકરી સબાએ તે વિશે સીધી શ્રદ્ધાનંદને પૂછપરછ કરી. શ્રદ્ધાનંદે પહેલા તો એમ જવાબ આપ્યો કે તારી માતા ગર્ભવતી હોવાથી તેને ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. શ્રદ્ધાનંદે જે હોસ્પિટલનું નામ આપ્યું હતું તે હોસ્પિટલમાં દિકરી સબાએ પૂછપરછ કરી તો ખબર પડી કે અહીં શકીરેહ નામની કોઈ મહિલાને દાખલ કરવામાં આવી નથી. પછી પણ જ્યારે જ્યારે સબાએ તેની માતા વિશે પૂછ્યું તો શ્રદ્ધાનંદ પાસેથી ઉડાઉ જવાબ મળ્યો. છેલ્લે સબાને લાગ્યું કે તેની માતા સાથે કશુંક અજુગતું થયું છે કારણ કે તેની માતા દિવસમાં એકાદ વખત તેને કોઈ પણ સ્થિતિમાં હોય ફોન તો કરતી જ. સબાએ છેલ્લે પોલીસ ફરિયાદ કરી અને તેની તપાસ આરંભાઈ. જોકે શ્રદ્ધાનંદ બેંગ્લોરમાં પણ તેની વગ બનાવી ચૂક્યો હતો અને તેથી તેની તપાસ કરવી મુશ્કેલ હતી. ઉપરાંત પોલીસને તપાસમાં કોઈ પુરાવા પણ હાથ લાગી રહ્યા હતા. આમ કરતાં બે વર્ષ નીકળ્યા અને એક દિવસ બેંગ્લોરના એક પબમાં એક વ્યક્તિએ પોલીસ કોન્સ્ટેબલ સામે એવું કબૂલ્યું કે શકીરેહની શોધખોળ પોલીસ કરી રહી છે તેની હત્યા થઈ ચૂકી છે. શકીરેહની હત્યા કરનાર ખુદ શ્રદ્ધાનંદ છે. તુરંત પોલીસ હરકતમાં આવી અને તે આધારે શ્રદ્ધાનંદની ધરપકડ થઈ. માહિતી આપનાર વ્યક્તિએ શકીરેહની કેવી રીતે મારી નાંખવામાં આવી છે તે વિગત પણ કહી હતી એટલે શ્રદ્ધાનંદ હવે પોલીસને ગુમરાહ કરી શકે એમ નહોતો. પોલીસની તપાસમાં છેલ્લે શ્રદ્ધાનંદે કબુલી લીધું કે તેણે જ શકીરેહની હત્યા કરી છે અને બંગલાનાં એક ભાગમાં તેને મારીને દફન કરી છે. શ્રદ્ધાનંદે પછી તે જગ્યા બતાવી અને શકીરેહના ત્યાંથી અવશેષોય મળ્યાં. ડિએનએ ટેસ્ટમાં એ પુરવાર થયું કે મૃતદેહ શકીરેહનો જ હતો.
આ પૂરા કેસમાં શ્રદ્ધાનંદ બે વર્ષ સુધી પોલીસને ખોટી માહિતી આપતો રહ્યો અને પોતાની જાતને સુરક્ષિત રાખી શક્યો. છેલ્લે આ બધા પુરાવાના આધારે શ્રદ્ધાનંદ પર કેસ ચાલ્યો અને 2000માં નીચલી અદાલતે તેને ફાંસીની સજા આપી. 2005માં હાઇકોર્ટે આ સજા યથાવત્ રાખી પરંતુ 2008માં સુપ્રીમ કોર્ટે આ સજાને આજીવન કેદમાં ફેરવી. આ પૂરા કેસમાં એ યાદ રાખવા જેવું છે કે એક સુખી-આનંદી પરિવાર માત્ર એક વ્યક્તિનાં ઇચ્છા-મુનસફીના કારણે ખેદાનમેદાન થઈ ગયો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796