કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કહેવાય છે કે આજે લોકો વધુ ને વધુ હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે અને એટલે જ હેલ્થ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, પ્રોટીન પાઉડર, પ્રોટીન બાર, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવી પ્રોડ્ક્ટસથી બજાર ઉભરાય છે. એક સમય હતો જ્યારે આવી કોઈ હેલ્થ પ્રોડક્ટ્સ આપણે આપણી સોસાયટીઓના ગલી-નાકાની દુકાનોમાં જોઈ નહોતી, પરંતુ અત્યારે નાની અમથી કરીયાણાની દુકાને પણ ફેન્સી નામવાળા હેલ્થ ડ્રિંક્સ (Health Drinks) મળી રહે છે. આ તમામ હેલ્થ ડ્રિક્સ કે હેલ્થ સપ્લિમેન્ટ્સ એવો દાવો કરે છે કે તેના ઉપયોગથી તમે સ્વસ્થ બની જશો, તમારામાં કોઈ પણ પ્રકારના વિટામિન્સ અને પોષણની ખામી નહીં રહે અને તમારુ મગજ અને શરીર એટલાં પાવરફૂલ બની જશે કે તમે ઓલિમ્પિકમાં મેડલ પણ મેળવી શકશો અને એવરેસ્ટની ટોચે પણ ચઢી શકશો! પોતાના સંતાનોને ટોચે જોવા માંગતાં માતા-પિતા આવી હેલ્થ પ્રોડ્ક્ટસના દાવાને સાચો માની લે છે. જોકે આવા દાવા દરેક વખતે સાચા હોતા નથી, એવું વધુ એક વખત પુરવાર થયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે બોર્નવિટા, પિડીયાશ્યોર, કોમ્પ્લેન, જેવા ઉત્પાદનોને હેલ્થ ડ્રિંક્સના લેબલ હેથળ વેચવા સામે લાલ આંખ કરી છે. તન કી શક્તિ મન કી શક્તિ વધારવાનો દાવો કરતાં બોર્નવિટા (Bournvita)સામે તો ગત વર્ષે તેમાં વપરાતી સામગ્રીને લઈને દેશમાં એટલો ઉહાપોહ મચ્યો હતો કે સરકારે પણ કંપની પાસે જવાબ માંગવો પડ્યો હતો.
સોશિઅલ મિડીયા ઇનફ્લુએન્સર રીવત હિંમતસિંગકાએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એક વિડીયો બનાવીને બોર્નવિટા કંપનીની પોકળતાને છતી કરી દીધી હતી. હિંમતસિંગકાએ તેના વિડિયોમાં દાવો કર્યો હતો કે બોર્નવિટા જેવી પ્રોડક્ટ્સમાં સ્વાસ્થ્યને લાભ થાય તેવી કોઈ જ વસ્તુઓ હોતી નથી, ઉલટાનું તેમાં જે સામગ્રી વાપરવામાં આવે છે તે બાળકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. બોર્નવિટામાં વાપરવામાં આવતો કેરેમલ કલર કેન્સરનું કારણ બને શકે છે એવું અનેક સંશોધનો દ્વારા સાબિત થયું હોવાનું હિંમતસિંગકાએ કહ્યું હતું. બોર્નવિટાની મોટાભાગની સામગ્રીમાં અલગ અલગ પ્રકારની સુગર જ છે. જેમાં સુગર, કોકો સોલિડ્સ, લિક્વિડ ગ્લુકોઝ, મેલ્ટોડેક્ટટ્રિનનો સમાવેશ થાય છે. આ હિસાબે જોઈએ હિંમતસિંગકાના જણાવ્યા પ્રમાણે તો બોર્નવિટાના પાઉડરમાં પચાસ ટકા જેટલો હિસ્સો સુગર ધરાવે છે. જે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ, લિવરની બિમારીઓને જન્મ આપે છે. હિંમતસિંગકાના આ વિડિયોની અસર એટલી થઈ હતી કે ભારત સરકારે પણ તેની નોંધ લેવી પડી હતી અને તાત્કિલાક ધોરણે કંપની પાસે તેનો જવાબ માંગ્યો હતો. જોકે ઉલટા ચોર કોટવાલ કો દંડે એ કહેવતને સાકાર કરતી હોય એમ આ બોર્નવિટા કંપનીએ પોતાની બદનામી માટે હિંમતસિંગકા ઉપર વળતો કેસ ઠોક્યો હતો. જેના પગલે હિંમતસિંગકાએ પોતાનો વિડિયો ઉતારી લેવો પડ્યો હતો. પરંતુ હિંમતસિંગકાના દાવાને પાછળથી ઘણા બધા ડોક્ટર્સ, સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરતાં નિષ્ણાતો અને સંશોધકોએ સ્વીકાર્યો હતો અને બાળકો માટે આવી પ્રોડ્કટ્સ કેટલી હદે નુકસાનકારક છે તેની વિગતો પણ રજૂ કરી હતી.
તાજેતરમાં કેન્દ્ર સરકારના કમિશન ઓફ પ્રોટેક્શન ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)દ્વારા આ બાબતે ફરી એક વખતે અવાજ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે જાણીએ સ્વાસ્થ્યવર્ધક ઉત્પાદનોના દાવાના સત્ય વિશે.
સામાન્ય ભાષામાં સમજીએ તો હેલ્થ ડ્રિંક્સનો અર્થ થાય છે સ્વસ્થ શરીર માટે અનિવાર્ય હોય એવા વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન તથા અન્ય જરૂરી તત્વો પૂરા પાડતા પીણા. દૂધ, દહીં, લસ્સી, ફળ-શાકભાજીના રસ, મિલ્કશેક અને સૂપ આવા કુદરતી હેલ્થ ડ્રિંક્સ છે. પરંતુ આજની ફાસ્ટ લાઇફમાં લોકો પાસે સમયનો દેખીતી રીતે અભાવ જોવા મળે છે. વળી, પરંપરાગત સ્વાદ ભૂલાતો જાય છે. તેથી આ બંને બાબતોને કેન્દ્રમાં રાખીને માર્કેટમાં કૃત્રિમ સ્વાસ્થ્યવર્ધક પીણા કેટલીક ફૂડ કંપનીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. ભારતની જ વાત કરીએ તો અહીં આવા સ્વાસ્થ્યવર્ધક પીણા એટલે કે હેલ્થ ડ્રિંક્સનું માર્કેટ 11,000 કરોડનું છે, જેમાં હોર્લિક્સ, બોર્નવિટા, કોન્પ્લેન જેવા પાઉડરનો પણ સમાવેશ થઈ જાય છે. આ હેલ્થ ડ્રિંક્સ સામાન્ય રીતે દૂધમાં મિલાવીને પીવામાં આવે છે. તેઓ પોતાની જાહેરાતોમાં એવો દાવો કરે છે કે તેનાથી ઇમ્યુનિટી વધે છે, મગજ તેજ બને છે, શારિરીક વિકાસ યોગ્ય રીતે થાય છે અને તમારું બાળક દુનિયા સાથે સ્પર્ધામાં ઉતરીને જીતવા સજ્જ બને છે. પરંતુ તેમના પેકેટ પર લખેલાં ઇનગ્રિડિઅન્ટ્સ- સામગ્રીની યાદી જોઈએ તો આ દાવામાં કેટલું તથ્ય છે તે આપણે હિંમતસિંગકાએ તેના વિડીયોમાં કહી દીધું હતું.
આ હેલ્થ ડ્રિંક્સ માલ્ટા બેઝ્ડ -malt-based- પીણા તરીકે ઓળખાય છે. જેમાં જે-તે સેરેલ્સ-અનાજને પાણીમાં પલાળીને ફણગાવીને પછી સૂકવીને પાઉડર તૈયાર કરવામાં આવે છે. જોકે આ પાઉડરમાં સ્વાદ ઉમેરવા, તેની શેલ્ફ લાઇફ માટે, રંગ માટે અને તે દૂધની થિકનેસ વધારે તે માટે તેમાં અલગ અલગ પ્રકારના અન્ય તત્વો પણ ઉમેરવામાં આવે છે. આમાંનું એક તત્વ મેલ્ટોડેક્સટ્રીન- Maltodextrin- છે, જેનો ઉપયોગ થિકનેસ એજન્ટ અને કાર્બોહાઇડ્રેડ તરીકે થાય છે. મેલ્ટોડેક્સટ્રીનનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 106થી 136 સુધીનો છે, એટલે કે તે શરીરમાં જતાં જ સુગરનું પ્રમાણ ઊંચુ જાય છે. જ્યારે પણ આપણે કોઈ એનર્જિ ડ્રિક પીએ છીએ ત્યારે શરીરમાં તુરંત જ ઊર્જાનો અનુભવ કરીએ છીએ તેનું મુખ્ય કારણ મેલ્ટોડેક્સટ્રીન છે. જોકે ડાયાબિટીસના દર્દીઓ માટે તે અત્યંત જોખમી ગણાય છે. વળી, 2012માં PLos ONE નામના મેગેઝિનમાં પ્રકાશિત થયેલો અહેવાલ દર્શાવે છે કે આ મેલ્ટોડેક્સટ્રીન શરીરમાં રહેલાં લાભદાયી પ્રોબાયોટિક્સ બેક્ટેરીયાનો નાશ કરે છે અને ડાયાબિટીસ, આંતરડાની બિમારીઓને જન્મ આપે છે. જેનાથી બાળકોને નાની ઉંમરમાં જ પેટ દર્દ અને સ્થૂળતા જેવી કાયમી સમસ્યાનો ભોગ બનવું પડે છે.
ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, તેમાં પણ પાછલાં એકાદ દાયકાથી તો આપણે ત્યાં બાળકોમાં પણ ડાયાબિટીસ અને સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. ડોક્ટર્સ અને નિષ્ણાતો આની પાછળ આપણી જીવનશૈલી અને ખોરાકની પેટર્નને જવાબદાર ગણાવે છે. વર્તમાન સમયે પેકેજ્ડ ફૂડ, જંક ફૂડ અને હેલ્થ ડ્રિંક્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની સવાર આવા બિનઆરોગ્યપ્રદ પીણાથી થાય છે. દૂધને ટેસ્ટી અને વધુ હેલ્ધી બનાવવા માટે માતા-પિતા બાળકોને સવારે અપાતા દૂધમાં બોર્નવિટા. કોમ્પ્લેન, પિડીયાશ્યોર જેવા પાઉડર ઉમેરીને આપે છે. એ પછી બાળકો શાળામાં નાસ્તામાં વેફર્સ, બિસ્કીટ, કૂરકૂરે, સોયા ચીપ્સ, ચીઝ રીંગ, જેવા પેકેટ લઈ જાય છે, વિકેન્ડમાં પીત્ઝા, બર્ગર, જેવા જંક ફૂડની સમાંતર કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણમાં બાળકોમાં વધી રહ્યું છે. હવે જરા વિચારો આ તમામ પ્રકારના ખાણી-પીણીમાં સૌથી વધુ કોઈ સામગ્રી બાળકના પેટમાં જાય છે તો તે કાર્બોહાઇડ્રેડ અને સુગર છે. આ બંન્ને તત્વોની વધુ પડતી માત્રા ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. સામાન્ય રીતે ડાયાબિટીસ 45-50 વર્ષની ઉંમર પછી થતી બિમારી છે. પરંતુ 2024ના જાન્યુઆરી મહિનામાં આવેલો એક અહેવાલ દર્શાવે છે કે ભારતમાં ડાયાબિટીસના કુલ દર્દીઓમાંથી 25 ટકા દર્દીઓ એવા છે જેઓને ડાયાબિટીસ 20થી 30 વર્ષની ઉંમરમાં થઈ ગયો છે. આની પાછળનું મુખ્ય કારણે સ્ટ્રેસ, લાઇફ સ્ટાઇલ અને બિન આરોગ્યપ્રદ ખારોક છે. વાયરલ વિડીયોની ઘટના સમયે સીએનબીસીમાં આવેલો એક અહેવાલ દર્શાવે છે કે બોર્નવિટામાં દર સો ગ્રામે 37 ગ્રામ સુગર હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મુજબ બાળકોને આખા દિવસમાં 25 ગ્રામથી વધુ સુગર ન આપવી જોઈએ. આવું માત્ર બોર્નવિટામાં જ છે, તેવું નથી. પરંતુ દેશમાં વેચાતા આવા અનેક હેલ્થ ડ્રિન્કસની સ્થિતિ આવી જ છે. શરીરમાં વધુ પડતાં ખાંડના પ્રમાણથી શરીરને ભયંકર નુકસાન થાય છે. આ ઉપરાંત એનર્જી ડ્રિંક્સમાં સોડિયમ, કેફેઇન, કોર્ન સિરપ તથા તેમાં ઉમેરવામાં આવતા આર્ટીફિશિયલ કલર્સ પણ સમય સાથે શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે.
એક સમયે આપણે ત્યાં પરંપરાગત ખીર, શીરો, સુખડી, કેસર-ઇલાયચી દૂધ, વગેરે બાળકોને આપવામાં આવતા હતા, પરંતુ સમય સાથે ખોરાકમાં પણ મોટું પરીવર્તન આવ્યું છે અને પેકેજ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ તથા હેલ્થ ડ્રિંક્સનું માર્કેટ પણ મોટું બની રહ્યું છે. જેની નેગેટીવ અને જોખમી અસરો બાળકોના સ્વાસ્થ્ય પર જોઈ શકાય છે. માતા-પિતાએ બાળકોને સ્વાસ્થ્યવર્ધક પીણા અને ખોરાક આપતા પહેલાં જવું રહ્યું કે વાસ્તવિકતામાં તમારા સ્વાસ્થ્યના છૂપા દુશ્મન તો નથી ને!
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796