અદારણીય નરેન્દ્રભાઈ
હમણાં તમારી ગુજરાત મુલાકાતો વધી છે ત્યારે મને લાગ્યુ કે હું મારા ગુજરાતને જે રીતે અનુભવી શકુ છું તેનો અનુભવ તમને પણ કહેવો જરુરી છે કદાચ મારો અનુભવ અને લાગણી તમને લોકોના પ્રશ્ન સમજવા અને તેને ઉકેલવા માટે તમારા કામમાં આવે, બે દિવસ પહેલાની વાત છે હું અમદાવાદના નારણપુરાના એક પાનની દુકાને ઊભો હતો, ત્યાં એક ઓટો રિક્ષા આવી ઊભી રહી તેનો ડ્રાઈવર પણ પાનની દુકાને આવ્યો, તેના ચહેરા ઉપર ચિંતાનો ભાવ હતો. મેં થોડીવાર પછી પુછ્યું ધંધો કેવો છે? તેણે નીરાશાના સુરમાં કહ્યું સાહેબ ગેસના ભાવ વધ્યા ત્યારે પેંસેજર તો મળતા પણ કમાવવાનું કંઈ ન્હોતુ, પણ હવે સરકારે ભાડુ વધારી આપ્યું છે તો મુસાફર મળતા નથી. હું તેને સાંભળી રહ્યો હતો. તેણે તમારા નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હ્રદય સમ્રાટ હવે કંઈ કરે તો. આ રિક્ષા ડ્રાઈવર પોતાની જીંદગી કેટલી પરેશાનીમાંથી પસાર થઈ રહી છે તેની વાત કરી રહ્યો હતો. હું અને પાનની દુકાનવાળાની સાથે ત્યાં ઊભા રહેલા ગ્રાહકો તેને સાંભળી રહ્યા હતા. બધાના ચહેરા ઉપર એક જ ભાવ હતો કે રિક્ષા ડ્રાઈવરની વાત તો સાચી છે કારણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બધા જ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
આ રિક્ષા ડ્રાઈવર એક સામાન્ય માણસનો પ્રતિનિધિ છે, તેની નારાજગી વધતી મોંઘવારી, મોંઘ શિક્ષણ, ધંધાની તકોનો અભાવ સહિતના મુદ્દા હતા, તેણે પોતાની વાત કરતા કરતા અટકીને કહ્યું સાહેબ હું મુસલમાન છું, એટલે ફરિયાદ કરતો નથી. મેં કહ્યું તમે હિન્દુ હોવ કે મુસલીમ આપણી તકલીફો તો એક સરખી જ છે. મારું આ વાકય સાંભળી તેના ચહેરા ઉપર સ્મિત આવ્યું તેની આખી વાતમાં મંદિર મસ્જીદ કે નુપુર શર્માની વાત ન્હોતી. તે વર્તમાન સ્થિતિ માટે તમને જવાબદાર ઠેરવતો ન્હોતો પણ તમે તેના પ્રશ્નનો ઉકેલ બની શકો છો તેવો તેનો સૂર હતો. તે પોતાના રોજમરાના પ્રશ્નની વાત કરી રહ્યો હતો, મેં તેને પુછ્યું તમારૂ નામ તેણે કહ્યું શફીક શેખ, જમાલપુર ચકલામાં રહું છું, નામ પુછતાં તેને પોતાનાપણુ લાગ્યું એટલે તેણે પોતાની વાત કરતા કહ્યું સાહેબ મારી ઘડીયાળની દુકાન હતી, પણ કોરાનામાં જ્યારે સમય જ થંભી ગયો હતો તો ઘડીયાળ કોણ ખરીદે? ધંધામાં આવેલુ નુકસાન ભરપાઈ કરવા ખાનગી ફાઈનાન્સર પાસેથી ઉધારી કરી, મનમાં હતું કે સમય જતાં બધુ થાળે પડશે, પણ ઊંચા વ્યાજમાં તો મારી દુકાન અને ઘર વેચાઈ ગયા.
ગરીબ માણસ જરૂર છું બેઈમાન નથી એટલે નાદારી નોંધાવતા આવડી નહીં, પૈસા લીધા હતા એટલે આપવાના તો હતા પણ પૈસા પાછા આપવા માટે ઘર અને દુકાન વેચાઈ જશે તેની કલ્પના ન્હોતી. મનમાં તો આત્મહત્યાનો વિચાર પણ આવતો હતો, પણ પરિવારનો વિચારે મને તેવું કરતા રોકયો, પણ ઘરનો ચુલો તો સળગાવવો જરૂરી હતો. એટલે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી છે બધુ જ ખલાસ થઈ ગયું છે ફરી એક વખત રિક્ષા ચલાવી ઘરની જીંદગી પાટે ચઢાવવાવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેની વાતો સાંભળી રહેલા પાનવાળાએ મને કહ્યું સાહેબ કંઈક લખજો તમે, રિક્ષાવાળાએ આશ્ચર્ય સાથે મારી સામે જોયું તેણે મને પુછ્યું ભાજપમાં છો? મેં કહ્યું ના તેણે પુછ્યું કોંગ્રેસવાળા છો? મે કહ્યું ના હું પત્રકાર છું. તેણે મને તરત કહ્યું સાહેબ આ મારી એકલાની વાત નથી આ શહેરમાં તમે ફરો મારા જેવા હજારો લોકો છે, જેઓ આખો દિવસ મહેનત કરે છે પણ સાંજ પડે તેમના ખીસ્સામાં એકસો રૂપિયા પણ બચતા નથી. મને શેખની વાત સાંભળી લાગ્યું કે મારે તમારી સાથે વાત કરવી જોઈએ માટે પત્ર લખી રહ્યો છું.
આ એક શફીક શેખની વાત નથી, તેનું નામ શફીક હોવું એ એક સંજોગ છે, આવા જ ગોપાલ પણ છે, ક્રિષ્ણા પણ છે, પણ ગુજરાતમાં આ પ્રકારના શફીક, ગોપાલ, ક્રિષ્ણાની સંખ્યા વધી રહી છે. શફીક ગુજરાતના લાખો ગરીબ માણસોનો પ્રતિનિધિ છે કદાચ શફીક અમદાવાદ જેવા શહેરમાં રહે છે એટલે તેની પાસે તો કામની તક પણ છે, પણ ગામડામાં વસતા માણસ પાસે આવી તકનો પણ અભાવ છે. સામાન્ય માણસ અનેક પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યો છે. તેની પાસે કામ નથી, તેની પાસે રોજગારી નથી, તેના ઘરના બીમારને સારી સારવાર મળતી નથી. તેમના બાળકોને કામ કરવું પડતુ હોવાને કારણે સ્કૂલમાં જઈ શકતા નથી. ખેડૂત પાસે જમીન છે તો પાણી અને વીજળી નથી, જેમની પાસે શિક્ષણ છે તેમને શિક્ષણ યોગ્ય કામ નથી, આમ એકાદી સમસ્યા હોત તેઓ પહોંચી વળતા પણ અહિયા તો ઉપાધીઓ પણ કતારમાં ઊભી છે, આ બધી જ સ્થિતિમાં તેઓ તમને જવાબદાર ગણતા નથી કારણ તેઓ આ સ્થિતિ માટે પોતાના નસીબને દોષ આપી રહ્યા છે ત્યારે મને લાગે છે શાસક તરીકે આપણી જવાબદારી વધી જાય છે.
તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમારી ઓફિસમાં એક ફીડબેક ટીમ રહેતી હતી, જે ફીડબેક ટીમ લોકોની વચ્ચે જઈ સામાન્ય માણસ શાસન અંગે શું માને છે અને તેની શું અપેક્ષા છે તેનો અભ્યાસ કરતી હતી. તમારા પછી આનંદીબહેન પટેલે પણ તે પ્રથા ચાલુ રાખી હતી, પણ કોઈક કારણસર હવે ફીડબેક ટીમ જેવી વ્યવસ્થા અસ્તીત્વમાં રહી નથી. આ જોખમી સ્થિતિ છે શાસકને પ્રજાના પ્રશ્નની ખબર રહેતી નથી અને પ્રજા ત્રાહીમ સ્થિતિમાં મુકાઈ જાય છે. મને લાગે છે તમારી પાસે હવે શાસનનો સારો અનુભવ અને સુઝ છે. આ રાજ્યના શફીક જેવા સામાન્ય માણસના જીવનમાં થોડું ઘણું પણ સારું થાય તેની વ્યવસ્થા કરજો બસ આટલી જ વિનંતી છે તમારી કુશળતાની અભિલાષા સાથે વિરમું છું.
પ્રશાંત દયાળ
(નવજીવન ન્યૂઝ.અમદાવાદ)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.