પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભુપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકાર વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. કેબિનેટ કક્ષાના બે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદીની કાર્ય પ્રણાલિકાથી નારાજ થઈ ભાજપ હાઈ કામન્ડે તુરંત તેમના ખાતામાં ફેરબદલ કરવાનો આદેશ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ અને પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતું આંચકી લીધું છે.
શનિવારે મોડી રાત્રે મુખ્ય સચિવ પંકજ કુમારે બહાર પડેલા આદેશ અનુસાર રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી કેબિનેટ કક્ષાનો મહેસૂલ વિભાગ લઈ મુખ્યમંત્રીના હવાલે કર્યો છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી પાસે આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર તેમજ સંસદીય બાબતો રાખી છે, જ્યારે પુર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રીને ફાળવીને મોદી પાસે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાખ્યું છે. ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હર્ષ સંઘવીને મહેસૂલ અને જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગ ફાળવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ શાસનમાં કેબિનેટ કક્ષના મંત્રી પાસેથી આ પ્રકારે તેમનો વિભાગ આંચકી લેવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદી સરકારનો હિસ્સો રહેશે, પરંતુ તેમની પાસે કોઈ મહત્વના ખાતા નથી. ભાજપના સૂત્રોની માહિતી પ્રમાણે રાજેન્દ્ર ત્રિવેદી નાયક ફિલ્મના હીરોની જેમ કામ કરતાં હતા, તે બાબતથી પાર્ટી નારાજ હતી. જ્યારે પુર્ણેશ મોદી પાસે મહત્વનો વિભાગ હોવા છતાં તેમની પકડ પોતાના વિભાગ ઉપર નથી તેવું ભાજપ હાઈ કમાન્ડ માની રહ્યું હતું. 2022ની ચૂંટણી આ બાબતને લઈને નુકશાનકારક સાબિત થશે તેવું હાઈ કમાન્ડને લગતા ખાતામાં ફેરબદલ કરવામાં આવ્યો છે.