નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં દારૂબંધીને શરમાવતો કિસ્સો બોટાદમાં બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજ્યની તમામ તપાસ એજન્સી હાલ બોટાદના દારૂકાંડની ઉડાણપૂર્વક તપાસમાં લાગી છે. હાલ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ બરવાળા પહોંચ્યા છે. જ્યારે મહિલા ASIની ઓડિયો ક્લીપ વાયરલ થતાં હેડક્વોટર ખાતે બદલી કરવામાં આવી છે.
બોટાદમાં દારૂકાંડલનો મામલો સામે આવતા આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક ચાલુ થઈ છે. ગૃહરાજ્યમંત્રીની આગેવાનીમાં આ બેઠક બાદ જવાબદાર અધિકારી સામે કડક પગલા લેવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ બોટાદ દારૂકાંડ મામલે બરવાળા પોલીસના પોલીસ સબ ઈનસ્પેકટર દ્વારા 14 બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બરવાળા પોલીસ સ્ટેશનના મહિલા ASIનો ઓડિયો ક્લીપ વાયરલ થતા ASIની ટ્રાન્સફર હેડક્વોટર ખાતે કરવામાં આવી છે.
દારૂકાંડમાં હાલ મૃત્યુઆંક 29 પર પહોંચ્યો છે. ગઈકાલ રાત સુધીમાં 40થી વધુ લોકોને ઝેરી દારુની અસર થતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજ સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 36 લોકોને 108 મારફતે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. સારવાર લઈ રહ્યા કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવતા મૃત્યુઆંક વધવાની શક્યતા રહેલી છે. દારૂકાંડ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ મીડિયામાં જણાવ્યુ હતુ કે, દારુ વેચનાર, કેમિકલ વેચનાર, કેમિકલ લાવનાર તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વધુ વિગત બપોરે 1 વાગે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપશે.