નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: શ્રીલંકાની સરકારે ભારત સરકારને એક ફરિયાદ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની એક દવા બનાવતી કંપની દ્વારા શ્રીલંકાને જે આંખના ટીપાં (Eye Drops) આપવામાં આવ્યા હતા, તેના કારણે 30 કરતાં વધારે લોકોને આંખનું ઇન્ફેક્શન થયું છે. જેના કારણે હવે ભારતની ફાર્માસિટિકલ એક્સપોર્ટ કાઉન્સીલ દ્વારા આ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને બે દિવસની અંદર તપાસ રિપોર્ટ સબમિટ કરવા જણાવવામાં આવ્યું છે.
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્યરત ફાર્મેક્સિલ (Pharmexcil) નામની એજન્સીએ ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સનામ (Indiana Ophthalmics) ની કંપનીને શો કોઝ નોટિસ મોકલી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ કંપની દ્વારા બનાવવામાં આવતા મેથાઈલપ્રેડનિસોલોન (Methylprednisolone eye drops)ની ગુણવત્તા સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ફાર્મેક્સિલના ડિરેક્ટર જનરલે ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સનામને એક પત્ર લખીને જણાવ્યું છે કે, “તમારી કંપની દ્વારા શ્રીલંકાને જે આંખના ટીપાં મોકલવામાં આવ્યા છે, તેના કારણે ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીનું નામ ખરાબ થયું છે. હવે એવી પણ સંભાવના છે કે ઇન્ટરનેશનલ એજન્સીઓ ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ભરોશો ગુમાવી શકે છે, જેના કારણે ભારતના દવાઓના નિકાસ પર પણ અસર થઈ શકે છે.” જોકે કંપનીએ આ આક્ષેપોને નકાર્યા હતા અને તેમના પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ ખામી નથી તેવું જણાવ્યું હતું.
છેલ્લા એક વર્ષ દરમિયાન આ ચોથો બનાવ છે જેમાં ભારતમાં બનેલી દવાઓ ઉપર આક્ષેપ થયા હોય. એપ્રિલમાં અમેરીકામાં ત્રણ મૃત્યુ થયા હતા, તેની પાછળ ચેન્નઈ સ્થિત એક ફાર્મા કંપનીને જવાબદાર ગણવામાં આવી હતી. આ આરોપો બાદ તમિલનાડુના ડ્રગ કંટ્રોલર અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગ્લોબલ ફાર્મા હેલ્થકેર નામની કંપની દ્વારા બનાવવામાં આવેલા આંખના ટીપાંના નમૂનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિણામો કંપનીની તરફેણમાં આવ્યા હતા. તેમ છતાં સુરક્ષાના ભાગ રૂપે આ કંપનીને આંખના ટીપાં બનાવવાનું બંધ કરવા કહેવામા આવ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796