તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): યાંત્રીક દુનિયાનો મોટો આવિસ્કાર બુલડોઝર હાલ દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. બુલડોઝરનો મુદ્દો ચર્ચામાં એટલે છે કારણ કે તે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સમજવામાં ફેર ન કરતા ‘માત્ર બુલડોઝરનો મુદ્દો જ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે બુલડોઝર નહીં’. જે રીતે બુલડોઝર વિવિધ રાજ્યોમાં એક મુદ્દો બની રહ્યો છે ત્યારે તર્ક વિતર્ક અને સવાલો પેદા થવા જોઈએ પણ તે નથી થતા. આ વાત કેટલી સારી છે કે કેટલી ખરાબ તે જેમના ઘર પર બુલડોઝર ફરે તે જ સારી રીતે જણાવી શકે. પણ આપણે તેનો આનંદ તો માણી શકીએ ને !
બુલડોઝરમાં કોઈ ભાવના નથી હોતી
હાલમાં જ ધર્મવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ બાદ રાજકારણના મોબાઈલમાં એક અપડેટ આવ્યું હોય તેમ જણાય છે. અત્રે દિવ્યભાસ્કરને હાર્દિક પટેલે કહ્યું તે ભાજપના અપડેટની વાત નથી થતી તે સમજવું. આ રાજકારણનું અપડેટ હવે નવું વર્ઝન લાવ્યું છે ‘બુલડોઝર’ જેને ખુબ પ્રચલીત પણ માનવામાં આવે છે. આ બુલડોઝર અપડેટની ખાસીયત છે કે તે મશીન એવું છે કે, ‘તેમાં કોઈ ભાવના નાનકડા ખુણે પણ છુપાયેલી નથી હોતી. આમ તે કોઈ પણ કામ ઈશ્વરનો ડર રાખ્યા વગર પણ કરી શકે છે. વળી તેમાં ન્યાય અને મંજૂરી કે ચેતવણી આપવાની સિસ્ટમ જ ફીટ નથી કરવામાં આવી જેથી ગમે ત્યારે ગમે ત્યાં ખાબકી કામ પાર પાડી શકે છે.’
બુલડોઝરનો ખૌફ દરેકને નહીં પણ વારાફરતી રાખવાનો
નવા નક્કોર અપડેટેડ બુલડોઝર વર્ઝનથી મીડિયા પણ ખુબ આકર્ષણ અનુભવી રહ્યું છે. ત્યારે સમજી શકાય કે પ્રજાને કેટલું આકર્ષણ હશે. આ બુલડોઝરની બાજ નજર ચાર તરફ છે, ગમે ત્યારે ગમે તે રીતે કદાવર સુંઢ ફેરવી પોતાનો ખૌફ બતાવી રહ્યું છે. આ ખૌફ દરેકને એક સાથે નહીં પણ વારાફરતી રાખવાની જરૂર છે.
બુલડોઝર જ ન્યાયાધીશ બને…
બુલડોઝરથી થતા કામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે જણાવવા ન્યાયાલય છે. આપણે કલ્પના પણ ન કરીએ કે એક દિવસ માટે આ બુલડોઝર જ ન્યાયાધીશ બની જાય પણ જો બની જાય તો શું હાલત થાય ? કમનસીબે લોકોને પોતાના ઘર સુધી આગ ન પહોંચે ત્યાં સુધી લોકોને અન્ય લોકોની કોઈ દરકાર નથી હોતી. પરંતુ જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને પોતાના જ ઘરને ઝપટમાં લે ત્યારે આસપાસ કોઈ પાણી લઈ આગ બુઝાવવા આવે તેવી હાલતમાં હોતું નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











