તૌકતે વાવાઝોડાંએ અનેક ગામો વેરવિખેર કરી નાખ્યાં છે. એમાં પણ ખેડૂતો અને પશુપાલકોને કલ્પી ન શકાય એટલું નુકસાન થયું છે. લોકો કહે છે, કુદરત રૂઠી છે, પણ આ વાત જાણીને કદાચ તમને પણ એવો પ્રશ્ન થશે કે, આ લોકોથી પણ કુદરત રૂઠી શકે?
અમારા એક પત્રકાર મિત્ર શૈલેષ નાઘેરા પોતાની ટીમ સાથે રિપોર્ટિંગ કરવા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામોમાં ફરી રહ્યા હતા. એ ગામોમાં વાવાઝોડાંને કારણે કેટલું નુકસાન થયું છે, તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન તેઓ ઉના નજીક દેલવાળા ગામમાં પહોંચે છે.
Advertisement
શૈલેષ જણાવે છે કે, બે દિવસ અગાઉ મહેકતા બાગ-બગીચા આજે ભેંકાર ભાસતા હતા, ચારે તરફ તૂટેલા વૃક્ષો અને જમીનદોસ્ત મકાનો ત્યાંના રહેવાસીઓની દયનીય સ્થિતિ સંભળાવતા હતા. વાતાવરણમાં એક ગમગીની અનુભવાતી હતી. આ દૃશ્ય જોઈ ખેડૂત સાથે વાત કરવા તેઓ વાડીમાં પ્રવેશ કરે છે.
વાડીમાં એક ખેડૂત દંપતિ ધરાશાયી વૃક્ષો અને મકાનનો કાટમાળ હટાવતું હતું, એ કાટમાળ કરતાં તેઓના હૃદયનો બોજ વધારે હતો. એવું એમની વલોપાત કરીને સુજી ગયેલી આંખો પરથી દેખાતું હતુ. પણ શૈલેષને લાગણીઓ બાજું પર મૂકી પત્રકારત્વ પણ કરવાનું હતુ. તે વાડીના માલિક રમેશભાઈને મળે છે અને પત્રકાર તરીકે પોતાનું સવાલ પૂછવાનું કામ શરું કરે છે.
ત્યાં ખેડૂત દંપતિ આવકાર આપતાં કહે છે, “આવો… આવો… પહેલા બેસો, દૂધ તો નથી એટલે ચ્હા નહીં પીવડાવી શકીએ, પણ શાંતિથી નારીયેળ પાણી પીવો… પછી જે પૂછશો તેનો જવાબ આપીશું.” દંપતીએ થોડા નારિયેળ લઈ શૈલેષ અને ટિમ સામે ધર્યાં, વાવાઝોડાંથી વેરવિખેર થયેલાં ગામમાં આવો આવકાર મળશે તેવી કલ્પના કોઈને ન હતી. શૈલેષને નિરાશાના માહોલ વચ્ચે પણ આશાના કિરણોનો અનુભવ થયો. દુઃખના પહાડ વચ્ચે પણ જ્યારે આવા શબ્દો સાંભળવા મળે ત્યારે પહાડ પણ પીગળવા માંડે.
Advertisement
શૈલેષ જણાવે છે કે, આટલું સાંભળી મારા ગળે ડૂમો ભરાઈ ગયો. શૈલેષે મુંઝવણ અનુભવતાં રમેશભાઈને કહ્યું, કોઈ વાંધો નહીં, “હું સમજી શકું છું, અમે પત્રકારો તમારી સ્થિતિ જાણવા આવ્યા છીએ.” રમેશભાઈએ ફરીથી શૈલેષને કહ્યું, “પહેલા નિરાંતે બેસો અને નારિયેળનું પાણી પીવો પછી બધી જ વાત કરીશ, આમ પણ હવે આ છેલ્લા નારિયેળ છે એમ સમજો.” આ શબ્દો પાછળની વેદના શૈલેષને સમજાતી હતી, છતાં પણ તે લાચાર હતો, કારણ કે આ નુકસાન ભરપાઈ કરવું શૈલેષના હાથની વાત નહોતી. વળી શૈલેષ ગ્રામિણ પત્રકાર હોવાથી ખેતી અને ખેડૂતની સ્થિતીને સારી રીતે સમજે છે.
શૈલેષ આ નુકસાનને ખેડૂતો માટે એક આખી પેઢી ગુમાવ્યા જેટલું મોટું નુકસાન કહે છે. અસરગ્રસ્ત ગામોની મુલાકાત બાદ શૈલેષ કહે છે કે નુકસાનનો સર્વે કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. પરંતુ ચોક્કસ પણે કહી શકાય કે આ નુકસાન ખેડૂતોને કેટલાય વર્ષ પાછળ ધકેલી દેશે. શૈલેષ કહે છે, ખેડૂતો જાણે એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હોય એટલા દુઃખી છે. કેટલાય ખેડૂતો તો એ હદે પાયમાલ થયા છે કે, તેમના દેણાંના બોજ તળે દબાઈ જવાની ભીતી છે. છતાં ખેડૂત દિલનો કેટલો ઉદાર છે એ સમજવા આ દાખલો ઘણો થઈ પડશે.
Advertisement