લાંબાગાળે બુલિયન બજારનો આંતરપ્રવાહ તેજીનો
જો તમે ઘર લેવાનું, લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગો ઉકેલવાનું નક્કી હોય તો રોકાણકારે મૂડીરોકાણનો અમુક હિસ્સો જ તબક્કાવાર હળવો કરવો જોઈએ
માત્ર નફાના આશયથી રોકાણ કર્યું હોય અને મોટો નફો પ્રાપ્ત થતો હોય તો જ સોના ચાંદીનું વેચાણ કરવાનું વિચાર જો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભૂભૌગોલિક ચિંતાઓ ૨૦૨૩માં જળવાઈ રહેશે, જાગતિક મંદીના વાયરાનો ભય માથે ઊભો જ છે, અને શેરબજાર(Stock Market) જેવા જોખમી એસેટ્સમાં ઉથલપાથલ, આ બધી ઘટાનો આખરે રોકાણકારને સલામત મૂડીરોકાણ માટે સોના(Gold) તરફ આકર્ષણ વધારશે, આ બધુ જોતાં સોના ચાંદીના(Silver) ભાવ સતત વધતાં રહેવાના સંયોગ ઉજળા છે. જો વ્યાજદર વધારવામાં ના આવે તો પણ ફુગાવો અસ્તિત્વમાં રહેવાનો જ. આ સ્થિતિમાં પણ સોના ચાંદીના ભાવને ઊંચે જવાનો માર્ગ મોકળો બની રહેવાનો છે. અમારું માનવું છે કે સોનાના વર્તમાન ઊંચા ભાવ, અત્યારે પ્રતિ 10 ગ્રામ રૂ. ૫૭,૩૦૦ ઐતિહાસિક ઊંચાઈ આસપાસ ચાલે છે, જે આ વર્ષે રૂ. ૫૮,૦૦૦-૬૦,૦૦૦એ પહોંચવા અગ્રેસર છે. જાગતિક બજારમાં વર્તમાન ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૯૫૦ ડોલર મુકાય છે તે ૧૯૭૫થી ૨૦૫૦ ડોલર આંબવા પ્રયાસ કરશે.
પણ જો વ્યાજદર ઘટવા લાગે, વૈશ્વિક અર્થતંત્રોની ચિંતાઓ ઘટે અને અમેરિકન ડોલર નબળો પડે તેવી સ્થિતિમાં સોનાના ભાવ ઘટી શકે છે. દુનિયામાં ક્યાંય પણ ચિંતાજનક સ્થિતિ પેદા થાય એ સંયોગમાં સોનાચાંદીમાં જબ્બર ઉછળકુદ જોવા માળી શકે છે. પણ લાંબાગાળે બુલિયન બજારનો આંતરપ્રવાહ તેજીનો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ડેટા કહે છે કે ભારતમાં ફુગાવાનો દર ૧ ટકો વધવા સાથે સોનાની માંગમાં સરેરાશ ૨.૬ ટકાનો વધારો જોવા મળે છે. આ જોતાં ભારતીય રોકાણકારોએ તેમના લાંબાગાળાના રોકાણ પોર્ટફોલિયોમાં ૩થી પાંચ ટકા સોનાચાંદીને ફાળવવા જોઈએ.
નાણાકીય, ભૂ-ભૌગોલિક કે અન્ય કોઈ આપદા આવી પડે ત્યારે નાણાકીય જોખમ ઘટાડવા, પોતાના પોર્ટફોલિયમાં વ્યૂહાત્મક રીતે ૧૦થી ૧૫ ટકા રોકાણ, સલામત જણસમાં કરવું જોઈએ. રોકાણકારોને લાગે કે હવે ફુગાવાનું જોખમ ઘટ્યું છે ત્યારે જો પોતાના રોકાણમાં વાજબી નફો છૂટતો હોય તો તે બુક કરી લેવો જોઈએ, બુલિયન મેટલમાં ૨૦થી ૩૦ ટકા જેટલુ ભાવ કરેક્શન આવી જાય ત્યારે તો આમ કરવું વાજબી ગણાશે.
વિકસિત દેશોના રોકાણકારો ફુગાવા વૃધ્ધિ સમયે સોનામાં સરણ લેતા હોય છે, ભારત જેવા વિકાસ પામતા દેશોમાં ચલણના અવમૂલયનના રક્ષક તરીકે સોનું સલામત ગણાય છે. વર્તમાન સંયોગોમાં શેરબજાર, કરન્સી, અન્ય એસેટ્સના ભાવમાં સોનાની તુલનાએ મોટી ઉથલપાથલ જોવાય છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ ઇન મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીનો અહેવાલ કહે છે કે ૧૯૪૬, ૧૯૭૪, ૧૯૭૫, ૧૯૭૯ અને ૧૯૮૦ના વર્ષમાં જ્યારે અમેરિકામાં ફુગાવો તેની ચરમ સીમાએ ગયો ત્યારે ડાઉ ઇંડેક્સને સાંકળીને ગણતરી કરવામાં આવી તો જણાયું કે શેરબજારમાં સરેરાશ વળતર માઇનસ ૧૨.૩૩ ટકા પ્રાપ્ત થયું હતું. જ્યારે સોનામાં રોકાણકારને ૧૩૦.૪ ટકા વળતર મળ્યું હતું.
વર્તમાનમાં વૈશ્વિક અર્થતંત્રો ઠંડા પડી રહયા છે, અને અસંખ્ય કંપનીઓ તેમના કર્મચારીઓને છૂટા કરી રહી છે, ત્યારે રોકાણકારો અન્ય એસેટ્સની તુલનાએ સોનામાં રોકાણને સલામત ગણે છે. અલબત્ત, રોકાણકાર જો ટૂંકાગાળામાં ઘર લેવાનું વિચારે કે લગ્નપ્રસંગ જેવા અન્ય પ્રસંગો ઉકેલવાનું નક્કી કરે ત્યારે, તેમણે તેમના મૂડીરોકાણનો અમુક હિસ્સો જ તબક્કાવાર હળવો કરવો જોઈએ.
પણ જો તમે માત્ર નફાના આશયથી રોકાણ કર્યું હોય અને જો તમને મોટો નફો પ્રાપ્ત થતો હોય તો જ, સોના ચાંદીનું વેચાણ કરવાનું વિચાર જો. તે સિવાય તમારું રોકાણ નફાથી વંચિત હોય તો ૧૨થી ૧૮ મહિનામાં નુકશાન ધોવાઈ જાય ત્યાં સુધી રાહ જોવામાં કશો વાંધો નથી. પણ જો તમે ભારતના સોવારીન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું હશે તો તેમાં ૮ વર્ષનો લોક ઇન પિરિયડ છે. અલબત્ત જો તમે ગોલ્ડ સિલ્વર ઇટીએફ અથવા અન્ય ફંડમાં નાણાં રોક્યા હોય તો ધ્યાન રાખો કે તે વેચાણ કરવાથી તમને નુકશાન તો નથી જતુંને
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796