Wednesday, December 11, 2024
HomeNavajivan CornerLink In Bioગાઝા ડાયરી : યુદ્ધ પીડાનું કથન કરતાં દસ્તાવેજ!

ગાઝા ડાયરી : યુદ્ધ પીડાનું કથન કરતાં દસ્તાવેજ!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇઝરાયલ અને હમાસ વચ્ચે અંતે સંઘર્ષ વિરામ જાહેર થયો અને હવે ગાઝા પટ્ટીમાં મદદ પહોંચી રહી છે. હમાસ દ્વારા શરૂ થયેલું આ યુદ્ધ પછીથી ઇઝરાયલ દ્વારા જ ચાલતું એકતરફી યુદ્ધમાં ફેરવાઈ ગયું હતું. ઇઝરાયલના સશસ્ત્ર કાર્યવાહીમાં અત્યાર સુધી પંદર હજાર ગાઝા રહેવાસીના મૃત્યુ થયા છે અને સાત હજાર લોકો મિસિંગ છે, જ્યારે ઇજાગ્રસ્તોનો આંકડો 36,000નો છે. સૌથી કરૂણ વાત એ છે કે મૃત્યુ પામનારા અને ઇજાગ્રસ્તોમાં બાળકોની સંખ્યા મોટી છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા જંગને સાડા સાત દાયકાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હાલમાં થયેલાં આ જંગમાં અનેક ગાઝાના રહેવાસીઓએ પોતાની રોજબરોજના જીવનને દસ્તાવેજિત કરી છે. યુદ્ધ દરમિયાન તેમણે જે યાતનાઓ ભોગવી કે જોઈ તે વિશે તેમણે લખ્યું છે કાં તો તેમણે વિડીયો ડોક્યુમેન્ટેશન કર્યું છે. સંઘર્ષ વિરામ જે લાગુ થયો છે તેમાં ગાઝામાંથી સતત ત્યાંની સ્થિતિનો ચિતાર મોકલનારાઓનો પણ ફાળો છે, કારણ કે તેઓ યુદ્ધ વચ્ચેથી પોતાની અનુભૂતિ મોકલાવી રહ્યા છે.

gaza Diary
gaza Diary

ગાઝાની એક ડાયરી અમેરિકાના ‘લોસ એન્જલિસ ટાઇમ્સ’માં નિયમિત રીતે પ્રકાશિત થઈ રહી છે. ‘લોસ એન્જલિસ ટાઇમ્સ’ તેમની સાથે જોડાયેલા આ ગાઝા રહેવાસીના સુરક્ષાના કારણસર તેનું નામ જાહેર કરતા નથી, પરંતુ તે વ્યક્તિની ડાયરી પ્રકાશિત થાય છે. તે લખે છે : “યુદ્ધના પ્રથમ દિવસે અમે ઘર છોડ્યું નહોતું. અમારી પાસે જનરેટર અને સોલર પેનલ્સ હતી તેથી અમે ફ્રીજ ચાલુ રાખ્યું અને ફોન ચાર્જ કર્યા. પરંતુ જેમ જેમ બોમ્બમારો અમારી નજીક થવા લાગ્યો અને 13 ઑક્ટોબરે ઇઝારયલ દ્વારા ઉત્તર ગાઝાનો વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી, પછી અમે પરિવારના સાત સભ્યો સાથે દક્ષિણ તરફ જવા લાગ્યા. અમારી સ્થિતિ ખૂબ ખરાબ હતી. ન અમારી પાસે પાણી હતું, નિવાસની જગ્યા કે ન વીજળી. ત્યાં એટલી ભીડ હતી અને રસ્તામાં ક્યાંય પણ બોમ્બમારી થઈ શકે એમ હતું એટલે અમે અમારા ગાઝાના ઘરે પાછા ફર્યા. અમે અમારા ઘરે 16 ઑક્ટોબર સુધી રોકાયા અને ફરી અમે દક્ષિણ તરફ જવા લાગ્યા. જોકે ફરી ભીડ અને અન્ય કારણે અમારે ઘરે આવવું પડ્યું અને અંતે ચાર દિવસ પછી અમે ઘર છોડ્યું.”

- Advertisement -
gaza Diary
gaza Diary

ગાઝાથી સ્થળાંતરીત કરતા કે પછી ગાઝા પર થતી બોમ્બમારીના અનેક દૃશ્યો ન્યૂઝ ચેનલોમાં આવ્યા છે અને મહદંશે ન્યૂઝ ચેનલોએ એ દૃશ્યો ઇઝરાયલ સૈન્ય પાસેથી અથવા તો એક સુરક્ષિત અંતરેથી તે શૂટ કર્યા છે. પરંતુ જે માહિતી અહીં ગાઝામાં ફસાયેલા લોકો પાસે છે, તે અન્ય કોઈ ન્યૂઝ ચેનલો પાસે નથી. બીજું કે આ ડોક્યુમેન્ટેશન કરતાં ગાઝાવાસીઓ પર મૃત્યુનું સતત જોખમ તોળાતું હતું. આગળ આ અજાણ્યા ડાયરીના લેખક લખે છે કે, “અમારું અડોશપડોશ ભૂતિયા નગર જેવું ભાસતું હતું. અહીં એક અરબ સાંસ્કૃતિક સેન્ટર હતું, જ્યાં દોઢસો જેટલાં વૃદ્ધ અને બાળકો હતા. ત્યાં જ માત્ર જીવન બચ્યું હતું. મારાં પરિવાર માટે જાણે આ મૃત્યુના રણમેદાનમાં આ એક હરિયાળા દ્વિપ સમાન હતું. અમે દિવસ દરમિયાન અમારા એપાર્ટમેન્ટ પર જતાં અને રાત્રે અહીં સેન્ટર પર આવીને સૂતા હતા. રાતના અગિયાર વાગ્યા હતા અને અમે બીજા માળે હતા ત્યારે અચાનક બોમ્બમારો થયો. બારીએ પડદા નહોતા એટલે અમે તે જોઈ શકતા હતા. અમને તે દૃશ્ય ભયાનક લાગ્યું. ધરતી હાલી અને માત્ર આગના ગોળા દેખાતા હતા.”

gaza Diary
gaza Diary

યુદ્ધમાં સામાન્ય લોકોની સ્થિતિ શું થાય છે તે હવે કોઈને સમજાવાની જરૂર નથી. દુનિયામાં આવેલી ડિજિટલ ક્રાંતિથી લોકોના આંખો સામે આ દૃશ્યો અવારનવાર આવે છે. તેમ છતાં અત્યારે વિશ્વમાં બે-બે યુદ્ધ થઈ રહ્યા છે અનેક એવી જગ્યાઓ છે ત્યાં બે દેશો કે પક્ષો વચ્ચે નિરંતર સંઘર્ષ ચાલે છે. અલ્ટીમેટલી આ બધામાં પિસાય છે સામાન્યજન. 35 વર્ષીય ઝીઆદની ગાઝા ડાયરીના પાનાંઓ ‘ધ ગાર્ડિયન’ નામના વેબપોર્ટલ પર વાંચવા મળે છે. 23 નવેમ્બરની ડાયરીમાં ઝીઆદને એક વ્યક્તિ મળે છે અને તે પોતાની આપવીતી બયાન કરે છે તે વિશે ઝીઆદ લખે છે : “મને એક વ્યક્તિ મળી. તેને કોઈ બાબતનો ડર નહોતો, સિવાય કે તેની પત્નીના સ્વાસ્થનો. કારણ કે તેની પત્ની આઠ મહિનાનો ગર્ભ ધરાવતી હતી. તેની એક જ દુઆ હતી કે કોઈ પણ હિસાબે યુદ્ધનો અંત આવે અને પછી તે સંતાનને જન્મ આપે.”

gaza Diary
gaza Diary

ગાઝામાં અનેક લોકો પોતાની રોજિંદા જીવનની અભિવ્યક્તિ અલગ-અલગ પ્લેટફોર્મ પર કરી રહ્યા છે. યોસેફ હમ્માશ નામના ગાઝાવાસીના ડાયરીના પાનાં ‘નોર્વેયિનના રેફ્યુજી કાઉન્સિલ’ના વેબસાઇટ પર મૂકાય છે. તે કેટલીક તસવીર અને વિડીયો મૂકે છે અને સાથે સાથે તેની કોમેન્ટ પણ લખે છે. 14 નવેમ્બરના રોજ યોસેફ લખે છે : “ગાઝામાં વરસાદનું સ્વાગત છે. કમનસીબે વરસાદ અયોગ્ય સમયે આવ્યો છે જ્યારે હજારો લોકો રોડ પર કોઈ પણ છત વિના રહી રહ્યા છે.” 6 નવેમ્બરના રોજે યોસેફ ટ્વિટર પેજ પર લખ્યું છે : “મારા એક અંગત મિત્રએ મારો સંપર્ક કરીને તેના બહેન વિશે મને પૂછ્યું છે કે જેનો ગઈકાલથી પત્તો લાગતો નહોતો. મને હાલ ખબર પડી છે કે ઇઝરાયલના હૂમલામાં તેનું મૃત્યુ થયું છે. હવે હું તેને કેવી રીતે આ ખબર પહોંચાડું?” યુસુફ તેનાં બહેનનો મળેલો એક સંદેશ ટ્વિટર પર લખ્યો છે : “મારી બહેન આજે દક્ષિણ ગાઝામાંથી ઉત્તર ગાઝા તરફ ગઈ છે. તે લખે છે : ‘અહીંની સ્થિતિ ખૂબ બદતર છે. ઉત્તર ગાઝામાં આવવાનું ક્યારેય વિચારતા નહીં. અહીં બોમ્બમારો કે એમ્બ્યુલન્સનો અવાજ એક મિનિટ માટે પણ થોભતો નથી.’” આવાં અસંખ્ય સંદેશાઓ યુસુફ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મૂકે છે અને ત્યાંથી ‘નોર્વેયિનના રેફ્યુજી કાઉન્સિલ’ના વેબસાઇટ પર તે મૂકાય છે.

- Advertisement -

ગાઝાના મધ્યમાં આવેલા અલબુરીઝમાંથી અબ્દેલહકિમ પણ નિયમિત રીતે પોતાની અભિવ્યક્તિ યુટ્યૂબ પર મૂકે છે. તે વિડીયોના સ્વરૂપે આવતી ડાયરીમાં બયાન કરે છે કે, “હું 23 વર્ષનો છું અને હજુ સુધી તો હું જીવિત છું. મારી આસપાસ ઇલેક્ટ્રિસિટી નથી. હું મારા ફોનનો ટોર્ચ ઓન કરીને વિડીયો બનાવી રહ્યો છું. અમારી પાસે જીવન જીવવા અર્થે જે કોઈ જરૂરી સરસામાન કહેવાય તેવું કશુંય નથી. ન પાણી, ન દવા ન વીજળી.” અબ્દેલહકિમે આ સંઘર્ષ શરૂ થયો તે અગાઉ સોફ્ટવેર એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ અલબુરીઝ શરણાર્થી શિબિરમાં રહે છે. આ શિબીર ઇઝરાયલના હૂમલાનો નિશાન બની હતી. ગઝાના ઉત્તર શહેરમાં રહેતી ફરિદા પણ આ રીતે સંઘર્ષ શરૂ થયો ત્યારથી યુટ્યૂબ પર પોતાના વિડીયો મૂકે છે. તે એક વિડીયોમાં કહે છે : “સલામ, હું ફરીદા અદેલ છું. હું અત્યારે ગઝાના વચ્ચોવચ્ચ છું. મારા ત્રણથી વધુ પાડોશીઓના ઘર આજ સવારે ઇઝરાયલના હુમલામાં ધ્વસ્ત થઈ ગયા. મારા તમામ પાડોશી અને પરિવારના લોકો પોતાનું ઘર ખાલી કરી રહ્યા છે. અને અમને એવો જરાસરખો પણ અંદાજ નથી કે અમે ક્યાં જઈ શકીએ?” ફરીદાએ જ્યારે પોતાનું ઘર છોડ્યું અને ‘બીબીસી’ને પોતાના વોઇટનોટ્સ મોકલી તો તેમાં તે કહે છે : “મારાં મોટા ભાગના મિત્રો અત્યારે ગુમશુદાની યાદીમાં છે. તેઓ માર્યા ગયા છે તેની શક્યતા વધુ છે. મારાં સંબંધીઓની વાત કરું તો તેઓ પણ હવે પોતાનું ઘર ખાલી કરી રહ્યાં છે. જોકે તેમના વિશેની કોઈ માહિતી અમારી પાસે નથી. તેઓ સુરક્ષિત છે કે નહીં. કશુંય જાણતાં નથી.”

સંઘર્ષરત સમયમાં આ રીતે લખાતો દસ્તાવેજ હંમેશ માટે તે સ્થિતિની એક અમીટ છાપ પાનાં પર છોડી જાય છે. હવે તો આ રીતે ડાયરી માટે વિડીયોનું માધ્યમ પણ ઉપલબ્ધ છે, જેથી જે-તે જગ્યાની સ્થિતિ પણ દાખવી શકાય.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular