પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): ધારેલું કામ કરવા માટે સંજોગો ઊભા થવા એ પણ ભાગ્યની વાત છે. એમાં પણ જો નજીકના લોકોનો સહકાર મળી જાય તો તો સોનામાં સુગંધ ભળે. આવું જ થયું અમદાવાદના મહિલા ASI (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર) ભાવિષાબેન કડછા સાથે. મૂળ તેઓ પોરબંદરના વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવે છે.
2016માં ભાવિષાબેન પોલીસખાતામાં જોડાયા. તેમનું પહેલું પોસ્ટિંગ સુરત શહેરમાં પછી ગાંધીનગર ખાતે IB (ઇન્ટેલિજન્સ બ્યૂરો)માં અને અત્યારે હાલ અમદાવાદ શહેરમાં છે. તેઓ ગાંધીનગર ખાતે IBમાં ફરજ બજાવતાં હતાં એ સમયે એમનું મુખ્ય કામ હતું સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવાનું.સોશિયલ મીડિયા સંભાળતા સંભાળતા એમને ખબર પડે છે ‘નર્મદા પરિક્રમા’ વિષે. એ વિષે અગાઉ એમણે ક્યારેય વાંચ્યું, જોયું કે સાંભળ્યુ પણ નહોતું. સોશિયલ મીડિયા પર થોડુક વધારે ધ્યાન આપતા પ્રાથમિક માહિતી તેમને મળી આવે છે. એની સાથે સાથે એમના મનમાં એક વિચાર પણ જન્મ લે છે. ‘નર્મદા પરિક્રમા’ કરવાનો. પણ તેમની પોલીસ તરીકેની જવાબદારીને કારણે તેમને રજા મળી શકે એમ નહોતી. એટલે તેઓ મનમાંથી એ વિચાર કાઢી નાખીને પાછા પોતાના કામ તરફ ધ્યાન આપવા લાગે છે. પણ કામમાં મન લાગતું નથી.
ભાવિષાબેન પોતાના ઉપરી અધિકારી IG ગેહલોત સાહેબ પાસે રજૂઆત કરે છે અને નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા દર્શાવે છે. ગહલોત સાહેબ પોતે પણ ખૂબ ધાર્મિક હોવાથી ભાવિષાબેનની ભાવનાને સમજે છે અને એકસો બાવીસ દિવસની રજા મંજૂર કરે છે. જોકે પોલીસખાતામાં અત્યાર સુધી આટલી લાંબી રજા બીજા કોઈ કર્મચારીને મળી હોય; અને એ પણ પરિક્રમા કરવા જેવા કારણસર. એવો કોઈ બનાવ લગભગ બન્યો નહીં હોય. અધિકારીનો આભાર માનીને ભાવિષાબેન મા નર્મદાની પરિક્રમા કરવા નીકળી જાય છે. આ પણ કદાચ પહેલી જ ઘટના છે કે, ગુજરાત પોલીસના કોઈ મહિલા અધિકારીએ નર્મદા પરિક્રમા કરી હોય.
નવજીવન સાથે આ સફર અંગેની વાતચીત કરતાં તેઓ જણાવે છે કે,મને તો પરિક્રમાવિષે કંઈ જ ખબર નહોતી. બસ, એટલી જ માહિતી હતી કે, નર્મદાનું ઉદગમ સ્થાન અમરકંટક છે. તો અમરકંટકથી જ શરૂ થતી હશે. પછી મોટરો અને સંબંધીઓને ફોન કરીને પરિક્રમા કરવા વિશે માહિતી મેળવી. આનંદ તીર્થ નામના મારા એક સંબંધી આનંદભાઈ તીર્થ મારી સાથે આવવા તૈયાર થયા. અમે બંને વડોદરાથી ટ્રેન મારફતે અમરકંટક પહોંચ્યા અને નર્મદાના ઉદગમ સ્થાન નર્મદેશ્વર મંદિર જઈને બધી માહિતીમેળવી.
ત્યાં અમને જાણવા મળ્યું કે,પરિક્રમા શરૂ કરતાં પહેલાં એક પૂજા કરવાની હોય. જેમાં અમે સંકલ્પ લીધો કે,“આ પરિક્રમા અમે ચાલીને પૂર્ણ કરીશું.”અને આ સંકલ્પ પૂરો કરવા નર્મદામૈયા અમને સાથ આપે. એવી પ્રાર્થના નર્મદા માતાને કરીને અમે પરિક્રમાની શરશરૂઆતમાં જ અમે બીજા લોકોને જોયા; જે પરિક્રમા કરતા હતા. એ રાજસ્થાની હતા. તેમણે ખાસ્સા મહિના પહેલા પરિક્રમા આરંભી હતી એટલે એમની પરિક્રમા લગભગ પૂર્ણ થવાની હતી. મેં અને આનંદે તેમની સાથે વાત કરીને પરિક્રમા અંગે માહિતી મેળવી, શું કરવું અને શું ન કરવું એ જાણવાનો પ્રયત્ન કર્યો. પરિક્રમાનો રોડ અને કિનારાનો રસ્તો, રસ્તામાં આવતા આશ્રમો, જમવા તથા રહેવા માટેનાં સ્થાન સહિત ઝીણામાં ઝીણી વિગતો હોય તેવા એક પુસ્તક ‘નર્મદા પરિક્રમા’નો સંદર્ભ તેમણે આપ્યો. જે પુસ્તક વાંચ્યા પછી એમાંથી મોટાભાગની વિગતો મળી ગઈ કે, પરિક્રમા કેવી રીતે થાય છે. એ પછી અમારી મોટાભાગની મૂંઝવણ દૂર થઈ ગઈ.
અમે પહેલી જ વાર આ પરિક્રમા કરતાં હોવાથી શું તૈયારી કરવી એ વિષે કંઈ જ ખબર નહોતી. અમારી સાથે રહેલા સામાનનું વજન પણ લગભગ 12-13 કિલો હતું. પરિક્રમાની શરૂઆત થતાં લાગ્યું કે આમાં ઘણીબધીવસ્તુ બિનજરૂરીછે.જાણવા મળ્યું કે, પરિક્રમાના રૂટમાં બધી જ વસ્તુ સહેલાઈથી મળી રહે છે. એટલે અમે અમરકંટકથી 5 કિમીના અંતરે ડિંડોરી પહોંચ્યા ત્યારે મોટા ભાગનો સામાન ઘરે પાછો મોકલી દીધો. માત્ર એક ટ્રેકિંગ બેગ, શૂઝ અને બે જોડી કપડાં જ સાથે રાખ્યાં. વધારે વજન આપણી પાસે હોય તો ચાલવામાં થાક લાગે અને ઓછું અંતર કાપી શકાય માટે વધારે વજન ન લઈ જવું જોઈએ. માત્ર રસ્તામાં જરૂર પડેએટલા પૂરતું પાણી અને નાસ્તો સાથે રાખવો. જોકે આવા સમયે IPS સિંઘલ સરની દેખરેખ હેઠળ થયેલી મારી મારી કમાન્ડો ટ્રેનિંગ મારી વ્હારે આવી. ટ્રેનિંગના સમયમાં અમારે રોજના 10 કિલો વજન લઈ 5 કિમી ચાલવાનું હતું છે.
પરિક્રમામાં એ પણ જાણવા મળ્યું કે, અહીં સફેદ વસ્ત્ર પહેરવાનું પણ અનેરુંમહત્ત્વ છે. એનાં કેટલાક કારણો છે, જેમ કે સફેદ કપડાં પહેર્યાં હોય તો સ્થાનિકો ઓળખી જાય કે તમે પરિક્રમા કરવા આવ્યા છો. બીજું કે,હાથમાં પાણીનું કમંડળ અનેલાકડી હોય તો એના પરથી પણ લોકો તમને ઓળખી જાય કે, આ પરિક્રમવાસી છે, એટલે એ સમય અનુસાર તમને જમવા,રહેવા કેઅન્ય જરૂરિયાતો વગર માગ્યે પૂરી પાડી આપે. પરિક્રમા દરમિયાન ઊભી થતી મુશ્કેલી વિષે ભાવિષાબેન જણાવે છે કે,આમ તો આપણે એક રૂટિન લાઈફ જીવતા હોઈએ છીએ. જેમાં આપણું પોતાનું કમ્ફર્ટ સચવાતું હોય એવી બધી જ સગવડો હોય.પરંતુ અહીં તો સવારે ઊઠવાથી લઈ રાત્રે ઊંઘવા સુધીની બધી જ વ્યવસ્થા જાતે જ કરવાની હતી. રોજ લગભગ40 કિમી ચાલવાનું હતું. ગરમી પણ પુષ્કળ હતી. શરૂઆતમાં બહુ બધી તકલીફ પડી, પણ જેમ દિવસો વીતતા ગયા, રસ્તો કપાટો ગયો એમ અમે ટેવાઈ ગયા. એવું પણ કહી શકાય કે, એ અમારો કમ્ફર્ટ ઝોન થઈ ગયો. આખી પરિક્રમા દરમિયાન ક્યારેય એવું નથી બન્યું કે, અમે ભૂખ્યા રહ્યા હોઈએ અથવા રહેવાનું ન મળ્યું હોય. આમ તો આપણે 3500 કિમી ચાલીને પૂરા કરીએ છીએ. એ જ એક મોટો ચમત્કાર છે. પણ આ દરમિયાન થયેલા અનુભવ પણ અવિસ્મરણીય છે.
આવો અનુભવ જીવનમાં પહેલી જ વાર હોવાથી ઘણીબધી નાની નાની બાબતોથી અમે અજાણ હતા. જેમ કે, પહેલા તો અમે લગભગ 60-70 કિમી જેટલું ચાલ્યાં હોઈશું;અને અમારા પગમાં ફોલ્લા પડી ગયા. એ સમયે અમે ડિંડોરી પહોંચ્યા હતા. જ્યાં એક ગુજરાતી આશ્રમમાં ગયા. તેમણે ડૉક્ટરને બોલાવ્યા અને અમારી દવા કરાવી.પછી ડોક્ટરની સલાહ મુજબ અમે બે દિવસ આશ્રમમાં જ આરામ કર્યો. એ વખતે જાણવા મળ્યું કે,સ્પોર્ટ શૂઝમાં ચાલવાથી આવી તકલીફ થાય. સેન્ડલ પહેરીને ચાલવું જોઈએ.શૂઝમાં આટલું ચાલી શકાય નહીં. પછી અમે અવલોકન કર્યું કે,બધા પરિક્રમાવાસીઓ સેન્ડલ પહેરીને જ પરિક્રમા કરતા હતા.અમે પણ સેન્ડલ પહેરી લીધા.
ડિંડોરીમાં અમને બીજો પણ એક અનુભવ થયો કે, નર્મદા કિનારે રહેતા સ્થાનિક લોકો પરિક્રમા કરનારની જે સેવા કરે છે એ આપણે આપણાં સગાં માબાપ કે છોકરાઓની પણ કરતાંનથી. તેઓ એવું વિચારે છે કે, આપણે તો મૈયાના કિનારે છીએ, આપણે પરિક્રમા કરી નથી શકતા, પણ જે લોકો કરે છે તેમને કોઈપણ જાતની તકલીફ પડવીન જોઈએ.
આવા બીજા વિષે અનુભવ પૂછતા તેઓ જણાવે છે કે,અમરકંટકથી લગભગ 12 કિમી દૂર એક કબીર ચબૂતરા નામની જગ્યા આવે છે. ત્યાં પહોંચીને ચૂલા પર જમવાનું બનાવવાનો સૌથી પહેલોઅનુભવ થયો.પરિક્રમાના રૂટમાં એક કકરાના ઘાટ નામની જગ્યા આવે છે.ત્યાંપ્રમાણમાં ઓછાપરિક્રમાવાસી જાય છે.કારણ કે એ સામાન્ય રૂટ કરતાં 15 કિમી અંદરની તરફ છે. અને પર્વતીય વિસ્તાર છે. નર્મદા સિવાય ત્યાં હાથમતી નદી પણ છે. જ્યાં એક ટાપુ આવેલો છે.એ ટાપુ પર લગભગ500 વર્ષ જૂનું નર્મદામૈયાનું મંદિર આવેલું છે. ત્યાં મૈયાના ચમત્કારની ઘણી લોકવાયકા છે. એ મંદિરે પહોંચીને તો મન એટલું અભિભૂત થઈ ગયું કે, ત્યાં જ રોકાઈ જવાની ઇચ્છા સતત થયા કરતી હતી. કદાચ ભવિષ્યમાં મને એવું થાય કે, મારે નોકરી નથી કરવી તો હું એ જગ્યાએ જઈને રહીશ. ત્યાં નર્મદામૈયાનું જે સ્વરૂપ છે એ મેં આખી પરિક્રમા દરમિયાન ક્યાંય જોયુંનથી. ત્યાંના સ્થાનિક આદિવાસી લોકોને પરિક્રમાવાસી સાથે પણ એટલો જ ઘરોબો છે.
પરિક્રમાના રૂટમાં ક્યારેય પણ કોઈ સ્ત્રીએ ડરવાની જરૂર મને ન લાગી. એક દિવસ એવું બન્યું કે, તડકાને કારણે અમે એક દિવસ એવું વિચાર્યું કે, આજે દિવસે આરામ કરીએ અને રાત્રે વધારે ચાલીશુ. એટલે તે દિવસે અમે ઓછું ચાલ્યા અને આરામ કરીને સાંજે 6 વાગ્યે ચાલવાનું શરૂ કર્યું. નર્મદા કિનારે લગભગ સાત વાગતા અંધારું થઈ જાય. અમે છ વાગ્યે ચાલવાનું શરૂ કર્યું એના એકાદ કલાક પછીએટલેકે લગભગ સાતેક વાગ્યે એક ભાઈ પીધેલી હાલતમાં રિક્ષા ચલાવતા અમારી પાસે આવ્યા અને કહ્યું,‘મૈયા, આપ રાત કો મત ચલો.’ મેં કહ્યું કે,દિવસે ગરમીમાં નથીચલાતું. તો તેમણે કહ્યું, ‘હું મારી રિક્ષામાં તમને આગળના આશ્રમ સુધી મૂકી જઉં છું. તમારે ચાલવાનું નથી.’તેમણે આનંદભાઈને પણ કહ્યું,‘ભૈયા, અગર આપ હોતે તો મેં આપકો જાને દેતા, લેકિન મૈયા સાથ મેં હૈ તો આપકો અકેલે નહીં જાને દૂંગા.’ અમે જો રિક્ષામાં બેસી ગયા હોત તો પરિક્રમા ભંગ થઈ જાત. એટલે અમે રિક્ષામાં ન બેઠા. અમે અંધારામાંચાલવા લાગ્યાં.એ સમયે એ રિક્ષા અનેએક કાર લગભગ 2 કિમી સુધી અમારી પાછળ ચાલતી રહી. માત્ર ને માત્ર અમારા માટે લાઇટ ચાલુ રાખવા, જેથી અમને અંધારું ન લાગે. મને પણ ત્યારે સમજાયું કે, નર્મદા કિનારે રહેતા લોકો મહિલાઓની ખૂબ રિસ્પેક્ટ કરે છે.
આ સમગ્ર પરિક્રમા દરમિયાન અમે સવારે લગભગ ચાર સાડાચાર થતાં ઊઠી જતાં. જે આશ્રમમાં રોકાયા હોઈએ ત્યાં ચા ને બિસ્કિટ અથવા ચા ને પૌંઆનોનાસ્તો મળતો. જેને ‘બાળભોગ’ કહેવામાં આવતો. બાળભોગ લઈને અમે ચાલવાનું શરૂ કરતાં. તડકો લાગવા લાગેએ સમયેજે આશ્રમ આવે એમાં અથવા કોઈ સ્થાનિક પરિવાર અમને રોકવાનું કહે; તો ત્યાં અમેને રોકાઈ જતાં અને અમારું જમવાનું પણ ત્યાં જ થઈ રહેતું. થોડો આરામ પણ કરતાં. લગભગ ત્રણ વાગતાં ફરી ત્યાંથીચાલવાનું શરૂ કરતાં. પછી સાંજે અંધારું થતાં આગળ જવામાં તકલીફ પડશે એવું લાગે તો જે આશ્રમ આવે એમાં રોકાઈ જતાં.
ત્યાં બે પ્રકારના આશ્રમ હોય છે. એક, જ્યાં આપણનેકાચું સીધું (કરિયાણું) આપી દે. અને જમવાનું જાતે બનાવી લેવાનું. બીજા એવા આશ્રમ હોય જ્યાં,જમવાનું બનાવેલું તૈયાર હોય. એ આપણે ખાઈ લેવાનું. લગભગ દર 40 કિમી ચાલ્યા પછી અમે જમીને ઊંઘી જ જતાં. નર્મદાના બંને તરફના કિનારે થઈનેલગભગપાંચસોજેટલા આશ્રમ છે.જે બધા જ પરિક્રમવાસીઓએ જ બનાવેલા છે. એમાંથી મને એક આશ્રમ ખૂબ ગમ્યો. ભરૂચમાં કબીરવડની સામેઆવેલો શશિબેનનો આશ્રમ. અત્યારે શશિબેનનાં ભાણી આશ્રમ ચલાવે છે.શશિબેન પોતે શિક્ષક છે. શાળામાં નોકરી કરે છે. અને ખેતી પણ કરે છે. તેમણે એવો સંકલ્પ કર્યો છે કે,ક્યારેય આશ્રમ ચલાવવાએ કોઈની પાસેથી ફંડ કે અનાજ નહીં લે. એ કોઈપણ પ્રકારે દાન કે દક્ષિણા લેતા નથી. તેમના ખેતરમાં જે ઉગાડે છે, એ જ પરિક્રમાવાસીને પીરસે છે.એની આ ખાસિયતને કારણે એ આશ્રમે મને આકર્ષી છે.
ખરેખર તો પરિક્રમા કરનાર દરેકે સવારે નાહીધોઈને નર્મદામૈયાની પૂજા કરવાની હોય. મને એમ થતું કે, નર્મદામૈયા જીવતી-જાગતી નદી સ્વરૂપે મારી સામે છે, તો એના ફોટા કે મૂર્તિની પૂજા કેમ કરવી? અમે ફોટા કે મૂર્તિની પૂજા નહોતાં કરતાં. અમે મૈયા પાસે જઈને બેસતાં. બીજા જે પૂજા કરતા હોય એ અમને ક્યારેક પૂછે કે, તમે મૈયાની આરતી નથી કરતાં? પ્રસાદ નથી ચડાવતાં? દીવો નથી કરતાં? તો અમે કહેતાં કે મૈયા નદી સ્વરૂપે તમારી સામે છે જ તો તમે મૂર્તિ સામે કેમ ઘંટડી વગાડો છે? બીજું, પરિક્રમાવાસી તરીકે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ન થાય એવું પણ અમે વિચારતા હતા. અમે સાડાત્રણ મહિના કોઈ જ સાબુ કે શેમ્પૂ નથીવાપર્યાં. અમારાં કપડાં પણ અમે ફક્ત પાણીથી ધોયાં છે.
આમ તો કોઈને કોઈ જગ્યાએ પરિવાર કે પાણીની ડંકી મળી જાય, એટલે રહેવા-જમવાની વયવસ્થા થઈ જતી. ઘાટીના રસ્તામાં ક્યારેક એવું બને કે,12-13 કિમી સુધી કંઈ ન હોય, પરંતુ નવાઈની વાત એ હતી કે આવા વિસ્તારમાં પણ કોઈ ને કોઈ વ્યક્તિ તો મળી જ જાય. એક વખત એવું બન્યું કે,12 કિમીની એક ઘાટીમાં એક ભાઈ આવીને અમને જમવાનું આપી ગયા હતા. પછી અમને ખબર પડી કે તેઓ લગભગ 30 કિમી દૂરથી આવ્યા હતા. એવું પણ થયું કે એ ઘાટી પર અમારી પાસે પીવાનું પાણી થોડું જબચ્યું હતું. અમને એ મૂંઝવણ હતી કે,આગળનો રસ્તો કેમ કાપીશું? એવામાં એક કાર આવી અને બે પાણીની બોટલ, પૌંઆ અને બીજો નાસ્તો અમને આપી ગયા. આવું અનેક વખત થયું છે કે, અમારી પાસે કંઈ ન હોય, પણ ક્યાંકથી ને ક્યાંકથી, કોઈને કોઈ સ્વરૂપે મદદ આવી જ જાય.
એકવાર એવું બન્યું કે, લગભગ બપોરે 1.30 વાગ્યે ભર તડકામાં અમે એક આશ્રમમાં પહોંચ્યા.એ આશ્રમ ખાલી હતો. મંદિરમાં પણ કોઈ જ હતું નહીં. અમને થયું કે, હવે જમવાનું શું કરીશું? પછી અમે ગામમાં માગીને ખાવાનું નક્કી કર્યું. સામે એક પટેલ પરિવાર રહેતો હતો. તેમની પાસે જઈને જમવાનું માગ્યું કે,“મૈયા ખાના હે?”તેમણે જમતાં જમતાં હકારમાં માથું હલાવ્યું. થોડીવાર પછી અમે બેઠાં હતાં ત્યાં આવીને રોટલી, શાક,દાળ,ભાત, કચુંબર લઈને આવ્યા. આવું અનેક વાર બન્યું કે,ખોરાક કે પાણી નથી તો શું થશે? તો આપમેળે જ કંઈ ને કંઈ સગવડ થઈ જતી. ક્યારેય અમે ભૂખ્યા રહ્યાં નથી. પરિક્રમામાં આપણે આપણી સાથે જોડાઈએ છીએ. આપણી અને કુદરત વચ્ચે જે અંતર છે તે પણ ઘટે છે. પરિક્રમામાં નદી, પર્વત, વૃક્ષો આ બધું જે લોકો સાચવે છે એ બધું જ જોવા મળે છે. પ્રકૃતિનો અહેસાસ થાય છે.મને એટલો તો વિશ્વાસ આવી ગયો કે,3500 કિમીની પરિક્રમામાં એવી કોઈ જગ્યા નહીં મળે; જ્યાં તમને મદદ ન મળી રહે. નર્મદામૈયા કોઈને કોઈ સ્વરૂપમાં આવીને તમને મદદ પહોંચાડશે.
પરિક્રમાના માર્ગમાં ભરૂચમાં એક આશ્રમ છે, જ્યાં હરિયાણાના મૌની બાબા અમને મળ્યા. તેમણે પોતે 7 પરિક્રમા કરી છે. એ પોતે ગાડીમાં સામાન લઈને શિષ્યો સાથે નીકળી પડે છે અને નર્મદામૈયાના કિનારે કોઈ જગ્યા સાફ કરીને ત્યાં જ વિસામો નાખે. અમે પહેલા જેટલા આશ્રમોમાં ગયા હતા ત્યાં બધાએ અમને નિયમો વિશે જ સમજાવ્યું હતું. પણ મૌની બાબાએ કહ્યું કે, “મૈયાનો બુલાવો હશે તો જ તમે પરિક્રમા કરી શકો છો. તમે આવી જ ગયા છો તો આરામ કરો. જ્યાં સારા ઘાટ પર રહેવાની ઇચ્છા થાય ત્યાં ચાર-પાંચ દિવસ રોકાઓ. કોઈ સાધુ સંત સાથે રોકાવા જેવું લાગે તો એમની સાથે રોકાઓ. કોઈ ટાર્ગેટ ફિક્સ ન રાખો. જરૂર પડે તો બાકીના રસ્તા માટે વાહન વાપરી લો. ફરીવાર પરિક્રમા કરો તો આશ્રમ કરતાં જંગલમાં રહેજો.
મને તો ત્યારે ખૂબ નવાઈ લાગી જ્યારે,મેં7 વર્ષની બાળકીથી લઈ 102 વર્ષના કાકાને પણ આ પરિક્રમા કરતાં જોયાં. એટલે મને સમજાઈ ગયું કે, આ પરિક્રમા કરવા માટે ઉંમરનો પણ કોઈ બાધ નથી. એક આખોપરિવાર પરિક્રમામાં હતું, જે તેમના પાલતું કૂતરાના બચ્ચાને પણ સાથે લાવ્યું હતું. બીજો એક પરિવાર ગાયના વાછરડાને લઈ પરિક્રમા કરવા આવ્યો હતો.જે પરિક્રમા પૂરી થઈ ત્યાં સુધી મોટું થઈ ગયું હતું.
નર્મદાના બધા જ કિનારાનું સૌંદર્ય મને બહુ જ ગમે છે. નર્મદામૈયા અમરકંટકથી નીકળીને લગભગ 1300 કિમી દૂર વિમલેશ્વર ખાતે સમુદ્રમાં ભળી જાય છે. પરિક્રમા વખતે નર્મદામૈયાને વચ્ચેથી ક્રોસ ન કરવાનો નિયમ છે. વિમલેશ્વરમાં સમુદ્રમાં થઈને પરિક્રમાવાસીએ સામે કાંઠે જવાનું હોય છે. અમે જ્યારે સમુદ્રમાં થઈને સામે કાંઠે ગયા એ દિવસે પૂનમ અને હનુમાનજયંતી હતી. એ દિવસે સમુદ્રમાં ભળતાં નર્મદામૈયાનાં રૂપને અમે નિહાળ્યું. અમને લગભગ પાંચ કલાક લાગ્યા હતા. એ પાંચ કલાકે અમને અવિસ્મરણીય અનુભવ ભેટ આપ્યો.
મને એટલું સમજાઈ ગયું કે, પરિક્રમા કોઈ પણ માણસ કરી શકે, પરિક્રમા કરવા માટે સમય અને દૃઢમનોબળ સિવાય કશાની જરૂર પડતી નથી. માત્ર બે જોડી સફેદ કપડાં સેન્ડલ સાથે લઈને જવું. પરિક્રમા આમતો કોઈપણ આશ્રમથી ચાલુ કરી શકાય. પણ એ વખતે મને એ ખબર નહોતી, એટલે મેં અમરકંટકથી શરૂ કરી હતી. જે તે આશ્રમમાં રજિસ્ટ્રેશન કરાવો એટલે એ ઓળખપત્ર બનાવી આપે. જો તમે રોજના ચાળીસથી પચાસકિમી જેટલું ચાલો તો લગભગ ચાર-પાંચમહિનામાં પરિક્રમા પૂરી થઈ જાય. પરિક્રમા શરૂ થાય ત્યારે અને પૂરી થાય ત્યારે પૂજા કરવાની હોય છે. પરિક્રમા પૂરી કર્યા પછી નર્મદાનું પાણી ઓમકારેશ્વર મહાદેવે ચઢાવવા જવું પડે છે. એવી પ્રથા છે. વરસાદના કારણે મોટા ભાગના રસ્તા બંધ થઈ જતાં હોવાને લીધે ચાતુર્માસના ચાર મહિના દરમિયાન પરિક્રમા બંધ હોય છે.એટલે એ સમયે તમે પરિક્રમાવાસીજ્યાં હોય ત્યાં અથવા જ્યાં ફાવે એ સ્થળે અથવા આશ્રમે એને રોકાઈ જવાનું હોય છે. જો તમારે ચાલતાં પરિક્રમા કરવી હોય તો શિયાળાનો સમય સૌથી સાનુકૂળ છે. મોટાભાગે બધા દશેરાથી પરિક્રમા શરૂ કરતા હોય છે, જેથી ઉનાળો આવતાં સુધીમાં પૂરી થઈ જાય. બાકી આખા વર્ષમાં ક્યારેય પણ પરિક્રમા કરી શકાય. મારી 122 દિવસની રજા ઉનાળામાં જ મંજૂર થઈ હતી, જે હું ન ભોગવું તો બીજીવાર થશે કે કેમ એ પણ નક્કી નહોતું. માટેમે ઉનાળામાં પરિક્રમા કરી.
પરિક્રમા દરમિયાન થયેલા ખરાબ અનુભવ વિષે પૂછતા તેઓ જણાવે છે કે, આમ તો કોઈ જ ખરાબ અનુભવો ક્યારેય નથી થયા. એક વખત માત્ર મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. એક વસ્તુ મેં નોંધી કે યુવાનો અને વૃદ્ધો પરિક્રમા કરતા હોય ત્યારે યુવાનોને અલગ નજરથી જોવામાં આવે છે. મણિનાગેશ્વર નામનું એક મંદિર હતું. ત્યાં અમને બંનેને જમવા માટે બે થાળી આપવામાં આવી. તડકાને કારણે ભૂખ જ નહોતી લાજીઆઇ. બીજી થાળી વેસ્ટ ન જાય એવું વિચારીને અમે બંનેએ એક જ થાળીમાંથી જમી લીધું. ત્યાંના એક પૂજારી આવ્યા અને કહ્યું કે, “પરિક્રમાવાસી હો કે એક થાલી મેં ખાતે હો?” અમે સમજાવ્યું કે, બીજી થાળી વેસ્ટ ન જાય એ અમારો હેતુ હતો. તેમણે જવાબમાં કહ્યું કે, “ભલે 100 થાલિયાં કયું ન ફેંકની પડે, પર એક થાલી મેં નહીં ખાના.” તો અમારી દલીલ એવી હતી કે, આ જ વાત તમે અમને પ્રેમથી સમજાવો. અમે પહેલીવાર પરિક્રમા કરી છીએ. અમને આ નિયમ વિશે ખ્યાલ નથી.
સામન્ય રીતે કોઈપણ મંદિરના નિયમો બહાર લખેલા હોય. એનું માન-સન્માન જાળવવું અને નિયમો પાળવા એ આપણી ફરજ છે, પણ ત્યાં એવો કોઈ નિયમ લખેલો જ નહોતો. એ દિવસે મારા પિરિયડ્સ પણ ચાલુ હતા અને અમે 35 કિમી જેટલું ચાલી ચૂક્યાં હતાં. તેમ છતાં અમારે બપોરે 2 વાગ્યે આશ્રમમાંથી નીકળવું પડ્યું, કારણ કે તેમણે અમને કહ્યું કે, “પ્રસાદી લેલી તો અબ નિકલો.” પૂજારી અને સાધુઓને એક વિનંતી છે કે, જે પહેલી વખત પરિક્રમા કરે છે તેમને પ્રેમથી સમજાવવા જોઈએ. અમે સાધુ નથી, સામાન્ય માણસ છીએ. અમને ખ્યાલ જ નથી કે ધર્મના માર્ગ પર શું નિયમ હોય છે, એટલે ખર્ચ વિષે પૂછતા ભાવિષાબેન જણાવે છે કે,પરિક્રમાના આખા રસ્તે આશ્રમ, મંદિર કે બીજે ક્યાંય પણ રોકાઓકોઈ તમારી પાસેથી રૂપિયા નહીં માગે. ગુજરાતી હોવાને કારણે આપણને છાશ જોઈએ. એકવાર એવું બન્યું કે,આખા રસ્તે ક્યાંય છાશ જ ન મળી. 150 કિમી પછી એક રેસ્ટોરન્ટ આવી, જ્યાં છાશ હતી. અમે લગભગ 20 બોટલ છાશ પી ગયા. તેમણે મધ્યપ્રદેશની ફેમસ ટામેટાંની ચટણી અને પરાઠા પણ આપ્યા, પરંતુ અમારી પાસેથી બિલ જ ન લીધું. પહેલાં એવું પણ હતું કે, પરિક્રમા કરનાર પૈસા કે ફોન સાથે ન રાખે. તેમને પૈસા સ્થાનિક લોકોઆપતા. અમને પણ લોકોએ આપ્યા છે. જે પૈસાથી અમારી પાસે એક નાનું બોક્સ ભરાઈ ગયું છે. લોકો આપણને જમાડે અને જમાડ્યા પછી રૂપિયા પણ આપે કે, રસ્તામાં ચા-પાણી કરવા કામ લાગે. એ બધા જ પૈસા મેં સાચવી રાખ્યા છે.
હું પહેલી જ વાર આવી રીતે આટલા લાંબા સમય માટે પરિક્રમા કરવા નીકળી હતી એટલે સામાન્ય રીતે પરિવારને પણ મારી ચિંતા રહેતી. પરિવારની સાથે હું ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહેતી. આ દરમિયાન મારા પતિ, ભાઈ અને મમ્મી મને ત્રણ વખત મળવા પણ આવ્યાં હતાં. મારી સાથે તેઓ બેદિવસ ચાલ્યાં પણ હતા. મને તો જો રજા મળે તો દર વર્ષે પરિક્રમા કરું. આપણી ફાસ્ટ લાઈફમાંથી થોડો સમય કાઢીને એક વખત ગાડી લઈને અથવા ચાલતા, કોઈપણ રીતે પરિક્રમા કરવી જોઈએ. જીવનનો આ એક અનેરો લ્હાવો છે. ત્યાંનાં લોકો પરિક્રમાવાસીને ખૂબ સારી રીતે સાચવે છે. મને જો ક્યારેક પસંદ કરવા મળે કે મારે ક્યાં જવું છે? તો હું નર્મદામૈયાના કિનારે આદિવાસી લોકોના ઘરમાં રહેવાનું જ પસંદ કરું. એમનું હૃદય મને પવિત્ર લાગ્યું. તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેમને શહેરની હવા લાગી નથી. જેમ ત્યાંનું વાતાવરણ નિર્મળ છે, એમ જ તેમનું હૃદય પણ નિર્મળ છે.
‘રેવા’ ફિલ્મમાં જે લૂંટનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે તે,શૂલપણેશ્વરની પહાડી ચાલતા ક્રોસ કરતાં લગભગ દસ દિવસ થાય છે. ત્યાં એક કે બે આશ્રમ પણ છે, એટલે ખાવાની અને રહેવાની સેવા ત્યાંના લોકો જ કરે છે. જે આદિવાસી કમ્યુનિટીના છે. હું ને મારા પતિ બંને એ ફિલ્મ સાથે જોવા ગયા હતા. એમાં બતાવેલું એ દૃશ્ય મને હકીકતમાં ક્યાંય સાચું ન લાગ્યું. ત્યાં એવું કંઈ જ નથી થતું. અમે ‘રેવા’ જોઈને જ નક્કી કર્યું હતું કે, અમે એકવાર પરિક્રમા કરવા સાથે જઈશું.’ પણ એમને રાજા ન મળતા મારે એકલાએ જ જવું પડ્યું. ભવિષ્યમાં જો નર્મદામૈયા હુકમ કરશે તો અમે સાથે પણ જઈશું.
(જુઓ: ભાવિષા કડછાએ નવજીવન સાથે કરેલી વાતચીતનો વિડીયો)