Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માનવજીવન પર દૂરગામી અસર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માનવજીવન પર દૂરગામી અસર

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ટેક્નોલોજી ક્ષેત્રે આવતાં બદલાવને આપણે તુરંત જોઈ શકતા નથી, પરંતુ આપણા જીવન પર તેની અસર દૂરગામી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’[એઆઈ]ની અસર ભવિષ્યમાં ક્યાં સુધી થશે તે અંગે પત્રકાર તરીકે ખ્યાતિ પામેલાં મધુમિતા મુર્ગિયાએ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છેચ અને તેને અનુલક્ષીને ‘કોડ ડિપેન્ડેન્ટ’ નામનું પુસ્તક લખ્યું છે. મધુમિતાએ ‘એઆઈ’ની અસર આપણી પ્રાઇવસી, સ્વાસ્થ્ય અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ પર કેવી રીતે થવાની છે તે અંગે વિસ્તૃત રીતે આ પુસ્તકમાં વાત કરી છે. અત્યારે આ પુસ્તક ‘વુમન પ્રાઇઝ-2024’માં પસંદગી પામ્યું છે અને તે કારણે પણ આ પુસ્તકની ચર્ચા થઈ રહી છે. મધુમિતા ‘એઆઈ’ની કેટલીક અતિ સંવેદનશીલ બાબતોને સામે લાવ્યાં છે. આપણું ભવિષ્ય ‘એઆઈ’ના આધારે કેવી રીતે ઘડાશે તેનો અંદાજ તેમનાં પુસ્તક પરથી લગાવી શકાય છે.

AI Effect
AI Effect

‘વુમન પ્રાઇઝ-2024’ પ્લેટફોર્મ મહિલાઓ લખવા માટે પ્રોત્સાહિત કરે છે અને છેલ્લા વર્ષોમાં આ પ્લેટફોર્મ પાસે એક કરોડ સાઠ લાખથી વધુ વાચકો એકઠા થઈ શક્યા છે. આઠ હજારથી વધુ મહિલા લેખકોને શરૂઆતના તબક્કે આ પ્લેટફોર્મે સહાય કરી છે અને તેમાં જ મધુમિતા મુર્ગિયાનું ‘કોડ ડિપેન્ડેન્ટ’ પુસ્તક પસંદગી પામ્યું છે. નોન-ફિક્શન કેટેગરીમાં પસંદગી પામેલું આ પુસ્તક વિશે લેખિકા પોતે કહે છે કે તેમણે આ પુસ્તકની કથાવસ્તુ આઠ દેશોના ‘એઆઈ’ સાથેના વ્યક્તિગત અનુભવને આલેખ્યાં છે. મધુમિતા આ વિષય સંબંધે કહે છે કે ‘એઆઈ’ ચોક્કસ ડેટા દ્વારા કવિતા કે સંગીતનું સર્જન કરી શકે છે, પરંતુ તે વ્યક્તિ જે રીતે નિર્ણય લે છે તેમાં તે ‘એઆઈ’ ક્યાંય કામ આવતું નથી. માનવીય બુદ્ધિક્ષમતાની કોઈ નિશ્ચિત પેટર્ન હજુ ઓળખાઈ નથી. વ્યક્તિના નિર્ણયોમાં લાગણી અને સામાજિક બાબતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પછી ભલે તમે કોઈ લખાણ લખો, ડોક્ટરના વ્યવસાયમાં હોય કે પછી સામાજિક કાર્ય તરીકે કાર્યરત હોવ. તેમાં કોઈ વ્યક્તિગત બાબત અસર કરતા નથી હોતી, બલકે તે સામૂહિક અસરનું પરિણામ હોય છે. ‘એઆઈ’માં એ રીતે વિરોધાભાસ હોઈ શકે, કારણ કે તેમાંથી જે કંઈ સર્જન થતું હોય તે મહદંશે તેમાં મૂકવામાં આવેલાં ડેટાના આધારે હોય છે.

- Advertisement -
artificial intelligence news
artificial intelligence news

આગળ તેઓ આ સંબંધે ઉદાહરણ પણ આપે છે. જેમ કે તેમણે ટ્યૂબરકોલોસિસનું નિદાન કરતાં ‘ક્યૂઅર.એઆઈ’ની ટુલની તપાસ કરી હતી. એ રીતે કોવિડનું નિદાન કરવા માટે મુંબઈના ધારાવીમાં ‘એઆઈ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગૂગલના ટૂલ દ્વારા ડાયાબિટીસનું નિદાન કરવાનો પણ મહારાષ્ટ્રમાં પ્રયોગ થયો હતો. આ પૂરી પ્રક્રિયામાં ગૂગલ કંપનીનું વલણ સહાય માટેનું હતું, પરંતુ તેનો અનેક ખાનગી એન્ટરપ્રાઇઝે ગેરલાભ લીધો અને પૈસા બનાવ્યા. આ રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રે ‘એઆઈ’નો ઉપયોગ તો થયો, પરંતુ તે ઉપયોગ ખરેખર લોકોનું સાચું નિદાન કરે છે કે નહીં તે કોણ નક્કી કરશે? ‘એઆઈ’થી પોસાય એવું નિદાન થશે કે પછી સમાજના અમુક વર્ગના લોકો માટે જ તે ઉપયોગી થશે? અત્યારે તેની એક્યુરસી માટે જ ધારાવી જેવા વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. આવા અનેક પ્રશ્નો મધુમિતા ઊભા કરે છે, અને તેના જવાબ તેમણે પુસ્તકમાં વિગતવાર આપ્યા છે.

મધુમિતાને અગાઉ ‘ધ પ્રેસ એવોર્ડ’ મળી ચૂક્યો છે અને તેઓ ઇંગ્લેન્ડના સૌથી શ્રેષ્ઠ ટેક્નોલોજી સંબંધિત બાબતોના પત્રકાર તરીકે ઓળખ મેળવી છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમમાં પણ તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ગૂગલના ‘એઆઈ’ની સબસિડરી કંપની ‘ડિપમાઇન્ડ’ અંગે મધુમિતાએ કરેલી એક સ્ટોરીએ ટેક્નોલોજી ક્ષેત્રમાં ભૂકંપ લાવી દીધો હતો. ‘ડિપમાઇન્ડ’ નામની આ કંપનીએ જાતિય સતામણી અંગેની ફરિયાદોનો નિકાલ યોગ્ય રીતે લાવ્યાં નહોતાં. મૂળે પૂરી ઘટના એમ બની હતી કે ગૂગલની ભવિષ્યની જાયન્ટ કંપની ‘ડિપમાઇન્ડ’માં એક મહિલા કર્મચારીની જાતિય સતામણી એક ઉચ્ચ અધિકારીએ કરી હતી. આ ઘટના ડિસેમ્બર 2019ની છે. જોકે ફરિયાદ થયા પછી પણ કંપનીએ આ અંગે કોઈ જ નોંધ ન લીધી અને આખરે પીડિત મહિલા કર્મચારીએ એક ખુલ્લો પત્ર લખ્યો હતો અને તેમાં ‘ડિપમાઇન્ડ’ કંપની દ્વારા થયેલાં અન્યાયનો વિગતવાર ખુલાસો કર્યો હતો. આ પૂરી ઘટના કંપની પૂરતી સીમિત હતી, પરંતુ મધુમિતા ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ દ્વારા આ ઘટનાને બહાર લઈ આવી.

આ રીતે મધુમિતાએ એપલ કંપનીએ આઇફોનમાં એક એવું સોફ્ટવેર મૂક્યું હતું જેનાથી બાળકો સાથે થતાં જાતિય સતામણીને સ્કેન કરી શકાય. પરંતુ આ સોફ્ટવેરથી પ્રાઇવસીનો ભંગ થતો હતો. પહેલાં તો એપલ કંપનીએ આવું સોફ્ટવેર આઇફોનમાં મૂક્યું છે કે નહીં તે સ્વીકારવા અંગે ગલ્લાંતલ્લાં કર્યા, પરંતુ પાછળથી કંપનીએ સ્વીકાર્યું કે તેમણે આવું સોફ્ટવેર મૂક્યું છે. એપલ કંપની પોતાનો ગમે તેટલો નિર્દોષ ઉદ્દેશ્ય આ સોફ્ટવેર મૂકવા પાછળ દર્શાવતી હોય, પણ તે સોફ્ટવેર અન્ય રીતે પણ કોઈ ઉપયોગ કરી શકે. આ રીતે ટેક્નોલોજી ક્ષેત્રે જે કંઈ પણ થઈ રહ્યું છે તેનાથી મધુમિતા પરિચિત રહી છે અને તેણે અયોગ્ય લાગતી હોય તેવી ઘટનાઓને પ્રકાશિત કરી છે.

- Advertisement -

ટેક્નોલોજીના કિસ્સામાં ઘણી વાર લાભ કરતાં તેનો દુરોપયોગ વધુ થાય છે, અને જ્યારે ટેક્નોલોજી પહેલીવહેલી ઉપયોગમાં આવે છે ત્યારે તેનો ભોગ બનનારા ઘણાં હોય છે. 10 તારીખે રાજ્યના મોટા ભાગના અખબારમાં અમદાવાદના ગોતા વિસ્તારના એક સમાચાર છે, જેમાં ફેસબુક પર ન્યૂડ વિડિયો કોલ કર્યા બાદ યુવતીએ આત્મહત્યા કરી હોવાનું કહીને એક સિનિયર સિટીઝન પાસેથી 19 લાખ રૂપિયા પડાવ્યા હતા. આવી ઘટના રોજેરોજ સામે આવે છે, પરંતુ ટેક્નોલોજીમાં આવતાં ઝડપી બદલાવના કારણે તેમાં કોઈ પણ સપડાય છે. આ કિસ્સામાં મધુમિતા મૂર્ગિયા જેવાં ટેક્નોલોજી બાબતના જાણકારની વાતો ધ્યાને લેવી જોઈએ. ‘એઆઈ’ સંબંધે તેઓ કેટલાંક પાયાનાં પ્રશ્નો ઊઠાવે છે. જેમ કે તેઓ કહે છે કે ‘એઆઈ’ તમારા ઓફિસ કામ માટે સારું હોઈ શકે, ઇ-મેઇલ લખવા માટે તેનો ઉપયોગ થઈ શકે, પરંતુ ‘એઆઈ’ બધું જ કરી શકવા સક્ષમ નથી. જો કશુંય શ્રેષ્ઠ રીતે કરવું હોય તો તે માટે તેનો ઉપયોગ નહીવત્ છે. કશુંક નક્કર કર્યાનો આનંદ પણ તેનાથી મળવાનો નથી. શું ‘એઆઈ’ દ્વારા લિખિત પુસ્તકો તમે સતત વાંચી શકો? માણસમાં જે લાગણી હોય અને તેની બુદ્ધિક્ષમતાથી જે પુસ્તકો લખાયેલા હોય તે ‘એઆઈ’માં ક્યારેય મળવાનું નથી.

‘એઆઈ’ દ્વારા થતું માસ સર્વેલન્સને મધુમિતા એક અયોગ્ય પ્રેક્ટિસ તરીકે જુએ છે. તેમના મતે દરેક યુગમાં શસ્ત્ર તરીકે અલગ અલગ બાબતોનો ઉપયોગ થાય છે. 1970ના અરસામાં થયેલાં સરમુખત્યારશાહીની વાત કરીએ તો તે વખતે સરમુખત્યાર પોતાની ભીતિ શિક્ષિત ને ધાર્મિક વ્યક્તિમાં જોતા હોય, તો આજે તે વાત બદલાઈ ચૂકી છે. અલગ-અલગ સરકાર સમયે આવી બાબતો બદલાઈ જાય છે. જોકે એટલું નક્કી છે કે જાહેર જીવનમાં નાગરિકોની હવે કોઈ પ્રાઇવસી રહી નથી. હવે તમે ભીડમાં અજાણ્યા રહી શકતા નથી. ટેક્નોલોજી કોઈ પણ રીતે તમને ટ્રેક કરી શકે છે.

આ અંગે ભવિષ્યવેતા યુવાલ નોઆ હરારીએ પણ પોતાના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’માં જે લખ્યું છે તે જોઈ લેવું જોઈએ. તેઓ કહે છે કે, “જે રીતે એલ્ગોરિધમમાં આપણે વધુ ને વધુ સક્ષમ થતાં જઈશું, તેમ સર્વસત્તાવાદી સરકારો પોતાના નાગરિકો પર મહત્તમ નિયંત્રણ લાદશે. વિશેષ તો આ બાબતનો પ્રતિરોધ કરવો અશક્ય થઈ પડશે. સરમુખત્યાર પોતાના નાગરિકોને આ અતંર્ગત સ્વાસ્થ્ય સુવિધા અને સમાનતા ભલે ન આપી શકે, પરંતુ નાગરિકોને તે એ રીતે બાંધી શકે છે કે તેઓ સરમુખત્યાર પ્રત્યે પ્રેમ દાખવે અને તેમના વિરોધીઓ પ્રત્યે નફરત રાખે. લોકશાહી એ રીતે માહિતીના આ વંટોળ સામે ટકી નહીં શકે. અથવા તો લોકશાહીને બિલકુલ નવા સ્વરૂપે કાયાકલ્પ કરવાની થશે. અથવા તો માનવી ‘ડિજિટલ તાનાશાહી’ હેઠળ આવી જશે.”.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular