નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ધોરણ 1 પ્રવેશ આપવા માટેની વયમાં રાહત આપવાની વાલીઓએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે (Gujarat High Court) સરકારે નક્કી કરેલી ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરને ફરજિયાત કરતો ચુકાદો આપ્યો છે. જેને લઈને વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.
ગુજરાતમાં શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરને ફરજિયાત કરવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. નવા સત્રમાં જે બાળકોને 6 વર્ષ પૂરા થયા હોય તેમને જ ધોરણ-1માં પ્રવેશ અપાશે. આ સાથે જ હાઈકોર્ટે ધોરણ-1માં પ્રવેશ માટેની વયમાં રાહત આપવાની વાલીઓની અરજીને ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટે પ્રી-સ્કૂલમાં 3 વર્ષથી નાની ઉંમરના બાળકોને મૂકવા ગેરકાયદેસર ગણાવ્યું છે.
વિગતો મુજબ, ગુજરાતમાં શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરને સરકારે ફરજિયાત કરી હતી. જેને લઈને વાલીઓમાં રોષ વ્યાપ્યો હતો. કારણ કે, લાખો બાળકોએ પ્રિ-સ્કૂલ અને જુનિયર-સિનિયર કેજીના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ્યારે ધોરણ-1માં પ્રવેશ લેવાનો થાય ત્યારે બાળકના 6 વર્ષ પૂરા ન થયા હોવાથી તેમને ફરી સિનિયર કેજી ફરજિયાત કરાવવું પડે. જેને લઈને વાલીઓએ હાઈકોર્ટમાં 6 વર્ષની ઉંમર મર્યાદામા 1 વર્ષની છૂટ આપવાની માગ કરી હતી. જેને લઈ હાઈકોર્ટમાં વાલીઓએ અરજી કરી હતી. જેનો સરકાર વિરોધ કરી રહી હતી. ત્યારે આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જો કે આ બાબતે રાજ્ય સરકારની દલીલ એવી હતી કે, કેન્દ્ર સરકારે નવી બનાવેલી એજ્યુકેશન પોલિસી (National Education Policy) મુજબ તમામ રાજ્યોએ ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો ફરજિયાત અમલ કરવા આદેશ અપાયો છે, તેમાં 3 વર્ષનો સમય મળ્યો હતો. સરકાર આમા હસ્તક્ષેપ ન કરી શકે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા 2021, 2022 અને 2023ના જૂન સુધીમાં જે બાળકોએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તો તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા પર રાહત આપી હતી. જોકે જૂન 2023માં મર્યાદા પૂરી થતા વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરીને તેમાં વધુ રાહત માગી હતી.
જો કે હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી પર બન્ને પક્ષોના વકીલોની દલીલોના આધારે આખરે હાઈકોર્ટે સરકાર તરફી ચુકાદો આપ્યો છે. જેમાં ગુજરાતમાં શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે 6 વર્ષની ઉંમર મર્યાદાના નિયમને યોગ્ય ઠેરવી છે. જો કે હાઈકોર્ટના આ ચુકાદાથી વાલીઓમા હજી પણ બળાપો જોવા મળી રહ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796