બિનીત મોદી (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ભારતના પંદરમા રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે રાષ્ટ્રપતિ પદની સોળમી ચૂંટણી માટેનું મતદાન સોમવાર 18 જુલાઈ 2022ના દિવસે યોજાશે. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ આ હોદ્દા પર એક પછી એક એમ બે વાર ચૂંટાયા હોવાથી સોળમા ક્રમની ચૂંટણીમાં ચૂંટાઈ આવનારા ઉમેદવાર ભારતના પંદરમા રાષ્ટ્રપતિ કહેવાશે. રાજ્યસભામાં ચૂંટાયેલા ગુજરાતના અગિયાર સંસદસભ્યો, સત્તરમી લોકસભાના ગુજરાતના છવ્વીસ સંસદસભ્યો અને ચૌદમી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો આ માટે મતદાન કરશે. રાજ્યસભા, લોકસભા અને રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યોની સંખ્યા વડે બનતા આ મતદારમંડળને અંગ્રેજીમાં ‘ઇલેક્ટોરલ કોલાજ’ નામે ઓળખવામાં આવે છે. આ વખતે તેમાં જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભાના ધારાસભ્યો બાકાત છે. કેમ કે રાજ્યનું વિભાજન થયા પછી નવી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા બાકી છે.
ઉપરોક્ત ચૂંટણીમાં ચૌદમી ગુજરાત વિધાનસભાના 182માંથી 178 ધારાસભ્યો મતદાન કરી શકશે. ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલ અને ભિલોડાના ધારાસભ્ય ડૉ. અશ્વિન જોષીયારા અવસાન પામ્યા છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે મુદત વચ્ચે રાજીનામું આપ્યું છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવામાં કરેલી ભૂલના કારણે સભ્યપદેથી ગેરલાયક ઠર્યા છે. એ અંગેની દાદ માગતી અરજી સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે મતદાન કરવું હોય તો સુપ્રિમ કોર્ટમાં અરજી કરી પરવાનગી લેવી પડે. મળે પણ ખરી, ના પણ મળે. પબુભા માણેક ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે. આ પક્ષ દ્વારા સમર્થિત ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષે જીતનું અંકગણિત એટલું મજબૂત છે કે પબુભા માણેક અરજી કરે તો તેમના એક મત માટે ભાજપ કશો રસ ના લે અને મતદાનની પરવાનગી મળે તો ય અંકગણિતમાં કશો ફેર ના પડે.
હા, એટલું ખરું કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી રાજકીય પક્ષોના રાજકારણથી પર હોય છે. પક્ષો તેના સંસદસભ્યો, ધારાસભ્યોને મતદાન સંબંધી કોઈ આદેશ આપી શકતા નથી. માત્ર ચૂંટણી – મતદાન પ્રક્રિયા સંબંધી માર્ગદર્શન, તાલીમ આપી શકે. રાજ્યસભા, લોકસભા, રાજ્યોની વિધાનસભા અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સાથે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ભારતનું ચૂંટણી પંચ / Election Commission of India હાથ ધરે છે. શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ ઉપરાંત રાજદ્વારી સંબંધો સારા હોય ત્યારે પાકિસ્તાન પણ ભારતના ચૂંટણી પંચની વ્યવસાયી ધોરણે કન્સલ્ટન્સી સેવાઓ મેળવે છે. ભારતના ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને વિશાળ કામગીરીનો આલેખ આપવા માટે કદાચ આ એક જ હકીકત પુરતી છે. બીજી હકીકત એ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરના હોદ્દા પર રહી ચુકેલા અધિકારી પણ સમય જતા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થયા હતા.
ચૂંટણી ભારતના રાષ્ટ્રપતિની છે પરંતુ અહીં આપણે માત્ર ગુજરાત પુરતી વાત કરીશું. ગુજરાત વિધાનસભા અને ગુજરાતના રાજકીય ઘટનાક્રમ સાથે સંલગ્ન હોય એવી કેટલીક વિગતો જોઇશું. એ ક્રમમાં રાષ્ટ્રપતિ પદની પહેલી ચૂંટણીનું મતદાન 2 મે 1952ના રોજ અને બીજી ચૂંટણીનું મતદાન 6 મે 1957ના રોજ યોજાયું હતું. એ સમયે અલગ ગુજરાત રાજ્યનું અસ્તિત્વ નહોતું. આથી સૌરાષ્ટ્ર રાજ્યની પહેલી અને એકમાત્ર વિધાનસભા-1952 તેમજ મુંબઈ રાજ્યની પહેલી-1952 અને બીજી વિધાનસભા-1957માં ચૂંટાયેલા ધારાસભ્યોએ પહેલી બે ચૂંટણીઓના મતદાનમાં ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યની સ્થાપના આ પછી પહેલી મે 1960ના રોજ થઈ. એટલે સ્વતંત્રપણે ગુજરાતને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરવાનો પહેલો અવસર રાષ્ટ્રપતિ પદની ત્રીજી ચૂંટણીમાં એટલે કે મે 1962માં મળ્યો – મતદાન તારીખ 7 મે 1962. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે તેના મતદાર ધારાસભ્યો બે મહિના પહેલા જ ફેબ્રુઆરી 1962માં બીજી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
ગુજરાત રાજ્યની બીજી વિધાનસભાથી તેરમી વિધાનસભાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કરેલા મતદાનની વિગતો જોઇએ. વિજેતા ઉમેદવારનું નામ પહેલું લખ્યું છે, બાકીના ઉમેદવારોના નામ સંદર્ભ માટે છે. તેમની આંશિક પરિચય વિગતો પણ સામેલ છે.
બીજી વિધાનસભા-1962, રાષ્ટ્રપતિ પદની ત્રીજી ચૂંટણીનું મતદાન – 7 મે 1962 (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન / હરિરામ ચૌધરી અને યમુના પ્રસાદ ત્રિશુલિયા) – ધારાસભ્યો બે મહિના પહેલા જ ચૂંટાઈ આવ્યા હતા.
ત્રીજી વિધાનસભા-1967, રાષ્ટ્રપતિ પદની ચોથી ચૂંટણીનું મતદાન – 6 મે 1967 (ડૉ. ઝાકિર હુસૈન / કોટા સુબ્બારાવ, ખુબી રામ, યમુના પ્રસાદ ત્રિશુલિયા, ભાંબુરકર શ્રીનિવાસ ગોપાલ, બ્રહ્મ દેવ, ક્રિષ્ન કુમાર ચેટરજી, કુમાર કમલા સિંઘ, શૂન્ય મત મેળવનારા નવ ઉમેદવારો – ચંદ્રદત્ત સેનાની, યુ. પી. ચુગાની, એમ. સી. દાવર, ચૌધરી હરિ રામ, ડૉ. માન સિંઘ, મનોહારા હોલકર, મોતીલાલ ભીખાભાઈ પટેલ, સીતારામૈયા રામાસ્વામી શર્મા હોયસાલા અને સત્યભક્ત – કુલ સત્તર ઉમેદવારો, રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો. મનોહારા હોલકર પહેલા મહિલા ઉમેદવાર ગણાયા.) – મતદાન કરનારા ધારાસભ્યો બે મહિના પહેલા જ ચૂંટાઈ આવ્યા હતા.
રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેતા ડૉ. ઝાકિર હુસૈનનું 3 મે 1969ના રોજ અવસાન થયું. રાષ્ટ્રપતિ પદની પાંચમી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી. આથી ત્રીજી વિધાનસભાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ પદની પાંચમી ચૂંટણીમાં પણ અને એમ બીજી વાર મતદાન કરવાની તક મળી. મતદાન તારીખ – 16 ઑગસ્ટ 1969 (વરાહગિરિ વેંકટગિરિ ઉર્ફે વી. વી. ગિરિ / નીલમ સંજીવ રેડ્ડી, સી. ડી. દેશમુખ, ચંદ્રદત્ત સેનાની, ફુરચરણ કૌર, રાજાભોજ પાંડુરંગ નાથુજી, પંડિત બાબુલાલ માગ, ચૌધરી હરિ રામ, શર્મા મનોવિહારી અનિરૂધ્ધ, ખુબી રામ, શૂન્ય મત મેળવનારા પાંચ ઉમેદવારો – ભાગમલ, ક્રિષ્ન કુમાર ચેટરજી, સંતોષ કુમાર કછ્છવાહા, ડૉક્ટર રામદુલાર ત્રિપાઠી ચકોર અને રમણલાલ પુરૂષોત્તમ વ્યાસ. ફુરચરણ કૌર બીજા મહિલા ઉમેદવાર ગણાયા. પરાજિત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી 1977માં દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. એક સમયના પરાજિત ઉમેદવાર ચૂંટાઈ આવે અને બિનહરીફ ચૂંટાઈ આવે એવો પહેલો અને એકમાત્ર દાખલો.)
ચોથી વિધાનસભા-1972. રાજકીય ઉથલપાથલના સંજોગોમાં આ વિધાનસભાની મુદત 9 ફેબ્રુઆરી 1974 સુધી જ રહી. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના રાજીનામા પછી સર્જાયેલી રાજકીય કટોકટીને કારણે એ જ દિવસે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. જે 18 જૂન 1975 સુધી અમલમાં રહ્યું અને એ પછી ચૂંટણીના પગલે નવી પાંચમી વિધાનસભા અમલમાં આવી. આ સમયે રાષ્ટ્રપતિ પદની છઠ્ઠી ચૂંટણીનું મતદાન 17 ઑગસ્ટ 1974ના રોજ યોજાયું ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન અમલી હતું. આથી ચોથી વિધાનસભાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવાની તક મળી નહીં. રાષ્ટ્રપતિ પદની છઠ્ઠી ચૂંટણીથી રૂપિયા અઢી હજાર (2,500 રૂપિયા)ની સિક્યોરિટી ડિપૉઝિટ જમા કરાવવાનો નિયમ અમલમાં આવ્યો. ગુજરાત વિધાનસભાએ જેમાં મતદાન નહોતું કરવાનું એવી આ ચૂંટણીના ઉમેદવારો (ફકરૂદ્દીન અલી અહમદ / ત્રિદીબ ચૌધરી – પરાજિત ઉમેદવાર, ચૂંટણીમાં બે જ ઉમેદવારો હતા.)
રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેતા ફકરૂદ્દીન અલી અહમદનું 11 ફેબ્રુઆરી 1977ના રોજ અવસાન થયું. રાષ્ટ્રપતિ પદની સાતમી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી. આ સમયે પાંચમી ગુજરાત વિધાનસભા-1975નો કાર્યકાળ ચાલુ હતો. રાષ્ટ્રપતિ પદની સાતમી ચૂંટણીનું મતદાન – 6 ઑગસ્ટ 1977ના રોજ નિર્ધારિત હતું. જો કે મતદાનની જરૂર પડી નહોતી. આ ચૂંટણી માટે પંચને કુલ સાડત્રીસ ઉમેદવારી પત્રો મળ્યા હતા. ચકાસણીના અંતે તેમાંથી છત્રીસ ઉમેદવારી પત્રો રદ થયા. આમ છેલ્લે એકમાત્ર ઉમેદવાર રહ્યા – નીલમ સંજીવ રેડ્ડી. આમ નીલમ સંજીવ રેડ્ડીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં અગાઉ પરાજિત થયા હોય અને આ સમયે બિનહરીફ વિજેતા થનાર તેઓ પહેલા અને 2022 સુધી એકમાત્ર ઉમેદવાર બની રહ્યા છે. આ સંજોગોમાં પાંચમી વિધાનસભાના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવાની તક મળી નહીં.
છઠ્ઠી વિધાનસભા-1980, રાષ્ટ્રપતિ પદની આઠમી ચૂંટણીનું મતદાન – 12 જુલાઈ 1982 (ગ્યાની ઝૈલ સિંહ / એચ. આર. ખન્ના ઉર્ફે હંસ રાજ ખન્ના, દિલ્લી હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત જસ્ટિસ, 1979માં માત્ર ત્રણ દિવસ માટે ભારતના કાયદો અને ન્યાય મંત્રી રહ્યા હતા.) સાતમી વિધાનસભા-1985, રાષ્ટ્રપતિ પદની નવમી ચૂંટણીનું મતદાન – 13 જુલાઈ 1987 (આર. વેંકટરામન / વી. કૃષ્ણ ઐયર ઉર્ફે વી. આર. કૃષ્ણ ઐયર – કેરાલા હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ અને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત જસ્ટિસ, મિથિલેશ કુમાર – માત્ર 2,223 મત મેળવ્યા.)
આઠમી વિધાનસભા-1990, રાષ્ટ્રપતિ પદની દસમી ચૂંટણીનું મતદાન – 13 જુલાઈ 1992 (ડૉ. શંકર દયાળ શર્મા / જી. જી. સ્વેલ ઉર્ફે જ્યોર્જ ગિલ્બર્ટ સ્વેલ – ચોથી અને પાંચમી લોકસભામાં નાયબ સ્પીકર રહ્યા, રામ જેઠમલાણી – માત્ર 2,704 મત મેળવ્યા. સર્વોચ્ચ અદાલતના દેશભરમાં જાણીતા વકીલ અને આ ચૂંટણી પરાજય પછી કેન્દ્ર સરકારમાં 1996 અને 1999માં એમ બે વાર કાયદો અને ન્યાય મંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રી થયા, એકથી વધુ મુદત માટે રાજ્યસભાના સભ્ય રહ્યા. કાકા જોગિન્દરસિંઘ ઉર્ફે ‘ધરતીપકડ’ – માત્ર 1,135 મત મેળવ્યા, દેશભરમાં એકથી વધુ લોકસભા, રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે જાણીતા.)
નવમી વિધાનસભા-1995, રાષ્ટ્રપતિ પદની અગિયારમી ચૂંટણીનું મતદાન – 14 જુલાઈ 1997 (કે. આર. નારાયણન / ટી. એન. શેષન – દસ લાખ મતમાંથી માત્ર 50,631 મત મેળવી શક્યા. પૂર્વ કેબિનેટ સેક્રેટરી અને 1990-1996 દરમિયાન ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર. આ ચૂંટણીથી ઉમેદવારી કરવાની સિક્યોરિટી ડિપૉઝિટની રકમ રૂપિયા 2,500થી વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી.)
દસમી વિધાનસભા-1998, રાષ્ટ્રપતિ પદની બારમી ચૂંટણીનું મતદાન – 15 જુલાઈ 2002 (ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ / લક્ષ્મી સહગલ – દસ લાખ મતમાંથી માત્ર એક લાખ મત મેળવી શક્યા. ત્રીજા મહિલા ઉમેદવાર ગણાયા.) અગિયારમી વિધાનસભા-2002, રાષ્ટ્રપતિ પદની તેરમી ચૂંટણીનું મતદાન – 19 જુલાઈ 2007 (પ્રતિભા દેવીસિંહ પાટીલ, આ હોદ્દા માટે ચોથા અને પહેલા સફળ મહિલા ઉમેદવાર ગણાયા / ભૈરોસિંહ શેખાવત, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને આ સમયે ઉપરાષ્ટ્રપતિ. પરાજિત થયા પછી તરત હોદ્દા પરથી રાજીનામું આપ્યું.)
બારમી વિધાનસભા-2007, રાષ્ટ્રપતિ પદની ચૌદમી ચૂંટણીનું મતદાન – 19 જુલાઈ 2012 (પ્રણબ મુખરજી / પૂર્ણો અગિટોક સંગમા ઉર્ફે પી. એ. સંગમા, પૂર્વે 1996-1997 દરમિયાન અગિયારમી લોકસભાના સ્પીકર રહ્યા.) તેરમી વિધાનસભા-2012, રાષ્ટ્રપતિ પદની પંદરમી ચૂંટણીનું મતદાન – 17 જુલાઈ 2017 (રામ નાથ કોવિંદ / મીરાં કુમાર, પંદરમી લોકસભાના 2009થી 2014 દરમિયાન સ્પીકર રહ્યા, આ હોદ્દા માટે પાંચમા મહિલા ઉમેદવાર ગણાયા.)
ચૌદમી વિધાનસભા-2017, રાષ્ટ્રપતિ પદની સોળમી ચૂંટણીનું મતદાન – 18 જુલાઈ 2022ના રોજ યોજાશે. (ઉમેદવારો – દ્રૌપદી મુર્મૂ અને યશવંત સિંહા) દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પૂર્વ ગવર્નર તેમજ આ હોદ્દા માટે છઠ્ઠા મહિલા ઉમેદવાર ગણાશે. યશવંત સિંહા પૂર્વ સનદી અધિકારી તેમજ પૂર્વ કેન્દ્રિય નાણાં મંત્રી અને વિદેશ મંત્રી. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અને તેનો ગુજરાત સાથેનો સંબંધ જોઇએ તો ખૂબ મર્યાદિત વિગતો મળે છે, લાગુ પડે છે. આ પદ માટે ગુજરાત રાજ્યની રચના થયા પછી કોઇએ આજ સુધી ઉમેદવારી કરી નથી. કોઈ એવું નામ પણ ચર્ચામાં આ સાઇઠ વર્ષ દરમિયાન આવ્યું નથી. આ વિગતમાં બે અપવાદ છે – 1967માં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચોથી ચૂંટણીમાં એક ગુજરાતી નામે મોતીલાલ ભીખાભાઈ પટેલે ઉમેદવારી કરી હતી પરંતુ તેમને ‘શૂન્ય’ મત મળ્યા હતા. 1969માં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની પાંચમી ચૂંટણીમાં એક ગુજરાતી નામે રમણલાલ પુરૂષોત્તમ વ્યાસે ઉમેદવારી કરી હતી પરંતુ તેમને પણ ‘શૂન્ય’ મત મળ્યા હતા. આમ તેઓ બન્નેની ઉમેદવારીની કોઈ કિંમત રહેતી નથી. બન્ને ઉમેદવારો વિશે બીજી કોઈ માહિતી પણ ઉપલબ્ધ નથી.
જો કે ગુજરાત સાથે નાતો ધરાવતા હોય એવા છ નામ આ ચૂંટણીઓમાંથી મળે છે. પહેલી ચૂંટણી-1952માં ઉમેદવારી કરનાર કે. ટી. શાહ ઉર્ફે ખુશાલ તલકશી શાહ ગુજરાતના કચ્છ પ્રદેશના હતા. પ્રોફેસર, અર્થશાસ્ત્રી અને એડવોકેટ હતા. ભારતની બંધારણસભાના સભ્ય લેખે તેઓ બિહારથી ચૂંટાઈ આવ્યા હતા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી કરીને પરાજિત થયા તેના બે મહિના પહેલા કે. ટી. શાહ માર્ચ 1952માં યોજાયેલી પહેલી લોકસભા ચૂંટણીમાં કચ્છ પશ્ચિમ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેખે માત્ર 17,213 મત મેળવીને ત્રણ ઉમેદવારોમાં બીજા ક્રમે પરાજિત થયા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાંચ ઉમેદવારોમાં બીજા ક્રમે 92,827 મત મેળવીને પરાજિત થયા હતા. કે. ટી. શાહ રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં વિજેતા થયા હોત તો શું થતું? તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ કહેવાતા એ તો ખરું જ. પરંતુ હોદ્દાની પાંચ વર્ષની મુદત પુરી ના કરી શક્યા હોત. કેમ કે ચૂંટણી પરાજયના એક વર્ષથી પણ ઓછા સમયમાં માર્ચ 1953માં તેઓ અવસાન પામ્યા.
આવું બીજું નામ છે કાકા જોગિન્દરસિંઘ ઉર્ફે ‘ધરતીપકડ’નું. આમ તો પંજાબના રહેવાસી હતા. દેશના રાષ્ટ્રપતિ પદના હોદ્દાથી લઈ જુદા – જુદા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ તેમજ લોકસભા ચૂંટણીઓમાં વખતોવખત ઉમેદવારી કરવા માટે જાણીતા હતા. આવી ડઝનબંધ ઉમેદવારીઓ કરી હતી અને દરેકમાં પરાજિત થતા હતા. જુલાઈ 1992માં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની દસમી ચૂંટણીમાં ઉમેદવાર હતા અને તેમને દેશભરના સંસદસભ્યો, ધારાસભ્યોના કુલ દસ લાખ ઉપરાંત મતમાંથી માત્ર 1,135 મત મળ્યા હતા. ગુજરાત સાથેનો તેમનો નાતો એટલો કે કાકા જોગિન્દરસિંઘ ઉર્ફે ‘ધરતીપકડ’ 1998માં યોજાયેલી બારમી લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેખે 758 મત મેળવીને ડિપૉઝિટ ગુમાવી પરાજિત થયા હતા.
ત્રીજું નામ છે ટી. એન. શેષન. રાષ્ટ્રપતિ પદની જુલાઈ 1997માં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવાર હતા. પૂર્વ કેબિનેટ સેક્રેટરી અને 1990-1996 દરમિયાન ભારતના દસમા મુખ્ય ચૂંટણી કમિશનર. ગુજરાત સાથેનો તેમનો નાતો એટલો કે ટી. એન. શેષન આ ચૂંટણી પરાજય પછી તેરમી લોકસભા ચૂંટણી-1999માં ગાંધીનગર લોકસભા બેઠક પર કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર લેખે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર લાલ કૃષ્ણ અડવાણી સામે પરાજિત થયા હતા.
ચોથું અને પાંચમું નામ રાષ્ટ્રપતિ પદની બારમી ચૂંટણીમાંથી મળે છે જે જુલાઈ 2002માં યોજાઈ હતી. આ ચૂંટણીના વિજેતા ઉમેદવાર ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ ઉમેદવારી સમયે ભારત સરકારના પહેલા વૈજ્ઞાનિક સલાહકાર હતા. ગુજરાતના સદગત ડૉ. વિક્રમ સારાભાઈ તેમની કારકિર્દીના માર્ગદર્શક રહ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર લક્ષ્મી સહગલ સગપણમાં ગુજરાતના શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની વિક્રમ સારાભાઈના મોટા બહેન હતા. લક્ષ્મી સહગલ તેમની યુવાનીમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા સ્થાપિત ‘આઝાદ હિંદ ફોજ’માં કેપ્ટનનો હોદ્દો ધરાવતા હતા એ ઉલ્લેખનીય છે. લક્ષ્મી સહગલની ઉમેદવારી સમયે મૃણાલિનીબહેન હયાત હતા.
છઠ્ઠું નામ છે પ્રણબ મુખરજીનું. રાષ્ટ્રપતિ પદની ચૌદમી ચૂંટણીમાં વિજેતા થઇને જુલાઈ 2012માં દેશના તેરમા રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર પ્રણબ મુખરજી 1981થી 1987 વચ્ચે રાજ્યસભાના સભ્ય લેખે કૉંગ્રેસ-આઈ પક્ષમાંથી ગુજરાતમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર પી. એ. સંગમા ઉર્ફે પૂર્ણો અગિટોક સંગમા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ટાગોર મેમોરીઅલ હોલમાં નાગરિક સભાને સંબોધી હતી. પ્રણબ મુખરજીએ મે 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા. પ્રણબ મુખરજી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીના ગાઢ મિત્ર હતા. તો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી હોદ્દાની ગરિમા, બારિકીઓ, કામકાજ, બંધારણીય જવાબદારીઓની પોતાને સારી રીતે સમજણ આપનાર વડીલ તરીકે પ્રણબ મુખરજીને પિતાતુલ્ય ગણાવ્યા હતા.
આ જ ટાગોર મેમોરીઅલ હોલમાં આપણા એક રાષ્ટ્રપતિનું નાગરિક સન્માન થયું હતું. પદ્મ પુરસ્કારો અને બીજા કેટલાક લશ્કરી, બિનલશ્કરી, સરકારી સન્માન એનાયત કરીને રાષ્ટ્રપતિ વિશિષ્ટ નાગરિકોનું સન્માન કરે છે. પણ રાષ્ટ્રપતિનું નાગરિક સન્માન કરવાનો મોકો અમદાવાદને મળ્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન 1988માં અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદ શહેરના મેયર જયેન્દ્ર ત્રિકમલાલ પંડિતે તેમનું નાગરિક સન્માન અમદાવાદના ટાગોર હોલમાં કર્યું હતું. રાષ્ટ્રપતિના નાગરિક સન્માનનો આમ પહેલો અને આજ સુધીનો છેલ્લો મોકો અમદાવાદને, હોદ્દાની રૂએ મેયર જયેન્દ્ર પંડિતને મળ્યો હતો એમ કહેવાય.
દરમિયાન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના બન્ને ઉમેદવારો, દ્રૌપદી મુર્મૂ અને યશવંત સિંહા વારાફરતી ગુજરાતની મુલાકાતે આવી ધારાસભ્યોની મુલાકાત કરવાના હતા પરંતુ દ્રોપદી મુર્મૂનો ગુજરાત પ્રવાસ હાલમાં જ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને હા, આજે ચારેકોર ડિજિટલ નાણાં વ્યવહારની બોલબાલા છે. ભારત સરકાર પણ એને પ્રોત્સાહન આપે છે. પણ રાષ્ટ્રપતિની ચૂંટણી ઉમેદવારીની સિક્યોરિટી ડિપૉઝિટ અંકે-શબ્દે રૂપિયા પંદર હજાર પુરા રોકડેથી જ રિટર્નિંગ ઑફિસર પાસે જમા કરાવવા પડે છે. વિકલ્પે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયામાં કે સરકારી તિજોરીમાં ઉમેદવારી પત્રના એક સેટ સાથે જમા કરાવી શકાય છે. ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ આપી શકાતો નથી. ભીમ પે, ગુગલ પે, ફોન પે કે એટીએમ-કમ-ડેબિટ કાર્ડથી નાણાં ચુકવવાના દિવસો હજી દૂર છે.
ભારતના પંદરમા અને સોળમા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સ્પર્ધાના બન્ને ઉમેદવારોને ‘નવજીવન’ પરિવારની શુભેચ્છાઓ.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796