Friday, December 1, 2023
HomeGujaratએંસી વર્ષ બાદ કોઈ પત્રકારને શાંતિ નોબલ પ્રાઈઝ મળ્યું, જાણો કેમ?...

એંસી વર્ષ બાદ કોઈ પત્રકારને શાંતિ નોબલ પ્રાઈઝ મળ્યું, જાણો કેમ?…

- Advertisement -

નોબલ કમિટિ દ્વારા આ વર્ષે પીસ પ્રાઇઝ બે પત્રકારોને એનાયત કરવામાં આવ્યા છે. એક પત્રકાર રશિયાના છે અને બીજાં ફિલિપીન્સનાં. સામાન્ય રીતે નોબલ દ્વારા શાંતિના પુરસ્કાર યુદ્ધ કે સંઘર્ષરત ક્ષેત્રમાં શાંતિ અર્થે કાર્યરત હોય તેઓને આપવામાં આવે છે. માનવ અધિકારની લડત આપનારાંઓને પણ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. પણ આ વખતે નોબલ કમિટિ પરંપરાથી હટકે પસંદગી કરી છે. આ અગાઉ પત્રકારને શાંતિ નોબલ પુરસ્કારથી નવાજવાની ઘટના 1935માં બની હતી. તે વખતે જર્મનીના પત્રકાર કાર્લ વોન ઓસીટ્ઝ્કીએ સેનાને લગતાં કટેલાંક ગુપ્ત બાબતોને લોકો સામે લાવી હતી. નોબલ કમિટિએ પત્રકારોને સન્માન કરતાં કહ્યું છે કે, લોકશાહી અને સ્થાયી શાંતિ માટે પૂર્વશરત અભિવ્યક્તિની આઝાદી છે. અને તે માટે રશિયાના દમિત્રી મુરાતાવો અને ફિલિપિન્સના મારીઆ રેસ્સાને શાંતિ પુરસ્તકાર એનાયત કરવામાં આવ્યું છે. નોબલ કમિટિના નિવેદનમાં આગળના શબ્દો છે : “વિશ્વભરમાં આજે લોકશાહી અને અખબારી સ્વાતંત્ર્યનો વિકટ સમય છે અને પત્રકારો તે માટે લડી રહ્યા છે તેમનું પ્રતિનિધિત્વ દમિત્રી મુરાતાવો અને મારીઆ રેસ્સા કરશે.”

Advertisement

- Advertisement -
અખબારી સ્વાતંત્ર્યના વિકટ સ્થિતિના પુરાવા રોજ આપણી સામે આવતાં રહે છે. બજારે અખબારો પર સિકંજો કસ્યો છે અને અખબારોનો સ્વતંત્ર્ય અવાજ તેમાં ગૂંગળાઈ રહ્યો છે. અખબારોનો સેવાધર્મનો ઉદ્દેશ ભૂલાઈને તેમાં પ્રોફીટની ગણતરી થવા માંડી છે અને આ કારણે મીડિયા હાઉસની સાંઠગાંઠ કોર્પોરેટ જગત, સરકાર સાથે થાય છે. પરિણામે લોકો સુધી સાચી માહિતી-ન્યૂઝ પહોંચતાં નથી કાં તો પછી જુઠ્ઠાણું પહોંચે છે. વિશ્વભરમાં આ ટ્રેન્ડ છે. આપણા દેશમાં પણ આ સાંઠગાંઠ ટોચ પર છે. હવે આ રીતે જુઠ્ઠાણાંથી ઊભી કરાયેલી શાસકોની ઇમારતોને ભેદવા અર્થે ગણ્યાગાંઠ્યા પત્રકારોના પ્રયાસો છે. ફિલિપિન્સમાં આ કામ મારીઆ રેસ્સાએ કર્યું છે અને રશિયામાં દમિત્રી મુરાતાવોએ. આ બંને દેશો પ્રેસ ફ્રિડમમાં પાછલાં ક્રમે આવે છે અને પત્રકારોને ધમકાવવા, જેલમાં ધકેલવા કે હત્યા કરી દેવી આ બંને દેશોમાં સામાન્ય બાબત છે. તેમ છતાં તેઓ સરકાર સામે બાથ ભીડી સત્ય લોકો સુધી પહોંચાડ્યું છે.

રશિયાના દમિત્રી મુરાતોવો પત્રકાર સાથે ટેલિવિઝનમાં પ્રેઝેન્ટર પણ છે અને તેઓ ‘નોવાયા ગઝેટા’ નામના અખબારના એડિટર-ઇન-ચિફ છે. 1993થી દમિત્રીએ અને તેમના સાથીઓએ આ અખબાર સ્થાપ્યું અને ત્યારથી તે રશિયાનું અવાજ બન્યું છે.રશિયાની કોઈ પણ માહિતીને પારદર્શી રીતે જોવાનો આધાર ‘નોવાયા ગઝેટા’ છે. લોકો સુધી પારદર્શી ન્યૂઝ પહોંચાડવા અત્યાર સુધી ‘નોવાયા ગઝેટા’ના છ પત્રકારોની હત્યા થઈ ચૂકી છે. અને એટલે જ નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે દમિત્રી મુરાતાવોની પ્રતિક્રિયાએ કહ્યું કે: “આ સન્માન મળવાનું કારણ હું નથી. તે નોવાયા ગઝેટાના કારણે છે. અને લોકોના અભિવ્યક્તના અધિકાર માટે જેઓ મૃત્યુ પામ્યા તેઓ છે.”

મુરાતાવો કહે છે કે તેઓ પોતાની તરફેણમાં પરિણામ લાવવા માટે સ્વતંત્ર પત્રકારોને તક પૂરી પાડતા રહ્યા છે. પત્રકારોને સરકાર તરફથી જ્યારે પણ દબાણ આવ્યું કે પછી ‘વિદેશી એજન્ટો’કહીને તેમની તપાસ થઈ તે બધાને તેમણે મીડિયામાં અવકાશ કરી આપ્યો. મુરાતાવોએ જે પત્રકારોની પીઠબળ બની રહ્યા તેમાંના એક અન્ના પોલીટ્કોવસ્કાયા હતા. અન્ના રશિયન પત્રકાર-લેખક હતાં. અન્નાની ઓળખ રશિયામાં થયેલાં બીજા ચેચન્યા યુદ્ધ દરમિયાન બની હતી. તેઓ સાત વર્ષ સુધી ચેચન્યાના યુદ્ધનું બેબાક રિપોર્ટિંગ કરતાં રહ્યાં અને તેમનું રિપોર્ટીંગ ‘નોવાયા ગઝેટા’માં પ્રકાશિત થયું. ‘પુતિન્સ રશિયા’ નામનું તેમનું પુસ્તક ખૂબ ચર્ચાસ્પદ બન્યું. આ પુસ્તકમાં તેમણે પુતિનની બધી પોલ ખોલી છે. હાલનું રશિયા કેવી રીતે પોલીસ સ્ટેટ અને માફિયા રાજમાં તબદીલ થઈ ચૂક્યું છે તેનો સિલસિલાવર ઘટનાઓ દર્જ છે.

- Advertisement -

Advertisement
અન્ના જ્યારે ચેચન્યાનું રિપોર્ટીંગ કરતાં હતાં ત્યારે તેમને અનેક વાર મોતની ધમકી મળી. એક વાર તો રશિયાના સૈન્યએ તેમની ધરપકડ કરી. અટકાયતમાં તેમને ઝેર આપવામાં આવ્યું તેમ છતાં તેમની કલમ ચાલતી રહી. પોતાનું સર્વસ્વ દાવ પર લાગી ગયું છતાં તેઓ અટક્યા નહોતાં. અંતે 2006માં 7 ઑક્ટોબરના રોજ તેમની હત્યા કરી દેવામાં આવી. અન્નાની હત્યા રશિયાની રાજધાની મોસ્કોમાં જ થઈ હતી. આ રીતે અંતે એક સાચા પત્રકારનો અંત આવ્યો. અન્નાનું મોટા ભાગનું પ્રકાશિત થયેલું કામ ‘નોવાયા ગઝેટ’માં સચવાયેલું છે. ‘નોવાયા ગઝેટ’ દ્વારા આ લડાઈ હજુ પણ ચાલુ છે અને તેની આગેવાની નોબલ શાંતિ પુરસ્કર્તા દમિત્રી મુરાતાવો કરી રહ્યા છે.

મુરાતોવોએ જેમ સરકારને વશ થયા વિના અખબાર ચલાવ્યું તે પ્રમાણે ફિલિપિન્સમાં મારીઆ રેસ્સાનું કાર્ય રહ્યું છે. તેઓ ‘રેપ્પલર’નામનું ઓનલાઈન ન્યૂઝ પ્લેટફોર્મ ચલાવે છે. પહેલાં આ પ્લેટફોર્મ માત્ર સોશિયલ મીડિયાનું એક પેજ માત્ર હતું, લોકોને તેમાં રસ પડવા માંડ્યો તે પછી તેને વેબસાઈટનું સ્વરૂપ આપવામાં આવ્યું. મારીઆનું મુખ્ય કાર્ય ફેક ન્યૂઝ સામે રહ્યું છે. ફેક ન્યૂઝ સામે તેમણે જંગ છેડી ત્યારે સૌપ્રથમ તેમના પર તહોમતનામું ઘડ્યું ફિલિપિન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડુટેર્ટેએ.

- Advertisement -

મારીઆનું ઇન્વેસ્ટિગેશનમાં સરકાર કોઈને કોઈ રીતે સંડોવાયેલી દેખાઈ અને જ્યાં કોઈ સરકાર વિરુદ્ધ બોલતું નહોતું ત્યાં મારીઆ રેસ્સાના રિપોર્ટ લોકોનો અવાજ બન્યાં. મારીઆનું મુખ્ય કાર્ય ફિલિપિન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ડુટેર્ટેની ડ્રગ્સ સામેની મુહિમ હતી. ફિલિપિન્સના ડ્રગ્સ વોર હિંસક અને વિવાદીત રહી છે. ડ્રગ્સ અંગે સરકાર જે પગલાં લેતી હતી અને તેની વાહવાહી સોશિયલ મીડિયા ખૂબ થતી. લોકો આ પૂરી કવાયતને જાણીસમજી શકતા નહોતા અને તે વેળાએ મારીઆના સોશિયલ મીડિયા પેજ પર તેની હકીકત બયાન થવા માંડી. જેમ-જેમ મારીઆ અને તેના સાથીઓની કલમ ચાલી તેમ ડ્રગ્સ સામેની પ્રેસિડન્ટની લડાઈ કેટલી પોલી છે તે લોકો સામે આવતું ગયું. આ રીતે પૂરા ડ્રગ્સ વોર સામે ચર્ચા છેડાઈ અને પ્રેસિડન્ટની કાર્યવાહીને ખુલ્લી પાડી શકાઈ. મારીઆએ પોતાનું કામ કર્યું પછી સરકારે પોતાનો પાવરનો ઉપયોગ કરીને ‘રેપ્પલર’ ન્યૂઝ પોર્ટલ પર તવાઈ આણી. ટેક્ષ ચોરીના આરોપ લાગ્યા. ‘રેપ્પલર’નું લાયસન્સ રદ થયું અને તેના પર આરોપ લાગ્યો કે તેમાં અમેરિકાનું રોકાણ છે. જોકે તે પછી ‘રેપ્પલર’ના મેનેજમેન્ટ એ સાબિત કરી આપ્યું કે તેમાં ફિલિપિન્સના જ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ બધું થયાં છતાં આજે પણ ‘રેપ્પલર’નું ઇન્વેસ્ટિગેશનનું કાર્ય જારી છે. મારીઆ કહે છે કે, અમારે સત્યના પડખે જ રહેવાનું છે અને ફિલિપિન્સના બંધારણ મુજબ જે સાચું છે તેને અનુસરવાનું છે. અમે તે કરતાં આવ્યા છે અને કરતાં રહીશું.

Advertisement
પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષમાં રશિયા અને ફિલિપિન્સના લગોલગ જ આપણા દેશનું સ્થાન છે. આ સ્થાનથી આપણા દેશની સ્થિતિનો અંદાજો લગાવી શકાય. પ્રેસ ફ્રિડ ઇન્ડેક્ષની યાદી ‘રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ’ દ્વારા તૈયાર થાય છે. ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર’ નામની આ સંસ્થા વિશ્વભરમાં પ્રેસ ફ્રિડમ અમલમાં આવે તે માટે પ્રયત્નશીલ છે. આ સંસ્થાએ નિર્ધારીત કરેલાં માપદંડોના આધારે ભારતનો ક્રમ 142મો આપ્યો છે. 2016માં આ ક્રમ 133 હતો અને હવે તેમાં ભારત પાછળ જઈ રહ્યું છે. ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર’એ તેના નિવેદનમાં કહ્યું છે કે ભારત પત્રકારના કામ માટે અતિ જોખમી દેશોમાં સ્થાન ધરાવે છે. અહીંયા પત્રકારોને પોલીસથી, પોલીટીકલ પાવરથી અને ગુડાતત્ત્વોનું જોખમ છે. જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ સહિત અનેક મુદ્દા એવાં છે જે વિશે નારાજગી દર્શાવીને ભારતનો ક્રમ નીચે કર્યો છે. જોકે તેમ છતાં દમિત્રી મુરાતાવો અને મારિયા રેસ્સા જેવું પત્રકારત્વ ભારતમાં થાય તેનો અવકાશેય હજુ પણ છે.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

AdvertisementFollow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular