કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):“ધર્મ શબ્દનું મૂળ ધારણ કરનારું બળ, એવું મહાભારતનું વાક્ય છે. ધર્મનું મુખ્ય કામ લોકોને એક રાખવાનુ છે. તેમાં ‘મૂળ’ શબ્દ પ્રજા છે. એકવચન નથી. ‘ધર્મ ધારયતે પ્રજા:’ એટલે મુસલમાનોને પણ તેણે ધારણ કરી રાખવા જોઈએ. હિંદુ, ખ્રિસ્તી અને આગળ લઈ જઈએ તો બધા જીવોને એણે જીવન જીવવાનો પાયો આપવો જોઈએ. પ્રતિકૂળતા વખતે તેણે તેની ઢાલ થવું જોઈએ. આ ધર્મનું લક્ષણ છે. અને વર્તમાન જમાના સુધી વિવિધ ધર્મોએ એક યા બીજી રીતે આ કામગીરી કંઈક બજાવી પણ છે. રાજ્ય જ્યારે બળવાન નહોતું અને કોઈ એક સત્તા બધાને – ઉન્મત્તો કે અજ્ઞાનીઓને અંકુશમાં રાખનારી હતી જ નહીં તે કાળથી આ વર્તમાન સમય સુધી ધર્મે સૌથી મહત્ત્વની જવાબદારી આ બજાવી છે, તે એ છે કે માણસો પોતે પોતાના પર અંકુશ કેમ રાખી શકે.”

ધર્મકાર્યને આ રીતે મૂકનારાં ‘દર્શક’ છે. ‘દર્શક’ એટલે મનુભાઈ પંચોળી (Manubhai Pancholi) જેમનું જાહેરજીવન, સાહિત્ય અને કેળવણીક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના વિપુલ સાહિત્યમાં ‘સ્વરાજધર્મ’ નામનું પુસ્તક અત્યારે લોકશાહીના પર્વ સમયે ખાસ વાંચવા જેવું છે. આ પુસ્તક ટૂંક સમયમાં નવજીવન દ્વારા પ્રકાશિત થશે. પુસ્તકના તમામ વિગતની તો અહીં ચર્ચા નહીં થઈ શકે, પરંતુ વર્તમાનનાં કેટલાંક મુદ્દા પ્રસ્તુત હોય તેનાં પર નજર કરવાનો અહીં પ્રયાસ કર્યો છે.

દર્શક ઇતિહાસના આધાર સાથે વાત કરે છે અને પુસ્તકમાં ‘બે પત્રો’ નામના લેખમાં ‘દર્શક’ એક પત્ર બાબતે પ્રત્યુત્તર આપતા લખે છે : “અયોધ્યામાં રામ એ જ જગ્યાએ જન્મ્યા તેમ કહી ઝઘડો કરવો તે અવૈજ્ઞાનિક છે. લોકો સેંકડો કે હજારો વર્ષથી માને છે તેવી દલીલને વજન ન અપાય. બહુ તો તે જગ્યા વિવાદાસ્પદ છે તેમ કહી શકાય. પ્રાચીન શ્રદ્ધાની દલીલ પણ કામ આપે તેવી નથી. શ્રદ્ધા તો મુસલમાનોને પણ છે અને હોય. એનો ઉપાય બંને પંથો કાં તો સમજે, અને કાં તો અદાલતી ચુકાદો સ્વીકારે તે જ છે.” આખરે આ પૂરા વિવાદનો અંત સુપ્રિમ કોર્ટના ચુકાદાથી આવ્યો અને હવે એ જગ્યાએ રામ મંદિર પણ બની ગયું છે. પરંતુ, આ લેખમાં તેમણે ભાજપ પક્ષને અનુલક્ષીને બે વાત ટાંકી છે. એક – એ કે, બિનલોકશાહી રીતરસમ ન જ અપનાવાય, તે આત્મઘાતી છે અને બીજું – કે, આ દેશમાં હિંદુ રાજ્ય ન હો. તે તો બધા નાગરિકોની લોકશાહી જ હોય. કોઈ પણ ધર્મનું રાજ્ય ન હોય. ધર્મનું હવેનું કામ તેના પાળનાર અને ઈશ્વર વચ્ચેનો સંબંધ છે. બીજા કામો તો લોકશાહી રાજ્ય કરે છે અને કરશે.”
આગળ તેઓ ધર્મ સંબંધિત અન્ય બાબત પણ સ્પષ્ટ કરી આપે છે : “આ દેશમાં હિંદુરાજ્યની વાત અયોગ્ય અને લોકશાહીથી વિરુદ્ધની છે. લોકશાહી રાજ્યવ્યવસ્થા કોઈ ધર્મ-સંપ્રદાય આધારિત નથી. તે મતદારોથી આધારીત છે. મતદારો વિવિધ ધર્મ કે સંપ્રદાયના હોય પણ તેમને ધર્મને કારણે મતાધિકાર અપાયો નથી. તેમણે દેશનું બંધારણ સ્વીકાર્યું છે તે માટે મત મળ્યો છે. એવી કોઈ પણ લોકશાહી અમુક ધર્મની ન હોઈ શકે. મતદારની છેવટની વફાદારી ધર્મની ન હોઈ શકે.”
આપણા દેશમાં અત્યારે જે રીતે ધર્મ સર્વત્ર હાવી થઈ રહ્યો છે અને તેની અસમંજસમાં સ્પષ્ટતા મેળવવા દર્શકે અનેક પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર આપ્યા છે. જેમ કે, થોડા સમય પહેલાં ‘પ્યોર બ્લડ’ વાત આવી હતી. પરંતુ આ વાતને દર્શક મૂળથી ખારીજ કરે છે. તેઓને પૂછાયેલા એક પ્રશ્નના સંદર્ભમાં તેઓ કહે છે : “વ્યાસમાં માછીમારનું લોહી હતું. તે જ લોહી કૌરવો-પાંડવોમાં આવ્યું. વાલ્મીકિ શુદ્ધ આર્ય નહોતા. પાંડવો પણ શુદ્ધ આર્યો નહોતા. ગાંધીજીની હત્યા કરનાર ગોડસેમાં કોનું લોહી હતું? તે બ્રાહ્મણ હતો. વસ્તુતઃ લોહીની શુદ્ધતા કે લોહીની શ્રેષ્ઠતાની વાત મિથ્યા છે. આપણા સહુના ચહેરા-હાડકાંની લંબાઈ-કદ-રંગ એક ક્ષણ થોભીને જોઈએ તો આપણામાં આર્ય સિવાયનાં ઘણાં લોહી છે. આર્યો ઊંચા-પોપટની ચાંચ જેવા નાકવાળા, ગૌરવર્ણા હતા તેવો મત છે, આપણામાં એવા કેટલાં છે? કદાચ ખાન અબ્દુલ ગફારખાનના પઠાણોમાં એ હશે, પણ તેઓ તો મુસલમાન બન્યા – પહેલાં એ બધા બૌદ્ધો હતા તેમ ઇતિહાસ કહે છે – એ અર્થમાં ધર્મ અને લોહી પણ એક વસ્તુ નથી. લોહી સાથે સંસ્કારિતા આવે છે તે ભ્રમ છે. દુઃશાસન અને અર્જુનમાં એક જ લોહી હતું. પણ બંનેની સંસ્કારિતા કેટલી વિપરીત હતી.”
હાલમાં જે રૂપાલા હટાવોનું ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે, તે સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં રાજકીય આગેવાનો સામે કાળા વાવટાં ફરકાવવા નહીં તેવો ઉલ્લેખ કર્યો છે. એટલે કે લોકશાહી ઢબે વિરોધ કરવાનો વિકલ્પ લોકો પાસેથી છીનવી લેવા માટે સરકારે જાણે કારસો ઘડી કાઢ્યો છે. આ અંગે દર્શક કહે છે કે, “લોકશાહીનાં ગુણગાન ઘણા ગાય છે. પણ જાણીને કે અજાણતાં આ દેશમાં એ જ લોકશાહીના પાયા ઊખડી જાય તેવાં પગલાં ભરે છે. લોકશાહીનો પહેલો પાયો ‘કદાચ ખોટું હોઉં’ એવી નમ્રતા છે. કહીએ તો જ્ઞાન છે. મને જે સત્ય લાગે છે તે મારી ભૂમિકાએથી ઠીક હોય, પણ બીજાને પોતાની ભૂમિકાએથી ઠીક ન લાગે એટલે જેને જે કહેવાનું મન હોય, તે માણસ મુક્ત રીતે કહી શકે તેવી નિર્ભયતા જોઈએ. જો ઉપલો સિદ્ધાંત સાચો હોય તો પોતાનો વિચાર બીજાને રૂંધ્યા વિના પ્રગટ કરવાનું મુક્ત વાતાવરણ હોય. આમ ખુલ્લા મને પોતપોતાનું દૃષ્ટિબિંદુ વિરોધનું પણ સૌ રજૂ કે તો પૂર્વગ્રહો તૂટે, હું જ સાચો છું તને શું ખબર પડે સાચું બોલ્યો તો પાણાવાળી થશે. બોલ્યો છે તો તારી ખેર નથી. આ વાણી લોકશાહીમાં ન જ હોય. કદાચ તમે સાચા હો તો ચાલો તમને સાંભળીએ, પછી મને પણ સાંભળો.” આગળ તેઓ અત્યારની આ સ્થિતિ વિશે નોંધતાં કહે છે : “મતભેદોનો ઉકેલ દ્વન્દ્વથી લાવવાનું મધ્ય યુગમાં થતું. વર્તમાન હવામાં ઝઘડાઓ, ટોળાશાહી ચગાવવાનું વલણ ચાલ્યું છે. પણ એ લોકશાહી નથી. લોકશાહીમાં બન્ને બાજુને સાંભળી જે ચુકાદો મળે તે માથે ચડાવવવામાં આવે છે. અને ચુકાદો આવતાં સુધી ટોળાશાહીને કાયદાના અવેજી તરીકે વાપરવામાં નથી.”
સમાજમાં થતાં વિભાજન અંગે તેઓ ‘એક આત્મઘાતી કોયડો’ નામના લેખમાં જણાવે છે : “અહીં તો જ્ઞાતિ, પેટા જ્ઞાતિનાં સંગઠનો થયા છે. અરે, હવે તો બ્રાહ્મણો પોતાનું સંગઠન પોતાના રક્ષણ માટે કરે છે, તેઓ પણ અનામત ગણાવી શકે. અમે બહુ થોડા ત્રણ ટકા જ છીએ. અમારું બહુમતિ સાંભળતી નથી. અમને કચડી નાખશે તેમ કહી શકે. આ દેશ છેક વૈદિક કાળથી નાના વર્તુળમાંથી વિશાળ વર્તુળ બનતો આવ્યો છે. જાતિ, રંગ કે પ્રદેશનું મિલન કરવાનું કાર્ય કરનારાં અહીં પાક્યા છે. વિશ્વામિત્ર તેના આદિપુરુષ, તેમણે અહીંના અનાર્ય આદિવાસીઓનો પક્ષ લીધો અને લોહીની સંકુચિત શ્રેષ્ઠતાને બદલે સંસ્કારની શ્રેષ્ઠતાને સ્વીકારી. પછી બુદ્ધ-મહાવીર શ્યામવર્ણા મૂળ રહેવાસીઓને ગુણ, તપસ્યા અને જ્ઞાનના દરવાજા ખુલ્લા મૂકી, આખા ઉત્તર ભારતને વિશાળ પરિવારની દિશાએ દોર્યો. મુસલમાનો આવતાં આ પ્રક્રિયા મંદ પડી, પણ ફરી રાજા રામમોહનરાય સમયે એ ચાલી અને કોંગ્રેસે પોતાની કામગીરી સહુ કોઈને માટે અને સહુ કોઈ દ્વારા જ કરી. આપણે બધા રાષ્ટ્રીય, આપણે બધા એક તેવું પ્રતિપાદન કરી લોકોને કેળવ્યા. ટૂકાં વાડાની દીવાલો તોડી.”
મૂળે તેઓ ધર્મના તમામ વાડાંમાંથી પ્રજાની મુક્તિ ઇચ્છે છે અને તેથી તેઓ ધર્મના મૂળ કામ વિશે લખે છે : “રાજનીતિ એ ચાલુ ધર્મ કે ધર્મોથી સ્વતંત્ર્ય છે કારણ કે ગમે તે ધર્મસંપ્રદાય આખરે પોતાના અનુયાયીઓ કે ભક્તો માટે છે. તેનાથી ભેદભાવ થઈ શકતો નથી. જ યારે રાજ્યે બંધારણ સ્વીકારનાર સૌનું સમાનભાવે પ્રજા સૂચવે તે કશાય ભેદભાવ વિના કરવાને તેણે કર્તવ્ય સ્વીકાર્યું છે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796