Friday, November 8, 2024
HomeGujaratઆ ઉંમરે રીક્ષા ચલાવી આ બહેન કરે છે એવું ઉમદા કાર્ય કે...

આ ઉંમરે રીક્ષા ચલાવી આ બહેન કરે છે એવું ઉમદા કાર્ય કે તમે પણકહેશો..

- Advertisement -

આપણે એ સમયમાં રહીએ છીએ કે જ્યાં મહિલાઓ સ્વતંત્ર રીતે જમ્બો જેટ બોઇંગ ફ્લાઈટ પણ ઉડાડે છે. એવા સમયમાં કોઈ મહિલા ઓટો રિક્ષા ચલાવતી હોય તો આપણને આશ્ચર્ય ન થાય.પરંતુ સામે પક્ષે એક એવો પણ માહોલ છે કે જ્યાં મહિલાઓ નોકરીનો વિચાર તો દૂર પણ ઉંબરા બહાર પગ પણ નથી મૂકી શકતી અને સતત લદાયેલા પ્રતિબંધોમાં જીવ્યા કરે છે. ત્યારે એક મહિલા પોતાનો સ્વતંત્ર વ્યવસાય પસંદ કરી આત્મનિર્ભર બનવા ઓટો રિક્ષા ચલાવે ત્યારે આપણને થોડું આશ્ચર્ય થાય અને આ રિક્ષા કોઈ મહિલા અડસઠ વર્ષની ઉંમરે ચલાવતી હોય ત્યારે આ આશ્ચર્ય અનેકગણું વધી જાય.  આ આશ્ચર્ય એટલે અમદાવાદના લલિતાબેન.

અમદાવાદના જૂના વિસ્તારની એક ચાલીમાં રહેતા લલિતાબેન ચાર વર્ષથી પેસેન્જર રિક્ષા ચલાવે છે. એ પહેલા તેઓ લોડીંગ ટેમ્પો ચલાવતા અને માલસામાન આસપાસના શહેરો અને ગામોમાં પહોચાડવાનું કામ કરતા. આમ તો બાળપણથી તેમને ડ્રાઈવિંગનો શોખ લાગ્યો. ભાઈ પાસે રિક્ષા હતી તો એમની નજર ચૂકવી રિક્ષા ચલાવવા લઈ જાય. ધીમે ધીમે ડ્રાઈવીંગ પર હાથ બેસી ગયો. વેલણ પકડતા હાથ સ્થિર સ્ટીયરીંગ પકડતા થયા.

- Advertisement -

આજે અડસઠ વર્ષે લલિતાબેન રિક્ષાના આધારે આનંદપૂર્વક જીવન નિર્વાહ કરી રહ્યા છે. ‘જાત મહેનત ઝીંદાબાદ’ એ સૂત્રને જીવનમંત્ર બનાવીને સ્વાવલંબન સ્વીકારનાર લલિતાબેન કોલેજ સુધી ભણેલા ત્રણ દીકરાઓ પાસે કે પોતાના ભાઈઓ પાસે હાથ લાંબો કરવામાં નાલેશી અનુભવે છે. ઉલટાનું બીજાની જરૂર પૂરી કરવાની એમની હોંશ ક્યારેય ઓછી થઇ નથી. દીકરાઓની મદદ હોય, ભાઈઓ પાસે રહેતા એમના વૃદ્ધ બા હોય કે ભાઈઓને કઈ આર્થિક જરૂરિયાત હોય; લલિતાબેનનો હાથ આપવા માટે લંબાયેલો જ હોય. માત્ર પરિવારજનો કે પડોશીઓ જ નહિ, જરૂરીયાતમંદ કોઈપણ વ્યક્તિની મદદ કરવા તેઓ તત્પર રહે છે. કોરોનાકાળના પ્રથમ લોકડાઉનમાં ફસાયેલા અનેક લોકોને એમના વતન સુધી પહોચાડવા એમણે સેંકડો કિલોમીટર રિક્ષા ચલાવી છે. ગરીબ શ્રમજીવીઓ પાસે પૈસા ન હોય તો પણ એક પણ પૈસો ભાડું લીધા વિના એમણે સેવાભાવ સાચવી રાખ્યો. જરૂરિયાતમંદને મફતરિક્ષા સવારી ઉપરાંત ખાવા પીવાની વસ્તુઓ વહેચવી, પશુ-પંખીઓને પણ પોષણ આપવું એ સદવૃત્તિ એમની સહજ પ્રવૃત્તિ થઇ ગઈ છે. આજે એમની ચાલીના સેંકડો કાગડાઓ એમના ચણની રાહ જુએ છે અને કુતરાઓ એમના બિસ્કીટની રાહમાં હોય છે.

ખુમારી, સહકાર ઉપરાંત એમનો એક પ્રેરક ગુણ હોય તો એ છે એમની નિર્ભીકતા. સાચા વ્યક્તિએ કોઇથી ડરવાની જરૂર નથી એવું દ્રઢપણે માનતા લલિતાબેનને ન તો જીવનની અનેક કટોકટી ડરાવી શકી કે ન તો કોરોના જેવો કપરો સમય પણ એમની કર્મશીલતાને ચલિત કરી શક્યો.

સ્ત્રીઓ હવે ખરે જ જીવન નિર્વાહ માટે પુરુષ સમોવડી બની છે બધા જ ક્ષેત્રમાં કામ કરી જ રહી છે.પોતાની ફરજો નિભાવવામાં પણ ક્યાંય ઓછી ઉતરી નથી.મહિલાઓની રોજગારી માટે દેશના વિવિધ શહેરોની જેમ અમદાવાદમાં પણ પિંક ઓટો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો.તેમાં ઘણી મહિલાઓએ ઓટો ડ્રાઈવર તરીકે કામ શરુ કર્યું અને તેમની આજીવિકા શરુ થઈ.આ પ્રોજેક્ટ જયારે શરુ થયો ત્યારે આ મહિલાઓને ઓટો ડ્રાઈવિંગ શીખવાડવા માટે આ અડસઠ વર્ષના લલિતાબેનની ટ્રેનર તરીકે નિમણુક થયેલી.તેમણે મહિલાઓને આ માટેનું સચોટ માર્ગદર્શન આપી,યોગ્ય ટ્રેનીંગ આપી અને તેમનો અનુભવ અન્ય બહેનો સુધી પહોચાડ્યો અને તેમને પણ પોતાની જેમ પગભર બનાવી.તેમણે મહિલાઓને માત્ર ઓટો ચલાવતા જ નથી શીખવ્યું પણ જીવન ખુમારીથી ચલાવતા પણ શીખવ્યું છે.

- Advertisement -

લલિતાબેન એક જીવંત ઉદાહરણ છે દ્રઢતા, સમતા અને સહૃદયતાનું. સંઘર્ષ કરીને પણ સ્વાવલંબી બનવાની શીખ આપનાર ગાંધીના આશ્રમના શહેરમાં એક વૃદ્ધાવસ્થાને ઉંબરે ઉભેલી મહિલા એમના આ સદગુણોને ચરિતાર્થ કરે એનાથી વધુ ઉચિત અંજલી બીજી કઈ હોઈ શકે?.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular