Saturday, June 3, 2023
HomeNationalદિલ્હીના રસ્તાઓ પર મોડી રાત સુધી હંગામો, ડોક્ટર-પોલીસ વચ્ચે ઘર્ષણ

દિલ્હીના રસ્તાઓ પર મોડી રાત સુધી હંગામો, ડોક્ટર-પોલીસ વચ્ચે ઘર્ષણ

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: NEET-PG 2021 કાઉન્સેલિંગમાં વિલંબને લઈને દિલ્હીમાં મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર્સએ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન રસ્તાઓ પર પોલીસ અને ડોક્ટર્સ વચ્ચે ઘર્ષણ થયું હતુ. બંને પક્ષોનો દાવો છે કે તેમની બાજુના ઘણા લોકો ઘાયલ થયા છે. તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવતા રેસિડેન્ટ ડોક્ટર્સએ સોમવારે પ્રતીકાત્મક રીતે ‘તેમના લેબ કોટ્સ પરત કર્યા’ અને રસ્તા પર આંદોલન શરુ કર્યુ હતુ.

ડોક્ટર્સનું આંદોલન શરુ થતા કેન્દ્રીય સંચાલિત ત્રણ હોસ્પિટલો – સફદરજંગ, આરએમએલ અને લેડી હાર્ડિંજ હોસ્પિટલો તેમજ દિલ્હી સરકારની કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને અસર થઈ છે.

- Advertisement -

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યું છે. એસોસિએશનના પ્રમુખ મનીષે દાવો કર્યો હતો કે સોમવારે મોટી સંખ્યામાં હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સએ વિરોધમાં પ્રતીકાત્મક રીતે તેમના એપ્રોન (લેબ કોટ) પરત કર્યા હતા.



તેમણે કહ્યું, “અમે મૌલાના આઝાદ મેડિકલ કોલેજ (MAMC) કેમ્પસથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તે શરૂ કર્યું કે તરત જ સુરક્ષાકર્મીઓએ અમને આગળ વધતા અટકાવ્યા.” મનીષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા કેટલાય ડોક્ટર્સની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. થોડા સમય પછી તેને મુક્ત કરવામાં આવ્યા હતા. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે બળપ્રયોગ કર્યો જેમાં કેટલાક ડોક્ટર્સ ઘાયલ થયા.

એસોસિએશને તેના ટ્વિટર હેન્ડલ પર પોલીસ કર્મચારીઓ અને વિરોધીઓ વચ્ચે ઝપાઝપીની તસવીરો પોસ્ટ કરી છે. જોકે, પોલીસે લાઠીચાર્જ અથવા અપશબ્દોનો ઉપયોગ કરવાના આરોપને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે 12 દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે દેખાવકારોએ છથી આઠ કલાક સુધી આઈટીઓ રોડ બ્લોક કર્યો હતો. તેમને બહાર જવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી.



ફોર્ડા દ્વારા કરાયેલા નિવેદન અનુસાર, મેડિકલ પ્રોફેશનના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ‘રેસિડેન્ટ ડોક્ટર્સ કોરોના વોરિયર્સ NEET PG કાઉન્સેલિંગ 2021ની પ્રક્રિયાને ઝડપી બનાવવાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી અને પોલીસે તેમની અટકાયત કરી. આજથી તમામ મેડિકલ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ રહેશે.

ત્યાર બાદ એક સત્તાવાર નિવેદનમાં, મધ્ય દિલ્હીના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિત મીણાએ સોમવારે જણાવ્યું હતું કે “પરવાનગી વિના, રેસિડેન્ટ ડોક્ટર્સના એક જૂથે BSZ રોડ (ITO થી દિલ્હી ગેટ સુધીનો મુખ્ય માર્ગ)છ કલાક સુઘી બ્લોક કરી દીધો હતો. જેથી લાંબા સમય સુધી ટ્રાફીક જામ રહ્યુ હતું.

નિવેદનમાં તેમણે દાવો કર્યો, “તેઓએ જાણીજોઈને મુખ્ય માર્ગ પર હંગામો કર્યો અને બંને લેનને ચકાજામ કર્યો. જેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થઈ.”
નિવેદન અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોગ્ય વિભાગના મહાનિર્દેશકે તેમની સાથે વાત કરી અને તેમની માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું. તેઓએ દાવો કર્યો હતો કે તેમને સમજાવવા છતાં તેઓ આક્રમક બની ગયા હતા અને રસ્તો રોક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ અને ડોક્ટર્સ વચ્ચેની અથડામણમાં સાત પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને પોલીસ બસની બારીઓ તૂટી ગઈ હતી.



પોલીસે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે સરોજિની નગર પોલીસ સ્ટેશનની સામે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર્સ એકઠા થયા હતા. પરંતુ કોઈને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular