નવજીવન ન્યૂઝ. રાજકોટઃ દિલ્હી અને પંજાબના CM ગઈકાલથી સૌરાષ્ટ્ર – કચ્છના પ્રવાસે છે. ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દાવો કર્યો હતો કે ઈન્ટેલિજન્સ બ્યૂરોના અહેવાલો સૂચવે છે કે જો આજે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે હરીફાઈ થશે.
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના CM કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માનએ રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમા તેમણે કહ્યું કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈબીનો રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટ નહીં આવે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. લોકો પરિવર્તન અને બદલાવ માટે વોટ આપશે. કોંગ્રેસ અને ભાજપ બંને એક જ છે.
AAP નેતાએ કહ્યું કે જ્યારથી આ IB રિપોર્ટ આવ્યો છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ હાથ મિલાવ્યા છે અને ગુપ્ત બેઠકો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ખાસ કરીને ભાજપ આ અહેવાલથી ગભરાઈ ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે ભગવા પાર્ટી કોંગ્રેસને મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે જેથી કરીને ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય.