કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ‘બ્રોડકાસ્ટિંગ સર્વિસ-2023’ના બિલના મુસદ્દાને ગત મહિને જાહેરમાં સૂચનો અર્થે મૂક્યો છે. થોડા સમયમાં આ બિલ કાયદો બનશે અને એ રીતે વર્તમાન ઓટીટી(ઓવર ધ ટોપ) અને ડિજિટલ મીડિયામાં કેટલાંક નિયમો લાગુ થશે. સૌપ્રથમ તો આ બિલ વિશે માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું છે કે, “ભવિષ્યનો ખ્યાલ રાખતા તમામ જૂના કાયદા, નિયમો અને નિર્દેશોને એક કાયદા હેઠળ લેવાશે; જેથી બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં થઈ રહેલાં બદલાવ અંગે નિયમોનું એક માળખું બને. આ કાયદા હેઠળ બ્રોડકાસ્ટિંગ દુનિયામાં આવી રહેલા તમામ બદલાવને સમાવિષ્ટ કરી લેવામાં આવશે. આ બિલ મુખ્યત્વે ‘કેબલ ટેલિવિઝન નેટવર્ક એક્ટ-1995’ને તબદીલ કરશે.” બિલમાં ડિજિટલ પ્લેટફોર્મના તમામ પાસાંઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. સરકાર તરફથી બિલ વિશેની આ માહિતી છે, પરંતુ આ બિલને મીડિયા અને અન્ય નિષ્ણાતો કેવી રીતે જુએ છે તે ખાસ સમજવાનું રહે. કેટલાંક કાયદાવિદોનું માનવું છે કે આ રીતે સરકાર ડિજિટલ દુનિયા પર તરાપ લાવવા માગે છે; પણ ખરેખર સરકારનો ઉદ્દેશ્ય શું છે અને તેના પરિણામ શું આવી શકે છે તે જાણીએ…
ઇન્ટરનેટ યુગ પછી આવેલા સૌના હાથમાં આવેલા સ્માર્ટફોને ડિજિટલ દુનિયા બદલી કાઢી છે. અને હજુ પણ તેમાં ભવિષ્યમાં ઝડપથી બદલાવ આવવાની શક્યતા છે. હાલની સ્થિતિ અને ભવિષ્યની શક્યતા જોઈને સરકાર ‘બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ-2023’ લાવી રહી છે. આ બિલમાં યુટ્યૂબનું બધુ જ કન્ટેન્ટ સમાવિષ્ટ થશે. અત્યારે સૌથી વધુ જેના પર કન્ટેન્ટ જોવાય છે તે યુટ્યૂબ છે. અને આનાથી ખૂબ મોટી રેવન્યૂ પણ જનરેટ થઈ રહી છે. ‘ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ’ દ્વારા ‘ભારતમાં યૂટ્યુબ-2022’નો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ વાંચીએ તો ખ્યાલ આવે દેશમાં કંઈ હદે યૂટ્યુબનું કન્ટેન્ટ પ્રસરી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ રિપોર્ટમાં 2022માં દેશની ‘ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ’માં તેનો હિસ્સો 16,000 કરોડ રૂપિયાથી પણ વધુ દર્શાવાયો છે. આ ઉપરાંત, તેમાંથી સાડા સાત લોકોથી પણ વધુ ફૂલટાઇમ જોબ મેળવે છે. આ રિપોર્ટમાં જે દાવા થયા છે, તે પરથી ખ્યાલ આવે કે આપણા જીવન સાથે યૂટ્યુબ કેટલું અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે, તેના મુખ્ય ઉપયોગ છે : માર્કેટિંગ પ્લેટફોર્મ, ફ્રી સોર્સ ઇન્ફોર્મેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. તે સિવાય દરેક નાગરીકને તે આજે જાગ્રત કરી રહ્યું છે, નાગરીકો નવી નવી વસ્તુઓ શીખે અને દેશની અવનવી બાબતોને વિશ્વ સુધી પહોંચડવાની ભૂમિકામાં પણ યૂટ્યુબ રહ્યું છે. આટલું જ નહીં આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે યૂટ્યુબ દ્વારા દેશના સૌથી મોટાં મીડિયા ગ્રૂપ ‘આજ તક’એ પણ બખૂબી ઉપયોગ કર્યો છે. ‘આજ તક’ 2009થી યૂટ્યુબ પર પોતાનું કન્ટેન્ટ મૂકે છે અને એ રીતે તેમની અત્યારે સબસ્ક્રાઈબરની સંખ્યા પાંચ કરોડ સુધી પહોંચી છે. આવી અસંખ્ય બાબત છે જેના કારણે યૂટ્યુબ સરકારના રડારમાં છે. બીજું કે યૂટ્યુબની જેમ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કોઈને કોઈ અંકુશ આ બિલ દ્વારા આવશે, પરંતુ અત્યારે જ્યાં સૌથી વધુ ટ્રાફિક આવી રહ્યો છે તે યુટ્યૂબ છે.
યૂટ્યુબના રિપોર્ટની અહીં ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય એટલો જ કે ડિજિટલ દુનિયાની તાકાત અમાપ રીતે વધી રહી છે અને તેમાં ન્યૂઝ કન્ટેન્ટ મૂકનારા આવી રહ્યાં છે. સરકાર તેમને કોઈ પણ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે એમ નથી. આ પહેલા ન્યૂઝ મીડિયામાં મુખ્યત્વે અખબાર અને તે પછી ન્યૂઝ ટેલિવિઝન આવ્યાં. અખબારી ક્ષેત્રમાં આજે કોઈને પણ પ્રવેશવું હોય તો તેમાં જંગી મૂડીરોકાણ જોઈએ. ઉપરાંત, તેમાં નેટવર્ક અને વર્ષો સુધી તેમાં રોકાણ કર્યા પછી કોઈ પરિણામ આવી શકે છે. એકવીસમી સદીની શરૂઆતમાં ન્યૂઝ ટેલિવિઝન આવ્યા, તેમાં પણ સેટેલાઈટ રાઇટ અને મસમોટા સ્ટાફ સાથે જ ન્યૂઝ ટેલિવિઝન ચલાવી શકાય છે, એટલે જંગી રોકાણ તેમાં પણ જોઈએ. હવે યૂટ્યુબનું જે મોડલ આવ્યું છે તેમાં આવી કોઈ આવશ્યકતા વર્તાતી નથી અને નાના સ્ટાફ સાથે પણ તેમાં કરોડો સબસ્ક્રાઈબર ઊભા કરી શકાય છે. ખાસ તો તેમાં માત્ર કન્ટેન્ટ અને સ્માર્ટ ફોન દ્વારા જ પ્રવેશી શકવાની સુવિધા છે. આટલું સરળ હોવાથી તેમાં છેલ્લા વર્ષોમાં યૂટ્યુબ ક્રિએટર્સ ખૂબ આવ્યા અને તે કારણે ન્યૂઝની દુનિયામાં થોડી અંધાધૂંધી પણ પ્રવેશી. છેલ્લા વર્ષોમાં તો ન્યૂઝ ટેલિવિઝન જે રીતે કોર્પોરેટ કંપનીઓના હાથમાં ગયા એટલે તેમાંથી શિફ્ટ થઈને રવિશ કુમાર, પુણ્યપ્રસૂન વાજપેયી, અભિસાર શર્મા, આકાશ બેનર્જી, સાંકેત ઉપાધ્યાય જેવા પણ પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી ચૂક્યા છે. ગુજરાતી ન્યૂઝ મીડિયા પણ આવાં કેટલાક મોડલ છે. ‘ધ વાયર’, ‘ન્યૂઝ લોન્ડ્રી’, ‘ધ પ્રિન્ટ’ જેવી ન્યૂઝ પોર્ટલ છે, જે હવે તેમનું કન્ટેન્ટ યૂટ્યુબ પર મૂકી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિગત રીતે ન્યૂઝ પિરસનારા કે પછી ન્યૂઝ સંબંધિત ઓપિનિયન આપનારાની વ્યૂઅરશીપ લાખોમાં છે અને જે કારણે સરકારને કોઈ પણ રીતે તેમાં અંકુશ લાવવાની જરૂરિયાત વર્તાઈ અને તે કારણે આ બિલ આવ્યું છે.
મુખ્યત્વે આ બિલ સંદર્ભે દલીલ થઈ રહી છે તે ન્યૂઝ ડિજિટલ પોર્ટલ અને ન્યૂઝ યૂટ્યુબ ચેનલ વિશે છે. કારણ કે ઓટીટી કન્ટેન્ટ, સિરીયલ્સ, ડોક્યુમેન્ટરી અને અન્ય જે કન્ટેન્ટ ડિજિટલી આવે છે તે માટે સર્ટિફિકેશનના નિયમો છે. આ બિલને લાવવા વિશે ‘પ્રસાર ભારતી’ના પૂર્વ CEO જવાહર સિરકારનું માનવું છે કે, આ રીતે ન્યૂઝના કન્ટેન્ટને ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ એન્ડ સર્ટિફિકેશન’માં લાવવાનો પ્રયાસ છે, જે બોર્ડ માત્ર ને માત્ર સિનેમા માટે હતું. સેન્સરશિપ પહેલાંની આને બ્લ્યુપ્રિન્ટ કહી શકાય. આવું બિલ લાવવા વિશે 2015થી ચર્ચા થઈ રહી છે અને એક વખત સરકારના એટોરર્ની જનરલ મુકુલ રહોતગીએ એમ સુધ્ધા કીધું હતું કે, સરકાર કોઈ પણ હિસાબે અશ્લીલ કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માગતી નથી, કારણ કે તેમની વ્યક્તિગત પસંદગીમાં આવે છે, તો પછી આ બિલનો ઉદ્દેશ્ય અત્યારે તો ડિજિટલ પર આવતાં ન્યૂઝ લાગે છે.
જવાહર સિરકારે ‘પ્રિ-સેન્સરશિપ’ની જે વાત કરી છે તે હળવાશથી લેવા જેવી નથી, કારણ કે કેન્દ્ર સરકાર તેમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા નિર્માણ કરવા માગે છે. જેમાં કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી ઉતારી લેવું, ન્યૂઝ આપનારને દંડ કરવો અને ન્યૂઝ મીડિયાના સાધનો જપ્ત કરવાનો પણ સરકારને અધિકાર હશે. આ માટે ત્રણ બાબતોને બિલમાં મુકવામાં આવી છે. પ્રથમ છે ‘સેલ્ફ રેગ્યુલેશન’, જેનો વ્યાપક અર્થ કરીએ તો એવો થાય છે કે, ન્યૂઝ બ્રોડકાસ્ટ કરનારાઓની એક કન્ટેન્ટ ઇવેલ્યુશન કરનારી કમિટિ હોય. આ કમિટિની સભ્યસંખ્યા અને તેમાં કોણ હશે તેનું નિયમન પણ સરકાર દ્વારા થશે. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ કરતાં પહેલાં આ કમિટિની મંજૂરી લેવી પડશે, જેમ કે ‘BBCI’ના પોર્ટલ પર રવિશકુમાર કોઈ નિશ્ચિત દિન સમયે શો કરવાના છે તો તેની મંજૂરી લેવાની રહેશે.
તે પછી બીજું પાસું રેગ્યુલેશન માટે છે તે ‘સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન્સ’. કન્ટેન્ટ બાબતે કોઈ પણ વિવાદ થાય તો સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન્સ પાસે જવાનું રહેશે અને સરકારની ગાઈડલાઈન મુજબ કન્ટેન્ટ રજૂ થયું છે કે નહીં તે સંસ્થા દ્વારા નક્કી થશે. આ સંસ્થાને કોઈ પણ ડિજિટલ ન્યૂઝ મીડિયાને ટેમ્પરરી સસ્પેન્ડ કરવાનો, ચેતવણી આપવાનો અને પાંચ લાખ સુધી દંડ કરવાની પણ સત્તા હશે. અને તે પછી સૌથી ઉપરના સ્તરે છે તે ‘બ્રોડકાસ્ટ એડવાઇઝરી કાઉન્સિલ’નો ઉલ્લેખ પણ બિલમાં કરવામાં આવ્યો છે. આ કાઉન્સિલમાં મીડિયામાં પચ્ચીસ વર્ષનો અનુભવ ધરાવનારા ચેરમેન તરીકે રહેશે. આ કાઉન્સિલ તે સિવાય માહિતી-પ્રસારણ માંત્રાલય, મહિલા અને બાળ વિભાગ મંત્રાલય, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાંથી પૂર્વ પાંચ અધિકારી પણ સામેલ હશે. આ પૂરું માળખું જોશો તો તેમાં ખ્યાલ આવશે કે ન્યૂઝ બાબતે કોઈ પણ છૂટછાટ લઈ શકાશે નહીં અને સરકારના નિયમન મુજબ રહેવાનું આવશે. હવે માત્ર જોવાનું એ રહેશે કે આનો અમલ થશે તો મીડિયાનો બુલંદ અવાજ સોશિયલ પ્લેટફોર્મ અને તેમાં પણ વિશેષ કરીને યૂટ્યુબ પર ટકી શકશે કે નહીં.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796