નવજીવન ન્યૂઝ. નવી દિલ્લી: ભારતનું ઐતિહાસિક જૂનું સાંસદ ભવન જે ભારતની આઝાદી બાદથી લઈ આજ સુધી દેશના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોનું સાક્ષી રહ્યું છે. તેમજ દેશને એક નવી દિશા મળી છે, ત્યારે સંસદ ભવનનું સ્થાન સેન્ટ્રલ વિસ્ટા ખાતે બનાવાયેલી નવી સંસદ લઈ રહી છે. ત્યારે આજે નવી સંસદમાં જતાં પહેલા બધા સાંસદોનું ફોટો સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપના સાંસદ નરહરિ અમિન (Narhari Amin) એકાએક બેભાન થઈ ગયા હતા. જોકે પાણી છાંટવાથી તેઓ સ્વસ્થ થઈ જતાં બાદમાં તેમણે ફોટો સેશનમાં ફરીથી ભાગ લીધો હતો.
જૂના સંસદ ભવનમાં સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે, તેમજ સંસદ સત્રની પ્રથમ દિવસની શરૂઆત પણ આ જ સંસદ ભવનમાં કરવામાં આવી છે. પરંતુ હવે બીજા દિવસથી એટલે કે, આજથી ગણેશ ચતુર્થીના દિવસથી સંસદની કામગીરી સેન્ટ્રલ વિસ્ટા ખાતે નવનિર્મિત સંસદ ભવનમાં થવા જઈ રહી છે. તેમજ જૂના સંસદ ભવનના અંતિમ દિવસે તથા જૂના સંસદ ભવનના અંતિમ સત્ર બાદ તમામ સાંસદો દ્વારા ફોટો સેશન યોજવામાં આવ્યું હતું. ફોટો સેશનમાં ભાજપ સહિત અન્ય પાર્ટીઓના સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફોટો સેશન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગુજરાત ભાજપના સાંસદ નરહરિ અમીન અચાનક બેભાન થઈ ગયા હતા. અચાનક નરહરિ અમીન બેભાન થઈ જતાં હાજર તમામ સાંસદો ચિંતામાં પડી ગયા હતા. બાદમાં પાણી છાંટતા નરહરિ અમીન ભાનમાં આવી ગયા હતા. ત્યારબાદ તેઓની સ્થિતિ સારી હોવાથી ફોટો સેશનમાં ભાગ પણ લીધો હતો.